26.
એક સુંદર સરોવર હતું. આજુબાજુ ઘટા દાર વૃક્ષો અને ઝા. ખૂબ જ સુંદર જગ્યા હતી. ત્યાં સસલાઓનાં ઘણાં કુટુંબ રહેતાં હતાં. ઘણા બધા સસલાઓએ સરોવરના કિનારે ઝાડીઓની ઓથમાં પોતાના દર બનાવ્યાં હતાં. સસલા સિવાય ત્યાં કોઈ રહેતું ન હતું એટલે ઇલાકામાં શાંતિ હતી.
એક દિવસ એ લોકોને માથે આભ તૂટી પડ્યું. ક્યાંકથી એક મોટું હાથીઓનું ટોળું આવી પહોંચ્યું. હાથીના રાજાએ સુંદર તળાવ જોઈ ત્યાં રહેવાનું નક્કી કર્યું. હાથીની દોડાદોડીથી કેટલાક સસલાંઓ ચગદાઈ ગયાં. તેમની વસ્તીમાં હાહાકાર મચી ગયો. પણ હાથીઓને શું? એ લોકો પોતાની મસ્તીમાં આમતેમ ફરતા હતા. ઝાડીઓ તોડી ફોડીને પેટ ભરતા અને સરોવરનું મીઠું પાણી પીતા. એ લોકોને રહેવાની જગ્યા મળી ગઈ પણ સસલાઓની ગઈ. સસલાઓને એમ કે ઠીક બે ચાર દિવસ ફરવા આવ્યા હશે એટલે રહેશે અને પાછા પોતાના મુકામ ચાલ્યા જશે. પણ હાથીઓ તો ત્યાં જ રહી પડ્યા. એમણે સસલાઓના દર ઉડાડી મૂક્યાં. બધાં સસલાં ત્રાસી ગયાં.
એમનો મૂખી ખૂબ હોશિયાર અને અનુભવી હતો. એણે બધાને આશ્વાસન આપી કહ્યું કે પોતે કોઈને કોઈ તરકીબ શોધી કાઢશે અને આ તોફાની હાથીઓને અહીંથી ભગાડીને રહેશે. મુખીની વાત સાંભળી બધાને રાહત થઈ.
પછી સસલાઓનો મુખી વિચારવા લાગ્યો કે હવે શું કરવું? હાથીઓ સાથે પહેલા તો વાત કેવી રીતે કરવી એ જ પ્રશ્નો હતો. હાથીઓ તો મસ્તી માં સૂંઢ પકડીને ઉછાળી મૂકે તો? છતાં પણ હિંમત કરીને એણે હાથીના રાજા ને મળવા ને વિચાર કર્યો. આખી યોજના વિચારી કાઢી એ લપાઈ છુપાઈ હાથીઓના રાજા પાસે પહોંચી ગયો. રાજા મોજમાં હતો એટલે એને સસલા તરફ ધ્યાન આપ્યું. "કોણ છે તું?"
" હું ચંદ્ર દેવતાનો દૂત છું અને ચંદ્ર દેવતાએ મને મોકલ્યો છે."
" કેમ તને મારી પાસે કેમ મોકલ્યો?"
" મહારાજ, તમે જાણો છો કે દૂત ક્યારે જૂઠું નથી બોલતો. મહારાજે તમારા માટે સંદેશો મોકલ્યો છે."
" શું સંદેશો છે?"
"મહારાજ, આ સરોવર ચંદ્ર દેવતાના ખાસ સેવક અને સસલાઓના રાજા શશાંક કુમારનું નિવાસસ્થાન છે. એ આ તળાવની આસપાસ ખાસ સેવકો સાથે વસે છે. ચંદ્રદેવતા ઘણીવાર આ સરોવરમાં પધારે છે પણ તમે અને તમારા હાથીઓએ અહીં ભારે અશાંતિ પેદા કરી છે. સરોવરમાં સ્નાન કરીને એને અપવિત્ર અને ગંદુ બનાવી મૂક્યું છે આથી ચંદ્ર દેવતા તમારા પર ખૂબ નારાજ છે તમારે આ જગ્યા છોડી બીજી સારી જગ્યા ગોતવી પડશે. આ બાબતમાં તમે કસૂર કરશો તો ચંદ્ર દેવતા કોપાયમાન થઈ તમારો સર્વનાશ કરી મૂકશે."
" તેં આબધું કહ્યું પણ એ વાતને હું સાચી કેવી રીતે માનું ? અમારા દેશમાં દુકાળ પડ્યો એટલે તો અમે પાણીની શોધમાં ફરતા ફરતા કેટલી તકલીફો વેઠીને અહીં આવ્યા. હવે ચંદ્રદેવતા કહે કે આ સ્થળ છોડીને ચાલ્યા જાઓ એમ કેવી રીતે બને? અમે ક્યાં જઈએ?"
" મહારાજ, તમારી વાત સાચી પણ ચંદ્ર દેવતાના સેવકો અહીં ઘણા સમયથી રહે છે. એમના રહેઠાણમાં તમે તાકાતના જોરે ઘુસી આવો એ કેવી રીતે ચાલે? એટલે ચંદ્ર દેવતા તમારા પર ગુસ્સે થયા છે. તમારે એમનો ગુસ્સો જોવો હોય તો આજે રાતે સરોવરના કિનારે આવજો. તમને ચંદ્ર દેવતા ક્રોધિત અવસ્થામાં કાંપતા દેખાશે. એની સાથે અમારા મહારાજ શશાંક કુમાર પણ દેખાશે.
"ચંદ્રના દૂત, તારી વાત સાચી હોય તો અવશ્ય અમે તળાવ છોડી બીજે ચાલ્યા જઈશું પણ પહેલા મારે સત્યતાની ખાતરી કરવી પડશે."
"અવશ્ય મહારાજ, આજે રાતે હું સરોવરના કિનારે વડના વૃક્ષ પાસે તમારી રાહ જોઇશ. તમે જાતે આવી મારી વાતની ખાતરી કરજો." એમ કહી સસલો વિદાય થયો. સીધો સરોવરને કિનારે ઝાડ પાસે પહોંચી રાત પડવાની રાહ જોવા લાગ્યો.
હાથીઓના રાજાને ચિંતા પેઠી. હવે શું થશે? એ પણ રાત પડવાની રાહ જોવા લાગ્યો અને રાત પડી કે તરત જ દોડતો સરોવરના કિનારે વડના ઝાડ પાસે પહોંચી ગયો. સસલો પહેલેથી ત્યાં બેઠો હતો. એણે હાથીને બોલાવી કહયું "મહારાજ, અમારા દેવતા થોડીવાર રહીને આવશે. ત્યાં સુધી તમે આરામ કરો "
ચંદ્ર ઊગતો હતો એટલે સસલાએ હાથીને સમજાવીને બેસાડ્યો. થોડીવાર રહી ચંદ્ર ઉગ્યો. પૂનમની રાત હતી એટલે થાળી જેવો ગોળ ચંદ્ર ઉગ્યો એનું પ્રતિબિંબ સરોવરના શાંત જળમાં પડ્યું પણ પવનને લીધે જળમાં પ્રતિબિંબ ધ્રુજતું હતું. પ્રતિબિંબ દેખાયું કે તરત જ સસલાએ હાથીને ઉઠાડ્યો અને કિનારાની નજીક લઈ ગયો. પછી હાથીને જળમાં પ્રતિબિંબ બતાવી કહે "જુઓ, અમારા દેવતા સરોવરમાં પધાર્યા છે. ગુસ્સામાં કાંપે છે ધ્યાનથી જુઓ. એમના હૃદયમાં અમારા રાજાની છાયા પણ દેખાય છે.
હાથીને તો ચંદ્ર ધ્રૂજતો દેખાતો એટલે એ સસલાની વાત સાચી માની ગયો અને દોડતો પોતાના સાથીઓ પાસે પહોંચ્યો અને કહ્યું "ભાઈઓ, આપણે અહીંથી ચાલ્યા જવાનું છે. બધા તૈયાર થઈ જાવ. સસલાઓના દેવતાએ ચંદ્રદેવતાને આપણા અહીં રહેવાની વાત કહી અને ચંદ્રદેવતા આપણા કોપાયમાન થયા છે. હું હમણાં જ તેમને મળીને આવું છું. એટલે આપણે અહીંથી ચાલ્યા જવું પડશે નહીંતર તે બધાનો નાશ કરી નાખશે." આમ કહી હાથી પોતાના સાથીઓને લઈ ચાલ્યો ગયો અને સસલાંઓ ખુશી થતા ફરીથી નિરાંતે ત્યાં રહેવા લાગ્યાં.