પ્રીતિના ખુબ સરસ દિવસો પસાર થઈ રહ્યા હતા. પ્રીતિ જ રોજ સાસરે બધાની સાથે ફોન થી વાત કરતી હતી. સાસરેથી અજય સહીત કોઈ ફોન કરતુ નહીં. હા, પ્રીતિ ફોન કરે એટલે વાત બધા ખુબ સરસરીતે જ ઉમળકાથી જ કરતા હતા. પણ ક્યારેય પ્રીતિને યાદ કરી સામેથી ફોન ન કરતા એ દુઃખ તો સહેજ પ્રીતિને રહેતું જ હતું.
પ્રીતિને અચાનક ન્યુઝ મળ્યા કે, એનું ફોરેસ્ટ ઓફિસરનું રિઝલ્ટ આવી ગયું છે. એણે તરત જ ઓનલાઇન એ ચેક કર્યું હતું, પણ સર્વર ડાઉન હોવાથી રિઝલ્ટ ખુલતું નહોતું. પ્રીતિને રિઝલ્ટ જાણવાની ખુબ તાલાવેલી હતી. આથી પ્રીતિએ તરત જ અજયને ફોન કર્યો હતો. અને રિઝલ્ટ જોવાનું કહ્યું હતું. અજયે રિઝલ્ટ જોઈને તરત પ્રીતિને ફોન કર્યો,
" હેલ્લો તમારે રિઝલ્ટ ખુલ્યું? શું આવ્યું છે?"
"ફેલ થયા છો તમે."
"શું હું ફેલ થઈ? મજાક ન કરો, સાચું કહો ને!"
હેલ્લો ... હેલ્લો... મને તમારો અવાજ આવતો નથી. પ્રીતિએ જોયું ફોન કટ થઈ ગયો હતો. નિખાલસ પ્રીતિ એમ સમજી કે, નેટવર્ક ના ઈશ્યુ ના લીધે ફોન કટ થયો હશે. પ્રીતિએ ફરી ફોન કર્યો, પણ નો રીપ્લાય, વારંવાર ટ્રાઈ કરી પણ અજયે ફોન ઉપાડ્યો જ નહીં. રાત સુધીમાં અનેક ફોન કર્યા પણ અજયે ફોન ન ઉપાડ્યો કે ન મિસ્ડકોલ જોઈને ફરી કોલબેક કર્યો. પ્રીતિનું સવારથી મન વ્યાકુળ હતું. એ એટલું સમજી કે હું ફેલ થઈ પણ અજય વાત કેમ નથી કરતા એ એને સમજાઈ રહ્યું નહોતું. પ્રીતિએ સત્ય જાણવા ભાવિનીને ફોન કર્યો હતો.
"હેલ્લો ભાભી કેમ છો?"
"હું મજામાં છું. આજ સવારથી મારુ રિઝલ્ટ આવ્યું એ પછીથી અજય મારો ફોન ઉપાડતા નથી. અજય ઘરે જ છે?"
"હા ભાભી, ભાઈ ઘરે જ છે એ તમારું રિઝલ્ટ ફેલ આવ્યું એટલે ગુસ્સે થયા છે. એમનાથી હાર સહન જ નથી થતી. એમનો પહેલેથી એવો જ સ્વભાવ છે. તમે કાલ આવી જાવ એમને હું ને મમ્મી સમજાવશું."
"હા, સારું હું કાલ આવું જ છું." ફોન મૂકી પ્રીતિ સીધી એના રૂમમાં જ જતી રહી હતી.
એ ખુબ બેચેન થઈ ઉઠી. પ્રીતિને થયું કે, એક તો મારુ ફેલ રિઝલ્ટ આવ્યું અને આ સમયે મને સાથ આપવાની બદલે મારી સાથે આટલું ખરાબ વર્તન... કદાચ ભવિષ્યમાં મને કોઈ તકલીફ થાય તો અજય તો મને એની સાથરૂપી હૂંફ આપવાની જગ્યાએ મને એકલી જ મૂકે.. આ વિચાર પ્રીતિને ખુબ જ દુઃખ આપી રહ્યો હતો.
અજયે આ સમયે પ્રીતિ જોડે વાત કરવી જ જોઈએ, અજયનું આવું વર્તન એની માનસિકતા ખુબ નબળી હોવાનું જતું કરી રહ્યું હતું. વાત કરવાનો અભાવ સામેના પાત્રને ખુબ તકલીફ આપે છે. જે સબંધમાં ખટાશ ઉત્તપન કરે છે.
કુંદનબેનને પ્રીતિ અચાનક રૂમમાં જતી રહી એટલે થોડું અજુક્તું તો લાગ્યું જ હતું આથી તેઓ પ્રીતિ પાસે જઈ જ રહ્યા હતા ત્યાં જ પ્રીતિ એમના રૂમમાં આવી હતી. પ્રીતિ બોલી, "હું કાલ ઘરે જાવ છું. મારે ઘરે જવું છે."
"કેમ અચાનક, હજી તો તું આવી જ છો ને તારે જવું છે?"
"કેટલા સમયે આવી છે, હવે આવી જ છે તો અઠવાડિયું તો રહે. પછી તારે જવાનું જ છે ને!" પરેશભાઈ પણ સાથોસાથ બોલ્યા હતા.
"બસ મારે હવે જવું જ છે. ઘણા દિવસ થયા ગયા."
પ્રીતિનો ઉતરી ગયેલ ચહેરો અને અચાનક જવાની વાત કરવી એ પરથી કુંદનબેન એટલું તો સમજી જ ગયા હતા કે, અજય અને પ્રીતિ વચ્ચે કોઈ તકલીફ થઈ છે. પરેશભાઈએ પ્રીતિની જવાની જીદ હોય ટિકિટ બુક કરાવી જ રહ્યા હતા. કુંદનબેને મનોમન પોતાની દીકરીની પરવરીશ ઉપર ખુબ માન થયું, પ્રીતિને અજયથી કંઈક તકલીફ થઈ રહી હતી અને એ પિયર પણ હતી છતાં એણે કોઈ જ વાત મમ્મી કે પપ્પાને કહી નહોતી. આજકાલ દીકરીઓ તરત જ જરા કોઈ તકલીફ થાય કે તુરંત ઘરે ફોન કરીને કહેશે, મને સાસુએ આમ કર્યું, આમ કીધું, તમારા જમાઈએ આ ન લઇ દીધું, પિઝા ન ખવડાવ્યા, ફરવા ન લઈ ગયા... અરે કેટકેટલી જીણીજીણી વાતો હોય જે ફોન પર કરે અને પિયરથી બધા લાગણીવશ થઈને સાસરે ફોન કરી એ લોકોને આવું કરવાનું કારણ પૂછે.. અને આમ જ બે વેવાઈ મિત્ર બનવાને બદલે વેવાઈ જ બનીને રહી જાય! વર્ષો પહેલા ફોન નહોતા, તકલીફ ત્યારે પણ થતી જ હશે ને! પણ આ જે ચોળીને ચીકણું થાય એ થતું અટકી જતું હતું. સમાજમાં દીકરીઓ શિક્ષિત થઈ એમની સાથોસાથ સાસુઓ પણ શિક્ષિત થઈ જ છે પણ, સહન શકતી દરેકની લુપ્ત થવા લાગી, અને આથી જ પરિવારની ચર્ચાઓ ભરબજારે કોર્ટમાં ઉછળવા લાગી.. વહુની નાદાની નળે, તો અનુભવથી પણ સાસુ પીઢ બની શકતી નથી આ આજના સમાજનુ એકદમ નાનુ છતાં કંકાસમાં ખુબ ભાગ ભજવતું કારણ છે.
"જો, બેટા તારી ટિકિટ બુક થઈ ગઈ, કાલ વહેલી સવારની જ છે. ઓકે ખુશને?" પરેશભાઈ દીકરીને બોલ્યા અને એમના અવાજથી જ કુંદનબેનની વિચારોની તંદ્રા તૂટી.
પ્રીતિ એનો સમાન પેક કરવા પોતાના રૂમમાં ગઈ હતી. એટલી જ વારમાં સૌમ્યા પણ એની ફ્રેન્ડની જોડે બહાર ગઈ ત્યાંથી આવી ગઈ હતી. પ્રીતિને સામાન પેક કરતા જોઈ એ બોલી, "કેમ તું જાય છે?"
"હા, જાવ છું."
"જીજુ વગર ચાર દિવસમાં મોઢું તો જો કેવું કરી નાખ્યું! હા તું તારે જા! અમારે તારું આવું કારેલા ખાધેલ મોઢું નથી જોવું.."
"હા, હો જાવ જ છું."
"એમ ચાલ! જીજુને ફોન કરીને કહું, એમ કહી સૌમ્યા પ્રીતિનો ફોન લઈને દોડે છે."
"ઉભી રહે. ફોન ન કરીશ." પણ સાંભળે એ સૌમ્યા થોડી હોય!
સૌમ્યા ફોન કરે છે, પણ જીજુ ફોન ઉપાડતા નથી, આથી એ પ્રીતિને ફોન આપતા કહે છે કે, "જીજુએ તારો ફોન ન ઉપાડ્યો."
એ મારો ફોન સવારથી જ નથી ઉપાડતા કારણ કે હું ફેલ થઈ છું. આથી જ મને ઘરે જવું છે. ચોખવટ કરતા પ્રીતિએ કહ્યું હતું.
પ્રીતિની વાત સાંભળી બધાને અચરજ થયું કે, આવું કેમ કર્યું? પણ હવે પ્રીતિ જાય પછી જ વાતનું સમાધાન થાય એમ હતું.
પ્રીતિ આખી રાત ઊંઘી જ ન શકી, એ ખુબ રડી હતી. પ્રીતિની આંખો સોજી ગઈ હતી, જે પ્રીતિ ખુબ રડી એની ચાડી ખાઈ રહી હતી. પ્રીતિ તૈયાર થઈ અને ભાવનગર જવા નીકળી હતી.
પ્રીતિ ભાવનગર પહોંચી ગઈ હતી. પ્રીતિ પહોંચી ત્યારે આખો પરિવાર ઘરે જ હતો. પ્રીતિ હસમુખભાઈ અને સીમાબહેનને પગે લાગી, ભાવિનીને મળી, અજય સાથે વાત જ કરવા જતી જ હતી ત્યાં અજય સડસડાટ બહાર જઈ રહ્યો હતો. સીમાબહેને એને પહેલીવાર પ્રીતિ સામે ટોક્યો હતો.
અજય એટલો ગુસ્સામાં હતો કે એ બોલ્યો, "તમે જ બોલાવી છે. તો સાચવો હવે તમે જ."
પ્રીતિનું અત્યાર સુધી મક્કમ રાખેલ મન ઢીલું થઈ ગયું પ્રીતિ રડી જ પડી. એ રડી રહી હતી અને અજય બહાર નીકળી ગયો હતો.
પ્રીતિના સાસુ અને ભાવિનીએ આ સમયે પ્રીતિને ખુબ સાચવી લીધી હતી. તેઓ બોલ્યા તું ચિંતા ન કર અમે એને સમજાવશું. બધું ઠીક થઈ જશે. પણ અત્યારે પ્રીતિને એના જીવનસાથીની જરૂર હતી. એ સાવ ભાંગી પડી હતી.
હસમુખભાઈને પણ પુત્રવધૂને આજ રડતા જોઈને દુઃખ થઈ રહ્યું હતું. દીકરીના જીવનમાં સૌથી અઘરી ક્ષણ વિદાયની હોય એ ક્ષણ પણ પ્રીતિ હસતા મોઢે જીલતી આવી હતી, અને આજ એ ચોધાર આંસુ સારી રહી હતી એના પરથી હસમુખભાઈ એટલું તો સમજી જ ગયા કે, આજ પ્રીતિ સાથે અજયનું વલણ સાવ ખોટું જ છે. એમની પાસે પ્રીતિને સમજાવવા કોઈ જ શબ્દ જ ન રહ્યા. એ પણ ખુબ દુઃખી થઈ ગયા હતા.
શું થશે પ્રીતિ અને અજયના જીવનમાં ફેરફાર?
કેમ સીમાબહેન સમજાવશે એના દીકરાને?
શું જીતશે પ્રીતિનો પ્રેમ કે અજયનો ગુસ્સો? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.
મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻