ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૮
આપણે જોયું કે 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આ માસિક શનિવારીય બેઠકમાં સ્પર્ધા દરમ્યાન વિનીયા વિસ્તારીના ચાંદ મામાની જીવનગાથા સાંભળીને સૌ આઘાત અનુભવે છે. આ અનોખી થીમ સ્પર્ધા સૌની અપેક્ષાઓથી વિપરિત એકદમ આસાન, આનંદી અને માણી શકાય એવી હોવાથી સો ઉમંગભેર ભાગ લઈ મજા કરે છે. હવે આગળ...
'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આ માસિક શનિવારીય બેઠકમાં અનોખી, અનેરી અને અલૌકિક આનંદ પ્રાપ્ત થાય એવી સરળ સ્પર્ધા માટે ધૂલો હરખપદૂડાએ અઢળક પ્રસંશા પ્રાપ્ત કરી લીધી હતી.
વળી અપેક્ષિત વિનીયા વિસ્તારી અને સોનકી સણસણાટ તથા ભાવલો ભૂસ્કો અને સધકી સંધિવાત જેવી હોટ ફેવરીટ ટીમ ખાતુ ખોલવવામાં પણ નિષ્ફળ સાબિત થઈ તો મૂકલો મુસળધાર અને હીરકી હણહણાટ તથા કેતલો કીમિયાગાર અને પિતલી પલટવારની અંડરડોગ સ્કવોડ, વિજેતા (૩/૫ પોઈન્ટ)અને ઉપવિજેતા (૨/૫ પોઈન્ટ) જાહેર થઈ. બંને ટીમને હોસ્ટ કપલ તરફથી તપોવન અનાથાશ્રમના બાળકો દ્વારા બનાવેલ ચોકલેટના મસમોટા ગિફ્ટ હેંપર્સ ઈનામ સ્વરૂપે આપવામાં આવ્યાં.
ત્યારબાદ ઈશા હરણીએ સિંધી ગુલાબ જામુન (ગુલાબ જાંબુ) એટલે કે સિંધી પરિવારોમાં સહજતાથી જોવા મળતા આ ચાસણીવાળા સુગર બોમ્બ પિરસી બધાંને ખૂબ ખૂબ ખુશ કરી દીધાં.

આ વિશેષ ગુલાબ જામુનનો સ્વાદ માણવા ઉપરાંત પ્રઘરી, લોલા (લોટ, ચાસણી અને ઘીમાંથી બનેલી ફ્લેટ બ્રેડ) તથા મીઠી દાભલા, ખાંડની ચાસણીમાં પલાળેલી તળેલા બ્રેડના ટુકડા, શાહી ટુકડા સાંસ રબડી જે વધારાની ખાંડની ચાસણીનો ઉપયોગ કરી બનાવેલ સાથે સિંધી બિરયાની એવું સંપૂર્ણ સિંધી મેનુ સૌએ હોંશભેર ખાધું ત્યારબાદ જ ઈશા હરણીને હાશ થઈ.
આગળ હસી મજાક વચ્ચે એમની વિવિધ રમતો સાથે મધરાત થઈ ગઈ. ત્યારબાદ જામી એમની કાયમી મનોરંજક પત્તાની મહેફીલ.
આમ આ મિત્ર વર્તુળ માસિક શનિવારીય બેઠક ત્રણ કારણસર હિટ રહી. એક તો આ શનિવારીય બેઠકની એકદમ અસ્પૃશ્ય, અનન્ય અને અલગારી એવી 'રશિયા યુક્રેન વોર' થીમ આધારીત મનોરંજક, સૌ માણી શકે એવી થીમ. બીજી તો તદ્દન નવલ તથા ચટાકેદાર સિંધી ભોજન, જે સૌએ દિલથી માણ્યું. તો ત્રીજી અને સૌથી અગ્રેસર એવી બાબત હોય તો એ કે દરેક સભ્યને હોસ્ટ કપલ તરફથી તપોવન અનાથાશ્રમના બાળકો દ્વારા બનાવેલ ચોકલેટના એક એક ગિફ્ટ હેંપર ભેટ તરીકે આપવામાં આવ્યા.
સૌએ ભાવવિભોર થઈ ઘૂલા હરખપદૂડા તથા ઈશા હરણીના મોંફાટ વખાણ કર્યા. સૌ આજની શનિવારીય બેઠકથી ભરપૂર તૃપ્ત થઈ છૂટા પડ્યાં.
*
ત્રીજા દિવસે મૂકલા મુસળધારનો ધૂલા હરખપદૂડાને ફોન આવ્યો, "યાર ધૂલા, આ વિનીયા વિસ્તારી અને કેતલા કીમિયાગાર વચ્ચે કોઈ ખીચડી રંધાઈ રહી છે. હજી સુધી બંને કાંઈ ગર્ભિત મિટીંગ ફીક્સ કરી રહ્યાં છે પણ આપણને કોઈ ગંધ આવવા દેતા નથી. જરા તારી રીતે તપાસ કર. અને કાંઈ ખબર પડે તો ફોન કર."
"ઓકે, બોસ" ધૂલાએ ટૂંકોને ટચ ઉત્તર આપ્યો.
બંને, વિનીયા વિસ્તારી અને કેતલા કીમિયાગાર તથા સોનકી સણસણાટ અને પિતલી પલટવાર એમના મિત્ર વર્તુળ વોટ્સએપ ગ્રુપની વોલ પર વોન્ટેડ જાહેર કરવામાં આવી શકાય એ હદ સુધી ગાયબ રહેવા લાગ્યાં. વળી આ ચારેય કસમયે પણ ગ્રુપના દરેક મેરેજ વાંચી લેતા.
તેઓ આ ગ્રુપના મિત્રોના ફોન કોલ પણ રિસિવ કરતાં નહીં. જોકે પાછળથી ફોન કરી લેતાં પણ બીજી કોઈ ચહલપહલ વિશે કોઈ હિન્ટ આપતા નહીં. આમ આ બાબત અકારણ સંદેહ જનક બની ચૂકી હતી.
મૂકલો મુસળધાર ચિંતાતુર બન્યો, 'આમનો પગ કોઈ કુંડાળામાં તો નહીં પડી ગયો હોય! કહી ના શકાય અને સહી ના શકાય એવી પરિસ્થિતિમાં અટવાયા નહીં હોયને!'
એણે મૂકલા મુસળધારએ એમને કોલ કરી મળવા આવીશ એમ જણાવતા એ બંને વારાફરતી ગલ્લા તલ્લા કરવા લાગતા.
હવે મેટર હિરકી હણહણાટએ પોતાના તાબામાં લીધી. એ સોનકી સણસણાટ અને પિતલી પલટવારના ઘરે ફોન કર્યા વગર ત્રણ ત્રણ વખત જઈ આવી પણ દરેક વખતે એનું સ્વાગત તાળાએ જ કર્યુ.
એણે અંતિમ ઉપાય તરીકે પોતાના ઘરે એક નાનકડી પાર્ટી રાખી તમામ સખી વૃંદને આમંત્રણ આપ્યુ. એ પાર્ટીમાં પણ સોનકી સણસણાટ અને પિતલી પલટવાર જ ગેરહાજર રહી. એટલે બાકીની સખીઓ હવે હિરકી હણહણાટની ચિંતા અને પ્રસ્થાપિત પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ.
મયુરીઓ કળાકાર સમાચાર લઈ આવ્યો કે વિનીયા વિસ્તારી અને પિતલી પલટવાર રોજ સવારે ઘરથી બહાર નીકળી જાય છે અને મોડી સાંજે ઘરે પાછાં આવે છે. આપણી શનિવારીય બેઠક થઈ ત્યારબાદ એમના ઘરમાં રસોઈ બની નથી. મને એની કામવાળી બાઈ પાસેથી ખબર પડી.
ભાવલા ભૂસકાએ પોતાની જાસૂસકથા સંભળાવી. જે મયુરીઆની ગુપ્ત જાંચ પડતાલ સાથે મેચ થતી હતી. કેતલો કીમિયાગાર અને પિતલી પલટવાર રોજ સવારે ઘરથી બહાર નીકળી જાય છે અને મોડી સાંજે ઘરે પાછાં આવે છે. આપણી શનિવારીય બેઠક થઈ ત્યારબાદ એમના ઘરમાં ચા પણ બની નથી. મને એના દૂધવાળા ભૈયા પાસેથી ખબર પડી. એણે કેતલાની ઓફિસમાં ફોન કરી એની સાથે વાતચીત કરવા પ્રયાસ કર્યો પણ એને ખબર પડી કે કેતલા કીમિયાગારે એની ઓફિસમાં એક અઠવાડિયાની રજા મૂકી દીધી છે. ના છુટકે મૂકલા મુસળધાર અને ધૂલા હરખપદૂડાએ ફોન પર નક્કી કર્યુ કે એ દિવસે મોડી સાંજે કે રાત્રે અગિયાર વાગ્યા બાદ કેતલા કીમિયાગારના ઘરે જવું.
બંને મૂકલા મુસળધારના સ્કૂટર પર લગભગ સાડા દસ વાગ્યે કેતલા કીમિયાગારના ઘરે પહોંચી ગયા. એમને પણ દરવાજે લટકતું ખંભાતી તાળુ મળ્યુ. ધૂલા હરખપદૂડાએ એને મોબાઈલ પર કોલ લગાડ્યો. લાંબી રિંગ વાગવા બાદ કોલ લેવાયો. ધૂલાનો મોબાઈલ ફોન સ્પીકર ઓન મોડ પર હતો.
કેતલાનો થાકેલો અવાજ સંભળાયો, "બોલ ધૂલા, શું સમચાર છે?"
ધૂલો ગિન્નાયો, "કાંઈ નહીં. એમ જ ફોન કર્યો. ક્યાં છે તું?"
"ઘરે." સામેથી જવાબ આવ્યો, "કેમ? આ ટાઈમે ક્યાં હોવાના!" ધૂલો ભડકી ગયો પણ મૂકલાએ શાંત રહીને વાત કરતા રહેવા ઇશારો કર્યો.
"આજકાલ વોટ્સએપ ગ્રુપ પર પણ દેખાતો નથી એટલે મને થયું લાવ વાત કરી લઈએ." ધૂલાએ વિવેક જાળવી વાત આગળ વધારી.
કેતલાએ જવાબ આપ્યો, "આજકાલ ઓફિસમાં કામ બહુ જ વધારે છે. એટલે ઘરે આવતા પણ મોડું થઈ જાય છે. તેથી મોબાઈલ પર સમય નથી આપી શકાતો. આજે પણ હમણાં જ આવ્યો. બસ હાથ પગ મોઢું ધોઈને જમવા બેસતો હતો ત્યાં તારો ફોન આવ્યો."
એનો ગર્ભિત ઇશારો સમજીને ધૂલાએ કોલ સમાપ્ત કરવા શરૂઆત કરી, "ભલે ભલે, જમી લે નિરાંતે. આપણે ફરી કોઈ વખત વાત કરી લઈશું." બંને ચમકી ગયા હતા. એમને ખબર પડી ગઈ કે કેતલો કીમિયાગાર ખોટુ બોલી રહ્યો હતો. એક તો એ ઘરે નહોતો વળી ઓફિસમાં પણ રજા પર હતો.
હવે તેઓ વિનીયા વિસ્તારીના ઘરે ગયાં ત્યારે સાડા અગિયાર જેવો સમય થઈ ગયો હતો છતાં એના ઘરે પણ તાળુ જ લટકતું હતું. આ વખતે મૂકલાએ સ્પીકર ઓન કરી વિનીયાને મોબાઈલ ફોન પર કોલ જોડ્યો. વિનીયાએ નમ્રતાથી અભિવાદન કર્યુ, "આજે સૂર્ય કઈ દિશામાં ઊગ્યો છે! નાના માણસો યાદ આવી ગયા."
મૂકલાએ મલકાટ કરી, "તું ગાયબ થઈ ગયો છે. હમણાં બહારગામ જતો રહ્યો છે કે શું?" એણે દાણો દાબી જોયો.
જોકે વિનીયાએ તરત વિસ્તારપૂર્વક પણ વિશ્વાસપૂર્વક જવાબ આપ્યો, "ના ભાઈ ના. કામકાજ છોડીને ક્યાં જાય! અહીંયા જ છીએ. એમાં મારી તો ઓફિસ પણ ઘરમાં જ છે. લેપટોપ પર નિરાંતે કામ ચાલુ છે."
મૂકલાએ ફોન પર વાત સંક્ષિપ્ત કરી, "ઠીક છે. તું કામ ચાલુ રાખ, હું ઊંઘી જઈશ હવે." એણે નિરાશ થઈ એનો જવાબ સાંભળ્યા વગર કોલ ડિસકનેક્ટ કરી નાખ્યો.
એ બંને વિનીયાના ઘરની બહાર ઊભા ઊભા એકમેક સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા હતા.
શું ચક્કર છે આ કેતલા કીમિયાગાર અને વિનીયા વિસ્તારીનું? જે હોય તે પણ આ ચક્કર અલગ અલગ છે કે એમનુ સહિયારું? શું એ લોકો કોઈ મુસીબતમાં તો નથી મૂકાઈ ગયાં? હવે આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૩૯ તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).
લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).