Increase of Duryodhan because of Dhritarashtr of society in Gujarati Anything by Parth Prajapati books and stories PDF | આજના ધૃતરાષ્ટ્રોના પાપે સમાજમાં દુર્યોધનો વધી રહ્યા છે

Featured Books
Categories
Share

આજના ધૃતરાષ્ટ્રોના પાપે સમાજમાં દુર્યોધનો વધી રહ્યા છે


બધાંને મહાભારતનો એક પ્રસંગ યાદ જ હશે, જેમાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ બધાનો વિરોધ હોવા છતાં યુદ્ધ રોકવાનાં એક પ્રયાસરૂપે કૌરવસભામાં આવે છે. શ્રીકૃષ્ણને ખબર હતી કે કૌરવસભામાં તેમનું ઘોર અપમાન કરવામાં આવશે, છતાં તેઓ લાખો લોકોને વિનાશથી બચાવવા માટે એક છેલ્લો પ્રયત્ન કરવા આવે છે. અહીં તેઓ દુર્યોધનને સમજાવવા ન’તા આવ્યા. તેમને ખબર હતી કે દુર્યોધન તો સમજવાનો જ નથી. તેથી તેઓ ધૃતરાષ્ટ્રને સમજાવવા આવે છે.
ધૃતરાષ્ટ્ર રાજા છે. તેમનો આદેશ દુર્યોધને માનવો જ પડશે. શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્ર આગળ આવનારા મહાવિનાશની આગાહી કરે છે. તેમને સમજાવે છે કે કુરુવંશમાં તેઓ એકલા જ છે જેઓ આ મહાવિનાશને રોકવા સમર્થ છે. શ્રીકૃષ્ણ તેમને આવનારા મહાવિનાશથી સાવચેત કરે છે. તેમને તેમના સો પુત્રોના મૃત્યુનો ભય પણ બતાવે છે. પણ દુર્ભાવ્યે તે સમયે ધૃતરાષ્ટ્રની આંખો પર પુત્રપ્રેમની પટ્ટી બાંધેલી હોય છે. તેમની આંખો ફક્ત દુર્યોધનને રાજા બનતા જોવા માંગતી હતી. તેમના કાન ફક્ત દુર્યોધનના બોલ સાંભળતા હતા. આખરે જે ન થવું જોઈએ તે થઈ ગયું. એક મહાવિનાશનું મોજું આવ્યું અને ધૃતરાષ્ટ્રના સો પુત્રોને વિનાશના ગર્તમાં ધકેલી ગયું. આ હતું નકારાત્મક પુત્રપ્રેમનું સૌથી ભયાનક પરિણામ.
સંતાનપ્રેમ બે પ્રકારના હોય છે. એક હકારાત્મક અને બીજો નકારાત્મક. હકારાત્મક પ્રેમ કુંભાર અને ઘડા જેવો હોય છે. જેમ કુંભાર ઘડાનો ઘાટ ઘડવા માટે બહારથી ટપારે અને તે તૂટી ન જાય તે માટે અંદરથી હાથ રાખીને ટેકો આપે છે, તેમ હકારાત્મક પ્રેમમાં વ્યક્તિ સંતાન પ્રત્યે અપાર પ્રેમ રાખે છે તો સાથે સાથે જ્યારે સંતાન અવળાં માર્ગે જતું હોય ત્યારે તેનો કાન ખેંચીને તેને સાચો માર્ગ પણ બતાવે છે. હકારાત્મક પ્રેમ સંતાનને ઉન્નતીના માર્ગે લઈ જાય છે. જ્યારે નકારાત્મક પ્રેમ સંતાનની સાથે પોતાનું પણ પતન નોંતરે છે.
ધૃતરાષ્ટ્રનો પુત્રપ્રેમ નકારાત્મક હતો. તેમાં પોતાના પુત્ર માટે માત્ર સ્વાર્થ જ ભર્યો હતો. આ સ્વાર્થ ધૃતરાષ્ટ્રના માથા પર એવી રીતે સવાર થયો કે તેમના સાંભળવા, જોવા અને સમજવાની શક્તિને હણી ગયો. ધૃતરાષ્ટ્રના જેવા પુત્રપ્રેમમાં માનવીને સારાંનરસાંનું ભાન નથી હોતું. તેને ફક્ત પોતાનું સંતાન દેખાય છે. તે જે કરે એ જ સાચું. બીજા બધાં ખોટા. મારા છગન મગન સોનાના, પાડોશીના પિત્તળના અને ગામના ગારાના. આવી સ્થિતિ જ્યારે પેદા થાય ત્યારે કુળનું પતન નિશ્ચિત થઈ જાય છે.
બાપના પૈસાના નશામાં ધૃત એક નબીરો પોતાની ગાડી નીચે નવ-નવ માસુમ જીંદગીઓને કચડ્યાં પછી પણ જ્યારે છાતી ઠોકીને એમ કહેતો હોય કે,’મારો બાપ મારો વાળ પણ વાંકો નહિ થવા દે.’ ત્યારે સમાજમાં વધી રહેલાં ધૃતરાષ્ટ્રની સંખ્યાની આનાથી મોટી સાબિતી બીજી શી હોઈ શકે? આ ઘટનાનો સૌથી મોટો દોષી જો કોઈ હોય તો તેનો બાપ જ છે. સંતાનનો ઉછેર એ ખૂબ મોટી જવાબદારીનું કામ છે. લોકો એને સીરિયસલી લેતાં જ નથી. બાળક જ્યારે કોઈ ભૂલ કરે તો તેને ટપારવાને બદલે તેની ભૂલો સંતાડવામાં આવે છે.
આ જ કારણથી તેને આવા બીજા કામ કરવાની હિંમત મળે છે. એક પછી એક માફ કરેલી ભૂલ ક્યારે ગંભીર ગુનામાં પરિવર્તિત થઈ જાય છે તેની એનાં માબાપને પણ ખબર નથી હોતી. આવા મોટા ગુનામાં સંડોવાયા પછી પણ તેમનો પુત્ર નિશ્ચિંત રહી શકે છે, કારણ કે તે જાણે છે કે ગમે તે થાય, તમે રોજની જેમ આ વખતે પણ તેના કરેલાં કાળા કારનામો છૂપાવીને તેને બચાવી લેશો. ગુનાખોરીને છાવરવાની આ વૃત્તિ જ્યારે સમાજ માટે મોટો ખતરો ઊભો કરી દે છે, ત્યારે આ જ માબાપ પોતાનું મોં સંતાડતાં જોવા મળે છે.
તમે તો મોં સંતાડી દેશો, પણ તમારા સંતાનનું શું? પૈસાના મદમાં સંતાન પ્રત્યેના આંધળાં પ્રેમે તમારા સંતાનને કેટલો મોટો ગુનેગાર બનાવી દીધો છે એનું જવાબદાર કોણ? પોતાના કારનામાને કારણે તે ફાંસી પર લટકી જશે તો તેનું જવાબદાર કોણ? ખરેખર તે બાળકનું હત્યારું કોણ? કાયદો કે પોતે તમે? આજે તમારું બાળક કોઈના ઘરેથી ચોરી કરીને આવે અને તમે તેને સજા કરવાને બદલે તેની ચોરી છુપાવો છો તો કાલે તેને ખુની બનતાં વાર નહિ લાગે. ધૃતરાષ્ટ્ર જેવો આંધળો પુત્રપ્રેમ વિનાશ નોંતરે છે તે આપણા શાસ્ત્રો આપણને પોકારી પોકારીને કહીં રહ્યાં છે. પણ આંખે પટ્ટી અને કાન બહેરાં રાખીને ચાલશો તો ક્યાંથી કાઈ જોશો કે સાંભળશો.
એક ભાઈ વાતો કરતા હતાં કે, મારાં બાળકોને ક્યાં ખબર કે તેના બાપને કેટલું દેવું છે. આટલી પરિસ્થિતિ ખરાબ હોવા છતાં પણ મેં એમને તકલીફ નથી પડવા દીધી. એ ભાઈને એટલું જ કહેવું છે, આજે તમારું જે દેવું છે એ એમના લીધે જ છે. જ્યાં સુધી બાળકો માતાપિતાની પરિસ્થિતિથી વાકેફ નહિ થાય, ત્યાં સુધી એમને કેવી રીતે ખબર પડશે કે પૈસા ઝાડ પર નથી ઉગતાં. કેટકેટલો પરસેવો પડે અને કેટકેટલી મગજમારી પછી આ પૈસા આવે છે, જેને બાળકો ધુમાડાની પળવારમાં ઉડાડી દે છે. બાળકોને આજથી જ મની મેનેજમેન્ટના પાઠ ભણાવવા પડશે. બાળક તમારી પરિસ્થિતિથી વાકેફ હોવું જ જોઈએ. આ બધું હશે તો જ તે સમજી શકશે કે તમે કઈ મુશ્કેલીમાં છો. તેને શું કરવું જોઈએ અને શું નહીં.
આજે શ્રીમદ્‍ ભગવદ્‍ગીતાના છઠ્ઠા અધ્યાયના પાંચમાં શ્લોકમાં લખેલું છે કે,
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् |
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन: ||

અર્થાત્ :-
પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે; કારણ કે માણસ પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો શત્રુ છે. ( અધ્યાય ૬, શ્લોક:- ૫ )
આ વાત દરેક વ્યક્તિએ ગાંઠ બાંધીને યાદ રાખી લેવી જોઈએ. આજે તમે જે કાંઈ કરશો તેનું સારુંનરસું ફળ આવતી કાલે મળશે જ. અહીં ભગવાન જાતે જ કહે છે કે, તુ પોતે જ તારો મિત્ર છે અને તું પોતે જ તારો શત્રુ છે. તું વિચાર, તારે તારા માટે શું બનવું છે. મિત્ર કે શત્રુ? કોઈને દોષ દેવાથી કાંઈ થવાનું નથી. આપણે પોતે જ સમજવાનું છે અને આપણી અંદરના ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને હણવાના છે.
લેખક:- પાર્થ પ્રજાપતિ