બાળકો તો મારા માં સ્નાન કરીને મને પવિત્ર કરી જાય છે ,કારણ કે એજ ભૂલકાઓ તેમના ભવિષ્ય બંધારણ ના લાંબા પટ્ટ પ્રદેશમાં મને ગંગોત્રી થી નીકળેલ ગંગા સમાન મહત્વ આપીને પ્રત્યેક જીવન પગથિયે મને ગૌરવાંવિત કરે છે.
એમના જીવનના પ્રત્યેક તબક્કે મારું યોગદાન , આમ તો જો કે મારી ફરજ જ કહેવાય જે એમને ફળવાની જ હોય અને એમના જીવન ને લાભ મળવાનો જ હોય ...
બાલમંદિર ના પહેલા કદમ થી લઈને દસમાં ના પ્રથમ પગથિયાં સુધી , વિજ્ઞાન - કોમર્સ - આર્ટસ ની અટપટી અટકળો થી બારમા ના બોર્ડ સુધી , કોલેજો ની કૌટિલ્ય થી જીવનના કૌટિલ્ય બનવા સુધીની લાંબી સફર એ મારા સહારે જ પાર પાડે છે . જે વાતનો મને બહુ જ આનંદ થાય છે.
પુસ્તક કોઈ પણ હોય પણ એમાં રહેલા શબ્દો નો અખૂટ ભંડાર હરહંમેશ જીવનના અલગ અલગ પગથિયે તમને મદદરૂપ થતો જ હશે. મનુષ્યના જીવન ની બધી ક્ષણો માં મારી હાજરી હોય જ હોય.
આમ જોવા જઈએ તો મને અલગ અલગ ઉપયોગ થી વસાવવામાં આવે છે ....
જીવન માં ખુશી હોય તો મને ભેંટ રૂપે આપવામાં આવે , જીવન માં દુઃખ હોય તો મને માર્ગદર્શક ના રુપે સ્વીકારવામાં આવે, જીવન માં મૂંઝવણ ની પળો માં સંદર્ભ નું સ્થાન આપવામાં આવે , અને પ્રબુદ્ધ જીવન સમયમાં જ્ઞાનવર્ધક ગણવામાં આવે.
મારા અલગ અલગ સ્વરૂપોના જ્ઞાનનું કેટકેટલાય રસિકો દ્વારા પાન કરવામાં આવ્યું. આ જ્ઞાન-પાન થી તેમણે પોતાના જીવન ને તો એક અલગ દિશા આપી જ છે અને પોતાના જીવન ને સફળતાના મૂલ્યાંકન માં ઉચ્ચ ગુણો મેળવી સાર્થક પણ કર્યું છે , સાથે સાથે આ જ્ઞાન ધારાને સમાજ સુધારણા અને માનવ કલ્યાણ ના મૂલ્યોને પામવાના ધ્યેય સાથે જોડ્યું છે.
આવા સત્કાર્યો અને પ્રવર્તમાન માનવ પ્રજા ને આ જ્ઞાનથી પોતાના જીવન ની દરેક સિદ્ધિ પ્રાપ્ત કરવાને લીધે હું મારી જાતને ધન્ય અનુભવું છું . મારી આત્મા એક છે પણ શરીર અનેક છે ,એટલે કે મારું ધ્યેય છે જ્ઞાન નું પાન કરાવવું પણ એના માધ્યમો કે સ્વરૂપો અલગ અલગ હોઈ શકે. એવા જ દરેક સ્વરૂપો અને માધ્યમો દ્વારા હું જન કલ્યાણ ,જન વિકાસ ,જન જાગૃતિ ,જન સાક્ષરતા અને જન ઉદ્ધાર કરુ છું . આવા નિરંતર કાર્યો થી જ આજ સુધી મારું અસ્તિત્વ ટકી રહ્યું છે.
આજનો માનવી ભલે મને ભૂલીને વીજ - ઉપકરણ તરફ વળ્યો હોય,મારા અખૂટ શબ્દ ભંડોળ ને તરછોડી A - Z ના કી બોર્ડ પાછળ પડ્યો હોય,મારા ગૌરવવંતા ઇતિહાસને વિસરી હમણાં જન્મેલા મોબાઇલફોન ને વર્યો હોય, પણ આ બધા વીજકરણોની શોધ અને તેની બનાવટના મૂળ તો મારી જ જ્ઞાન ગંગા ને આભારી છે.
પ્રવર્તમાન સમયનો સમાજ એક ઉપકરણ બની ગયો છે. આજના માનવી સાથે ચર્ચા વિચારણા કરવા માટે પણ પેલા કી બોર્ડ ના અક્ષરોનો સહારો લેવો પડે છે. સામે સામે ઊભા હોવા છતાં મોબાઈલ ફોન થી વાત કરવી પડે છે .આજના સમયના વ્યસ્ત જીવન જીવવાવાળા સમાજના કહેવા પ્રમાણે એમના જીવન માં સમય નો બહુ અભાવ થઈ ગયો છે એટલે એ વધારે મેળ મિલાપ કે વાતચીત નથી કરી શકતા. આવા જ પાયાવિહોણા કારણોને લીધે આજનો માનવી - માનવી થી દુર થતો જાય છે અને પોતાના જીવન ને એક બહુ જ નાના દાયરા માં મર્યાદિત કરી રહ્યો છે. આવા મર્યાદિત સોચ અને મર્યાદિત અનુભવ વાળા માનવીને મારા ગૌરવવંતા ઇતિહાસ ની ઝાંખી અને ખુલ્લા આસમાન ની ઉડાન કરાવવી જ રહી.