ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૭
આપણે જોયું કે 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આગલી માસિક શનિવારીય બેઠકમાં સ્પર્ધા ગોઠવાઈ હતી. ઈશા હરણીએ સિંધી ભોજનનું મેનુ ફાઇનલ કરી લીધું હતું. જોકે સૌ આ બેઠક માટે સૌ મિત્રવર્ગ વૈવિધ્યપૂર્ણ રીતે પણ પ્રસંગોપાત તૈયાર થઈને આવે છે. આ વસ્ત્ર પરિધાનમાં અપવાદ એવા વિનીયા વિસ્તારીના ચાંદ મામાની જીવનગાથા સાંભળીને સૌ આઘાત અનુભવે છે. હવે આગળ...
હિરકી હણહણાટ હણહણી, "ઓલ હિઅર હિયર ઓનલી." બધાં પહેલાંથી હતપ્રભ હતાં એમાં આ અપગ્રેડેડ અંગ્રેજીએ એમને સૌને અસમંજસતાની ખાઈમાં ઘકેલી દીધાં.
છેવટે એણે ખુલાસો કરી દીધો, "તમને ક્યારે સમજ આવશે! ઓલ હિઅર હિયર ઓનલી એટલે બધું અહીંનું અહીં જ છે." અને એ તંગ તથા ગંભીર થઈ ગયેલા વાતાવરણમાં અચાનક હાસ્યની છોળો ઊડવા લાગી.
અકલ્પ્ય રીતે બેઠકના ભેંંકાર હવામાનમાં હાસ્યનો પલટો આવી, છવાઈ ગયો. હવે સૌને ધ્યાન આવ્યું કે વિનીયાએ વિસ્તારપૂર્વક ચાંદ મામા વિષયક અહેવાલ આપીને સારો એવો સમય વાપરી લીધો હતો. હવે સૌ રશિયા યુક્રેન વોર આધારીત થીમ સ્પર્ધા રમવા તલપાપડ થતાં હતાં.
આ અસ્પૃશ્ય વિષય તથા અનન્ય સફર માટે યજમાન ધૂલો તો હરખપદૂડો (DTH) એ ગેમ એની અનોખી શૈલીમાં રમાડવા તૈયાર હતો. એણે પાંચ ચિઠ્ઠી નાખી દરેક કપલને એક એક ચિઠ્ઠી ઉપાડવા જણાવ્યુ.
દરેક યુગલ ટીમને એક એક ટાસ્ક આપવામાં આવશે એવી જાહેરાત સંભળાઈ બધાં તૈયાર થઈ ગયાં. સહુથી પહેલી ચિઠ્ઠી આખા ગ્રુપના બા બાપુજી એવા મૂકલા મુસળધાર અને હિરકી હણહણાટને કાપલી ઉપાડવા કહેવાયુ. બાદમાં સૌએ પોતપોતાની એક એક ચિઠ્ઠી ઊપાડી.
આમાં એક નંબર વિનીયા વિસ્તારી તથા સોનકી સણસણાટનો આવ્યો. એન્કર ધૂલા દ્વારા એમને એક ટાસ્ક આપવામાં આવી કે જેમાં એમને એક હિન્દી ફિલ્મનું ગીત ગાવાનું હતુ, એ પણ ફક્ત એક મિનિટની અંદર. જો નહીં ગાયુ અથવા ખોટું ગાયુ તો નેક્સ્ટ ટીમને ચાન્સ મળશે. આ ગીતના શબ્દોમાં એ એક ખાસ શબ્દ આવવો જ જોઈએ. વળી એ શબ્દપ્રયોગ એ શબ્દ માટે સીધેસીધો નહીં પણ આડકતરી રીતે જ થવો જોઈએ.
ધૂલાએ એ શબ્દ આપ્યો, "રશિયા."
વિનીયાએ વિસ્તારપૂર્વક વિચાર કરી છેવટે એક ગીત લલકાર્યુ,
'મેરા જૂતા હૈ જાપાની,
યે પતલુન ઈંગલિશતાની,
સર પે લાલ ટોપી રૂસી,
ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની.'
બધાં એક સાથે હસી પડ્યાં, "ખોટું."
વિનીયા વિસ્તારીએ વિશ્વાસપૂર્વક સવાલ કર્યો, "કેમ ભાઈ, આ રૂસી એટલે રશિયા! એ પણ આડકતરી રીતે."
પણ એન્કર ધૂલાએ ના પાડી દીધી, "આડકતરો ઉલ્લેખ બરાબર છે પણ રશિયા શબ્દ ગીતમાં આવ્યો નથી."
આમ આ ટાસ્ક હવે ચિઠ્ઠી નંબર બે ભાવલા ભૂસકા અને સધકી સંધિવાતને ટ્રાન્સફર થઈ ગઈ. એમણે ખૂબ માથુ ખંજવાળ્યું પણ એવુ કોઈ હિન્દી ફિલ્મનું ગીત એમને યાદ આવ્યુ નહીં. છતાં સધકીએ સમય મર્યાદા સમાપ્તિ પહેલાં ઝડપભેર એક ગીત ઠપકાર્યુ,
'ઓ રંગ રશિયા, ક્યાં રમી આવ્યા રાસ જો, આંખલડી રાતી..'
બધાંએ દેકારો બોલાવ્યો. એન્કર ધૂલાએ આ ગીત માટે પણ ના પાડી દીધી, "આડકતરો ઉલ્લેખ બરાબર છે વળી રશિયા શબ્દ પણ આવ્યો, છતાં આ હિન્દી ફિલ્મનું ગીત નથી."
સ્વાભાવિક રીતે આ ટાસ્ક હવે ચિઠ્ઠી નંબર ત્રણ એવા મૂકલા મુસળધાર અને હિરકી હણહણાટને ટ્રાન્સફર થઈ ગઈ. મૂકલો તો જોતો રહી ગયો પણ હીરકીએ હણહણાટ કર્યો,
'હો ઓ ઓઓઓઓઓ,
પંખ હોતે તો ઊડ આતી રે,
રશિયા (રસિયા) ઓ બાલમા,
તૂજે દિલ કા દાગ દિખલાતી રે...'
ધૂલાએ હા પાડી એટલે એ જોડીને એક પોઇન્ટ મળી ગયો.
હવે ચિઠ્ઠી નંબર ૨ વાળા ભાવલા ભૂસકા અને સધકી સંધિવાત માટે નવી ટાસ્ક આપવાની હતી.
એન્કર ધૂલા દ્વારા એમને એક નવી ટાસ્ક આપવામાં આવી કે જેમાં એમને એક હિન્દી ફિલ્મનો યુગલ ડાયલોગ રજૂ કરવાનો હતો, આ પણ ફક્ત એક મિનિટની અંદર. જો નહીં બોલ્યા અથવા શબ્દપ્રયોગ ખોટો થયો તો નેક્સ્ટ ટીમને ચાન્સ મળશે. આ ડાયલોગના શબ્દોમાં એક ખાસ શબ્દ તો આવવો જ જોઈએ. વળી એ શબ્દપ્રયોગ એ શબ્દ માટે આડકતરી રીતે થવો જોઈએ.
ધૂલાએ નવો શબ્દ આપ્યો, "યુક્રેન."
ભાવલો ભૂસ્કો અને સધકી સંધિવાત ફરી મૂંઝવણ અનુભવાય એમ હતાશ થઈ ગયાં. ફરી સમય અવધી સમાપ્ત થઈ ગઈ પણ આવો ભારેખમ શબ્દ, એ પણ યુગલ ડાયલોગમાં ક્યાં ફિટ કરવો એ એમને ધ્યાન આવ્યુ નહી.
ફરી એક વખત આ ટાસ્ક હવે મૂકલા મુસળધાર અને હિરકી હણહણાટને ટ્રાન્સફર થઈ ગઈ. મૂકલો ફરી એક વખત જોતો રહી ગયો પણ આ વખતે સુધ્ધાં હીરકીએ હણહણાટ કર્યો, "ફિલ્મનું નામ મુન્નાભાઈ એમ. બી. બી. એસ. અને ડાયલોગ છે...
'હે ચિંકી, આપૂન કો તેરે કો એક બાત પૂછને કા હૈ. પૂછુ?'
'યસ મુન્ના, યુક્રેન (યુ કેન).'
ઓકે?"
બધાંએ તાળીઓના ગડગડાટથી હીરકી હણહણાટને બિરદાવી લીધી. હકીકતમાં કોઈને યાદ નહોતુ કે ફિલ્મ મુન્નાભાઈ એમ. બી. બી. એસ. માં આવો ડાયલોગ છે કે નહીં! પણ એમને હિરકીની હાજરજવાબી સ્પર્શી ગઈ. ધૂલાએ પણ આ જવાબ માન્ય રાખ્યો એટલે એ જોડીને વધુ એક પોઇન્ટ મળી ગયો.
હવે પછીનો વારો મૂકલા મુસળધાર અને હિરકી હણહણાટનો જ હતો. એન્કર ધૂલા દ્વારા એમને વધુ એક ટાસ્ક આપવામાં આવી કે જેમાં એમને એક હિન્દી ફિલ્મનું ગીત ગાવાનું હતુ, એ પણ ફક્ત એક મિનિટની અંદર. જો નહીં ગાયુ અથવા ખોટું ગાયુ તો નેક્સ્ટ ટીમને ચાન્સ મળશે. આ ગીતના શબ્દોમાં એ ખાસ શબ્દ આવવો જ જોઈએ. વળી આ શબ્દપ્રયોગ એ શબ્દ માટે આડકતરી રીતે થવો જોઈએ.
ધૂલાએ નવો શબ્દ આપ્યો, "નાટો."
આ વખતે હિરકીનો હણહણાટ હિજરાઈ ગઈ પણ મૂકલો મુસળધાર મલકાઈને મંડી પડ્યો,
'કસમે વાદે પ્યાર વફા સબ,
બાતેં હૈં બાતો કા ક્યા!
કોઈ કીસી કા નહીં યે જૂઠે,
નાતે હૈં નાટો (નાતો) કા કયા!'
બધાંએ તાળીઓના ગડગડાટથી મૂકલા મુસળધાર અને હીરકી હણહણાટની ટીમને બિરદાવી લીધી. ધૂલાએ આ જવાબ પણ માન્ય રાખ્યો એટલે એ જોડીને વધુ એક પોઇન્ટ મળી ગયો. એ સાથે એમણે પોઇન્ટની હેટ્રિક નોંધાવી દઈ સફળતાનો ડંકો વગાડી દીધો.
બધાં ખૂબ ઉત્સાહિત થઈ આનંદથી આ રમત માણી રહ્યાં હતાં. હવે ચિઠ્ઠી નંબર ૪ વાળા મયુરીઆ કળાકાર અને બૈજુ બાવરી માટે નવી ટાસ્ક હતી.
એન્કર ધૂલા દ્વારા એમને એક નવી ટાસ્ક આપવામાં આવી કે એક હિન્દી ફિલ્મનું યુગલ ગીત અથવા યુગલ ડાયલોગ રજૂ કરવાનો હતો, આ પણ ફક્ત એક મિનિટની અંદર. જો નહીં બોલ્યા અથવા શબ્દપ્રયોગ ખોટો થયો તો નેક્સ્ટ ટીમને ચાન્સ મળશે. આ ગીત કે ડાયલોગના શબ્દોમાં એક ખાસ શબ્દ આવવો જ જોઈએ. વળી એ શબ્દપ્રયોગ એ શબ્દ માટે આડકતરી રીતે જ થવો જોઈએ.
ધૂલાએ નવો શબ્દ આપ્યો, "મોસ્કો."
જવાબમાં બૈજુ બાવરી બની ગઈ,
'મોસ્કો (દોસતો) કો સલામ,
દુશ્મનો કો સલામ, રોકી મેરા નામ...'
ધૂલાએ આ ગીત અમાન્ય રાખ્યુ, "ત્રણમાંથી એક જ અક્ષર 'સ' કોમન છે. મિનિમમ બે અક્ષર તો આવવા જ જોઈએ. વળી આ સોલો ગીત છે, યુગલ ગીત નથી." આ સાથે મયુરીઆએ બૈજુ સામે હતાશ નજરે જોયુ તો જવાબમાં બાવરી બની બૈજુએ મયુરીઆ સામે ડોળા કાઢ્યાં. એટલે એ વાત પતી ગઈ અને આ ટાસ્ક હવે આખરી નંબર જોડી કેતલા કીમિયાગાર અને પિતલી પલટવારને ટ્રાન્સફર થઈ ગઈ.
પિતલી પલટવાર કરવા તૈયાર જ હતી. એણે ખુશખુશાલ થઈ ગાયું,
'મોસ્કો (મૂઝકો) ઠંડ લગ રહી હૈ
મૂઝસે દૂર તું ન જા, ન જા, ન જાઆઆઆ.'
કીમીયાગાર કેતલાએ ત્વરિત એનો સાથ આપ્યો,
'આગ દિલ મે લગી હૈ, મેરે પાસ તું ન આ, ન આ, ન આઆઆઆ.'
વાતાવરણમાં ગીતના જાદુઈ શબ્દો અને કેતલા કીમિયાગાર તથા પિતલી પલટવારની ભાવનાઓ છવાઈ ગઈ. આ જોડીએ પરફેક્ટ યુગલ પર્ફોમન્સ આપી સૌના મન સાથે એક પોઇન્ટ પણ જીતી લીધો હતો.
હવે આખરી વારો પણ એમનો જ હતો. હવે ફક્ત મેલ સિંગર દ્વારા ગવાયેલ હિન્દી ફિલ્મનું ગીત ગાવાનું હતું. આ વખતે શબ્દ આવ્યો, "વોર."
કીમીયાગાર કેતલાએ વોર કરી લીધું,
'મચ ગયા વોર (શોર)
સારી નગરી રે, સારી નગરી રે.
આયા બિરજ કા બાંકા સંભાલ
તેરી ગગરી રે, તેરી ગગરી રે.'
એન્કરે આ ગીત માન્ય રાખ્યુ. આમ હસી મજાક, ધાંધલ ધમાલ સાથે આ સ્પર્ધા તો સમાપ્ત થઈ. પણ આ સમયે ચાંદ મામા સૌના મગજ પર હાવી રહ્યો.
શું થશે આ ચાંદ મામાનું? એ યુક્રેન પાછા જઈ શકશે કે અહીં સેટલ થઈ શકશે? હવે આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૩૮ તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).
લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).