ભાગ - ૬
માનગઢ રોકાવાની વાત સાંભળતાં જ વ્યોમ અને ઈશ્વાને તો જાણે ભાવતું તું ને વૈદે કહ્યું જેવો ઘાટ ઘડાયો. બંનેએ એકમેકની આંખોમાં આંખ પરોવી વાત કરી લીધી પણ કિસ્મતને કંઈક જુદું જ મંજુર હતું. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. .." અણધારી આફતના ઓછાયા હળવે પગલે આવીને દસ્તક દઈ રહ્યા હતા....
ડિનર પૂરું કરી બધા હોટેલની લોનમાં ગોઠવેલી ચેર પર બેસી આઈસ્ક્રીમ કેન્ડીની મજા માણતા વાતે વળગ્યા. પાર્થિવ અને કૃતિ અહીંથી ત્યાં દોડી ધમાચકડી મચાવી રહ્યા હતા.
"મોહન, તું કેમ ત્યાં એકલો ઉભો છે. અહીંયા આવ, અમારી સાથે બેસ." મોહનને બોલાવી કૌશલે એના હાથમાં આઈસકેન્ડી પકડાવી.
"મોહનભાઇ... ત્યાં ઉભા એકલા એકલા કોના વિચારોમાં ખોવાયેલા હતા? કાલે ઘરે પહોંચતા વેંત સંતુકાકીને કહેવું પડશે જાન જોડવાની તૈયારી શરૂ કરી દે" ઉર્મિએ વાતની શરૂઆત કરી.
"હા મોહનભાઇ, અમે અહીં છીએ તો તમારાય લગ્નના લાડુ ખાતા જઈએ. પિયરે થોડા વધુ દિવસ રોકાવા મળશે." અર્પિતાએ દિલીપ સામે જોયું.
"હા... હા... આ જમાઈને પણ એ બહાને સાસુમાંની સેવા કરવાનો મોકો મળશે." દિલીપ ઉઠીને કલ્યાણીદેવીના પગ આગળ બેસી ગયો અને એમના પગ દબાવવા લાગ્યો.
"ઓહો.... સેવા કરીને મેવા લેવા છે ને કાઈ..." ઉર્મિના અધીર સ્વરમાં રહેલી નારાજગી છતી થઈ ગઈ.
"ઉર્મિભાભી, જો મારા પણ સાસુ સસરા જીવિત હોત તો આ મોકો મેં ક્યારેય ન ગુમાવ્યો હોત. વડીલોની સેવા તો આપણા ખાનદાનના લોહીમાં વહે છે." પગના અંગુઠા વડે જમીન ખોતરતી અર્પિતા સ્વગત બબડી.."એ તો જેના માવતર હોય એને ખબર પડે બાકી અનાથાશ્રમમાં ઉછરેલા માં બાપનો પ્રેમ શું જાણે?"
અર્પિતા શું બોલી હશે એ ઊર્મિએ સાંભળવાની અને સમજવાની કોશિશ કરી જોઈ પણ એ એટલું ધીમું બોલી હતી કે પાસે બેઠેલ કલ્યાણીદેવી પણ નહોતા સાંભળી શક્યા પણ સમજી જરૂર શક્યા હતા.
"અર્પિતા બેટા, જન્મસ્થળથી કોઈ વ્યક્તિનો માપદંડ ન કાઢી શકાય, વ્યક્તિના ગુણ, કેળવણી, સ્વભાવ...પરથી આપણે એને પારખી શકીએ. હવે તને જ જોઈ લે, ઉર્મિને નીચે દેખાડવાની એકેય તક તું જતી નથી કરતી. ક્યારેક મને મારી જ પરવરીશમાં ખામી દેખાય છે. કલ્યાણીદેવી રાઠોડની પુત્રીનો ગર્વ હોવાને બદલે તું અભિમાનનું અબરખ ચડાવી ખોટી ચમકમાં રાચ્યા કરે છે. .." કલ્યાણીદેવીએ અર્પિતાના કાનમાં સાવ ધીમા અવાજે પોતાના મનની વાત છતી કરી.
"માં દીકરી ક્યારના શું મોં માં મોં ઘાલીને વાતો કરો છો? કોઈ જરૂરી ચર્ચા કરવી હોય તો અમે જઈએ." કૌશલે ઉભા થઈ જવાની કોશિશ કરી પણ ઉર્મિએ એનો હાથ પકડી પાછો બેસાડ્યો.
"માં દીકરી ઘણા સમય પછી મળ્યા છે, એમને પૂરો હક છે એકબીજા સાથે વાત કરવાનો, સમય સાથે વિતાવવાનો. કોણ જાણે ઈશ્વરે મને એ સુખથી કેમ વંચિત રાખી, ઉકરડાના ઢગલેથી હવેલી સુધી તો પહોંચાડી પણ માંના મમતાભર્યા વ્હાલ અને હેતાળ હેતભર્યા હાથના સ્પર્શથી દૂર રાખી...." ઉર્મિની આંખો સાથે બેઠેલા દરેકની આંખો છલકાઈ ઉઠી.
કલ્યાણીદેવીએ ઉર્મિને છાતીસરસી ચાંપીને એના માથે હાથ ફેરવી એના ગાલે રેલાતા આંસુઓને પોતાની સાડીના પાલવ વડે લૂછ્યા.
"કોણે કહ્યું તારી માં નથી, આ કલ્યાણી તો ત્રણ ત્રણ દીકરીઓની માં છે, ઊર્મિ, અર્પિતા અને ઈશ્વા.." કલ્યાણીદેવીએ ફેલાવેલી બાહુઓમાં ત્રણેય સ્ત્રીઓ વીટળાઈ ગઈ.
"આઈસ્ક્રીમ પૂરો થઈ ગયો હોય તો હવે જઈએ, સવારે વહેલું નીકળવાનું છે એ યાદ છે ને બધાયને." કલ્યાણીદેવીએ વાતને વાળી લીધી અને અર્પિતા અને ઊર્મિ વચ્ચે દીવાલ ઉભી થાય કે એમના નણંદ ભાભીના સંબંધમાં તિરાડ પડે એ પહેલાં જ આવનારી આફતને પોતાની પરિપક્વતા અને સમયસુચકતાથી ટાળી દીધી અને સૌ ઉભા ગઈ પોતપોતાના આઈસ્ક્રીમના રેપર્સ અને કેન્ડી સ્ટિક ડસ્ટબીનમાં નાખી રૂમમાં ગયા.
"મોહન, જા ભાઈ, તું પણ હવે આરામ કરી લે, સવારથી રાત સુધી તું ખડેપગે અમારી સેવામાં હાજર હોય છે."
"જી બા સાહેબ, સવારે મળીએ," મોહન પણ હોટેલના સર્વન્ટ રૂમમાં જતો રહ્યો.
@@@@
"કાકા, હવે તમને કેવું લાગે છે, તાવ તો ઉતરી ગયો પણ એક જ દિ' માં તમારું શરીર હાવ નખાઈ ગયું છે. લ્યો, આ ગરમ ખીચડી ખાઈ લ્યો પછી દાગતરે હમજાવ્યું છે એમ દવા આપી દઉં." સંતુ પોતાના પિતાની જેમ રઘુકાકાની કાળજી લઈ રહી હતી.
"સંતુ, તું તો પંડ્યનું લોહી હોય એમ મારી ચાકરી કરે ને, છોડી... માતાજી તારું ભલું કરે ને મોહનિયાનું ય હવે ઘર વસે એ જ આશીર્વાદ આપું છું. એના સિવાય મારી પાંહે બીજું છે ય સું આપવા માટે..?" રઘુકાકાએ એક પિતાની જેમ સંતુના માથે પ્રેમાળ હાથ ફેરવ્યો.
"હવે આ ડોહાનું પત્યું હોય તો મને જમવાનું આલ, ભૂખ લાગી સે." રઘુકાકાને દવા પાઈને સંતુ રસોડામાં ગઈ એટલે એની પાછળ પાછળ જીવો પણ અંદર ગયો.
"આપણા બાપની ઉમરના છે ઈ, ગમે તેમ બોલતા હોવ છો. કાંઈક તો વચાર કરો, ઈ બાપડાનું બીજું છે કોણ?" સંતુએ જીવા સાથે પોતાનીય થાળી પીરજઈશું,"ઈ તો ડોહો ઉપર જાહે ત્યારે હંધુંય ખબર પડશે કે ઇનું કોણ છે ને હવેલીનો કેટલો માલ એણે પચાવી પાડ્યો છે." ખીચડીમાં તેલ ને અથાણું ચોળી જીવાએ પોતાની આંગળીઓ ચાટી.
@@@@
"કાલે આપણે ફરીથી માતાજીના દર્શન કરવા જઈએ?" વ્યોમની છાતીએ માથું ઢાળી ઈશ્વાએ વ્યોમને પ્રશ્ન કર્યો.
"એટલું બધું તને શું ગમી ગયું ત્યાં ઈશુ?" ઈશ્વાના વાળમાં વ્યોમની આંગળીયો ફરી રહી હતી.
"અદમ્ય ખેંચાણ છે એ મંદિરમાં, કોણ જાણે કેમ પણ મને ફરી ત્યાં જવાનું મન થયું છે."
"ઓકે ડાર્લિંગ, કાલે જઈએ.. બીવીકી માંગ હમારે સર આંખો પર. તું કહે તો જેટલા દિવસ અહીંયા રોકાઈશું એટલા દિવસ રોજ જઈશું," વ્યોમે ઈશ્વાને વધુ નજીક ખેંચી.
@@@@
"કાલે કોઈ ગફલત ન થવી જોઈએ. એકવાર બચી ગયા એટલે દર વખતે બચી જાય એવું ન બને, સમજ્યો?" સર્વન્ટ રૂમમાં જઈ પથારીમાં આડો પડેલો મોહન ફોનની રિંગ વાગતા ઉભો થયો.
"જી બોસ, આ વખતે હું કોઈ ભૂલ નહીં થવા દઉં. જેવા અમે અહીંથી રવાના થાશું હું તમારા માણસોને જાણ કરી દઈશ. આ વખતે તમે નિશ્ચિંત રે'જો," મોહને ફોન કટ કર્યો ને આંખ બંધ કરી સુવાની કોશિશ કરવા લાગ્યો પણ એનું મગજ કાંઈ જુદું જ વિચારતું હતું એટલે પાછો ઉભો થઈ એ બહાર નીકળ્યો.
@@@@
ઠક. ... ઠક....ઠક.... બારણે બે-ત્રણ ટકોરા સંભળાતા ઈશ્વાની આંખ ખુલી ગઈ. એણે મોબાઈલમાં જોયું તો રાતના અઢી વાગ્યા હતા. એક નજર વ્યોમ તરફ કરી પણ એ ઘસઘસાટ ઊંઘતો હતો.
'અડધી રાતે કોણ હશે કે મારો ભ્રમ છે?' બે-ચાર મિનિટ સુધી કોઈ અવાજ ન સંભળાતા ઈશ્વા પડખું ફરીને પાછી સુઈ ગઈ.
ઠક... ઠક.... ફરી અવાજ આવ્યો એટલે ઈશ્વા બેઠી થઈ. 'આ વ્યોમ પણ કુંભકર્ણનો વારસ લાગે છે, એકવાર સુતો પછી ઢોલ-નગારા વાગે તોય નહીં ઉઠે.' વ્યોમના નિર્દોષ ચહેરા પર નજર કરી હળવું સ્મિત કરી એ ઉભી થઈ.
'અડધી રાતે અહીંયા આવી મજાક કોણ કરી શકે? કોઈ દેખાતું નથી.' દરવાજો ખોલી કોઈ ન દેખાતાં ઈશ્વાએ રૂમની બહાર નીકળી લોબીમાં નજર દોડાવી પણ કોઈ દેખાયું નહીં.
અંદર જવા ઈશ્વા પાછી વળી પણ કોઇ એનો હાથ પકડી ખેંચી રહ્યું હોય એમ લાગતા એણે પાછળની બાજુએ જોવા ડોક ફેરવી.
"બીજુ. .. મારી બીજુ, મને ખાત્રી હતી કે તું જરૂર પાછી આવીસ. જો હું તને લેવા આયો સું. હાલ્ય મારી જોડે. ." વશીકરણ કર્યું હોય એમ ઈશ્વા એ વ્યક્તિની પાછળ દોરવાઈ.
ક્રમશ: