રાત્રિના ફાઈવ સ્ટાર હોટલના એક પર્સનલ ડાઇનિંગ સ્યુટમાં રાણી શાંતાદેવી પોતાનું ભોજન આરોગી રહ્યા હતા. અર્જુન ત્યાં આવ્યો અને શાંતાદેવીને પગે લાગી એમની બાજુની ખુરશી પર બેસી ગયો.
આજે સવારે બનેલા બનાવ ઉપરથી અર્જુન સમજી ગયો કે પોતાની માતાને એ ગમ્યું નથી અને તે ગુસ્સામાં છે માટે તેણે વધારે કાઈ બોલવાનું હિતાવહ ન લાગ્યું. એક નૌકરે આવી અર્જુનની પ્લેટમાં જમવાનું સર્વ કર્યું. શાંતાદેવીની નજર અર્જુનની થાળીમાં પીરસાયેલા ભોજન પર પડી અને એના નોકરને કડક અવાજમાં કહ્યું, "કેટલી વાર કહ્યું છે કે અર્જુનને ખીર હંમેશા ચાંદીના પાત્રમાં આપવી."
"સોરી રાની સાહિબા... હું હમણાં જ બદલી..." વચ્ચે જ અટકાવતા રાણીએ કહ્યું, "તાત્કાલિક બદલી આપો અને આજ પછી આવી ભૂલ થઈ તો મારે તને બદલી બીજી મેઇડ રાખવી પડશે." આ સાંભળી તે નોકર નીચું જોઈ ત્યાંથી જતી રહી.
તે નોકરના ગયા પછી અર્જુને શાંતાદેવીનો હાથ જે ટેબલ પર ટેકવ્યો હતો તે પકડી કહ્યું, "મા.... તમે મારો ગુસ્સો શું કરવા બીજા ઉપર ઉતારો છો. હું સાચું કહું છું કે એ કોઈ પબ્લિસિટી સ્ટંટ ન હતો એ તો એ છોકરી ખબર નહિ કેવી રીતે.... અને જો હું એને પકડત નહિ તો એ નીચે પડી જાત."
શાંતાદેવી હજુ ગુસ્સાભારેલા કડક મિજાજમાં જ હતા. તેમણે અર્જુન સામે જોયા વગર ગુસ્સામાં કહ્યું, " જાણીને સારું લાગ્યું કે તે એક્ટિંગ છોડીને લોકોની મદદ કરવાનું કામ ચાલુ કર્યું છે."
"મા....આટલી નાની વાતમાં કેમ ગુસ્સે થાઓ છો?" અર્જુને અકળાતા કહ્યું
શાંતાદેવીએ પોતાની આંખોમાં અશ્રુ છુપાવતા કહ્યું, "અર્જુન.... તારા પિતાના ગયા પછી પણ તને મેં કોઈ દિવસ જવાબદારીનો અહેસાસ નથી કરાવા દીધો. તારે જિંદગીમાં જે કરવું હતું, જે બનવું હતું તે બધું કરવાની મેં તને છૂટ આપી. હવે મારી ખાલી એટલી ઈચ્છા છે કે તું મારી પસંદગીની છોકરી સાથે પરણી જા તો એ પણ તને સ્વીકાર્ય નથી અને તે લગ્ન જેવી પવિત્ર વસ્તુને પણ રિયાલિટી શો જેવો મજાક બનાવી દીધો છે."
"મા.... પહેલાના જમાનામાં પણ સ્વયંવર તો થતા જ હતા ને. અને જો હું એવુ ઇચ્છુ છું કે હું મારી જીવનસાથીને જોઈ પરખીને પસંદ કરું તો એમાં ખોટું શું છે. બેશક તમે જે છોકરી મારા માટે પસંદ કરી છે તે સારી જ હશે પરંતુ હું આ સ્વયંવર થકી એક વાર મારી જીવનસાથી શોધવાનો પ્રયત્ન કરવા માંગુ છુ." અર્જુને પોતાની વાત સમજાવતાં કહ્યું
"પણ અર્જુન.... આવા સ્વયંવરમાં છોકરીઓ માત્ર પોતાનો સ્વાર્થ પૂરો કરવા આવે છે. કોઈની જીવનસંગીની બનવા નહિ. તું એક નામચીન એકટર છે, તારી પાસે નામ, પૈસો, શોહોરત બધું જ છે. તારી સાથે પોતાનું નામ જોડી એ છોકરી માત્ર ફેમસ થઈ સેલિબ્રિટી બનવા તારી સાથે લગ્ન કરશે એટલા માટે નહીં કે એ તને પ્રેમ કરતી હશે." એટલું બોલી શાંતાદેવી 2 સેકેન્ડ અટકી ગયા.
તેઓ ફરી બોલ્યા, "તારે એ ન ભૂલવું જોઈએ કે તું માત્ર એક સેલિબ્રિટી એકટર જ નહીં પણ સુરજગઢનો યુવરાજ છે. જે કોઈ પણ તારી પત્ની બનશે એ માત્ર કોઈ સુપરસ્ટારની પત્ની નહિ પરંતુ સુરજગઢની રાણી પણ બનશે. મને તો એ નથી સમજાતું કે તારે આ સ્વયંવર કરવાની શું જરૂર છે?" શાંતાદેવીએ ચિંતાના સ્વરમાં કહ્યું
"મા... એવું જરૂરી તો નથી ને કે બધી છોકરીઓ સ્વાર્થ માટે જ મારા સ્વયંવરમાં આવે અને હું કોઈ એવો મૂર્ખ પણ નથી કે કોઈની સ્વાર્થવૃત્તિ પારખી ન શકું અને તમે પણ છો ને મારી સાથે તો પછી શું ચિંતા કરવાની? હમ્મ...?" એટલું કહી અર્જુને પોતાની માતાના હાથ ચૂમી લીધા.
શાંતાદેવીએ ભાવુક સ્વરમાં અર્જુનના માથે હાથ ફેરવતા કહ્યું, "એકલિંગજી તારી રક્ષા કરે બેટા."
"સ્વયંવરનું આયોજન જે છોકરીને શોધવા માટે કર્યો હતો તે તો મળી ગઈ હવે લગ્ન માટે કોઈ છોકરી મળે કે ન મળે પણ રૈના.... તારી સાથે હું પ્રતિશોધ અવશ્ય લઈશ." અર્જુન મનમાં બોલ્યો
********
મોડી રાતે અર્જુન પોતાના રૂમમાં બેઠા બેઠા સવારે રૈના સાથે થયેલી નાનકડી આકસ્મિક મુલાકાત યાદ કરી રહ્યો હતો. રૈનાનો માસૂમ ચહેરો ફરી ફરી એની સામે આવી રહ્યો હતો. તે ક્ષણ ભૂલવા છતાં તે ભૂલી નહોતો શકતો.
એવું ન હતું કે તેણે પહેલી વાર આટલી સુંદર છોકરી જોઈ હતી, રૈના કરતા પણ વધારે સુંદર છોકરીઓ સાથે તે કામ કરી ચુક્યો હતો પરંતુ રૈનાના મુખની માસૂમિયત.... તેની આંખોનું ભોળપણ અર્જુનને વારેવારે રૈના તરફ ખેંચી રહ્યું હતું.
અર્જુનના મોબાઈલ પર એક મેસેજ બલિન્ક થયો. તેણે પોતાનો ફોન ઉપાડ્યો અને જોયું કે એના સેક્રેટરી અજયનો મેસેજ છે. તેને મેસેજ વાંચ્યો, "સર... રૈના રાઠી કાલે સવારે નવ વાગ્યે આપની ઓફિસમાં મળવા આવવા તૈયાર થયા છે."
આ મેસેજ વાંચી તેના મુખ પર એક સ્મિત ફરી વળ્યું. રૈનાને મળવા એનું મન ખૂબ જ બેચેન બની રહ્યું હતું. તે પોતાના રૂમની બેલક્નીમાં જઇ ઉભો રહ્યો અને પૂનમના ચાંદને જોઈ કહ્યું, "રૈના રાઠી.... તારી પાસેથી અનેક પ્રશ્નોના જવાબ મેળવવાના બાકી છે.... જે ખેલ તે વર્ષો પહેલા શરૂ કર્યો હતો એને હવે પૂરો હું કરીશ."
ક્રમશઃ