Prarambh - 81 in Gujarati Classic Stories by Ashwin Rawal books and stories PDF | પ્રારંભ - 81

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

પ્રારંભ - 81

પ્રારંભ પ્રકરણ 81

જયેશ કેતનને કહ્યું કે જયદેવ ઠાકર નામનો તમારો કોઈ મિત્ર અહીં ઓફિસે આવ્યો હતો અને તમારા વિશે પૂછતો હતો એટલે કેતનને એની યાદ આવી.

રુચિનો આ ગોરેગાંવનો પ્લૉટ પાછો મેળવવામાં જયદેવ ઠાકરનો સિંહ ફાળો હતો. આ પ્લૉટમાં જે ઝૂંપડપટ્ટી હતી એમાં ચાર પાંચ માણસો બહુ માથાભારે હતા અને એ બધાને જયદેવ વ્યક્તિગત રીતે ઓળખતો હતો. સૌથી વધુ માથાભારે માણસ લલ્લન પાંડે હતો જે એ એરિયાનો ખંધો રાજકારણી હતો. જયદેવે જ લલ્લન પાંડેને સમજાવ્યો હતો અને કેતન સાથે મુલાકાત કરાવી હતી.

લલ્લન પાંડેને ૩૦ કરોડ જેવી માતબર રકમ મળી તેમ છતાં જયદેવને કંઈ જ મળ્યું ન હતું. જયદેવ ખરેખર તો કમિશનનો હકદાર હતો. જયેશ સાથે વાત થયા પછી કેતને બીજા જ દિવસે જયદેવને મળવાનું નક્કી કર્યું.

" જયદેવ હું કેતન બોલું. આવતીકાલે તને કયા ટાઇમે ફાવશે ? મારા પ્લૉટની ઓફિસે જ આપણે મળીએ." કેતન બોલ્યો.

"અઠવાડિયા પહેલાં જ હું તારી ઓફિસે ગયો હતો. ત્યાં જયેશ ઝવેરી મને મળ્યો હતો. એને મેં ક્યાંક જોયો હોય એવું લાગ્યું. " જયદેવ બોલ્યો.

" જયેશ ઝવેરી સુરતમાં આપણી કોલેજમાં જ ભણતો હતો. એ મૂળ તો જામનગરનો છે. તારો અને એનો ખાસ પરિચય નથી પરંતુ મારો તો એ મિત્ર હતો. " કેતન બોલ્યો.

" હા હવે મને થોડું થોડું યાદ આવે છે મેં એને કદાચ તારી સાથે જ જોયો હશે. એ મારા ક્લાસમાં ન હતો એટલે મને ઝાઝો પરિચય નથી. હવે કાલે તો મારું આખો દિવસ શુટિંગ છે એટલે કાલે તો મેળ નહીં પડે પરંતુ પરમ દિવસે તું કહે એ ટાઈમે હું આવી જઈશ. " જયદેવ બોલ્યો.

" ભલે મને કંઈ વાંધો નથી પરમ દિવસે સાંજે ચાર વાગે મળીએ. " કેતન બોલ્યો.

"ભલે આવી જઈશ. " જયદેવે કહ્યું.

અને બે દિવસ પછી જયદેવ ઠાકર સાંજે ચાર વાગે કેતનની ઓફિસે પહોંચી ગયો. કેતન હજુ આવ્યો ન હતો.

" મને કેતને કહ્યું કે તમે પણ સુરત અમારી સાથે જ ભણતા હતા. " ખુરશીમાં બેઠા પછી જયદેવ જયેશને સંબોધીને બોલ્યો.

"તમે પણ સુરતની કોમર્સ કોલેજમાં જ ભણેલા ? જો કે આપણે ક્યારેય વ્યક્તિગત મળેલા નથી." જયેશ બોલ્યો.

" હા હું બીજા ક્લાસમાં હતો. જો કે મેં તમને કેતનની સાથે ઘણીવાર જોયેલા. મેં કેતનને કહ્યું પણ ખરું. " જયદેવ બોલ્યો.

એ દરમિયાન જયેશે ગગનને ત્રણ ચા લેવા માટે મોકલ્યો કારણ કે એણે કેતનની ગાડી જોઈ લીધી હતી.

ત્રણેક મિનિટમાં જ કેતન પણ અંદર આવ્યો. જયેશ ઉભો થઈને સામેની ખુરશી ઉપર આવી ગયો અને કેતનને બેસવા માટે રિવોલ્વિંગ ચેર ખાલી કરી.

" જયેશ આ મારો મિત્ર જયદેવ ઠાકર છે. કોલેજમાં એ આપણી સાથે જ હતો પણ એનો ક્લાસ જુદો હતો. તને યાદ હોય તો કોલેજના નાટકોમાં એ ખાસ ભાગ લેતો. " કેતન બોલ્યો.

" અરે હા હવે બરાબર યાદ આવ્યું. 'પ્રીત પીયુ ને પાનેતર' નાટક છેલ્લા વર્ષમાં ભજવાયું હતું. એમાં કદાચ આ જયદેવભાઈનો મુખ્ય રોલ હતો. " જયેશ બોલ્યો.

" હા સાચું. મુખ્ય રોલમાં હું જ હતો." જયદેવે હસીને કહ્યું.

" જયદેવ સોરી યાર ઘણા સમયથી તારી સાથે વાત કરી શક્યો નથી. " કેતન બોલ્યો.

" તું ભાઈ બહુ મોટો માણસ છે. તું મને ફોન ના કરે તો મને ખોટું ના લાગે. એટલા માટે તો અઠવાડિયા પહેલા સામેથી હું તને મળવા આવ્યો હતો. તું તો ન હતો પણ જયેશભાઈ મળેલા એ વખતે. છેલ્લા ત્રણ મહિનાથી અહીં ધમધોકાર કામ ચાલે છે એ હું જોઉં જ છું કારણ કે આ તો મારો રોજનો રસ્તો છે. " જયદેવ બોલ્યો.

" હા હું અહીં રેગ્યુલર નથી આવતો. અઠવાડિયે પંદર દિવસે ઈચ્છા થાય ત્યારે આંટો મારી જાઉં છું. બાકી જયેશ હોશિયાર માણસ છે એ આખી સાઈટ સંભાળે છે. " કેતન બોલ્યો.

એટલામાં ગગન થર્મોસમાં ચા લઈને આવ્યો અને એણે ત્રણ મગ લઈને એમાં ચા કાઢી. એ પછી ત્રણેયની આગળ મૂકી.

" જયદેવ તેં મને આ પ્લૉટ પાછો અપાવવામાં ઘણી મદદ કરી છે એટલે તારું ઋણ ચૂકવવાની મારી ઈચ્છા છે. તું તારી પોતાની જ કોઈ સિરિયલ બનાવતો હોય તો હું બધા પૈસા રોકવા તૈયાર છું. નિર્માતા પણ તું અને કલાકાર પણ તું ! " કેતન હસીને બોલ્યો.

" કેતન મેં તને મિત્રદાવે મદદ કરી છે. એના માટે પૈસાનો કોઈ વ્યવહાર કરવાનો ના હોય. હું મારી રીતે સુખી જ છું. દાળ રોટી આરામથી નીકળે છે." જયદેવ બોલ્યો.

"આખી જિંદગી દાળ રોટી ના ખવાય. ભોજનમાં ભાતની પણ જરૂર પડે અને શાકની પણ જરૂર પડે. ક્યારેક ક્યારેક મીઠાઈ ખાવાનું પણ મન થાય. " કેતન હસીને બોલ્યો.

" પોતાની સીરીયલ બનાવવાનું એટલું સહેલું નથી. એના માટે પ્રોડક્શન હાઉસ ઉભું કરવું પડે. મોટી જગ્યા લેવી પડે. ફિલ્મ સિટીમાં પણ શૂટિંગ કરવા માટે સ્ટુડિયો ઊભો કરવો પડે. પ્રોડક્શન હાઉસ માટે પોતાના ડાયરેક્ટર, પોતાના રાઇટર, પોતાના કાસ્ટિંગ ડાયરેક્ટર અને એડિટર રાખવા પડે. કેમેરા વર્ક માટે ટીમ ઉભી કરવી પડે. કલાકારો અને સંગીતકારનું પેમેન્ટ તો જુદું. આ બધું એટલું બધું સહેલું નથી. વ્યવસ્થિત પ્રોડક્શન હાઉસ ઊભું કરવા માટે બે થી ત્રણ કરોડ તો જોઈએ જ. બહુ મોટા અને જાણીતા કલાકારો લેવા હોય તો આઠ દસ કરોડની જરૂર પડે. એટલા માટે જ હું ના પાડું છું. " જયદેવ બોલ્યો.

" સારું. તું એ દિશામાં વિચારવાનું આજથી જ ચાલુ કરી દે. તારા નામે અત્યારે હું પાંચ કરોડ અલગ રાખી દઉં છું. જેમ જેમ તને જરૂર પડે તેમ તેમ તું મને જણાવજે. પ્રોડક્શન હાઉસનું એક નામ નક્કી કરીને એનું એક અલગ કરંટ એકાઉન્ટ ખોલાવી દે કારણ કે આટલી મોટી રકમ તારા વ્યક્તિગત ખાતામાં હું નહીં નાખું. " કેતન બોલ્યો.

જયદેવ ઠાકર તો કેતનની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો ! પાંચ કરોડ એટલે અધધધ રકમ એના માટે હતી. એણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે એક દિવસ પોતાનું પણ એક પ્રોડક્શન હાઉસ બનશે. પાંચ કરોડની કોઈને લોટરી લાગે અને એની જે હાલત થાય એવી જ હાલત જયદેવની હતી.

" કેતન આ કોઈ મજાક તો નથી ને ?" જયદેવ કેતન સામે જોઈને બોલ્યો.

" અલ્યા ગાંડા... તારી સાથે આટલી મોટી મજાક કરું ખરો ? તને પાંચ કરોડ આપવાથી મને કોઈ જ ફરક નથી પડતો. મારા પૈસાનો હું તો રખેવાળ માત્ર છું. ખાલી હાથે જ જવાનો છું. કાલે હું નહીં હોઉં ત્યારે તારા જેવા મિત્રો મને યાદ કરશે ! " કેતન બોલ્યો.

" ખરેખર માની જ શકાતું નથી કેતન. બહુ મોટા આશ્ચર્યમાં હું મૂકાઈ ગયો છું. પ્રિયંકા જાણશે તો એ પણ ગાંડી થઈ જશે. મારે હવે થોડો સમય ફાળવીને પ્રોડક્શન હાઉસ માટે બધું વિચારવું પડશે. જગ્યાઓ શોધવી પડશે. મારા કેટલાક સંપર્કોનો ઉપયોગ પણ કરવો પડશે. મારુ પોતાનું પ્રોડક્શન હાઉસ ઊભું કરવામાં ચાર પાંચ મહિના તો લાગી જશે." જયદેવ બોલ્યો.

" તું હવે નવી સિરિયલોના કોન્ટ્રાક્ટ ના લઈશ. નહીં તો શૂટિંગમાં તને કોઈ સમય નહીં મળે. જે સિરીયલો હાથમાં છે તે પૂરી કરી દે. તને અત્યારે હું ત્રણ લાખનો ચેક આપી દઉં છું જેથી તને તારા ઘર ખર્ચમાં કોઈ વાંધો ના આવે અને કોઈ નવી સિરિયલ લેવી ના પડે." કેતન બોલ્યો અને એણે ત્રણ લાખનો ચેક લખીને જયદેવના હાથમાં આપ્યો.

જયદેવ માટે આજનો દિવસ ખૂબ જ શુકનવંતો સાબિત થયો. પ્રિયંકા અત્યારે ઘરે જ હતી એટલે એ કેતનની રજા લઈને સીધો પોતાના ઘરે જ ગયો.

" પ્રિયંકા આજે હું ખૂબ જ ખુશ છું કદાચ આજના જેટલો ખુશ મારી જિંદગીમાં હું ક્યારે પણ ન હતો. તું ગેસ કર શું થયું હશે ? તું અનુમાન લગાવ પછી હું તને વાત કરું" જયદેવે ઘરે પહોંચીને પ્રિયંકાને બે હાથેથી ઊંચકી લીધી અને એક ફેરફુંદડી ફરી લીધી.

" અરે અરે પણ મને કેવી રીતે ખબર પડે કે તમારા લાઇફમાં આજે શું થયું ? તમને આટલા ખુશ તો ખરેખર મેં ક્યારે પણ જોયા નથી. કોઈ મોટી સિરિયલ મળી ? કોઈ ફિલ્મમાં કામ કરવાનો ચાન્સ મળ્યો ? બાલાજી ટેલીફિલ્મ્સ માં કામ મળ્યું ?" પ્રિયંકા બોલી.

પ્રિયંકા સિંહ આમ તો હિન્દીભાષી હતી. પરંતુ જયદેવના સહવાસમાં રહીને એ ગુજરાતી ભાષા સારી રીતે શીખી ગઈ હતી. અને એના પાડોશમાં પણ બે ગુજરાતી ફેમિલી રહેતાં હતાં એટલે પણ એને ગુજરાતીમાં બોલવાનો સારો મહાવરો થઈ ગયો હતો !

" મને જે ચાન્સ મળ્યો છે એની આગળ આ બધી ઓફરો કંઈ જ વિસાતમાં નથી." જયદેવ બોલ્યો.

" હવે તમારે જ મને કહેવું પડશે કારણ કે તમને ખુશી થાય એવી બધી જ ઓફરો મેં વિચારી લીધી." પ્રિયંકા બોલી.

" હું મારું પોતાનું જ પ્રોડક્શન હાઉસ ઉભું કરું છું. હું પોતે જ પ્રોડ્યુસર. મારે હવે મારી સિરીયલો માટે સારા ડાયરેક્ટર રાઇટર કલાકારો એડિટર વગેરે શોધવાના છે. હવે નવી કોઈ સિરિયલ હું હાથમાં નહીં લઉં. આપણા શ્રીમંત થવાના દિવસો ચાલુ થઈ ગયા. જો આ ત્રણ લાખનો ચેક જે માત્ર આપણા ઘર ખર્ચ માટે છે. " જયદેવ બોલ્યો અને એણે ચેક કાઢીને પ્રિયંકાના હાથમાં મુક્યો.

" વાઉ !! આ તો ખરેખર ગ્રેટ ન્યુઝ છે આપણા માટે. પણ પ્રોડક્શન હાઉસ બનાવવા માટે કેટલી રકમ જોઈએ એ ખબર છે ? ઓછામાં ઓછા બે કરોડ તો હાથમાં જોઈએ. પછી પૈસો પૈસાને ખેંચે. " પ્રિયંકા બોલી.

"તારી વાત બિલકુલ સાચી છે. મારે પ્રોડક્શન હાઉસ નું નામ નક્કી કરી એને રજીસ્ટર કરાવી બેન્ક એકાઉન્ટ ખોલવાનો છે એ પછી એમાં મારો મિત્ર કેતન સાવલિયા ૫ કરોડ તરત જમા કરી દેશે. " જયદેવે પ્રિયંકાને બીજો આશ્ચર્યનો આંચકો આપ્યો.

પ્રિયંકા નિઃશબ્દ બની ગઈ. આ સમાચાર એટલા બધા મોટા હતા કે પ્રિયંકા કંઈ વિચારી શકતી જ ન હતી. ઘણા સંઘર્ષ પછી જીવનનો કદાચ આ સુવર્ણયુગ શરૂ થઈ રહ્યો હતો.

જયદેવે સૌથી પહેલાં તો પ્રોડક્શન હાઉસનું નામ નક્કી કરવાનું હતું. એણે બે ત્રણ નામ વિચારી જોયાં. જયદેવ એની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો એટલે ' પ્રિયંકા પ્રોડક્શન્સ' નામ એને પસંદ આવ્યું અને ફાઇનલ કર્યું.

એ પછીના પંદર દિવસમાં એણે એ નામ રજીસ્ટર કરાવ્યું અને એ જ નામનો બેંક એકાઉન્ટ પણ ખોલાવી દીધો.

" કેતન પ્રિયંકા પ્રોડક્શન્સ નામ મેં રજીસ્ટર કરાવી દીધું છે. હવે તને જ્યારે ઈચ્છા થાય ત્યારે મને ચેક આપી શકે છે." બેંક એકાઉન્ટ ખોલાવ્યા પછી બીજા દિવસે સવારે જયદેવે કેતનને ફોન કર્યો.

" અરે ઈચ્છાની ક્યાં વાત કરે છે જયદેવ ? હું આજે જ પાંચ કરોડનો ચેક મારા ડ્રાઇવર સાથે જયેશને મોકલાવી દઉં છું. કાલે જતાં આવતાં તું જયેશ પાસેથી કલેક્ટ કરી લેજે." કેતન બોલ્યો.

બીજા દિવસે સાંજે જ જયદેવ ઠાકરે પાંચ કરોડનો ચેક જયેશ પાસેથી પોતાના હાથમાં લીધો ત્યારે એના આખા શરીરમાં એક ગજબનો ગરમાવો વ્યાપી ગયો. પૈસાની ગરમી જ એવી હોય છે ! પાંચ કરોડ એના માટે બહુ જ મોટી રકમ હતી અને જિંદગીમાં પહેલીવાર એ પોતાના નામનો ચેક લઈ રહ્યો હતો.

જયદેવના શરીરમાં ફરી પાછી આનંદની એક ધ્રુજારી આવી અને જયેશની વિદાય લઈ એ બહાર નીકળી ગયો. આ ક્ષણથી જ એની આખી જિંદગી બદલાઈ રહી હતી !

કેતનના માથેથી જયદેવ ઠાકરનું ઋણ ઉતરી ગયું એનો કેતનને આનંદ હતો. આ પૈસાથી જયદેવ ઠાકરની લાઈફ બની જવાની હતી. અને જયદેવે પોતાના માટે ઘણું કર્યું હતું. એ ના હોત તો લલ્લન પાંડે સાથેની મુલાકાત આટલી સરળ ના થઈ હોત !

બે દિવસ પછી કેતન બપોરે પોતાના બેડરૂમમાં આરામ કરતો હતો ત્યાં ફરી પાછો જેતપુરથી જીતુનો ફોન આવ્યો.

" કેતનભાઇ જીતુ બોલું છું જેતપુરથી. તમને બપોરે ડિસ્ટર્બ તો નથી કર્યા ને ? તમે આરામમાં હો તો પછી વાત કરું." જીતુ બોલ્યો.

"આરામમાં જ હતો પણ હવે તમારા ફોનથી જાગી ગયો છું. ફોન કર્યો જ છે તો વાત કરી શકો છો. " કેતન બોલ્યો.

"કેતનભાઇ તમે અહીં આવીને અંજલિને શોધી કાઢ્યા પછી અમારા જેતપુરમાં તમારા નામની ઘણી ચર્ચા ચાલી. ગામ નાનું છે એટલે વાત તો ફેલાઈ જ જાય ! " જીતુ બોલ્યો.

" હમ્ ... આગળ બોલો. " કેતન બોલ્યો.

"અમારા ગામમાં શામજીભાઈ મિસ્ત્રી કરીને એક ભાઈ રહે છે. એમનો એકનો એક યુવાન દીકરો ૧૫ વર્ષથી ગુમ થઈ ગયો છે. છોકરો ઘણો સારો હતો. ગ્રેજ્યુએટ થઈ ગયો હતો. મા બાપની સેવા કરે એવો હતો. એનામાં ભક્તિ ભાવ પણ ઘણા સારા હતા. ૨૮ વર્ષની લગ્ન કરવાની ઉંમરે એ ઘરેથી કોઈને કહ્યા વગર જતો રહ્યો જેનો આજ સુધી કોઈ પત્તો નથી. " જીતુ બોલી રહ્યો હતો.

" શામજીભાઈને માત્ર એટલું જ જાણવું છે કે એમનો દીકરો ક્યાં ગયો છે અને જ્યાં પણ ગયો હોય ત્યાં સુખી તો છે ને ? શામજીભાઈ ૭૦ વર્ષના થયા. એમની ઈચ્છા એકવાર એમના એકના એક દીકરાને જોવાની છે. કેતનભાઇ એના માટે મારે તમને જેતપુર સુધી લાંબા કરવા નથી. એ બચાડા ગરીબ માણસ છે. મેં એમના દીકરાનો ફોટો આ સાથે મોકલ્યો છે. તમે જોઈ શકો તો જવાબ આપજો." જીતુએ પોતાની વાત પૂરી કરી.

" સારું હું તમને કાલે સવારે ધ્યાનમાં બેઠા પછી સવારે ૯ વાગે જવાબ આપીશ. " કેતન બોલ્યો.

" ઠીક છે સાહેબ કાલે તમારા ફોનની રાહ જોઇશ. " જીતુ બોલ્યો અને ફોન કટ કર્યો.

બીજા દિવસે વહેલી સવારે ઊઠીને કેતને જીતુનો વોટ્સએપ નંબર ખોલ્યો અને એણે મોકલાવેલા ફોટા ઉપર બે મિનિટ ફોકસ કર્યું. એ પછી એ ધ્યાનમાં ઊંડો ઉતરી ગયો.

" જીતુભાઈ શામજીભાઈ નો દીકરો અત્યારે એકદમ સુખી છે. એ પહેલાં ગોંડલના સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગમાં અવારનવાર જતો હતો. ત્યાં એને સ્વામિનારાયણ ભગવાનમાં શ્રદ્ધા બેઠી અને આ સંસાર છોડી સાધુ થવાનો વિચાર આવ્યો. એ પછી એક દિવસ એ કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો અને સીધો ગોંડલ ગયો. ત્યાં થોડા મહિના રહ્યા પછી એને અમદાવાદ મોકલવામાં આવ્યો અને પાંચ વર્ષથી અત્યારે એ લંડનમાં સાધુ છે. " સવારે ૯ વાગે કેતને જીતુને સામેથી ફોન કરીને બધી માહિતી આપી દીધી.

" ભલે તો પછી હું શામજીભાઈને એ પ્રમાણે કહી દઉં છું. " જીતુ બોલ્યો.

" હા એમને એ પણ કહી દેજો કે એ સાચી ભક્તિથી સંન્યાસી થયો છે. સંસારમાંથી એને રસ ઉડી ગયો છે. એટલે હવે એનો સંપર્ક કરવા કોશિશ કરશો નહીં. એ ત્યાં ખૂબ જ સારી જવાબદારી સંભાળે છે અને સાધુ સંતોની સેવામાં છે. સુખી છે." કેતને પોતાની વાત પૂરી કરી.

જીતુને તો જવાબ આપી દીધો પરંતુ થોડા દિવસ પછી કેતનના નસીબમાં બીજું પણ એક મિશન લખાયેલું હતું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)