ભાગ - ૫
વ્યોમ અને ઈશ્વા જે તરફ કદમ ઉપાડી રહ્યા હતાં એની વિરુદ્વ દિશામાં ઉગેલી ઝાડીઓ પાછળથી બે આંખો એમને તગતગીને જોઈ રહી હતી....
મંદિરની આસપાસ જે વસ્તી હતી એ ત્યાંના વર્ષોથી રહેતા આવેલા આદિવાસીઓના ઘરો હતાં. અણઘડ, અભણ, અણસમજુ આદિવાસીઓ લાગણીભૂખ્યા હતાં. કલ્યાણીદેવીએ એમના વિકાસ અર્થે ઘણો પ્રયાસ કર્યો હતો અને થોડેઘણે અંશે સફળ પણ થયા હતા. હજી આધુનિકતાના વાયરા અહીં સુધી પહોંચ્યા નહોતા. પોતાની મસ્તીમાં રહેવું, થોડીઘણી ખેતી અને માતાજીની સેવા ચાકરીમાં જ પોતાનું જીવન વ્યતીત કરતો આ આદિવાસી સમાજ હજી ઘણો પછાત હતો.
વ્યોમ અને ઈશ્વા ઓટલે બેઠેલ વડીલોના આશીર્વાદ લઈ ગાડીમાં ગોઠવાયા. કૌશલ અને દિલીપ પણ બધા બાળકોમાં મીઠાઈ, નાસ્તો, કેટલીક નોટબુકો, પેન્સિલો, વગેરે વહેંચીને કારમાં બેઠા એટલે મોહને ગાડી સિલ્વર પેલેસ તરફ હંકારી.
બધા હોટેલ પહોંચ્યા ત્યાર સુધીમાં તો અંધારાનું સામ્રાજ્ય ધીરે ધીરે વિસ્તરી ચૂક્યું હતું. ચારે કોર પર્વતોની હારમાળા સાથે શાંતિની હારમાળા પણ ફેલાઈ રહી હતી. દૂર દૂર પહાડો પર વસેલા ઘરોમાંથી રેલાતો લાઈટોનો પ્રકાશ જાણે દીવા ટમટમતા હોય એવો ભાસતો હતો. માનગઢની આછીપાતળી વસ્તીવાળી ટેકરીઓ વચ્ચે આવેલી એકમાત્ર હોટલ સિલ્વર પેલેસ પણ દૂરથી અંધારામાં ભૂતિયા મહેલ જેવી દેખાતી હતી. વરસો પુરાણા આ મહેલનુમા હોટલમાં ગણ્યાગાંઠ્યા કર્મચારીઓ હતા. લોકવાયકા એવી હતી કે આ હોટલમાં એક વર્ષથી વધુ કોઈ ટકતું જ નહોતું પણ મેનેજર છોટુભાઈ લગભગ ચાર વર્ષથી ટકી ગયા હતા અને બીજા બે નોકર સુખલાલ અને ભગાભાઇ પણ ત્રણેક વર્ષથી અહીં જ હતા અને બીજા ચારેક વેઇટર અને એક શેફ સોહનલાલ. કલ્યાણીદેવીએ તન, મન અને ધનથી કરેલા પુરુષાર્થરૂપે છેલ્લા ત્રણેક વર્ષથી હોટેલ સિલ્વર પેલેસમાં યાત્રીઓની અવરજવર વધી હતી. માનગઢને ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસિત કરવામાં કલ્યાણીદેવીનો મહત્વપૂર્ણ ફાળો હતો.
@@@@
"એ આવી રહ્યો છે. .. એ પાછો આવી રહ્યો છે. ." તાવથી ધગધગી રહેલા રઘુકાકા ઊંઘમાં પણ બબડી રહ્યા હતા. સંતુ અને જીવો ખડેપગે એમની ચાકરી કરી રહ્યા હતા. ડોકટરે આવીને એમને ઘેનનું ઇન્જેક્શન તો આપ્યું હતું પણ એમની લવારી નહોતા રોકી શક્યા. સંતુ અને જીવો બેય ઉચાટમાં એકમેક તરફ જોતાં વારાફરતી રઘુકાકાના કપાળે બરફના પાણીના પોતા મુકી રહ્યા હતા. છેલ્લા કેટલાય દિવસથી એ બંનેએ રઘુકાકાને તણાવમાં રહેતા જોયા હતા. જ્યારથી સંતુ અને જીવો હવેલીમાં આવ્યા હતા ત્યારથી એમણે ક્યારેય રઘુકાકાને ઉદાસ કે ખિન્ન થતાં જોયા નહોતા. હોઠે સ્મિત સાથે ધીમું ગણગણતા રઘુકાકા કાયમ ખુશ જ દેખાતા.
"કોણ જાણે કોની નજર લાગી ગઈ છે કાકાને? જુવો ને ઊંઘમાંય એમના મોઢા પર ઉદાસીની છાયા ફરી વળી છે." સંતુ પોતાની સાડીના પાલવથી રઘુકાકાનો ચહેરો લુછી રહી હતી, "મને તો ચંત્યા થાય છે."
"ચંત્યા તો મનેય થાય છે, આ ડોહાની ડાગળી ચસ્કી ગઈ છે કે એમને કોઈનું ભૂત વળગ્યું છે..." જીવાએ રઘુકાકા પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો. જામનગર આવ્યા ત્યારથી જીવાના મનમાં રઘુકાકા પ્રત્યે કડવાશ ભરાઈ ગઈ હતી. એને લાગતું કે રાઠોડ પરિવાર જરૂરત કરતા વધારે વિશ્વાસ રઘુકાકા પર મુકતો હતો. "એક દિ' આ ડોહો હંધાયના વ્હાણ ડુબાડશે" આ વાક્ય એ લગભગ રોજ એકાદવાર તો સ્વગત બોલતો જ.
"હાલો હવે, મનમાં ઘોડા દોડાવવાનું બંધ કરો ને કાકાના શરીરે પરસેવો વળી ગયો છે ઈ લુછી દયો. હું મૂઈ કઈ રીતે ઇમના શરીરે હાથ અડાડું?"
"લે કર વાત, હમણાં કાકાના કપાળે પરસેવો લૂછતાં તને કાઈ નો થ્યું ને હવે શરીર લુછવાની ના પાડે છે. ઈ તારા બાપાની ઉમરના છે. દીકરીની જેમ લુછી દે."
"તમારી હારે જીભાજોડી નો કરાય મારા બાપ, હું જ લુછી દઉં છું અને પછી એમના હારું ગરમાગરમ રાબ બનાઈ ને લઈ આવું, મોઢે જરીક હારું લાગસે." સંતુએ ગમછા વડે રઘુકાકાના શરીરે વળેલો પરસેવો લૂછ્યો અને રસોડામાં જઈ રાબ બનાવવાની તૈયારી કરવા લાગી.
"આ ડોહાના મગજમાં હેની રાઈ ભરાઈ છે, કેટલો બબડાટ કરે છે, ઈ આંખ ઉઘાડે એટલી વાર, આજ તો પૂછી જ સારું છે કે ઇમને થ્યું છે સું?" જીવાએ ખિસ્સામાંથી બીડી કાઢી, સળગાવીને બે હોઠ વચ્ચે દાબી દીધી.
@@@@
"પપ્પા, દીદી ગઈ ત્યારથી આ ઘર સાવ સૂનું સૂનું લાગે છે. દીદીને થોડા દિવસ આપણી સાથે રહેવા બોલાવી લો ને.." ઉદાસ મોઢું લઈ તેજસ, ઉર્વીશ ઉપાધ્યાય સામે બેસી ગયો.
"દીકરા, હવે એ પરણીને સાસરે ગઈ છે. હમણાં એને ન બોલાવાય, થોડા દિવસ પછી એ આવશે." નીલાક્ષીબેને તેજસના વાળમાં મમતાભર્યો હાથ ફેરવ્યો પણ અંદરખાને એ ય ઈચ્છતા તો હતા જ કે ઈશ્વા થોડા દિવસ માટે પિયર રહેવા આવે, એમની પાપણે આંસુના ટીપા બાઝી ગયા અને ગળે ડૂમો ભરાઈ આવ્યો.
"તમે બંને હવે રડવાનું બંધ કરો, મારી હમણાં જ ઈશ્વા સાથે વાત થઈ. એ લોકો બધા માનગઢ ગયા છે, ત્યાંથી આવશે એટલે એ અહીંયા જ આવવાની છે."
"પણ પપ્પા, મને દીદી વગર નથી ગમતું એનું શું?"
"બેટા, હવે તો એ સાસરિયું જ એનું ઘર છે, એ અહીંયા પણ આવતી જ રહેશે અને એ ક્યાં આપણાથી દૂર છે? તું ઈચ્છે ત્યારે એને મળી શકે છે. આ રોડ ક્રોસ કર્યો એટલે એના ઘરે પહોંચી જવાય અને હવે તો તારે પણ યુ.એસ. જવાનું છે ફરધર સ્ટડી માટે, પછી તને ટાઈમ જ નહીં મળે અને તને ઈશ્વાની બહુ યાદ પણ નહીં આવે. હવે હું નીકળું, મને લેટ થશે તો આખી હોસ્પીટલ આપણા ઘરે આવી પહોંચશે.." તેજસના ગાલે હાથ ફેરવી, બેગ લઈ ડો. ઉર્વીશ પોતાની બેગ લઈ હોસ્પીટલ જવા રવાના થયા.
@@@@
"દાદી, આ જુઓને, કૃતિ મને ચીડવે છે.. " કૃતિ સામે જીભ કાઢતા પાર્થિવે પોતાની ફરિયાદ રજુ કરી, "એ ક્યારે જશે પાછી ભોપાલ?"
"દીકરા, એમ ન કરાય, એ તારી બેન છે. એ પણ એના મામાના લગ્નમાં આવી છે ને. થોડા દિવસ આપણે બધા સાથે રહીએ તો કેટલું સારું લાગે." કલ્યાણીદેવીએ પાર્થિવને પોતાના ખોળામાં લીધો.
"પણ, મમ્મી કહે છે મારે એનાથી દૂર રહેવાનું."
"મમ્મી ભલે ને કહે, તારે તો બેન જોડે રમવાનું. જો કેવા ગાલ ફુલાવીને ઉભી છે. સોરી કહી દે એને. સાથે રમવાનું હવે," આ બંનેની માંઓ અત્યારથી જ નાના ભૂલકાઓના મગજમાં ઝેરના બીજ વાવી રહી છે જેની ડાળો ભવિષ્યમાં એકબીજા સાથે અથડાશે અને ચકમક ઝરશે. પણ મારું કોણ સાંભળે છે?" મનમાં ને મનમાં દુઃખી થતાં કલ્યાણીદેવીએ કૃતિને પણ પાસે બોલાવી બાજુમાં બેસાડી.
@@@@
"વ્યોમ, મમ્મીજીને કહીને આપણું હનીમૂન અહીં જ ગોઠવી દઈએ તો?"
"ઈશુ, ઈચ્છા તો મારી પણ એ જ છે, પણ મમ્મીને મનાવવી એટલે વાઘણની બોડમાં હાથ નાખવો. એ કહેશે એટલે આપણે પાછા જામનગર જવું જ પડશે. છતાંય ડિનર વખતે હું એકવાર મમ્મી જોડે વાત કરી એમને મનાવવાની કોશિશ કરીશ."
"લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ," ઈશ્વાએ વ્યોમને એક પ્રગાઢ આલિંગન આપ્યું.
રાતે સૌ ડાઇનિંગ હોલમાં ડિનર માટે એકઠા થયા અને શેફ સોહનલાલે બનાવેલી લોકલ વાનગી આરોગતા વાતે વળગ્યાં.
"આપણે આવતીકાલે સવારે અહોથી જામનગર જવા નીકળવાનું છે. સૌ સમયસર તૈયાર રહેજો. ફક્ત વ્યોમ અને ઈશ્વા અહીં અઠવાડિયું રોકાશે. એમની બધી વ્યવસ્થા અહીં થઈ ગઈ છે. "
આ વાત સાંભળતાં જ વ્યોમ અને ઈશ્વાને તો જાણે ભાવતું તું ને વૈદે કહ્યું જેવો ઘાટ ઘડાયો. બંનેએ એકમેકની આંખોમાં આંખ પરોવી વાત કરી લીધી પણ કિસ્મતને કંઈક જુદું જ મંજુર હતું. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. .." અણધારી આફતના ઓછાયા હળવે પગલે આવીને દસ્તક દઈ રહ્યા હતા....
ક્રમશ: ...