પ્રકરણ ૭
ખોંખારો ખાતાં આસિસ્ટન્ટ લેડી ડૉકટર કવિતાનું બીપી ચેક કરવા આવ્યાં. સુકોમળ ચહેરો, પ્રમાણસર બાંધો અને આંખોમાં ભરપૂર સહાનુભૂતિની ઝલક. ડૉકટર હોવાના પાયાના લક્ષણોમાં સોમાંથી સો ગુણ મેળવી જાય એવા એ ડૉકટર હતાં. "કવિતાબેન, કાલે રૂમમાં શિફ્ટ થવું હોય તો ચિંતા બાજુએ મૂકી આરામ કરજો. પેઈનમાં રાહત થઈ ?" એ એટલું પ્રેમથી પૂછ્યું કે કવિતાને જાણે એ પૃચ્છાથી જ રાહત થઈ ગઈ. એણે નાનકડું સ્મિત આપી, મોટી મોટી પાંપણ નમાવી "હા" નો ઈશારો કર્યો.
કવિતા સૂઈ ગઈ એટલે પરમ બહાર આવી ગયો. એને ઉંઘ નહોતી આવતી તે દિવસે કવિતા સાથે થયેલી દુર્ઘટનાનો તાળો મેળવવા મથતો હતો. એનું મન થોડો વખત કવિતા માટે કડવાશથી ભરાઈ ગયું. ફક્ત પહેલો પ્રેમ અને એની સારી બાબતો વિષે વિચારવું અઘરું પડી રહ્યું હતું. એણે શું નહોતું કર્યું કવિતા માટે? એની દરેક વાત માની છે. એના સુખ માટે ક્યારેય પોતાને પડતી તકલીફો નથી જોઈ. કવિતાએ એક મ્યુઝિક ક્લાસમાં જોબની વાત કરી તો એ પણ સ્વીકારી બસ કોઈપણ રીતે ખુશી અને શાંતિ ઈચ્છતો હતો કદાચ એ જ ભૂલ થઈ. હંમેશાં એની મનમાની નહોતી ચલાવવી. મિતેષ કેટલું ટોકતો જ્યારે કવિતા નવ વાગ્યામાં ઘર વેર વિખેર છોડી મ્યુઝિક ક્લાસમાં જતી ત્યારે, "ઘર ને વર છોડી વળી સવાર સવારમાં શેની આવી પ્રવૃત્તિઓ?" પણ એ ચૂપ રહેતો કેમકે, એણે સોનુનું વિચારી કવિતા પાસે સમય નક્કી કરાવ્યો હતો. એ સ્કૂલે જાય અને પરત ફરે ત્યાં સુધી કવિતા પણ આવી રહે. કદાચ, બધી મગજમારી આ કીટી ને કારણે જ થઈ લાગે છે. એ ત્યાં એલોકોની સાથે હળવા-મળવા લાગી, પછી દિવસે દિવસે એની માંગો વધતી જતી હતી વળી, ક્યારેક તો પરમની પણ ઈર્ષ્યા કરતી હોય એવું જણાતું હતું. મોબાઈલ તો આખો દિવસ હાથમાંથી છૂટતો જ નહિ. પાસવર્ડ અને દરેક ચેટ એપ પર લૉક પણ એણે એ વિષે ક્યારેય ન વિચાર્યું અને ગળા સુધીનો વિશ્વાસ મૂક્યો એ જ એની ભૂલ? એમ વિચારતાં વિચારતાં ક્યારે પરમની આંખ લાગી ગઈ ખબર ન રહી.
કવિતાને ધીમો દુઃખાવો ચાલુ જ હતો. વળી, એક જ પરિસ્થિતિમાં સૂઈ રહેવાથી શરીર અકડાઈ જતું હોય એમ લાગતું હતું. એ જાગી પણ આજુબાજુ કોઈ નહોતું. એને યાદ આવ્યું કે એ રૂમમાં ક્યારેય એકલી નહોતી રહેતી. ક્યારેક પરમ મોડો આવવાનો હોય તો એણે પરમ અને એનાં ફોટાઓ લઈ વીડિયો બનાવ્યો હતો અને પોતાનાં સ્વરમાં ગીત ગાઈને સેટ કર્યું હતું, એ વગાડતી રહેતી. મોબાઈલ બાજુમાં આ એકનો એક વીડિયો રિપીટ કરતો અને એ સૂઈ જતી. પરમ આવી મોબાઈલ બંધ કરતો અને એને ઉઠાડ્યા વગર ચૂપચાપ સૂઈ જતો એ એની ઉંઘ ડિસ્ટર્બ થાય એમ ક્યારેય ચાહતો નહોતો. એનાથી વિપરીત પોતે ક્યારેક સોનુને સુવડાવી પાછી આવતી તો પરમ સૂતો હોય તો પણ એનાં વાળમાં હાથ ફેરવતી, ગાલ પર હાથ ફેરવતી, એની ગરદન પાસે ગરમ શ્વાસ અડે એમ હોઠ લઈ જતી અને પરમ જાગી જતો. પછી એનું ધાર્યું બધું કરાવતી. એ નાનકડી કામચેષ્ટાઓથી શરૂ થયેલી મસ્તી બન્નેને પૂર્ણપણે સંતોષ આપે એ મુકામ સુધી પહોંચતી. પરમને એવી અચાનક ન ધારેલી ખુશી એક સરપ્રાઈઝ જેવી લાગતી! વળી, વિચારોએ દિશા બદલી. પરમ દરેક રીતે પરફેક્ટ છે, એમાં એનો વાંક ખરો? એ એનો પતિ છે એ ગર્વ લેવા જેવી વાત છે. પરમને જોઈ હીનભાવના ન આવવી જોઈએ. હેમા એવું શીખવતી કે એમ વિચારાય કે હું આવા જોરદાર વ્યક્તિની એકમાત્ર માલિક છું. ખુશ રહે યાર, તું નસીબદાર છે એવા પરમભાઈ પણ નસીબદાર છે કે તારાં જેવી પરફેક્ટ બ્યુટી મળી. ટચવુડ કોઈની નજર ન લાગે. પણ એ છેલ્લું વાક્ય પોકળ સાબિત થયું. નજર લાગી જ ગઈ..ક્યાંથી આવ્યો હતો એ કાળમુખો દિવસ? ક્યાં કીટી ફ્રેન્ડ સુરૂચિનું માન્યું અને શા માટે "માયા" બની? એનાથી વધુ તો રીતસર શિકાર શોધતી હોઉં એમ પોતાના શહેરનું સર્ચ કરી કુંવારા છોકરાઓ શોધ્યા…શીટ! શૅમફુલ એન ટોટલી રબિશ..ત્યાં વળી, રાતની ડ્યુટી વાળી નર્સ એની બોટલ પૂરી થઈ કે નહિ એ જોવા આવી અને એનાં વિચારો પર બ્રેક લાગી.
નક્કી થયાં મુજબ સવારે વસંતભાઈ પરમને હોસ્પિટલથી છૂટો કરવા આવી પહોંચ્યા. પરમને ખબર નહિ કેમ આજે અંદર કવિતાને જોવા જવાનું મન ન થયું. કદાચ, રાતના વિચારોએ હજી કેડો મુક્યો નહોતો. એ કવિતાને મળ્યા વગર સીધો જ ઘરે જતો રહ્યો! વસંતભાઈની અનુભવી આંખે પરમનાં હાવભાવ સાથે એ પણ નોંધ્યું.
આજે મિતેષ અને હેમા હોસ્પિટલનાં નક્કી કરાયેલાં મુલાકાતી માટેનાં સમયમાં કવિતાને જોવા જવાના હતા. સવારનાં નાસ્તા સાથે ચર્ચા થઈ રહી હતી. મિતેષે પૂછ્યું, " તને શું લાગે છે પરમ કવિતાને માફ કરી શકશે?" હેમાએ જવાબ આપ્યો, " થોડું અઘરું તો થશે જ પણ પરમભાઈ જેવા વ્યક્તિ પોતાને એ વિષે સમાધાન કરવા સમજાવી શકશે." બીજો સવાલ આવ્યો, " તને કઈ રીતે એમ લાગે છે?" " પરમભાઈ બાપ વગરના ફક્ત મા ને હાથે ઉછર્યા છે, આંટીનાં કહેવા મુજબ એ એટલી હદે એમની સાથે જોડાયેલા હતા કે કહ્યા વગર પણ ઘણું સમજી જતા હતા. વળી, એમનું વાંચન બહોળું છે અને જેમનું વાંચન સારું હોય એ લોકો મારા માર્કિંગ પ્રમાણે ઘણા સમજુ અને ઋજુ હૃદયી હોય છે." હેમાનો જવાબ આવ્યો. "એ સાચું હું નાનપણથી એની સાથે છું પણ તું પણ આટલું ઓળખી ગઈ એની મને જરાય નવાઈ નથી લાગતી. પરમ માય બ્રો છે જ બહુ સરળ.." પછી એક નિઃશ્વાસ સાથે વાક્ય પૂરું કરતાં બોલ્યો, "..પણ કવિતાને રહેતા ન આવડ્યું."
એક ફ્લોર પર બે જ ફ્લેટ હતાં એટલે વર્ષોથી પરમ અને મિતેષના ઘર વચ્ચે સારો ઘરોબો હતો. પરમના લગ્નના એક વર્ષ પહેલા જ એના મમ્મીનું દેહાંત થયું હતું. એમના ગયા પછી પરમને ઘર ખાલી લાગ્યું અને લગ્ન કરવાનું વિચાર્યું હતું. મિતેષના લગ્ન એનાથી વહેલા થયા હતાં. પરમ હજી બિઝનેસ સેટ કરવા પાછળ લાગ્યો હતો. તદ્દન સીધો સાદો પરમ એ ભલો, એની લાઈબ્રેરી ભલી અને એનો બિઝનેસ ભલો. ઘણીવાર મિતેષ અને હેમા સાથે બહાર કોઈ ટ્રીટ માટે જતો ત્યારે હેમા ઘણી છોકરીઓ બતાવતી, "જુઓ , જુઓ પરમભાઈ, પેલી પિંક ફ્રોકવાળી પિંકી ગર્લ તમારે માટે કેવી રહેશે? અરે,અરે એની સાથેની બ્લેક ટી શર્ટ વાળી તો બહુ હોટ…" અને પરમ કહેતો, "ભાભી, એમ જોઈતી હોત તો મારે ક્યાં ખોટ છે, પૂછો આ મિતુડાને..કૉલેજ મેં લાઈન લગી રહેતી થી…હજી આગળ બોલું કે મિતેષ?.. " અને મિતેષ, "બસ કર હવે..ક્યાંક બાફશે તો ઘરે જઈને મારે બફાવું પડશે." કહેતો અને હેમા મોટી મોટી આંખો કાઢી એને જોતી ત્યારે બન્ને ખડખડાટ હસી પડતાં. "તમારી બન્નેની જેમ મને પણ આમ હસવા એક સાથીદાર જોઈએ છે..તમારું ચાલે તો તમે બન્ને તો મને સાવ એકલી જ કરી દો..હુહ.." કરતી હેમા મીઠો છણકો કરતી અને પરમ કહેતો, " તમારી સાથીદાર તમારે જ શોધવાની છે, તમારાં લોકો વગર મારું છે પણ કોણ?" અને વાતાવરણ લાગણીશીલ થઈ જતું.
હેમાએ કવિતાને જ્ઞાતિ દ્વારા રખાયેલા એક મ્યુઝિકલ શૉ માં જોઈ હતી, સુમધુર અવાજ, મોટી તપખીરી આંખ અને સપ્રમાણ દેહાકૃતિ, આમ ઘઉંવર્ણી પણ ચમકતી ત્વચા જોતાં જ આંખ ઠરે એવી લાગતી હતી. એણે ત્યારે જ એની તપાસ કરી અને એક સબંધી દ્વારા પરમનો બાયોડેટા અને સારામાં સારો ફોટો કવિતાને ઘરે મોકલાવ્યો હતો. આ જોતાં હેમા માટે એ ઘરનું વળગણ વ્યાજબી જ હતું.
ક્રમશ: