39.
એક વણકર હતો. આમ તો એની સ્થિતિ ઘણી ગરીબ. વહેલી સવારથી મોડી રાત સુધી પોતાની સાળ ચલાવે ત્યારે પેટ પૂરતું મળી રહે. અધૂરામાં પૂરું એની શાળ પણ બહુ જૂની. ઘણી જગ્યાએથી તૂટી ગયેલી પણ વણકર સાંધા મારી મારીને એ ચલાવતો હતો. સાળ જોઈએ એવું કામ આપતી ન હતી. વણકરે વિચાર કર્યો કે જંગલમાં જઈ સિસમનું લાકડું કાપી લાવું અને એની નવી શાળ બનાવડાવું જેથી આ ભાંગતુટ ની ઝંઝટ રહે નહીં.
એક દિવસ વહેલી સવારે એ નીકળી પડ્યો જંગલમાં. પણ પોતાને જોઈએ એવું ઝાડ મળ્યું નહીં. શોધતો શોધતો એ ઘણે દૂર નીકળી ગયો. ત્યાં એક સરસ મજાનું સીસમનું ઝાડ દેખાયું. તે ઝાડ જોઈને ખુશ થયો. ચાલો આમાંથી ઘણું લાકડું મળશે એમ વિચારી એણે ઝાડ કાપવા માટે કુહાડી ઉપાડી.
ત્યાં ઝાડમાંથી રૂપાની ઘંટી જેવો અવાજ આવ્યો "અરે મનુષ્ય, તું આ શું કરે છે?"
પહેલાં તો વણકર ગભરાઈ ગયો. પછી હિંમત કરી બોલ્યો "તમે કોણ છો? હું ગરીબ વણકર છું. મારી શાળ ભાંગી ગઈ છે એટલે નવી શાળ બનાવવા મારે સીસમ ના લાકડાની જરૂર છે તો હું આ લાકડું કાપું છું.
"ભાઈ, તું અહીંથી લાકડું નહીં કાપી શકે. હું વનદેવી છું. અને આ મારું નિવાસસ્થાન છે. આ વૃક્ષમાં મારું સ્થાનક છે. તું કાપી નાખ તો હું ક્યાં નિવાસ કરું?"
" પણ દેવી, મારે સીસમનું લાકડું જોઈએ.
કંઈ વાંધો નહીં હું બીજું ઝાડ શોધી કાઢી તમારા નિવાસ્થાન ને નહીં અડું." કહી વણકરે કુહાડી નીચે મૂકી દીધી.
વનદેવી એના પર ખુશ થઈ. "તેં મારું નિવાસસ્થાન અકબંધ રહેવા દીધું તે બદલ હું તને એક વરદાન આપું છું. ચાલ માગ. તું માગે તે આપું." વણકર ખુશ થઈ ગયો પણ એને સમજ ન પડી કે હું શું માગું. એટલે એ બોલ્યો "દેવી, તમે વરદાન આપવા તૈયાર થયાં એ બદલ આભાર પણ હું તમારી પાસે માગી લઉં તે પહેલાં તમે રજા આપો તો મારી પત્નીની ઈચ્છા પણ જાણી લઉં. મારાથી એની ઈચ્છા વિરુદ્ધ કોઈ ખોટું વરદાન ન માગી લેવાય."
" ભલે. તું કાલે આ જ સમયે અહીં આવી જજે અને તારે જે જોઈએ તે માગી લેજે."
વણકર તો ખુશ થતો ઘેર પાછો ફર્યો. એને પાછો આવેલો જોઈને તેની વહુનો પિત્તો ગયો.
" કેમ, ક્યાં ફરી આવ્યા? સવારે તો કહેતા હતા કે શાળ માટે લાકડું લેવા જાઉં છું. ક્યાં છે લાકડું?" "હે ભગવાન, તું મારી વાત સાંભળ આપણું નસીબ ઉઘડી ગયું. હું લાકડું લેવા વનમાં ગયો હતો ત્યાં મને વનદેવી મળી ગયાં. એ મારા પર ખુશ થઈ ગયાં અને વરદાન માગવા કહ્યું. મને સમજ પડી નહીં એટલે તને પૂછવાનું બહાનું કાઢી હું ચાલ્યો આવ્યો. કાલે ફરીથી વરદાન માગવા જવાનું છે. કહે શું માગું?"
" કેવી અક્કલ છે તમારી? વરદાન માગવાનું કહ્યું તો ખજાનો માંગી લેવો હતો. એમાં મને શું પૂછવાનું? કાલે દેવી નહીં મળે તો? અને ખજાનો તો ગમે ત્યારે પૂરો થઈ જાય, ચોરાઈ જાય. એના કરતાં એવું કંઈક કહો કે આપણું કુટુંબ પેઢી દર પેઢી માલદાર થઈ જાય. આપણે માથેથી ગરીબીનું સંકટ ટળી જાય."
" એમાં મને કંઈ સમજ પડે નહીં." વણકરે કહ્યું. "એના કરતાં તમે કોઈ શાણા માણસની સલાહ લો."પત્નીએ કહ્યું.
" પણ કોની સલાહ લેવી? આ ભેદ કોઈ જાણી જાય અને કોણ આપણને સાચી સલાહ આપે? એના કરતા આપણે બે મળીને કાંઈ વિચાર કરીએ. સાંભળ, મને એક વિચાર આવ્યો છે. રાજા બનવાનું વરદાન માંગું. રાજા બનું તો રાજપાટ મળે, ખજાનો પણ મળે એટલે કાયમનું સુખ."
" રાજા બનો તો એક રીતે સારું પણ રાજા ની જવાબદારી ઘણી બધી હોય. યુદ્ધ થાય તો પહેલો વાર દુશ્મનો રાજા અને પરિવાર પર કરે. રોજ સવાર પડે એને આખા રાજ્યની ફિકર. નિરાંતે ઊંઘવા પણ મળે નહીં પછી રાજપાટનું સુખ ભોગવવાનો સમય ક્યાંથી મળે?" પત્નીએ કહ્યું.
"તો રાજાનો પ્રધાન બનવાનું વરદાન માગું."
વણકરની સ્ત્રી એવી દોઢ ડાહી હતી કે એણે પ્રધાનના દુઃખ પણ ગણી બતાવ્યાં. એ રીતે સેનાપતિ, નગરશેઠ, વેપારી બધાનાં દુઃખ ગણી બતાવ્યાં. કંટાળીને વણકર બોલ્યો "હવે તું જ કહે મારે શું વરદાન માંગવું."
" આપણે કાંઈ માગવું નથી. આપણે વણકર જ સારા છીએ."
" પણ તો પછી હું શું માંગુ? કહેતી હોય તો ચમત્કારિક શાળ માંગી લઉં. એવી માંગુ કે જે જાતે જ કાપડ વણ્યા કરે પછી મારે કંઈ કરવું પડે નહીં."
" વાહ આળસુના પીર! વગર મહેનતે પૈસા કમાવા છે? મેં ખજાનો માગવાનું કહ્યું તો કહે કોઈ ચોરી જાય. પણ આ શાળ કોઈ ચોરી ગયું તો?"
"હા એ વાત સાચી. તો પાછા હતા એવા થઈ જઈએ. મારું માનો તો એવું વરદાન માગો કે તમારા હાથ અને પગ બંને ચાર ચાર થઈ જાય એટલે પહેલાં કરતાં વધારે કામ થશે. થોડા વખતમાં આપણે પૈસાદાર થઈ જશું. તમારા હાથ પગ કોઈ ચોરી જાય નહીં."
"વાત તો સાચી." કહી બીજે દિવસે વણકર વનદેવી પાસે પહોંચી ગયો અને તેની સ્તુતિ કરી. વનદેવીએ પ્રસન્ન થઈ કહ્યું "તારી ઈચ્છા હોય એ વરદાન માંગી લે પણ એક જ વખત."
" દેવી, મારા બે ને બદલે ચાર હાથને ચાર પગ બનાવી દો."
"તથાસ્તુ " કહી વનદેવીએ વરદાન આપ્યું. વણકરના હાથ અને પગ ચાર ચાર બની ગયાં. પણ એ વધારાના હાથ પગથી એનું રૂપ વિકરાળ અને વિચિત્ર બની ગયું. એ તો ખુશ થતો ગામમાં પહોંચ્યો.
પણ ગામમાં લોકો એનું વિચિત્ર રૂપ જોઈને ડરીને ભાગવા લાગ્યા. લોકો એને રાક્ષસ સમજવા લાગ્યા. આ વાત જંગલની આગની જેમ આખા નગરમાં ફેલાઈ ગઈ અને ફરિયાદ રાજાના કાને પડી. રાજાએ સેનાપતિને હુકમ કર્યો કે ગામમાં આવી ગયેલા આ રાક્ષસનો વધ કરો. થોડીવારમાં સેનાપતિ લશ્કર લઈને રાક્ષસની શોધમાં ઉપડ્યો. વણકર લોકોની દોડાદોડ જોઈ ગભરાઈ ગયો અને ઘર તરફ દોડવા લાગ્યો. એ ઘર પાસે પહોંચ્યો ત્યાં સેનાપતિ એના રસાલા સાથે આવી પહોંચ્યો. એણે ચાર હાથવાળા રાક્ષસને ભાગતો જોયો એટલે પોતાના સૈનિકોને તીર મારવાનો હુકમ કર્યો. થોડીક ક્ષણોમાં એક સાથે કેટલાંય તીર છૂટ્યાં અને બિચારો વણકર એના ઘર સામે વિંધાઈને પડ્યો. એની વહુ દોડતી બહાર આવી અને જોયું તો પોતાનો પતિ મરેલો પડ્યો હતો. હવે શું માગે?