23.
તળાવના કિનારે એક પીપળાનું ઝાડ હતું.એ ઝાડ પર ઘણા પક્ષી રહેતાં હતાં. એની બખોલમાં એક ચકલાએ પોતાનો માળો બનાવ્યો હતો. ચકલો એકલો જ માળામાં રહેતો હતો. એક દિવસ ચકલો ચણવા ગયો. આવીને જુએ છે તો એના માળામાં સસલો ઘૂસી ગયો હતો. એને જોઈને ચકલો ગભરાઈ ગયો અને બૂમાબૂમ કરી મૂકી. એ સાંભળી સસલો બહાર આવ્યો.
" કેમ, શા માટે બુમાબુમ કરે છે?" સસલાએ રોફથી પૂછયું.
"તું મારા ઘરમાં કેમ ઘૂસી ગયો? આ તારું ઘર ક્યાં છે?"
" અહીં તો કોઈ નહોતું ખાલી બખોલ હતી એટલે હું રહેવા માંડ્યો. મેં અહીં મારું ઘર બનાવી દીધું છે. હું હવે અહીંથી નહીં જાઉં."
" અરે સ્વાર્થી સસલા, બધા જાણે છે કે હું અહીં પહેલેથી રહું છું. હું ફક્ત ચણવા ગયો હતો. મારી સાથે કોઈ રહેતું નથી એટલે મારો માળો ખાલી હતો. હું કંઈ ત્યજી નહોતો ગયો. હું થોડીવાર ગયો એટલી વારમાં તો તું અંદર ઘૂસી ગયો. આ તો અન્યાય કહેવાય."
" અરે ચકલા, ક્યાંય ધર્મ વિશે કંઈ વાંચ્યું છે? તને ખબર છે, વાવ, કુવો, તળાવ, દેવાલય, ઝાડ અને સ્ત્રી બધાને એકવાર ત્યજી દઈએ પછી એના પર આપણો અધિકાર રહેતો નથી. તારી ઈચ્છા હોય તો શાસ્ત્રના જાણકાર પાસે જઈ આવીએ. એની પાસે ન્યાય તોળાવીએ."
ચકલો ન્યાય કરાવવા તૈયાર થઈ ગયો. બંનેની વાતચીત એક બિલાડો છુપાઈને સાંભળતો હતો. આ બે શિકાર એના હાથમાં આવે એ માટે બિલાડાએ એક યુક્તિ વિચારી. બંને ન્યાયાધીશ શોધવા જે તરફ ગયા એ બાજુના રસ્તે વહેલો પહોંચી એ તપ કરવા બેસી ગયો.
થોડીવારમાં બંને ત્યાં આવી પહોંચ્યા એટલે એમની નજર તપ કરતા બિલાડા પર પડી.
સસલો બોલ્યો "ચકલા ભાઈ, આ કોઈ ધર્માત્મા લાગે છે. એ તપ કરે છે એટલે શાસ્ત્રનો જાણકાર અને ન્યાયી હશે. ચાલો એની પાસે ન્યાય કરાવીએ."
" ચાલો, મને કોઈ વાંધો નથી. આપણે એને વિનંતી કરીએ."
બંને બિલાડાની નજીક આવ્યા અને વિનંતી કરી "બિલ્લુ કાકા , અમારો ન્યાય કરો."
"કોણ છો ભાઈ?" બિલાડાએ ધીમા અવાજે કહ્યું " મને ઓછું સંભળાય છે અને બરાબર દેખાતું નથી. હું ઘરડો છું ને એટલે."
" બિલ્લુ કાકા, હું સસલો અને આ ચકલો. અમારા બંને વચ્ચે રહેઠાણની બાબતમાં ઝઘડો થયો છે. અમે તમારી પાસે ન્યાય કરાવવા આવ્યા છીએ. તમે વડીલ અને ધર્માત્મા છો એટલે શાસ્ત્ર મુજબ અમારી વાત સાંભળી અમારો ન્યાય કરવા મહેરબાની કરો."
સસલાએ વધારે નજીક જઈ મોટા અવાજે કહ્યું. "શું કહ્યું? ન્યાય તોળવા? અરે એ તો બહુ પુણ્યનું કામ છે. હું ઘરડો થયો એટલે મારો મોટાભાગનો સમય પ્રભુ ભક્તિમાં વિતાવું છું. તમારા જેવાને મદદરૂપ થઈ પુણ્ય કમાઉં છું."
" પણ બિલ્લુ કાકા, મહેરબાની કરી અમારા બંનેની વાતમાં બરાબર સાંભળીને ન્યાય તોળજો. નહીં તો હું મારું ઘર ગુમાવી દઈશ." ચકલાએ કહ્યું.
"અરે હા ભાઈ. હું કાંઈ ખોટો ન્યાય કરવાનો છું? મારે શેની લાલચ? હું તો ઘરડો થયો. જે થોડો સમય બચ્યો એમાં થોડું પુણ્ય કમાઉં તો મારો આવતો ભવ સુધરે. પણ ખોટો ન્યાય કરીને પાપનું પોટલું બાંધવું શા માટે? મને બરાબર દેખાતું નથી અને હું પૂરું સાંભળી પણ શકતો નથી. એટલે તમે નજીક આવીને બેસો અને મારા કાનમાં મોટેથી બધી વાત કરો."
બિલાડાએ ઘરડાનો આબાદ અભિનય કર્યો અને ભગતની છાપ પણ પાડી.
સસલા અને ચકલાને એની પર વિશ્વાસ બેસી ગયો. તેઓ બીલાડાની નજીક બેસી ગયા.
જેવા તેઓ નજીક આવ્યા એટલે અચાનક ઝાપટ મારી બિલાડાએ બંનેને ઝડપી લીધા. ચકલો તો એની ઝાપટ પડતાં જ મરી ગયો અને સસલો એના પંજામાં એવો ફસાયો કે છટકી શક્યો નહીં.
ખોટો ઝઘડો કરવામાં દોષિત અને નિર્દોષ બંને જાન ગુમાવ્યા. લુચ્ચો બિલાડો તો ફાવી ગયો.