Pranay Parinay - 67 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 67

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રણય પરિણય - ભાગ 67

પ્રણય પરિણય ભાગ ૬૭


ગઝલએ તેના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. વિવાને તેની કમર ફરતા હાથ વીંટાળીને તેને ઉંચકી લીધી અને બેડ પર લઈ ગયો અને તેને સૂવડાવીને પોતે સાઈડમાં થયો. વિવાને કોણીએથી હાથ વાળીને તેના આધારે માથુ ટેકવ્યું હતું. તે એક પડખે સૂઈને ગઝલ સામે જોઈ રહ્યો હતો. શરમાઈને ગઝલએ બંને હાથ વડે પોતાનો ચહેરો ઢાંકી લીધો. વિવાને તેના ચહેરા પરથી હાથ હટાવીને એને પોતાની તરફ ખેંચી.


'ગઝલ..' વિવાન એકદમ લાગણીભર્યા અવાજે બોલ્યો. તેને ગઝલને ખૂબ પ્રેમ કરવો હતો. લગ્ન થયા ત્યારથી તેણે પોતાની બધી ઈચ્છાઓ દબાવી રાખી હતી. એ ગઝલની ઘેરી કથ્થઈ આંખોમાં જોઈ રહ્યો. ગઝલ પણ તેની સામે જોઈ રહી.

થોડી ક્ષણો સુધી તેની આંખોમાં જોઈ રહ્યા પછી વિવાન બોલ્યો: 'આજે મારે તને એક વાત કહેવી છે.'


ગઝલએ આંખોના હાવભાવ વડે જ 'શું' એમ પૂછ્યું.


'એ દિવસે સેલવાસના મંદિરમાં જ્યારે તું પૂજા કરી રહી હતી, ત્યારે હું ભગવાન મહાદેવ સમક્ષ ઊભો રહીને એક પ્રણ લઇ રહ્યો હતો.'


'પ્રણ? કેવું પ્રણ?'


'એજ કે જ્યાં સુધી તું પોતે મને તારા હૃદયમાં જગ્યા ના આપે, અને પ્રેમથી મારો સ્વીકાર ના કરે, ત્યાં સુધી આપણાં વૈવાહિક જીવનની શરૂઆત નહીં થાય. અને તારી પાસેથી હું પતિ તરીકેના અધિકારોની માંગણી નહીં કરૂં.'


ગઝલ આશ્ચર્યથી તેની સામે જોઈ રહી.


'તમને ખુદ પર એટલો બધો કોન્ફિડન્સ હતો?'


'ખુદ પર નહીં પણ મારા પ્રેમ પર..' વિવાન ગઝલના ચહેરા પર આવી ગયેલી વાળની લટને બાજુમાં કરતાં બોલ્યો.


ગઝલ હેતથી તેની સામે જોઈ રહી. વિવાનની વાતનો મર્મ સમજાતા તેના દિલની ધકધક વધી ગઈ. આજે તેમનુ મિલન થવાનું એ વિચારે તેના ગાલ પર શરમના શેરડા પડ્યા. પોતાના સર્વસ્વનું સમર્પણ કરવા તેના મનમાં થનગનાટ વ્યાપ્યો પણ સાથે-સાથે સુહાગરાતે એક નવોઢાના મનમાં જાગે એવો ગભરાટ પણ તેના મનમાં છવાઈ રહ્યો. તેણે પોતાનો ચહેરો વિવાનની બાહોંમાં છુપાવી લીધો.


વિવાને તેના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું: 'વન થિંગ મોર.. મેં ભગવાનને પ્રોમિસ કર્યું છે કે તારી સંમતિ સાથે, એ જ મંદિરમાં જઈને ભગવાન મહાદેવની સાક્ષીએ હું તારી સાથે લગ્ન કરીશ. ત્યાર પછી જ આપણા દાંપત્ય જીવનની શરૂઆત થશે.


વિવાનની વાત સાંભળીને ગઝલ તેના પર વારી ગઈ. તેના મનમાં વિવાન પ્રત્યેનું માન અનહદ વધી ગયું.


તેણે વિવાનની આંખોમાં જોયું.


'વિવાન.. હું કેટલી ભાગ્યશાળી છું કે હું તમારી પત્ની બની..' ગઝલ ગળગળા સાદે બોલી.


'ગઝલ, નસીબદાર તો હું છું કે તું મારા જીવનમાં આવી.' કહીને વિવાન પોતાનો ચહેરો ગઝલના ચહેરાની નજીક લાવ્યો. બંન્નેના શ્વાસોશ્વાસ એકબીજા સાથે અથડાવા લાગ્યા. વિવાને તેની આંગળી ગઝલના હોઠની કિનારી પર ફેરવી અને તેના હોઠ પોતાના કબજામાં લઈ લીધા.


આજે ખરા અર્થમાં બંને હૃદયો એક થયા હતા. હવે બંને વચ્ચે નહોતા કોઈ રિસામણાં, નહોતી કોઈ ગેરસમજ કે નહોતી કોઈ ત્રીજી વ્યક્તિ. હવે હતો નિર્દોષ, નિસ્વાર્થ પ્રેમ અને અતુટ વિશ્વાસ. હવે તેમનો પ્રણય ખરેખર પરિણયના બંધનમાં બંધાવાનો હતો.

બંને યુવાન હૈયાઓ મોડી રાત સુધી પ્રેમભરી વાતો કરીને છેવટે એકબીજાના આલિંગનમાં ઉંઘી ગયા.


વહેલી સવારે પાંચ વાગ્યે વિવાનની નીંદર ઉડી ગઈ. તેણે આખો ખોલીને જોયું તો ગઝલ નિશ્ફિકર થઈને તેને ચપોચપ વળગીને સૂતી હતી. વિવાને મનમા ખુશ થઈને તેના કપાળ પર હળવું ચુંબન કર્યું. નજર ભરીને તે એને સૂતી જોઈ રહ્યો. સવારે ઘરમાં કોઈ ઉઠે તે પહેલાં તેઓેએ ઘરે પહોંચવું જરૂરી હતું એટલે ઈચ્છા ન હોવા છતાં પણ તેણે ગઝલને ઉઠાડવી પડી. બંને ફટાફટ તૈયાર થયા અને ઘરે જવા નીકળી ગયાં.


ઘરે જઈને બે કલાક આરામ કર્યા પછી વિવાન ઓફિસ જવા નીકળી ગયો. અને સાંજ સુધી ઓફિસમાં બીઝી રહ્યો.


**


સમય: સાંજના સાત સાડાસાત વાગ્યાનો.

સ્થળ: શહેર બહારનું એક વિશાળ ફાર્મહાઉસ.


જેને જોતા જ ભલભલાના ગાત્રો ઢીલા થઇ જાય તેવા રાક્ષસી કદ અને કસરતી દેહયષ્ટી ધરાવતા ડઝનબંધ હથિયારધારી બોડીગાર્ડસે ફાર્મહાઉસને ચારે તરફથી ઘેરી રાખ્યું હતું. ફાર્મહાઉસની અંદરની એક રૂમમાં એક વ્યક્તિને નોર્મલ કરતાં ઘણી ઉંચી એવી ખુરસી પર બાંધી રાખવામાં આવ્યો હતો. કાળા કપડાથી તેનો ચહેરો ઢાંકી દેવામાં આવ્યો હતો. તે બેઠો હતો એ ખુરસીની બેઠકની જગ્યાએ પાટીયા કે ગાદીને બદલે ફકત એક નાયલોનનું કપડું જ હતું.

મલ્લ જેવો દેખાતો એક પઠ્ઠો, છેડે ઈંડા આકારનો લાકડાનો દટ્ટો બાંધેલા એક દોરડા વડે દર થોડી વારે ખુરસીની નીચેથી પેલી વ્યક્તિને ફટકા મારી રહ્યો હતો. એ ફટકાનો માર ખુરશી પર બેઠેલા વ્યક્તિની બેસવાની જગ્યા પર લાગી રહ્યો હતો. દરેક ફટકે એ વ્યક્તિ ખુરશીમાં ઉછળી પડતો હતો અને તેના બુમ-બરાડા છેક ફાર્મહાઉસની બહાર સુધી સંભળાઈ રહ્યાં હતાં. પણ એનો અવાજ સાંભળીને તેને મદદ કરવા આવી શકે તેવું કોઈ નહોતું. કેમ કે આસપાસના એકાદ કિલોમીટરના વિસ્તારમાં બીજી કોઈ માનવ વસાહત નહોતી.


રાતનું અંધારું થતાં જ બ્લેક કલરની એક આલીશાન કાર ફાર્મહાઉસની અંદર આવીને ઉભી રહી. તેમાંથી થોડા લોકો ઉતર્યા અને બૂટનાં ટપ ટપ અવાજ કરતાં પેલી રૂમમાં પ્રવેશ્યા. એ લોકોને જોઈને ફટકા મારનારો પેલો મલ્લ અટક્યો અને પોતાની જગ્યા પર જઇને સાવધાનની મુદ્રામાં ઉભો રહ્યો.


ખુરસી પર બેઠેલી વ્યકિતને આ બધું શું થઈ રહ્યું છે એ કંઈ જ સમજાતું નહોતું. રૂમમાં અચાનક શાંતિ થવાથી તેણે આમતેમ ડોકું ફેરવીને કાન વડે અવાજ પારખતા પરિસ્થિતિનો તાગ કાઢવાની કોશિશ કરી પણ તેની એ કોશિશ વ્યર્થ રહી.

તેના હાથપગ અને ધડ એકદમ મૂશ્કેરાટ બાંધેલું હોવાથી તે જરા પણ હલી શકતો નહોતો.


'કોણ છો તમે લોકો?? અને મને અહીં શા માટે લાવ્યા છો?' એ ચિલ્લાયો. ત્યાં જ જમીન પર એક ખુરશી ઘસડવવાનો કર્કશ અવાજ આવ્યો. એ ખુરશી પર બેસીને દમદાર અવાજે એક વ્યક્તિ બોલ્યો: 'વેલકમ, મલ્હાર રાઠોડ..'


હા, ખુરશી પર બંધાઈને બેઠેલો વ્યક્તિ મલ્હાર રાઠોડ હતો. અને તેની સામે બેઠેલો વ્યક્તિ વિવાન શ્રોફ હતો. જેલમાંથી જામીન પર છૂટ્યા પછી મલ્હાર નકલી પાસપોર્ટ બનાવવા જઈ રહ્યો હતો. નકલી પાસપોર્ટ વડે ભારતની સરહદ ઓળંગીને ગમેતેમ કરીને બ્રિટન ભેગા થઇ જવાની તેની ગણતરી હતી. બ્રિટનમાં તેની કંપનીનું થોડું ઘણું રોકાણ હતું અને એક વાર ભારતથી ભાગી ગયા પછી કોઈ બ્રિટીશ છોકરીને ફસાવીને તેની સાથે લગ્ન કરીને બ્રિટનની સિટિઝનશિપ લઇ લેવાનો તેનો પ્લાન હતો. પણ વિવાનના માણસો ગીધની જેમ તેના પર નજર રાખી રહ્યાં હતાં. તેઓએ તેને એક અંધારી ગલ્લીમાં આવેલી નકલી પાસપોર્ટ બનાવનારની ખોલીની બહારથી જ ઉઠાવી લીધો. કારણ કે વિવાનને હજુ તેની સાથે ઘણો હિસાબ સમજવાનો હતો. તેનો કોલર પકડીને ઘણા પ્રશ્નો પૂછવાના હતાં. ઘણાં જવાબો મેળવવાના હતાં અને તેના કૃર કૃત્યોની સજા આપવાની હતી.


વિવાને રઘુને ઈશારો કર્યો અને રઘુએ મલ્હારના ચહેરા પરનું કાળુ કપડું હટાવી લીધુ. એ જ સમયે તેના પર આંખો આંજી નાખતી ફ્લડ લાઈટ પડી. બાકીની રૂમમાં અંધારું થઈ ગયું. તેને કશું જ દેખાતું નહોતું. એ આંખો ખેંચી ખેંચીને સામે બેઠેલા વિવાનને જોવાની કોશિશ કરી રહ્યો હતો.


'વિવાન..' મલ્હાર તેનો અવાજ ઓળખીને આશ્ચર્યથી બોલ્યો.


'હાં, હું વિવાન, વિવાન શ્રોફ.. તે જેની બહેનનો જીવ લેવાની કોશિશ કરી એ જ વિવાન, જેના પ્રેમને તેનાથી દૂર કરવાની તે નાપાક હરકતો કરી એ વિવાન, છળકપટથી જેના બિઝનેસને નુકશાન કરવાના તે પ્રયાસો કર્યા એ જ વિવાન.. તે મને બહું હલકામાં લીધો રે! તને શું લાગ્યું હતું? તું કંઈ પણ કરીશ અને મને ખબર નહીં પડે એમ? મારા જીવથી યે વહાલી મારી બેનનું કાસળ કાઢવાની તે કોશિશ કરી? સાલા.. તારી હિંમત કેમ થઈ મારી બેનને હાથ લગાડવાની?' વિવાનની આંખો આગ ઓકતી હતી, એના શબ્દો તલવારની ધાર જેવા હતા.


વિવાનનો ક્રોધ જોઈને મલ્હાર અંદરથી ડરી ગયો હતો. પણ ઉપરથી એ સ્વસ્થ દેખાવાની કોશિશ કરી રહ્યો હતો.


'મેં આ બધું કર્યું એની પાછળ અજાણપણે તારો પણ હાથ છે વિવાન.. તુ સફળતાની સીડીઓ ચઢતો ટોચ પર પહોંચી ગયો હતો, મારે તને આંબવો હતો, તારી જેમ સફળ થવું હતું, મારે તારા કરતા મોટો બિઝનેસમેન બનવું હતું.. એમા તારી બેને જ મને મદદ કરી.. તું તારી બેનને જઈને પૂછ, મારી સાથે શરીર સુખનો આનંદ મેળવવાની લાલચમાં તારી બેન જ મને તારા બિઝનેસ સિક્રેટ આપતી હતી.' મલ્હાર વિચિત્ર રીતે હસતાં બોલ્યો. રઘુએ તેના મોઢા પર એક પંચ માર્યો. મલ્હારનો હોઠ ફાટી ગયો. તેમાથી લોહી નીકળવા લાગ્યું.


'બોલવા દે રઘુ.. એ ભલે બોલતો.' વિવાન રઘુને રોકતા બોલ્યો.


'મારા હાથપગ બાંધીને મને મારે છે? **** ** હિંમત હોય તો એકવાર મારા હાથ ખોલ..' મલ્હાર ગુસ્સામાં ત્રાડ પાડીને ગંદી ગાળ બોલ્યો.


'તારી તો **** *** ' રઘુએ તેને સામી ગાળ દીધી.


'એક મિનિટ રઘુ..' વિવાને કહ્યુ અને મલ્હાર તરફ ફર્યો.


'તારી એ ઈચ્છા પણ પૂરી કરવામાં આવશે. પણ એના પહેલા તારે જે કંઈ કહેવું હોય એ કહી દે, કેમ કે એક વાર મારો હાથ ઉપડશે પછી તારું મોઢું બોલવા લાયક નહીં રહે. એમ બોલીને વિવાન ઉભો થયો અને બાકીના શબ્દો મલ્હારના કાનમાં કહ્યાં: 'નાઉ સ્પીક. સમય નથી મારી પાસે, ગઝલ મારા બેડરૂમમાં મારી રાહ જોઈ રહી છે, તને તો ખબર છે ને કે એને ઘડીભર પણ ગમતું નથી મારા વગર..'


વિવાનના શબ્દો સાંભળીને મલ્હારનાં અંગે અંગમાં આગ લાગી.


'પણ જેટલી આતુરતાથી તારી બેન કાવ્યા મારી રાહ જોતી હતી એટલી આતુરતાથી ગઝલ નહીં જોતી હોય.' કહીને મલ્હાર તિરસ્કારભર્યું હસ્યો. પછી બોલ્યો: 'ઘણીવાર તો કાવ્યા મને સામેથી બોલાવતી અને ખૂબ મજ્જા લેતી. સાલુ બધુ વ્યવસ્થિત ચાલતું હતું ને એને લગ્ન કરવાનું ભૂત ચઢ્યું. "મલ્હાર હું પ્રેગનન્ટ છું.. ભાઈને ખબર પડશે તો? મલ્હાર ચલને આપણે લગ્ન કરી લઇએ.." મલ્હાર કાવ્યાના ચાળા પાડતા વિચિત્ર હસ્યો. વિવાનને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો પણ એ ચૂપ રહ્યો.


'તારી બેનને બેવકૂફ બનાવીને મેં ખોટે ખોટા લગ્ન કર્યા અને એનું એબોર્શન કરાવી નાખ્યું. તને ખબર છે? મેરેજ સર્ટિફિકેટમાં જેનુ નામ છે એ માણસ પાંચ વરસ પહેલાં જ મરી ગયો છે. મારુ ક્યાંય નામ ના આવે એટલે મેં ખોટા નામે સહીઓ કરી. આટલા મોટા બિઝનેસગૃપના માલીકની બેન આટલી આસાનીથી બેવકૂફ બની ગઈ એ માનવામાં નહોતુ આવતું.. પણ વિવાન.. તારી બેન મારા પ્રેમમાં આંધળી હતી. સાલા પ્યાર સચમુચ મેં અંધા હોતા હૈ..' કહીને મલ્હાર હસ્યો. હસતી વખતે તેના મોઢામાંથી લાળ વહેતી હતી. સાથે લોહી પણ નીકળતું હતું.


હજુ સુધી મલ્હારનુ બોલવાનું પત્યું નહોતું. વિવાન પણ એને બોલવા દેતો હતો.


તેણે આગળ ચલાવ્યું: 'થોડા દિવસ તો એ શાંત રહી પણ એકવાર તેણે મને ગઝલ સાથે જોઈ લીધો. તેને મારા અને ગઝલના લગ્ન થવાના હતાં એ વાતની ખબર પડી ગઈ અને એ ચોખવટ કરવા આવી, તારા નામની ધમકી આપવા લાગી.. પણ કાવ્યા સાથેનું અફેયર હું ગઝલથી ખાનગી રાખવા માંગતો હતો. હું તો એ બંનેને ખુશ રાખવા માટે કેપેબલ હતો, હું તો એવું જ કરવાનો હતો. પણ કાવ્યાના એવા નસીબ ક્યાં હતા? તેણે બહું જિદ કરી એમાં મારો મગજ છટક્યો અને એજ વખતે મે એનું એક્સિડન્ટ કરાવી નાખ્યું. મને લાગ્યું કે એ ઓન ધ સ્પોટ મરી જશે અને મારો છુટકારો થશે.. પણ નહીં, સાલી બચી ગઈ. ત્યાને ત્યાંજ જો પતી ગઈ હોત તો આજે ગઝલ મારા ઘરમાં હોત, હું તારી બરોબરીનો બિઝનેસમેન હોત અને મારે આજે દેશ છોડીને ભાગવાનો વખત ના આવત.'


અચાનક મલ્હારના કાન નીચે એક અડબોથ વાગી. એ સાથે જ બધી લાઈટો એક સાથે ચાલુ થઈ. સામે વિવાન સાથે કાવ્યા ઉભી હતી. અને સમાઈરા પણ એની પડખે હતી.


કાવ્યાની આંખમાંથી આગ વરસતી હતી.


'કેટલો નીચ માણસ છે રે તું.. મલ્હાર. તારા માટે થઈને હું બધાના વિરોધમાં ગઈ.. મેં મારા ભાઈ સાથે દગો કર્યો. તારા પ્રેમ માટે થઈને મેં મારા બાળકની બલી દીધી. શું કમી હતી મારામાં? મારા પ્રેમમાં? કે તું મારૂં જ કાસળ કાઢવા ઉભો થયો?' કાવ્યા જોરથી બરાડી. વિવાને ગુસ્સામાં મુઠ્ઠીઓ વાળી. આ બધું સાંભળીને સમાઈરા પણ ખૂબ ગુસ્સામાં હતી.


'ભાઈ.. તેણે મારી સાથે જે કર્યુ છે એ મારે તેની સાથે કરવું છે.' કાવ્યા વિવાન તરફ જોઈને બોલી. વિવાન ઉભો થઈને તેની પાસે ગયો.


'કાવ્યા તું શાંત થઈ જા.' વિવાન તેને સમજાવતા બોલ્યો.


'ના ભાઈ, તેણે મારા પ્રેમને દગો દીધો છે, મારી લાગણીઓ સાથે ગંદી રમત રમ્યો છે એ.. મારું બધું લૂંટી લીધા બાદ તેણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. હું આને છોડવાની નથી. તેણે મારી સાથે જે કર્યુ છે એની સજા મારે એને એવી રીતની જ આપવી છે.' એમ કહીને કાવ્યાએ મલ્હારની ખુરશીને લાત મારી. મલ્હાર ખૂરશી સાથે નીચે પટકાયો.


નીચે પડ્યા પડ્યા મલ્હારે કાવ્યાની આંખોમાં જોયું. તેની કોરી આંખોમાં ફક્ત સંતાપ અને બદલો લેવાનું જનુન ઉભરાતું હતું. એ જોઈને મલ્હાર ધ્રુજી ઉઠ્યો.


કાવ્યાએ સમાઈરા તરફ જોયું.


'તેણે મારું બાળક મારા હાથે જ મરાવ્યું, એને ક્યારેય બાળક ના થવું જોઈએ. મેં એને સાચો પ્રેમ કર્યો પણ તેણે મને એક ઉપભોગની વસ્તુ ગણી. હવે એ પ્રેમ માટે તડપવો જોઈએ.. આ જાનવર કોઈ છોકરીની નજીક પણ ફરકી ના શકે એવી વલે કરવી છે મારે એની.' કાવ્યા બોલી.


કાવ્યાની વાત સાંભળીને મલ્હાર ગભરાઈ ગયો.


'ના.. કાવ્યા.. તું મને કંઈ પણ સજા આપ પણ મારી સાથે આવું નહી કરતી પ્લીઝ..' મલ્હાર કરગર્યો.


'મળશે.. એવી જ સજા એને મળશે.' સમાઈરા એકદમ ઠંડકથી બોલી.


'રઘુઉઉઉ..' વિવાન જોરથી બોલ્યો.


'વિવાન પ્લીઝ.. કાવ્યા.. હું તારા પગમાં પડુ છું.. એના કરતા તમે મને પોલીસને સોંપી દો.. હું મારા બધા ગુના કબુલ કરવાં તૈયાર છું.. પણ પ્લીઝ આ રહેવા દો..' બોલતી વખતે મલ્હારનાં મોઢામાંથી થૂંક ઉડ્યું. હોઠ પાસેથી લોહીની સાથે લાળ નીતરવા લાગી. એના હાથ પગ ધ્રુજવા લાગ્યા.


'સમાઈરા, નેક્સ્ટ રૂમ..' વિવાને એક રૂમ તરફ ઈશારો કરીને કહ્યુ. સમાઈરા સમજી ગઇ. કાવ્યાને લઈને એ વિવાને દાખવેલી રૂમમાં ગઈ પછી રઘુએ ખુરશી સહિત નીચે પડેલા મલ્હારને ઉભો કરીને તેના હાથપગ છોડ્યા.


.

.


**


ક્રમશઃ


શું શિવજીની સાક્ષીએ વિવાન અને ગઝલના લગ્ન થશે?


શું કાવ્યાનો બદલો પૂરો થશે?


વિવાને કાવ્યા અને સમાઈરાને બાજુની રૂમમાં શું કામ મોકલી દીધા હશે?


મલ્હાર સાથે શું થશે?


**


❤ મિત્રો, આ પ્રકરણ વાંચીને તમારા અભિપ્રાયો જરૂરથી જણાવશો સાથે સાથે પ્રકરણને રેટિંગ પણ આપશો. ❤