DHULO TO HARKHPADUDO (DTH) - 36 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 36

Featured Books
Categories
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 36

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૬


આપણે જોયું કે 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આગલી માસિક શનિવારીય બેઠકમાં એક જ થીમ પર એક સ્પર્ધા ગોઠવાઈ છે. આ તરફ સહેલી વૃંદે આવી અનોખી અને વિચિત્ર વિષય ધરાવતી થીમ માટે એમની આગામી મિત્ર વર્તુળ માસિક શનિવારીય બેઠક વિશે સંક્ષિપ્ત ચર્ચા કરી એક પ્લાન બનાવી લીધો હતો. તો ઈશા હરણીએ સિંધી ભોજનનું મેનુ ફાઇનલ કરી લીધું હતું. જોકે સૌ આ બેઠકની થીમ વિશે કુતુહલપૂર્વક રાહ જોઈ રહેલ. હવે આગળ...


એક વાત તો નક્કી હતી કે આ વખતની મિત્ર વર્તુળ માસિક શનિવારીય બેઠકનું અનોખું, અદ્વિતીય, અપૂર્વ, આશ્ચર્યકારક, અલૌકિક અને અદ્ભૂત છતાં નોખું એવુ થીમ તત્વ, ઉપરાંત નવપ્રયોગી સિંધી મેનુ પણ અજોડ અને અનન્ય બની જવાનું હતું.


જે બધાં આ અકલ્પ્ય અને અસ્પૃશ્ય વિષય વિશે ચકરાવે ચડી ગયાં હતાં કે આવી તે કોઈ થીમ હોય! એ સૌ પણ આ થીમ કેવી હશે એ વિશે કલ્પનાના અશ્વો દોડાવી દોડાવીને અત્યંત આતુરતાથી શનિવારીય બેઠકવાળા શનિવારની કાગ ડોળે રાહ જોઈ રહ્યાં હતાં.


ધૂલા હરખપદૂડાએ શુક્રવારે મોડી સાંજે, એટલે કે એક દિવસ અગાઉ, એમના મિત્ર વર્ગ વોટ્સએપ ગ્રુપની વોલ પર એક મેસેજ મૂકી દીધો હતો. એને આ સહેલી વૃંદની ઓનલાઈન ચૂપકી ભયજનક લાગતી હતી માટે એણે પાણી પહેલાં પાળને અનુસરી આ મેસેજ મૂક્યો હતો, 'આ વખતની આપણી માસિક શનિવારીય બેઠકની રશિયા યુક્રેન વોર થીમ પર જે સ્પર્ધા ગોઠવાઈ છે એ કપલ સ્પર્ધા છે, જેની નોંધ લેવી. આભાર.'


આ જાહેરાત જોઈ તમામ સહેલીઓ વિમાસણમાં મૂકાઈ ગઈ. એમની ખૂબ સોચી સમજીને સેટ કરેલી ચાલને ધૂલા હરખપદૂડાએ એક મૂવમાં ચેકમેટ કરી નિષ્ક્રિય બનાવી દીધી હતી. વળી ચોવીસ કલાક પણ હાથમાં ના હોવાથી એમણે પોતાના પ્લાનનો અમલ મોકૂફ કરવો પડ્યો. એમની એક અનન્ય તથા જબરજસ્ત કાઉન્ટર એટેક યોજનાનું જન્મ થતાં પહેલાં સ્વર્ગારોહણ થયું હતું.


જોકે સમય કોઈ માટે અટકતો નથી એટલે આખરે એ શનિવાર પણ આવી જ ગયો. સૌ યુગલ એક એક કરીને આવવા લાગ્યા.


એ દિવસે મયુરીઆ કળાકાર અને બૈજુ બાવરીએ સરહદ પર સૈન્ય ધારણ કરે એવી ખાખી વસ્ત્રો પર ઘાસ પાનની ભાતવાળા કપડાં પહેરી પોતાની કળા કરવા તૈયાર હતાં. તો કેતલો કીમિયાગાર અને પિતલી પલટવાર સંપૂર્ણ શ્વેત વસ્ત્રો પર શાંતિદૂત કબૂતરની ચાંચમાં ઝાડની ડાળખી એવા સિમ્બોલની ભરતકામની ડિઝાઇન સાથે પરિધાન કરી, 'યુધ્ધ નહીં પણ શાંતિ' એવો સંકેત આપવાનો કીમીયો કારગર કર્યો હતો.


મૂકલા મુસળધારએ પોતાના કપડાં પર રશિયન અને હિરકી હણહણાટએ પોતાના કપડાં પર યુક્રેની રાષ્ટ્રીય ધ્વજના કાપડ સ્ટિકર્સ સ્ટિચ કરાવ્યાં હતાં. તો ભાવલા ભૂસકાએ પોતાના ગાલ પર રશિયન અને સધકી સંધિવાતએ પોતાના ગાલ પર યુક્રેની રાષ્ટ્રીય ધ્વજનું રંગીન ટેટુનું ચિતરામણ કરાવ્યું હતું.


ધૂલા હરખપદૂડાએ પોતાના સફેદ ટી શર્ટના પાછળના ભાગ પર વ્લાદિમીર વ્લાદિમીરોવિચ પુતિનનો (રશિયન પ્રમુખ) ફોટો અને ઈશા હરણીએ પોતાના સફેદ ટી શર્ટના પાછળના ભાગ પર વોલોડીમિર ઓલેકસાન્ડ્રોવિચ ઝેલેન્સ્કીનો (યુક્રેની પ્રમુખ) ફોટોગ્રાફ છપાવ્યો હતો. એમણે પોતપોતાના સફેદ ટી શર્ટના આગળના ભાગ પર પોતપોતાનો ફોટોગ્રાફ છપાવ્યો હતો.


માત્ર અને માત્ર, આ થીમ સ્પર્ધાના અપેક્ષિત વિજેતા એવા વિનીયો વિસ્તારી અને સોનકી સણસણાટ સાવ સાધારણ વસ્ત્રોમાં સજ્જ હતાં. ક્ષણેક માટે ભોંઠામણ અનુભવી વિનીયાએ વાત વાળવા વિસ્તાર કર્યો, "અમને આજની સ્પર્ધા જીતવા માટે રોજિંદા કપડાં પણ ચાલે." એની ચાલાકીથી પ્રભાવિત બધાં સાગમટે હસી પડ્યાં.


એણે ફરી એક વખત વાતને વિસ્તારી, "હમણાં તમે હસી લો. સ્પર્ધાના અંતમાં અમે હસી લઈશું." જોકે સોનકીએ સણસણાટ કર્યો, "તમારા વિનીયા વિસ્તારીના ચાંદ મામા, એટલે કે ચંદ્રકાંત મામા, યુક્રેનથી પોતાનું બધું ગુમાવીને જેમ તેમ કરીને ગઈકાલે અહીં આવી શક્યા છે. તેઓ અમારા ઘરે જ ઊતર્યા છે. એટલે અમને તૈયારીઓ પૂર્ણ કરવામાં સમય નહીં મળ્યો."


બધાએ ચૂપકીદી સેવી.


વિનીયા વિસ્તારી પિતલી પલટવાર પર ભડક્યો, "તને ના પાડી હતીને! મોજ મસ્તીના માહોલમાં આવી વાત કરી સૌનો મૂડ ખરાબ ના કરાય પણ તારા પેટમાં એક પણ વાત ટકે તો ને!"


પિતલી કચવાઇ, "બધાં એક સાથે હસ્યાં એટલે મારાથી આપણી મશ્કરી સહન ના થઈ."


વિનીયાએ તરત જવાબ આપ્યો, "અરે ગાંડી આપણાં મિત્રો જ છે ને! એમની સામે કયા પકવાન પકાવવા છે તારે?"


મૂકલા મુસળધારએ વાતનો દોર પોતાની હસ્તક લઈ લીધો, "વિનીયા, આપણાં મિત્રોથી કોઈ વાત ખાનગી પણ ના રખાય. શું થયું છે બોલ."


વિનીયાએ વિસ્તારપૂર્વક વાત આગળ વધારી, "મારા ચાંદ મામા, એમની કંપનીના કામે, વર્ષો પહેલાં રશિયા, ત્યારના સોવિયેત સંઘ, ગયા હતા. એમની કંપનીએ જ પાસપોર્ટ, વિઝા કઢાવી આપ્યા હતા. એ વખતે તેઓ જુવાન હતા. તેઓ ત્યાં હતા ત્યારે સોવિયેત સંઘના બાર ટુકડા થઈ વિવિધ રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. તેઓની કંપની ક્રિમિયામાં હતી જે યુક્રેનને ફાળે ગઈ. એમની કંપનીએ ત્યાંથી તરત ઉચાળા ભરવાનો નિર્ણય લીધો.


જોકે મારા ચાંદ મામાને યુક્રેન તો યુક્રેન પણ એ જગ્યા છોડવી નહોતી. એટલે એમણે એ કંપનીની નોકરી છોડી દઈ ત્યાં એમના એક પરિચિત, યુક્રેન છોડીને ભાગી ગયા હતા એમની યુનિવર્સિટીના કેમ્પસમાં બુક સ્ટોર હાથમાં લઈ લીધી. નવો દેશ, નવી સરકાર અને એમનો પાંચથી વધુ વર્ષનો વસવાટ એમની મદદે આવી ગયો. એમને ત્યાંની નાગરિકતા મળી ગઈ. એટલે એ ત્યાંના દેશવાસી થઈ ગયા. આમ આ વિભાજન એમને ફ્ળ્યુ. આ પરિચિત એટલે એમની જેની સાથે સગાઈ થઈ હતી એ કન્યાના સગા મામા હતા.


એમણે ત્યાં એમના આ પરિચિતની દુકાન તથા એમના ઘર પર સંપૂર્ણપણે પોતાનો કબ્જો જમાવી દીધો. થોડો સમય બાદ, પરિસ્થિતિ થાળે પડતાં, ઘરધણી પાછા આવ્યા તો ચાંદ મામાએ પોતાની માલિકીની થઈ ગયેલ એમની માલ મિલકત તથા ધંધો પાછો આપવા સ્પષ્ટ ના પાડી દીધી, "આ તો હું છું એટલે તમે માગણી કરો છો. બાકી મારી જગ્યાએ કોઈ ધોળીયો હોત તો તમે શું કરી લેત?" અને હકીકતમાં ચાંદ મામાએ એમને નિરાશ કરી દીધા. સરકારી દસ્તાવેજો, એમનો વસવાટ અને એમની નાગરિકતા જીતી ગઈ. એટલે આ ભાઈ ખાલી હાથે ભારત આવી ગયા. અહીં એમની વાતો દાવાનળની જેમ ફેલાઈ ગઈ. પરિણામ સ્વરૂપ એમની મંગેતર, એટલે કે મારી થનારી મામીએ ચાંદ મામા સાથે સંબંધ તોડી નાખ્યો. તો પણ એમને એમ કે ત્યાં કોઈ ગરીબ ગોરી સાથે લગ્ન કરી લેશે પણ મારી થનાર મામીની હાય લાગી હોય એમ એમને કોઈ મામી મળી જ નહીં.


હમણાં રશિયન હુમલા બાદ એમની સેનાએ ક્રિમિયામાં પોતાનો કબ્જો જમાવી લીધો એટલે એમને પણ ફક્ત જીવ બચાવી, બધું ત્યાં જ છોડી ભાગવુ પડ્યુ. માંડ માંડ અહીં સુધી પહોંચ્યા છે. એમના કર્મોનું ફળ મળી ગયા બાદ હવે સન્મતિ થઈ છે. પણ હવે એ પાછા ત્યાં જઈ શકે એમ નથી.


જોકે એમને હવે ત્યાં પાછા જવુ પણ નથી. આ યુક્રેનના ચક્કરમાં એમણે જે ગુમાવ્યુ છે એ હવે અહીં પાછું મેળવવુ છે. મારી એ વખતે થનાર મામીનો દિકરો કોલેજીયન છે. પણ અમારા આ ઠનઠન ગોપાળ ચાંદ મામાને અહીં જ સેટલ થઈ, એક બુક સ્ટોલ ખોલી, ઘર વસાવવુ છે." એ એક શ્વાસે બોલી વાત પૂરી થયે અટક્યો. બધાં સ્તબ્ધ હતાં. ભયંકર આઘાત અનુભવી રહેલ સૌમાંથી કોઈ કાંઈ બોલવાની હાલતમાં નહોતું.


અચાનક બૈજુ બાવરી બોલી, "આ ધૂલાભાઈ, અહીં રશિયા યુક્રેન વોર પર ગેમ રમવા માટે ફીક્સ કરી તો આ વિનીયાના ચાંદ મામા તો રશિયા યુક્રેન વોર પર ગેમ રમીને પણ આવી ગયા."


હિરકી હણહણાટ હણહણી, "ઓલ હિઅર હિયર ઓનલી." બધાં પહેલાંથી હતપ્રભ હતાં એમાં આ અપગ્રેડેડ અંગ્રેજીએ એમને અસમંજસતાની ખાઈમાં ઘકેલી દીધાં. એના આ ગજબ ભાષાંતરની મહારથી એવી સધકી સંધિવાત પણ મૂંઝવણમાં મૂકાઈ ગઈ. બધાં હિરકી હણહણાટ સામે તાકી રહ્યાં.


છેવટે એણે ખુલાસો કરી દીધો, "તમને ક્યારે સમજ આવશે! ઓલ હિઅર હિયર ઓનલી એટલે બધું અહીંનું અહીં જ છે." અને એ તંગ તથા ગંભીર થઈ ગયેલા વાતાવરણમાં હાસ્યની છોળો ઊડવા લાગી.


આ માસિક શનિવારીય બેઠકમાં હવે શું થશે? શું આ રશિયા યુક્રેન વોરની થીમની સ્પર્ધા થશે કે નહીં? હવે આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૩૭ તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).