Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 86 and 87 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 86 અને 87

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 86 અને 87

(૮૬) રાજકુમારી ચંપાવતીનું આત્મબલિદાન

મહારાણી પ્રભામયીદેવી અને મહારાણા પ્રતાપની લાકડી દીકરી ચંપાવતી કારમા ભૂખમરાના દિવસોમાં માત્ર દશ વર્ષની ઉંમરે દુ:ખના દરિયામાં ડુબકી મારતી હતી. ભૂખ એ દુ:ખની સહોદરા છે. દુ:ખ હોય ત્યાં ભૂખ હોય જ.

“ભૂખ લાગી છે માઁ, મને કંઇક ખાવાનું આપ.” વારંવારની વિનવણીમાંના દિલને પણ કારમો ઘા આપી જતી હતી.

ઘાસની છેલ્લી રોટલી પોતાની દીકરીને આપી અને તે પણ જંગલી બિલાડો લઈ ગયો. રડવા લાગી.

મહારાણાનું મન ભાંગી પડ્યું. પોતાના સાથીને મહારાણા કહી રહ્યા હતા.

“હવે બહુ થયું. સંધિને સંદેશો મોકલી દો. પુત્રીની પીડા નથી જોવાતી.”

દશ વર્ષની બાળા આ સાંભળી ગઈ. તે વિચારવા લાગી.

“મારા પિતા સંધિનો વિચાર કરે, મારી દશા તેમનાથી જોવાતી નથી. હું આવી નિર્બળ કેમ? અમારા કૂળની રમણીઓ તો ઝેરને પણ હસતા હસતા પી જતી હતી. મોતને ગળે લગાડીને જૌહર કરતી. મારા કૂળની રમણીઓ બલિદાન આપીને આન રાખે છે. તો શું કેવળ મારી ભૂખને કારણે પિતાજીની અક્ષમ કીર્તિને કલંક લાગે? ના, એ અસંભવ છે.”

ચંપાવતીએ મક્કમ નિર્ણય કર્યો. ગમે તેટલી ભૂખ લાગે. માંગીશ નહિ, એણે ભૂખને મારવા માંડી. પરિણામે એનું શરીર તૂટવા માંડ્યું. એ માંદી પડી. દુનિયાને દમવા કરતા જાતને દમવા માંડી.

જે બાળા પહાડોમાં રમતી, કુદતી, કિલ્લોલતી હતી એ બાળાએ પથારી પકડી, મહારાણાને સૌથી મોટી ચિંતા પોતાના પરિવારના રણવાસની હતી. પોતાની કન્યા કે રાણી દુશ્મનને હાથ પડી જાય નહિ એની સતત ચિંતામાં એ જીવતા હતા. ઘણાં પ્રસંગો એવા બન્યા કે, માંડ માંડ એમનું કુંટુંબ દુશ્મન સેનાથી બચવા પામ્યું.

બાળકોનું રૂદન એમને ડગાવી જતું. યાતનાઓની ભઠ્ઠીમાં પિડાતી ચંપાવતી છેવટે માંદી પડી. ખિલતું ફૂલ કરમાવા માંડ્યું.

“દીકરી,કાંઇક તો બોલ.” દર્દભર્યા અવાજે પ્રભામયીદેવી પૂંછતી,

“માં,  પિતાજી સંધિના કરે. આપણે શા માટે નમવું જોઇએ? પિતા અણનમ રહેવા જોઇએ.”

“હા, બેટી, તારા પિતા સંધિ કરવાના નથી. એ નબળી ક્ષણો ગઈ.”

“હાશ, હવે મને શાંતિ થઈ.”

 અને થોડા દિવસોમાં એ અનંતલોકની યાત્રાએ ઉપડી ગઈ.

 

(૮૭) વિચાર-મંથન

મહારાણા વિચાર-મંથનમાં પડ્યા. સાગર-મંથનમાંથી લક્ષ્મી મળી હતી તો ઝેર પણ મળ્યું હતું. પોતાના વિચાર-મંથનમાંથી શું કેવળ નિરાશા  જ મળશે? ના, કેવળ નિરાશા મળે તો જંગ કેવી રીતે જારી રખાય?

સૌ જણે છે, સમજે કે, યુદ્ધ મહાભીષણ છે. માનવમુંડ અને રક્તની ધારાઓથી જુગુપ્સા ઉપજે. આજ સુધીમાં જગતમાં કેટલાંયે યુદ્ધો લડયા પરંતુ કોઇ યુદ્ધ એવું લડાયું નથી કે, જેના પછી માનવજાતિને શાંતિનો કિનારો લાધ્યો હોય.

રાત્રિ પછી દિવસ, અમાસ પછી પૂર્ણિમા, અંધકાર પછી પ્રકાશ, પડતી પછી ચડતીનું ચક્કર આ સનાતન વિશ્વમાં ચાલ્યા જ કરે છે. એમ યુદ્ધ પછી શાંતિ અને શાંતિ પછી યુદ્ધ ચાલ્યા જ કરે છે. યુદ્ધ એ શાંતિનું બાળક હોય એમ લાગે છે. જ્યારે જ્યારે જગતમાં શાંતિનો વાયરો ફરી વળે છે ત્યારે ત્યારે યુદ્ધના બીજ રોપાય છે. કારણ કે, જગતમાં દેખાતી શાંતિ સત્તાથી આવે છે પ્રેમથી નહિ.

નિયતિના ચક્રમાં માનવજાતિ પિસાતી જ રહે છે. એમાંથી સતત માનવરક્ત વહ્યા જ કરે છે. માનવી શા માટે પરાક્રમી બને છે? શા માટે કર્મ કરે છે? કોઇ ધ્યેય માટે જતો.

મહારાણા વિચારે છે શું મારૂ ધ્યેય એ ધ્યેય નથી? પોતાના કૂળ-ગૌરવની રાક્ષા કરવી, પોતાના રાજ્યની રક્ષા કરવી એ પાપ છે?

શું સૃષ્ટિના સર્જનહારે જ કોઇને બાદશાહી અને કોઇને ગુલામી આપી છે? ના, એવો અન્યાય પૃથ્વીનો સર્જનહાર, પરમ દયાળુ પિતા તો ન જ કરે. આ માનવ જ એવો ચાલાક છે કે જે, પોતાના બનાવનારને પણ બનાવે છે.

જેની પાસે સત્તા છે, વૈભવ છે અને પ્રભુતા છે એ નિર્બળ માણસો ઇચ્છે છે. શાંતિનો જાપ જપવાનો આદેશ આપે છે, ધનના ઢગલા પર બેઠેલો માનવી આમ કહી શકે પરંતુ એ ધનનો ઢગલો છીનવાઇ જાય તો? તત્ક્ષણ શાંતિનો અંચળો ફગાવીને એ જ યુદ્ધનો નાદ ગર્જશે.

આજે ક્ષત્રિયો શાંતિ માટે મોગલસેનામાં દોડી જાય છે. એ સ્વાર્થની દોટ છે. વૈભવી જીવન જીવવાની, સામ્રાજ્યવાદીઓ હંમેશા લાલચનો ટુકડો નાંખીને બધાંને વશમા કરી લેતા હોય છે.

આજે તો મારી વાતને, સહ અસ્તિત્વની વાતને કોઇ માનવા જ તૈયાર નથી. પરંતુ ભવિષ્યમાં સામ્રાજ્યવાદ એના નગ્ન સ્વરૂપે પ્રગટશે ત્યારે ભારતના લોકોની આંખ ખુલશે.

આજે તો સર્વત્ર અંધકાર જ જણાય છે. લોકોમાં હતાશા છે. ભારતના રાજવીઓ મોગલ શહેનશાહતના જલસામાં પોતાનો વૈભવ ટકાવી રાખવા ખુશામતખોરની કક્ષાએ નીચે ઉતરી ગયા છે. પોતાનું અસ્તિત્વ ખતરામાં છે એનું પણ આ પતનશીલોને ભાન નથી.

આજે જે સામ્રાજ્ય, તમારૂં સાર્વભૌમ આંચકી લેશે, ભવિષ્યમાં એ સામ્રાજ્ય તમારા વિચારો, તમારી પ્રવૃત્તિ સુદ્ધાં પોતાના બીબાંમાં ઢાળવાનો આદેશ આપશે.

જેને પોતાના સ્વત્વની રક્ષા કરતાં નથી આવડતી એ પ્રજા સ્વતંત્રાને લાયક જ નથી. સરમુખત્યારને પહેલાં વિરોધીનું માથું ખુંચે છે અને છેલ્લે વિરોધીનો ધર્મ.

મને અફસોસ નથી કે, મેં જે માર્ગ પસંદ કર્યો છે એ વિપત્તિનો છે. દુન્યવીભાષામાં કહું તો મુર્ખાઇનો છે. મને તો ગર્વ છે કે, એ માર્ગ મોતનો છે. એ માર્ગે વિચરતા મારા આત્માને સંતોષ થાય છે.

જૂની કેડી પર બધાં ચાલે. નવી કેડીનો પાડનાર જ ખરો મર્દ છે. એ એકલવીર છે માટે.

ભવિષ્ય તોલશે કે, મેવાડનો પાગલ મહારણો પ્રતાપ આઝાદીનો આશક હતો. અહીં ઝગમગાટ નથી, વૈભવ નથી. સાથે સાથે દંભ પણ નથી. અરવલ્લીની પહાડીઓમાં જેવું છે તેવું જ નૈસર્ગિક જીવન અમે ગાળીએ છીએ.

સેંકડો મુસીબતો વચ્ચે પણ અમારી કેડી પર જ અમે ચાલીશું.ઉછીનો લોટ લેવાય, ઉછીનો ધર્મ ન લેવય. એ તો કર્ણના કવચ-કુંડળ જેવો છે.

ઘોર નિરાશા માનવીને મૃત્યુનો સાક્ષાત્કાર કરાવે છે. અને મ્રુત્યુને મિત્ર માનનારો કદી કોઇથી ગભરાતો નથી. માટે જ લાખો નિરાશામાં, એક આશાનો અમરદીપ અવશ્ય લાધશે. જંગ જારી રહે એ જ મારી તમન્ના છે.