43.
એક રાજા હતો. એ ખૂબ જ હોશિયાર અને બળવાન હતો પણ તેને એક જ બીક કાયમ સતાવતી હતી કે મને કોઈ છુપાઈને મારી નાખશે તો? સામી છાતીએ કોઈ મારવા આવે તો એને કોઈ પણ યોદ્ધો હરાવી શકે નહીં પણ પોતે ઊંઘતો હોય ત્યારે મારી નાખે અથવા છુપાઈને કોઈ વાર કરે તો?
એણે પોતાના ખાસ મંત્રીને બોલાવી મનની વાત કહી અને પોતાની શંકા જણાવી. મંત્રીએ કહ્યું "મહારાજ, આમ તો આપના મહેલમાં ચોવીસ કલાક પહેરો હોય છે. છતાં જરૂર લાગતી હોય તો ખાસ અંગ રક્ષક રાખી લો જે ચોવીસે કલાક તમારી સાથે પડછાયાની જેમ રહે."
" હા એ વાત બરાબર છે. આજથી ચોવીસે કલાક મારો અંગરક્ષક રાખું છું." બીજે દિવસે મંત્રીએ ખૂબ જ ચપળ, હોશિયાર અને બળવાન અંગરક્ષકને રાજા પાસે મોકલ્યો. રાજાએ એની પરીક્ષા કરી. એ ખૂબ ચપળ અને બળવાન યોધ્ધો હતો. રાજાએ એને પોતાના અંગરક્ષક તરીકે રાખી લીધો. અંગરક્ષક રાત દિવસ રાજાની સાથે રહેતો. રાજા ઊંઘે ત્યારે પણ શયનખંડની બહાર પહેરો ભરતો. રાજા એકલો જ્યાં જાય ત્યાં અંગરક્ષક તેની સાથે જ રહેતો હતો અને રાજા દરબારમાં બેસે ત્યારે તેની પાછળ ઉભો રહેતો. એક દિવસ રાજા ઊંઘતો હતો ત્યારે એને અચાનક સપનું આવ્યું કે એના અંગરક્ષકે એની છાતીમાં છરો માર્યો. રાજા ચમકીને જાગી ગયો. જોયું તો પોતે સલામત હતો. અંગરક્ષક ઓરડાની બહાર પહેરો ભરતો હતો.
આ સપનાએ રાજાને વધારે વહેમી બનાવ્યો. એ વિચારવા લાગ્યો 'આ અંગરક્ષક પણ છેવટે માણસ છે ને? એને કોઈ પુષ્કળ ધન આપી કે સત્તાની લાલચ આપી લલચાવે તો લાલચમાં તે મારું ખૂન કરી પણ નાખે.' તેણે બીજે દિવસે મંત્રીને બોલાવી પોતાની શંકા કરી મંત્રી કહે તમારી વાત સાચી છે પણ આ અંગરક્ષક અત્યંત વિશ્વાસુ છે. એ પોતાનો જીવ આપી દેશે પણ તમારી સાથે દગો નહીં કરે. તમે કોઈ પર વિશ્વાસ મુકો જ નહીં તો કેમ ચાલે?
પણ રાજાનું મન માન્યું નહીં. એમાં એક દિવસે રાજ દરબારમાં મદારી આવ્યો. એની સાથે વાંદરો હતો. તે એટલો બધો હોશિયાર કે માણસની જેમ જ બધાં કામ કરે. ફક્ત બોલી શકે નહીં. રાજાને એને જોઈને વિચાર આવ્યો કે માણસ કરતાં આ વાંદરા ને અંગરક્ષક તરીકે રાખું તો? એને બીજી કોઈ લાલચ તો હોય નહીં. એણે પેલા મદારીને વાત કરી કે આ વાંદરાને મારા અંગરક્ષક તરીકે રાખવાની ઈચ્છા છે. તું મને વાંદરો વેચાતો આપી દે. આ વાંદરાને મારું રક્ષણ કેવી રીતે કરવું એ પણ શીખવી દે. મદારીનું તો નસીબ ઉઘડી ગયું. એણે અઠવાડિયામાં વાંદરાને બરાબર શીખવીને તૈયાર કરી દીધો અને હજાર સોનામહોરમાં વાંદરાને વેંચીને ચાલતો થયો. વાંદરો ખરેખર ખૂબ જ હોશિયાર હતો. એને મહેલમાં રહેવાનું અને સારું ખાવા પીવાનું મળી ગયું એટલે એ તો પોતાનું કાર્ય બરાબર કરવા લાગ્યો. રાજાએ એને તલવાર પણ આપી અને સિપાઈ જેવો ડ્રેસ પહેરાવ્યો. આખો દિવસ એ વાંદરો રાજા સાથે જ હોય.
મંત્રીએ રાજાને એકવાર સમજાવવાની કોશિશ કરી કે માણસનું કામ માણસ કરે, જાનવરને એ કામ અપાય નહીં. પણ રાજાએ તેની વાત માની નહીં.
એક દિવસ રાત્રે રાજા ભર નિંદ્રામાં હતો અને વાંદરો ઉઘાડી તલવાર સાથે તેની ચોકી કરતો હતો. અચાનક વાંદરાએ જોયું તો રાજાની નજીક કાળો સાપ આવ્યો. સાપ ફરતો ફરતો રાજાની છાતી પાસે આવ્યો. તેને જોઈને વાંદરો ચમક્યો. એણે વિચાર્યું કે સાપ રાજાને કરડી જશે તો? એટલે એણે તલવારનો જોરદાર ઘા સાપ પર કર્યો. સાપ તો મરી ગયો પણ એણે એ વિચાર કર્યો નહીં કે સાપ રાજાની છાતી પર પડ્યો છે. વાંદરાએ ખૂબ તાકાતથી વાર કર્યો એટલે તલવાર રાજાની છાતીમાં ખુંપી ગઈ અને રાજા પણ મૃત્યુ પામ્યો.
આમ કામ સોંપતી વખતે પાત્રતા વિચાર કરવી.