Runanubandh - 34 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ઋણાનુબંધ - 34

Featured Books
Categories
Share

ઋણાનુબંધ - 34

સીમાબહેનને તરત ઓર્થોપેડિક હોસ્પિટલ લઈ ગયા હતા. એમનો ડોક્ટરે એક્સરે પડાવ્યો હતો. એક્સરેમાં સીમાબહેનનું હાડકું સેજ ક્રેક થયેલું જણાતું હતું. આથી સીમાબહેનને અઢી મહિનાનું પ્લાસ્ટર આવ્યું હતું. ડોક્ટરએ ચાલવાની બિલકુલ ના જ પાડી હતી.

સીમાબહેનને પ્લાસ્ટર બંધાવીને ઘરે લાવ્યા હતા. હવે અજયે પ્રીતિને કહ્યું,
"તને પોતું કરતા નથી આવડતું? એવું તે કેમ પોતું કર્યું કે મમ્મી પડી ગયા. જો એમને કેટલી તકલીફ થઈ ગઈ છે."

"મેં તો રોજ કરું એમ જ કર્યું હતું. તેમ છતાં બીજીવાર હું ધ્યાન રાખીશ."

પ્રીતિ મનમાં તો એમ જ બબડી કે, એવું કેમ ચાલ્યા કે પડી ગયા? વળી એમને તો આરામ જ કરવાનો છે, સેવા તો મારે જ કરવાની છે તો હું થોડી ચાયને એ પડે એવું કરું! પ્રીતિ મનમાં જ ગરમ થતી કિચનમાં રસોઈ બનાવવા માટે ગઈ હતી.

સીમાબહેને અઢી મહિનાની રજા લીધી હતી. સીમાબહેને પોતાની આ પરિસ્થિતિનો ખુબ ત્રાસ પ્રીતિને આપ્યો હતો. બધા જ સબંધીઓને ફોન કરી જાણ કરીને પોતાની તબિયત જોવા સામેથી બોલાવે, આથી પ્રીતિને રૂટિન કામ તો કરવાનું જ એ ઉપરાંત મહેમાનનું પણ બધું કરવાનું, વળી કામવાળા બેન પણ નહીં અને પોતાની પરીક્ષા પણ થોડા સમયમાં આવવાની જ હતી. પ્રીતિ ક્યારેક તો રીતસર રડી જ પડતી હતી. એની સાથે જોબમાં એક એની જ ઉંમરની આસ્થા નામની એક ફ્રેન્ડ બની હતી. એની સાથે પ્રીતિ વાત કરીને પોતાનું મન હળવું કરી લેતી હતી. ઓછા સમયમાં જ આસ્થા પ્રીતિની ખાસ ફ્રેન્ડ બની ગઈ હતી. અને આમપણ કહેવાય છે ને, પરિવારના પ્રેમની ખોટ થવા લાગે ત્યારે ફ્રેન્ડ આપોઆપ બનવા જ લાગે છે. આમ પ્રીતિને પણ આસ્થા સાથે એટલે જ બનવા લાગ્યું હતું.

પ્રીતિ અને અજયની પહેલી એનિવર્સરી આવી રહી હતી. અહીં સાસરે તો કોઈને કઈ ખાસ પ્લાન કરવાના હોય એવું પ્રીતિને લાગતું નહોતું. પ્રીતિને અજય માટે કંઈક લેવાનું મન થયું, પણ પ્રીતિની સેલેરી તો અજયના જ એકાઉન્ટમાં જમા થતી હતી. પ્રીતિને અજય પાસેથી જ પોતાના રૂપિયા લઈને ગિફ્ટ લેવા જવાનું ઠીક ન લાગ્યું આથી એણે કઈ જ ન લીધું.

પ્રીતિ ફ્રી થઈને એના રૂમમાં ગઈ હતી. અજય એના સ્ટડીમાં મશગુલ હતો. એને એ પણ ધ્યાન નહોતું કે, પ્રીતિ રૂમમાં પણ આવી ગઈ છે. પ્રીતિ એકવર્ષ પહેલાની યાદમાં ખોવાય ગઈ હતી. અજય પ્રીતિના સહવાસને કેટલું ઝંખતો હતો. અને આજ એક વર્ષ પછી પ્રીતિ એજ છે પણ લાગણીઓ બદલાયેલી પ્રીતિને લાગતી હતી. આવતીકાલે પહેલી લગ્ન વર્ષગાંઠ હોવાથી પ્રીતિ અજય પાસે અનેક આશા રાખીને બેઠી હતી. એને કોઈક પ્લાન ગોઠવવાની ઈચ્છા થઈ હતી, પણ અજય તો એના કામમાં જ ગૂંચવાયેલો હતો. પોતાની ઈચ્છાને દૂર કરી એ ઊંઘી ગઈ હતી.

પ્રીતિ સવારે ઉઠી ત્યારે પણ આગલી રાતનું દર્દ હજુ એને ડંખતું હતું. પ્રીતિ પોતાનું નિત્યકર્મ પતાવીને એના સાસુસસરાને પગે લાગીને આશીર્વાદ લે છે. મનને ખુશ રાખવા ઘરના મંદિરે પ્રભુના દર્શન કરે છે. દર્શન કરતા એની આંખ સેજ ભીની થઈ જાય છે. આજ પ્રીતિને ગમતું નહોતું. સીમાબહેનને પ્રીતિ શું વિચારે છે એ સમજાય જ ગયું હતું. છતાં નજરઅંદાજ કરતા હતા. અને પ્રીતિને પણ ક્યાં એમને જણાવું જ હતું. સવારનું બધું કામ પતાવી એ રૂમમાં ગઈ હતી. અજયને પ્રીતિએ ખુબ પ્રેમથી જગાડ્યા હતા. પ્રીતિએ અજયને શુભેચ્છા આપી ત્યારે અજયને યાદ આવ્યું કે, આજ એમની લગ્નની વર્ષગાંઠ છે. એ થોડો ભોંઠો પણ પડ્યો હતો. અજયે પણ પ્રીતિને શુભેચ્છા આપી હતી, અને અજયે પ્રીતિને કહ્યું કે, "આપણે ત્યાં ઉજવણીના ખોટા ખર્ચ કરતા નથી. આપણા ઘરે દેખાડો થતો નથી. આથી તું કોઈ આશા બાંધીને ન રાખીશ."

"હા, હવે મને પણ અહીં એકવર્ષ પૂરું થયું મને ખ્યાલ જ છે. હું તો કોઈ ખર્ચ કર્યા વગર ફક્ત શુભેચ્છા જ આપું છું." પ્રીતિને થયું કે, સારું મેં કાલ મારા જ પગારને લાવવાનું અજયને કહ્યું નહીં.

અજય પ્રીતિના જવાબથી વધુ ભોંઠો પડ્યો હતો. એ પ્રીતિને શું કહે એ જ ન સમજી શક્યો, એ ખોટી મોભપમાં જ તૈયાર થવા જતો રહ્યો હતો.

તારી આખો મારી આંખોને ક્યાં વાંચી જ શકી..
દોસ્ત! પ્રેમની ગહેરાઈ એટલે જ માપી ન શકી!

પ્રીતિને અજયનું આવું વર્તવું ખુબ વિચિત્ર લાગ્યું હતું. એ ખુબ દુઃખી થઈ ગઈ હતી. પ્રીતિને થયું કે, કદાચ પાર્ટીના બદલે કોઈ યાદગીરી માટે ગિફ્ટ તો લઈ શકે ને? એ પણ ખોટો જ ખર્ચ લાગતું હોય તો એક પ્રગાઢ ચુંબન કે આલિંગનમાં લઈ એની લાગણી તો જતાવી શકે ને! પણ અજય ગણતરી કરી રહ્યો હતો. આજ પ્રીતિને ફક્ત રૂપિયાની જ નહીં પણ લાગણીની પણ ગણતરી થતી જણાઈ રહી હતી.

પ્રીતિ અને અજયના જીવનમાં જે આ સમસ્યા ઉદભવી એવી જ સમસ્યા દરેકના જીવનમાં એકવાર તો ઉદભવે જ છે. લાગણી જતાવવી એ દંપતીના જીવનને વધુ મજબૂત કરે છે. પછી એ લાગણી પ્રેમની હોય કે ગુસ્સાની પણ જતાવવી જરૂરી છે. એ સબંધને મજબૂત કરે છે. બસ, આવા જ વિચારે પ્રીતિ દુઃખી થઈ રહી હતી.

પ્રીતિ રૂમની બહાર આવી બધા માટે નાસ્તો બનાવી, બધું રેડી કરી રાખ્યું હતું. આજ બધાએ સાથે નાસ્તો કર્યો હતો. નાસ્તો કર્યા બાદ બધા પોતપોતાના કામમાં જોડાય ગયા હતા. બધું કામ પતાવી પ્રીતિ કોલેજ ગઈ હતી. આસ્થાએ ખુબ હરખ સાથે પ્રીતિને શુભેચ્છા આપી હતી. પ્રીતિ એટલી ગળગળી થઈ ગઈ કે, આંસુ પાંપણની બહાર નીકળતા માંડ એ રોકી શકી હતી.
પ્રીતિ અને આસ્થાએ કોલેજમાં જ ટી બ્રેકમાં જ થોડી મજા કરી હતી. પ્રીતિ આસ્થાની સાથે હોય ત્યારે એ ખુશ રહેતી હતી. આસ્થાને પણ પ્રીતિ સાથે ખુબ મજા આવતી હતી. પ્રીતિનું મન હવે ઘણું હળવું થઈ ગયું હતું. ગઈકાલની રાતનો ભાર નીકળી ગયો હતો. પ્રીતિ આવાજ પ્રફુલ્લિત મન સાથે ઘરે પહોંચી હતી.

અજય પણ આજ વહેલો ઘરે આવી ગયો હતો. ઘરે આવીને એણે પ્રીતિને કહ્યું કે, "આજ આપણે બધા બહાર જમવા જાશું, તું રસોઈ ન બનાવજે."

"સારું." એટલું જ હસતા ચહેરે પ્રીતિએ કહ્યું હતું. પ્રીતિના પપ્પાનો ત્યારે જ ફોન અજય પર આવ્યો હતો.

"હેલ્લો પપ્પા કેમ છો?" હરખથી ફોન ઉપાડતા અજય બોલ્યો હતો.

"અજયકુમાર લગ્નની વર્ષગાંઠની ખુબ ખુબ શુભેચ્છા. તમે અને પ્રીતિ કાયમ સુખી અને આનંદી જીવન પસાર કરો એવા દિલથી આશીર્વાદ."

"થેન્ક યુ પપ્પા. તમે ક્યારે આવો છો અહીં?"

"આવશું શાંતિથી, કુંદનને આપું છું તમે વાત કરો."

"અજયકુમાર વર્ષગાંઠની શુભેચ્છા. કેમ છો? શું પ્રોગ્રામ છે આજે?" નિખાલસતાથી જ કુંદનબેને પૂછ્યું હતું.

"થેંક્યુ મમ્મી. બસ હમણાં થોડી વારમાં તૈયાર થઈને બહાર જમવા જાશું."

"વાહ, સરસ. ઘરે બધા કેમ છે? યાદી આપજો બધાને."

"અહીં બધા ઠીક છે. હા, ચોક્કસ યાદી આપીશ. પ્રીતિની સાથે વાત કરો, એમ કહી ફોન પ્રીતિને આપ્યો હતો."

પ્રીતિએ પણ વાત કરી અને પોતાના સાસુસસરા સાથે પણ વાત કરાવીને ફોન મુક્યો હતો.

આખો પરિવાર તૈયાર થઈ ગયો હતો. ભાવિની હજુ તૈયાર થઈ રહી હતી. સાંજના ૭ વાગ્યે ડોરબેલ રણકી હતી. પ્રીતિ જ દરવાજો ખોલવા ગઈ હતી. દરવાજો ખોલતા જ એ અચરજમાં પડી હતી. એક કુરિયર વાળા ભાઈ મોટું બોક્સ લઈને આવ્યા હતા. સાઈન કરી બોક્સ પ્રીતિએ લીધું હતું. બોક્સ જોઈને પ્રીતિ સમજી જ ગઈ કે આ કેકનું જ બોક્સ છે. આતુરતા પૂર્વક એણે જોયું કે, કોને મોકલ્યું છે. પોતાના પપ્પાનું નામ વાંચી એ ખુબ ખુશ થઈ ગઈ હતી. પ્રીતિ બોક્સ લઈને અંદર આવી હતી. ઘરમાં બધાના ચહેરે આછું હરખનું સ્મિત હતું, સિવાય કે સીમાબહેન.

શું હશે આ કેક જોઈને સીમાબહેનના પ્રતિભાવ?
કેમ જાળવશે પ્રીતિ પોતાની લાગણીને મનમાં જ? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻