Hitopradeshni Vartao - 13 in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | હિતોપદેશની વાર્તાઓ - 13

Featured Books
Categories
Share

હિતોપદેશની વાર્તાઓ - 13

13.

તો ઉંદરે વાર્તા શરૂ કરી. "એક જંગલમાં એક હાથી રહેતો હતો. એ ખૂબ જ શક્તિશાળી હતો. એના જેટલું કોઈ શક્તિશાળી બીજું ન હતું એટલે એ પોતાની શક્તિનો પૂરેપૂરો લાભ ઉઠાવતો. આખા જંગલમાં ગમે તેમ દોડતો. રસ્તામાં જે કોઈ આવે તેને સૂંઢના એક ઝપાટે ઉપર પહોંચાડી દેતો. એની સામે થાય એવું કોઈ નહોતું. નહોતો સિંહ કે નહોતો વાઘ. બીજો કોઈ હાથી પણ નહોતો. એટલે આ હાથીને ફાવતું મળી ગયું હતું. એ રોજ રમતમાં ને રમતમાં પુષ્કળ નુકસાન કરતો અને અનેક નાનામોટાં પ્રાણીઓને હેરાન કરતો. જંગલનાં બધાં પ્રાણીઓ હાથીના ભયંકર ત્રાસથી કંટાળી જંગલ છોડીને ભાગી ગયાં પણ જેટલાં રહ્યાં હતાં તેઓએ એક દિવસ સભા ભરી અને હાથીના ત્રાસમાંથી કેવી રીતે છૂટવું એનો વિચાર કરવા લાગ્યા. બધા એ નિર્ણય પર આવ્યા કે ગમે એમ કરીને હાથીને સ્વધામમાં પહોંચાડી દેવો. પણ કેવી રીતે? કોણ હિંમત કરે? હાથી સાથે બાથ ભીડવાની કોણ હિંમત કરે? બધા ભેગા થઈ હુમલો કરે તો પણ કદાચ પહોંચી નહીં વળે. અને એ માટે તૈયાર કેટલા થાય?  આ બધી ચર્ચા થતી હતી એવામાં ક્યાંકથી ઘરડું શિયાળ આવ્યું. એ જમાના નું ખાધેલ હતું અનુભવી શિયાળ પાછળ બેઠું બેઠું બધાની વાત સાંભળ્યા કરતું હતું. ઘરડું હતું એટલે એને મહત્વ કોણ આપે? જગ્યા પણ બેસવાની પાછળ જ મળી. પણ એ સમજતું હતું કે આ બધાથી કંઈ વળવાનું નથી. બધા કંટાળ્યા એટલે એણે હાથીને મારી નાખવાનું બીડું ઝડપ્યું. બધાએ એની મશ્કરી કરી પણ બે ચાર ડાહ્યા હતા એમણે એને તક આપવા કબૂલ્યું.

"તો હું કહું એમ બધા કરવું પડશે." તેણે કહ્યું.

" હા, મંજૂર" બધાએ કહ્યું. "તો બધા ચાલો મારી સાથે" કહી શિયાળ બધાને પોતાની સાથે લઈ ગયું.

તેઓ બધા એક વિશાળ ખાડા પાસે આવ્યા. બધાને ત્યાં અટકાવી શિયાળે પૂછયું "જાણો છો આ શેનો ખાડો છે?"

કોઈ જવાબ આપી શક્યું નહીં કારણ કે કોઈ ત્યાં આવતું નહીં.નીચે ઊંડી ખીણ હતી. જંગલથી આ જગ્યા ખૂબ દૂર હતી. "જ્યારે કહું ત્યારે હું કહું તેમ કરજો. આ કાદવ નો ખાડો ખૂબ જ ઊંડો છે. એકવાર પ્રાણી પડે એ જીવતું બહાર નીકળી શકે નહીં. જેમ ધમપછાડા કરે એમ વધુને વધુ ખુંચતો જાય એવો કિચડ છે. હાથીનું મોત આ ખાડામાં જ થશે."

" પણ આપણે શું કરવાનું? હાથીને જઈને કહેવાનું કે મહારાજ, તમે આવો ને ખાડામાં પડો?" કોઈએ કહ્યું.

" હું કહું તેમ કરો." શિયાળે કહ્યું. "ચાલો, બધા કામે લાગી જાઓ. આજુબાજુ ઝાડી, ઝાંખરા , ડાળી જે હોય તે લઈ આ ખાડો ઢાંકી દો. કોઈને ખબર ન પડે કે અહીં ખાડો છે એવી રીતે એના પર ઝાડી ઝાંખરા પાથરી દો. પહેલા લાંબી ડાળીઓ સામસામેના છેડે ગોઠવી દો. ઉપર છોડ, એની ઉપર વેલા , પાંદડાં." બધાને શિયાળાની વાતમાં વિશ્વાસ બેઠો. બધા કામે લાગી ગયા. થોડીવારમાં ખાડો ઢંકાઈ ગયો.

શિયાળે એક નિશાની ગોઠવી દીધી. ત્યાંથી ખાડાના સામા છેડા સુધી એક મજબૂત થડ ગોઠવેલું હતું. ઉપર્ઘસ, ડાળીઓ, પાંદડાં.

પછી શિયાળે બધાને કહ્યું કે હવે બધા પોતપોતાને ઘેર ચાલ્યા જાવ. આ વાત ખાનગી રાખજો. હું હવે હાથી પાસે જાઉં છું એને ભોળવીને લઇ જાઉં છું. શિયાળની વાત સાંભળી બધા મનોમન ભગવાનની પ્રાર્થના કરતા ત્યાંથી છૂટા પડ્યા.

શિયાળ સીધું પહોંચ્યું હાથી પાસે. હાથી તો કોઈ મોટું પ્રાણી ખાઇ મસ્તીથી લાંબો થઈને પડ્યો હતો. "હાથી મહારાજ, મારા પર તમારી કૃપાદ્રષ્ટિ રાખો." શિયાળે મીઠાશ ભરી વાણીમાં હાથીને કહ્યું.

"કોણ છો?"

" હું છું. શિયાળ.ગજરાજ."

"શિયાળ, અહીં કેમ આવ્યો છે? મારું શું કામ છે ?"મરવું છે તારે?" શિયાળને હાથીએ ગુસ્સે થઈને કહ્યું.

"મહારાજ, હું તો ઘરડું શિયાળ છું. જંગલના બધા માણસોએ ભેગા મળી મને તમારી પાસે મોકલ્યો છે."

" કેમ મારું શું કામ પડ્યું?" "ગજરાજ, બધાનું માનવું છે કે આ જંગલનો કોઈ રાજા નથી. રાજા વિના જંગલ કેવી રીતે હોય? જેને મન ફાવે એમ બધું સાફ કરતા જાય. તો રાજા જોઈએ જ. અને જંગલમાં તમારા જેવો શક્તિમાન બીજો કોઈ નથી એટલે બધાએ મળીને તમને રાજા બનાવવાનું નક્કી કર્યું છે." "મને પૂછ્યા વગર કેમ નક્કી કર્યું?" હાથીએ ક્રોધમાં કહ્યું પણ મનમાં એ રાજી થઈ ગયો.

" અને મહારાજ, બધાએ જંગલના પોતાના રક્ષણ માટે આ નિર્ણય લીધો છે. રાજા એ જ હોય જે બહાદુર હોય, નીતિવાન હોય, ધર્મમાં માનનાર હોય. રાજા વગર પ્રજાની દેખભાળ કોણ કરી શકે? સમાજને વ્યવહાર બરાબર ચાલે એ માટે યોગ્ય રાજા જરૂરી છે. લોકો રાજના ભયથી જ ખરાબ કામ કરતા અટકે છે. નહીં તો બધે અંધાધુંધી ફેલાઈ જાય. માટે તમારી જેવા મહાબલીને જંગલના સિંહાસન પર બેસાડવાની વિનંતી કરી છે. બધા તમારાથી ડરે છે એટલે આ કામ મને સોંપ્યું છે. તો મારી વિનંતી છે કે તમે હમણાં મારી સાથે પધારો. અત્યારે શુભ ઘડી છે. એ ચૂકી જઈશું તો બીજા બે મહિના સુધી રાજ્યાભિષેક શક્ય નહીં બને. માટે મહારાજ, જલ્દી કરો. બધા તમારી રાહ જોઈ રહ્યા છે અને રાજ સિંહાસન પણ તમારી રાહ જોઈ રહ્યું છે."

ચાલાક શિયાળે મીઠી જબાન વાપરી હાથીને સમજાવી લીધો. હાથી તો રાજા બનવા તૈયાર થઈ ગયો અને શિયાળની પાછળ ચાલવા લાગ્યો. રસ્તામાં શિયાળ અલકમલકની વાતો કરી એને પાનો ચડાવતો જતો હતો.

પેલો ખાડો નજીક આવતો ગયો તેમ શિયાળ પોતાની ઝડપ વધારતો ગયો. ખાડો એકદમ નજીક આવ્યો. શિયાળે ઝડપથી દોડવા માંડ્યું. તાનમાં આવેલા હાથીએ ઊંચું જોઈ એની પાછળ દોડવા માંડ્યું. ખાડો આવી પહોંચ્યો.

શિયાળ તો નિશાની કરી હતી એ જગ્યાએથી દોડી જાડી ડાળ પર થઈ સામે પહોંચી ગયો. હાથી એની પાછળ દોડતો જતો હતો ત્યાં ખાડો આવતા એ ખાબક્યો ખાડામાં. ઝાડ પાંદડા ને લીધે એને ખ્યાલ ન આવ્યો કે અહીં ઊંડો ખાડો છે. એ તાનમાં હતો. એણે બહાર નીકળવા જોર કર્યું તેમ વધારે ઊંડે ખૂપી ગયો. પોતાના વજનને લીધે કાદવમાં ડૂબતો ગયો. આખરે તેણે કાદવમાં ફસાઈને છેલ્લા શ્વાસ લીધા.

આ રીતે ચાલાક શિયાળે બુદ્ધિના બળે સૌને ત્રાસ દેતા હાથીનો નાશ કર્યો.