Hitopradeshni Vartao - 41 in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | હિતોપદેશની વાર્તાઓ - 41

Featured Books
  • इंटरनेट वाला लव - 88

    आह में कहा हु. और टाई क्या हो रहा है. हितेश सर आप क्या बोल र...

  • सपनों की राख

    सपनों की राख एक ऐसी मार्मिक कहानी है, जो अंजलि की टूटे सपनों...

  • बदलाव

    ज़िन्दगी एक अनन्य हस्ती है, कभी लोगों के लिए खुशियों का सृजन...

  • तेरी मेरी यारी - 8

             (8)अगले दिन कबीर इंस्पेक्टर आकाश से मिलने पुलिस स्ट...

  • Mayor साब का प्लान

    "इस शहर मे कुत्तों को कौन सी सहूलियत चाहिए कौन सी नही, इस पर...

Categories
Share

હિતોપદેશની વાર્તાઓ - 41

41.

એક જંગલમાં સિંહ અને સિંહણનું જોડું રહેતું હતું. બંને પ્રેમાળ અને સારા સ્વભાવનાં હતાં. સમય આવ્યો અને સિંહણે બે બચ્ચાંને જન્મ આપ્યો. સિંહણે દૂર જવાનું બંધ કર્યું. સિંહ એકલો જ શિકાર કરવા જતો. સિંહણ ગુફામાં રહી બચ્ચાંની સંભાળ રાખતી. એક દિવસ સિંહ શિકાર કરવા નીકળ્યો પણ એને એક પણ શિકાર મળ્યો નહીં. આખો દિવસ રખડી રખડીને એ થાકી ગયો. એવામાં એની નજર એક શિયાળ પર પડી. નજીક જઈને જોયું તો શિયાળ મરી ગયેલું પણ એની બાજુમાં તેનું નાનકડું બચ્ચું રમતું હતું. એણે નિરાધાર બચ્ચું પકડી લીધું પણ સિંહ એને મારવા ગયો ત્યારે એને પોતાનું બચ્ચું યાદ આવ્યું. પોતાનું બચ્ચું પણ કેટલું નાનું અને નબળું હતું ! કોઈ પણ એને મારી નાખી શકે. તો આવા નાનાં બચ્ચાંને મારવામાં શી બહાદુરી? એને દયા આવી એટલે એણે બચ્ચાંને માર્યા વગર ઉપાડી લીધું અને પોતાની ગુફામાં લઈ આવ્યો. બચ્ચું સિંહણને આપી દીધું.

સિંહણ પણ એવી જ દયાળુ હતી. એણે બચ્ચાંને સાચવી પોતાના બે બચ્ચાં ગણી પોતાનું દૂધ પીવડાવી સુવડાવી દીધું. બીજા દિવસથી ત્રણેય બચ્ચાને સિંહણ ઉછેરવા લાગી. પોતાના બચ્ચાની જેમ શિયાળાના બચ્ચાને પણ એ પોતાનું દૂધ પીવડાવતી અને સાર સંભાળ રાખતી.

સિંહના બચ્ચાં ઘણા નાનાં હતાં જ્યારે શિયાળનું બચ્ચું થોડું મોટું થયું હતું. બંને બચ્ચાં એને પોતાનો મોટો ભાઈ સમજતાં. ત્રણેય જણ સાથે રમતાં. હવે બચ્ચાં થોડાં મોટાં થયાં એટલે સિંહણ પણ સિંહ સાથે શિકાર પર જવા લાગી. આખો દિવસ ત્રણેય બચ્ચાં એકલાં જ ઘરમાં રહેતાં. એક દિવસ એ લોકો રમતાં રમતાં બહાર નીકળી ગયાં. બહાર જંગલમાં તો કેટલી મોકળાશ ! એટલે ત્રણે બહુ ગેલમાં આવી ગયાં. એવામાં એક હાથી મસ્તીમાં ચાલતો ચાલતો એ તરફ આવી પહોંચ્યો. હાથીનું ધ્યાન આ બચ્ચાંઓ તરફ નહોતું પણ ત્રણેય બચ્ચાંઓ હાથીને જોઈ પહેલા તો ડરી ગયાં પણ પછી પોતાના જાતના સ્વભાવ પ્રમાણે સિંહના બચ્ચાં હાથી પર કૂદી પડ્યાં અને શિયાળનું બચ્ચું હાથીને જોઈને નાસી ગયું અને ગુફામાં ભરાઈ ગયું. મોટાભાઈને ભાગતો જોઈને બે બચ્ચાં પણ ભાગી છુટ્યાં અને ગુફામાં ભરાઈ ગયાં. રાત્રે સિંહણ આવી એટલે બચ્ચાં મા પાસે આવીને હાથીની વાત કહેવા લાગ્યાં. સિંહના બચ્ચાઓએ પોતે હાથીના માથા પર કૂદી પડેલાં તેની વાત કરી અને મોટાભાઈ ડરીને નાસી છૂટ્યા એની પણ વાત કરી. પછી બંને બચ્ચાં શિયાળના બચ્ચાંને ડરપોક ડરપોક કહી ચીડવવા લાગ્યાં. શિયાળનું બચ્ચું ગુસ્સે ભરાયું. એ બે બચ્ચાં સાથે ઝગડવા માંડ્યું. પણ દયાળુ સિંહણે જેમતેમ કરીને તેને શાંત પાડ્યું અને ત્રણેયને સુવડાવી દીધાં. સિંહનાં બચ્ચાં તો થોડીવારમાં ઊંઘી ગયાં પણ શિયાળના બચ્ચાંને ઊંઘ આવી નહીં. એને ખોટું લાગ્યું હતું. સિંહણે જોયું કે એને ઊંઘ આવતી નથી. એણે વિચાર્યું કે હવે ઝાઝો સમય આ ભેદ છૂપો રહેવાનો નથી. શિયાળના બચ્ચાંને એની અસલિયત જણાવવાનો સમય આવી ગયો છે. સિંહણે શિયાળના બચ્ચાંને પોતાની પાસે બોલાવ્યું. પછી દૂર લઈ જઈ એનું માથું પ્રેમથી પંપાળતા કહ્યું "જો દીકરા, તને આજે પેલા બે એ ચિડવ્યો. પણ તું ભલે એનાથી મોટો છો , તારી જાતિમાં હાથીનો શિકાર કરવામાં આવતો નથી. હકીકતમાં તું સિંહનું બચ્ચું નહીં પણ શિયાળનું બચ્ચું છે. તારી મા મરી ગયેલી એટલે મેં તને મોટું કર્યું. હું તારી સાચી માતા નથી. તું મોટો થયો અને મારા બે બચ્ચાં પણ મોટાં થયાં. હાથી કે કોઈ પણ પ્રાણીનો શિકાર કરવો એ એમના સ્વભાવમાં જન્મથી છે. તારા સ્વભાવમાં નથી. હવે સમય પાકી ગયો છે. હજી તને એ પોતાનો ભાઈ સમજે છે પણ ક્યારેક તું શિયાળ છો એ ખબર પડશે તો તને પણ એ લોકો મારી નાખશે. માટે તારી ભલાઈ એમાં છે કે તું અહીંથી ચાલ્યો જા અને તારી જાતિમાં ભળી જા. મેં તને પ્રેમથી ઉછેર્યો છે એટલે તને અહીંથી જવાનું કહેતા મારો જીવ કપાય છે પણ તારી સલામતી માટે તું જા. શિયાળનું બચ્ચું સમજી ગયું એ ભલે વધારે તાકાતવાળું નહોતું ચતુર તો હતું. એણે સિંહણનો આભાર માન્યો અને પ્રણામ કરી ત્યાંથી વિદાય લીધી.