‘હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે મારા ભૂમિતીના કંપાસ બોક્સમાંથી કોઈકે મૂકેલી એક ચિઠ્ઠી મને મળી. આમ તો આ એક સામાન્ય ચિઠ્ઠી હતી. એમાં લખ્યું હતુંઃ ILove You’-હું તને પ્રેમ કરું છું.'
મારા હૃદયમાં એક ધબકારો ચૂકી ગયો. શરમના માર્યો મારું મોઢું લાલચોળ થઈ ગયું. થોડીવાર બાદ હું ઠંડો પડયો. ત્યારે મેં મારા મિત્રોને મારા મનમાં જે ધમસાણ ચાલતું હતું તે વિશે કહ્યું. તેઓ ચોંકી ગયા. એમણે કહ્યું કે એમને આ વિશે કાંઈ જ ખબર નથી. મને તેમની નિર્દોષતા પર ભરોસો ના પડયો. હું જેમ જેમ ગુસ્સે થયો તેમ તેમ તે બધા મૂંઝાતા ગયા. પછી મને ભાન થયું કે એ લોકો સાચું કહી રહ્યા છે. ખૂબ કાળજીપૂર્વક મારી જાતને મેં સંભાળીને હું મારા ટેબલ પર આવ્યો. ફરી એકવાર મેં એ ચિઠ્ઠીને ચકાસી. એમાં કોઈ શંકા નહોતી કે એ અક્ષરો કોઈ સ્ત્રીના હતા.
મારું હૃદય જોરથી ધબકી રહ્યું. શું એણે લખી હશે આ ચિટ્ઠી?... છેવટે તેને મારી લાગણીઓની કદર થઈ. અને શું ખરેખર આ એનો પ્રતિભાવ હતો ? મને સુંદર અને તીવ્ર લાગણીનો અનુભવ થયો.
મારું મન ભૂતકાળમાં સરી પડયું. છેલ્લા એક વર્ષથી શર્મિલા મને ગમતી હતી અને ઊંડે ઊંડે મારું મન માનતું નહોતું. તેણીને પણ હું ગમું છું. મને લાગ્યું કે એ મને નિહાળી રહી છે, પણ જેવું મારું માથું ફેરવું કે એ એની નજર બીજી બાજુ ફેરવી લેતી. ઘણીવાર મેં તેને મારી આસપાસ ચક્કર લગાવતી પણ જોઈ છે. જ્યારે જ્યારે મેં તેની સાથે વાતો કરી છે ત્યારે ત્યારે એણે પણ મારી સાથે મૈત્રીપૂર્ણ વાત કરી છે. તે હસતા ચહેરે મારી સાથે લાગણીસભર વાતો કરતી હતી. મેં એને ક્યારેય બીજા છોકરાઓ સાથે સમય પસાર કરતા જોઈ નથી. મને ખબર નથી કે હું કેવી રીતે તેની પાસે જાઉં? એ ખૂબ જ શરમાળ છે. એ એવી નથી કે હું સીધો જ એની પાસે જઈને એનો હાથ માંગી શકું. હું સખત મૂંઝાયેલો હતો. મને ખાતરી નહોતી કે મોટું પગલું ભરવા માટેનો સમય પાકી ગયો છે કે નહીં!’
હું જે કાંઈ કરું છું તો સાચું કરું છું કે નહીં તેની ખાતરી કરવા માટે મેં મારા મિત્ર અભિષેકને પૂછ્યું જે સ્ત્રી જાતિ વિષે અતથી ઈતિ સુધી જાણતો હતો. એ આ બાબતમાં ગુરુ કહેવાય છે.
એણે મને કહ્યુંઃ ‘હવે જ્યારે તું એની સાથે વાત કરે ત્યારે તું તેને નીચે એના પગ સામે જોજે. જો એ તારા તરફ વળેલા હશે તો માનજે કે એ તને પ્રેમ કરે છે.’
અને મેં બરાબર એમ જ કર્યું. બીજીવાર અમે મળ્યાં અને વાત કરી ત્યારે મેં નીચે તેના પગ તરફ જોયું. હા... તે મારી તરફ પાગલ હતી. એના શરીરના અંગ મરોડની દૃષ્ટિએ એના પગની એડી (એના પગ) મારી તરફ વળેલી હતી.
હવે મારે બહુ સમય વેડફવો નહોતો. મેં એને લખ્યુંઃ
‘પ્રિય શર્મિલા, તું મારો લાલ ગુલાબી પ્રેમ છે.’
મેં બપોરના સમયે મારી આ ચિઠ્ઠી તેના ભૂમિતિના કંપાસ બોક્સમાં મૂકી દીધી.
મોડેથી હું મારા ઘેર સોફા પર આડો પડીને ટીવી જોવા બેઠો હતો પરંતુ હું ખરેખર ટીવી જોતો નહોતો. હું મારી દિવસભરની પ્રવૃત્તિઓને વાગોળી રહ્યો હતો. મને એ ના સમજાયું કે ક્યાંક શું ખોટું થયું છે? બાકીના દિવસમાં શર્મિલા એકદમ શાંત હતી. કોઈ વાતચીત પણ નહીં. છેવટે ઘંટ વાગ્યો ત્યારે એણે મને બોલાવ્યો. એકદમ લાલધૂમ ચહેરા સાથે, તે બોલીઃ ‘મેં હંમેશા તને એક સારા મિત્ર તરીકે કલ્પ્યો છે, તે એક સારો છોકરો છે તો તે આમ કર્યું જ કેમ ?’
હું મૂંગો થઈ ગયો. હું આ બધા વિચારોમાં ગળાડૂબ હતો ત્યારે અચાનક મારી મમ્મી મારા રૂમમાં આવી ગઈ. મારા વિચારમાળાને તોડતાં તે બોલી : ‘કેમ તે ટીવી ચાલુ રાખ્યું નથી?’
સામાન્ય રીતે એ એમ પૂછે કે ‘ટીવી કેમ ચાલુ છે?’ મેં ઊભા થઈને ટીવી બંધ કર્યું. ફરી મારું મન ચકરાવે ચડયું.
મારી મમ્મી ફરી મારી પાસે આવીને બેઠી. હું એની જ રાહ જોતો હતો કે એ મને કંઈ પૂછે કે સ્કૂલમાં તારો આજનો દિવસ કેવો રહ્યો?
મેં નિરસતાથી જવાબ આપ્યો : રોજના જેવો?
મારી મમ્મીએ મને પૂછ્યું : ‘તને તારા ભૂમિતીના કંપાસ બોક્સમાંથી કાંઈ મળ્યું ?”
મારી મમ્મીએ પોતાનું હસવાનું દબાવ્યું.
મેં મારી મમ્મીને પૂછ્યુંઃ ‘તને કેવી રીતે ખબર પડી?'
મને ચોંકેલો જોઈ મારી મમ્મી
ખૂબ જ ખુશ થઈ ગઈ અને હસીને તે બોલી ‘એ ચિઠ્ઠી મેં લખી હતી તારા માટે, કાલે તારી વર્ષગાંઠ છે એ હું કેવી રીતે ભૂલી શકું?' અરે! મારી મમ્મી! એ જ હોય. હવે બધી ગડ બેસી ગઈ. શું એ કોઈ પણ ભૂલી ના શકે તેવી નાની નાની વસ્તુઓ કરવા માટે પ્રખ્યાત નથી ? એક વાર એણે છાપાઓની સાથે મારું અંગ્રેજીનું પુસ્તક પસ્તીવાળાને વેચી દીધું નહોતું ! સ્કૂલના પર્યટન વખતે મને નાની છત્રી આપવાના બદલે તેટલી મોટી છત્રી લઈ જવાની તેણે મને ફરજ પાડી હતી. મારા ખજાનાની અમારા સગાંઓ સાથે અત્યંત ઉત્સાહ અને ખુશીથી વાતો કરતી. મને ગમતા ટી.વી. પ્રોગ્રામ અંગે હંમેશા તેનું એક મંતવ્ય રહેતું.
અને હવે મારા એટલે કે એના દીકરાના જન્મદિવસના આગલા દિવસે મને ખુશ રાખવા ‘I Love You'નો પ્રેમનો સંદેશો મોકલનાર પણ તે જ હતી. મા..... દરેક આવકનો પહેલો અને હંમેશા ટકે તેવો ટકાઉ પ્રેમ છે અને મારી મા આમાંથી જુદી નથી. અને હવે શર્મિલાનું શું? એ એક અલગ જ વાર્તા છે.