Chorono Khajano - 27 in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 27

Featured Books
Categories
Share

ચોરોનો ખજાનો - 27


સિક્રેટ લોકેશન

સિરત અને તેના સાથીઓ જ્યારે દુર્ગા માતાના મંદિરે આશીર્વાદ લેવા માટે ગયા હતા ત્યાં ભોગ ધરવાની બોટલ પડીને ફૂટી ગઈ હતી. તેના કારણે જે અપશુકન થયા હતા તેનાથી સિરત અને તેની સાથે સાથે દિવાન પણ ડરેલો હતો.

જે થશે તે જોયું જશે એવું વિચારીને દિવાન પોતાના કામે લાગી ગયો હતો. તેમછતાં જ્યારે તેને સિરત પાસેથી યોગ્ય જવાબ ના મળ્યો એટલે તેણે છેવટે આ વાત ડેની સાથે કરવાનું વિચાર્યું.

ડેની અને દિવાન બંને હવે વળી પાછા સફરની તૈયારીઓ કરવા માટે એકસાથે નીકળી પડ્યા હતા. તેમની સાથે બીજી ત્રણ ગાડીઓમાં બાકીના સાથીઓ આવી રહ્યા હતા. તેમણે તૈયાર કરેલો સામાન તેની જગ્યાએ પહોંચી ગયો હતો.

દિવાન જાણતો હતો કે તેણે ડેની સાથે જે વાત કરવાની હતી તે એકદમ સેન્સિટીવ હતી એટલે બધાની વચ્ચે કરવી યોગ્ય નથી. એટલે તે અત્યારે પેલી અપશુકન વાળી વાતને મગજમાં એક ખૂણે દબાવીને બાકીની વાતો કરી રહ્યો હતો.

તેઓ અત્યારે બધી વસ્તુઓ તૈયાર જ હતી પણ રાજ ઠાકોર ના કહેવા પ્રમાણે જહાજમાં જે કંઈ ફેરફાર કરવાના છે તેના માટે અમુક કારીગરોને લઈને તેઓ જલંધર જહાજ જ્યાં હતું તે જગ્યાએ જવા માટે નીકળ્યા હતા.

તેમની પાસે સમય ખૂબ ઓછો હતો કેમ કે બને એટલી જલ્દીથી હવે જહાજમાં ફેરફાર કરવા પડે એમ હતું. જો નક્કી કરેલી તારીખ તેઓ ચુંકી જાય તો તેમણે ફરી એકવાર એક વરસ જેટલો સમય રાહ જોવી પડે એમ હતું.

રસ્તામાં તેમને રાજ ઠાકોર તેમના સાથીઓ સાથે બીજી એક કારમાં મળ્યો. બધા હવે એક સાથે જવા માટે નીકળી પડ્યા.

તેમની મંજિલ ઘણીબધી દૂર હતી. એટલે તેઓ બને એટલી જલ્દી પહોંચવા માંગતા હતા. એક બાજુ તેમની પાસે હવે સમય ખૂબ ઓછો રહ્યો હતો અને ઓછામાં પૂરું રાજ ઠાકોરે જે ફેરફાર જહાજમાં કરવા માટે કહ્યું હતું તેને પણ ઓછા માં ઓછા દોઢેક મહિના જેટલો સમય લાગે એવું હતું.

સમય ઓછો હતો એટલે તેને બને એટલો બચાવવા માટે રાજ ઠાકોર પોતાની સાથે જ અમુક ઓફિસરો ને લઈને આવ્યો હતો જે આ જહાજ નું નિરીક્ષણ કરશે અને ત્યાર બાદ જણાવશે કે આ જહાજ ચાલવા માટે યોગ્ય છે કે નહિ. જહાજ બન્યું તેને ઘણો સમય થઈ ગયો હતો અને લગભગ એંસી વરસથી તો તે જહાજ એમને એમ જ ચાલ્યા વિના પડ્યું હતું.

રાજ ઠાકોર ચેન્નાઈથી પોતાની સાથે બે નાવલ આર્કિટેક્ટ ને પણ લઈ આવ્યો હતો જેમની મદદથી તે જહાજ માં પોતાની ઈચ્છા પ્રમાણે અમુક ફેરફાર કરાવવા માંગતો હતો. તેમજ જહાજમાં ફેરફાર કર્યા પછી તેમાં એ પણ જોવાનું હતું કે જહાજ તૈયાર થયા પછી તેમાં દીવા, પાણી, વાતાનુકુલન, શિતન, પાવર દર, fuel વગેરે નું નિરીક્ષણ પણ કરવાના હતા.

જહાજના નિર્માણમાં અને ડિઝાઇન માં અમુક ફેરફાર કરવાના હતા જેના લીધે તેના સંચાલનમાં જે ફેરફાર થાય એવું હતું તેના વિશે પણ રાજ ઠાકોર જાણવા માગતો હતો એટલે તે બને એટલો તેમને પ્રભાવિત કરવા માટે મથી રહ્યો હતો.

પોતાની સાથે આવેલા ભારતીય રજીસ્ટર ઓફ શિપિંગના ઓફિસરો સાથે પણ રાજ ઠાકોર ખૂબ સારી એવી ઓળખાણ બનાવી ચુક્યો હતો. જ્યારે તેમને ખબર પડી કે તેઓ જે જહાજ નું ઇન્સ્પેકશન કરવા માટે જઈ રહ્યા છે તે એક જલંધર જહાજ હતું તો તેઓ આ વાત ઉપર વિશ્વાસ કરવા માટે તૈયાર નહોતા.

લગભગ કોઈ જાણતું નહોતું કે જલંધર જહાજ હજી પણ મોજૂદ છે. જો કે તેમણે પણ આ જહાજ વિશે ઘણીબધી કહાનીઓ સાંભળેલી પણ પોતાની નજરે ક્યારેય તે જહાજ જોયેલું નહિ. તેઓ નિરીક્ષણ તો ઠીક પણ વધારે તો એ ઉત્સાહમાં હતા કે તેમને આ જહાજ જોવા મળશે. એટલે તે જહાજને ચાલતું જોવા માટે તેઓ એને રિજેક્ટ કરવાના નહોતા, જે બાબત રાજ ઠાકોર માટે ખૂબ જ ખુશીની વાત હતી.

તેમ છતાં જહાજમાં જે ફેરફાર કરવાના હતા તેના ઉપર રાજ ઠાકોર વધારે ધ્યાન આપી રહ્યો હતો. એટલે તેણે પણ અમુક ગતિવિજ્ઞાન વિશે જાણકારી મેળવવાની ચાલુ કરી હતી.

હજી સુધી સુમંત અને તેના માણસો સિવાય ખુદ દિવાન પણ ન્હોતો જાણતો કે જલંધર જહાજ કઈ જગ્યા એ રાખવામાં આવેલું છે. એટલે સુમંતની ગાડી સૌથી આગળ હતી અને તેની પાછળ બાકીની બધી ગાડીઓ જઈ રહી હતી.

તેમની ગાડીઓ નેશનલ હાઇવે પચીસ ઉપર પૂરપાટ ઝડપે દોડી રહી હતી. તેમનો રસ્તો લગભગ ત્રણસો પ્લસ જેટલા કિલોમીટરનો હતો એટલે લગભગ પાંચથી છ કલાક જેટલો સમય લાગે એવું હતું. તેઓ અત્યારે જોધપુરથી તિરસરા નામના ગામે જવા માટે નીકળ્યા હતા. ત્યાંથી તેઓ ઊંટો હાયર કરીને પોતાની સાથેનો બધો સામાન લઈને લૂણી નદી સુધી જવાના હતા.

પણ આ રસ્તો સુમંત અને તેમના સાથીઓ સિવાય કોઈ જાણતું નહોતું. તેમજ તેઓ બીજા કોઈને આ રસ્તાની જાણ થાય એવું પણ નહોતા ઈચ્છતા એટલે તીરસરા પહોંચ્યા પછી તેમનું કઈંક અલગ પ્લાનિંગ હતું જેના વિશે સુમંત કોઈને જણાવવા નહોતો માગતો.

રસ્તામાં એક જગ્યાએ તેઓ જમવા માટે રોડ ઉપર એક હોટેલમાં રોકાયા. ત્યાં પણ રાજ ઠાકોર પોતાની સાથે આવેલા નાવલ આર્કિટેક્ટ સાથે રહીને જહાજ વિશે માહિતી મેળવી રહ્યો હતો. વારંવાર પ્રશ્નો પૂછીને પેલા લોકોનું માથું ખાઈ રહ્યો હતો. એવું લાગતું હતું કે તેને આ એક બે દિવસમાં જ આખું નાવલ એન્જિનિયરિંગ ભણવું હતું જે કોઈ કાળે પોસીબલ ન્હોતું.

તેઓ જ્યારે તિરસરાં પહોંચ્યા ત્યારે રાત થવા આવી હતી. સાંજ વેળાએ તેઓ સુમંત ના એક માણસ બલીના ઘરે જમવા માટે રોકાયા. તેઓ જમી રહ્યા ત્યાં સુધીમાં બલીએ ઊંટોની વ્યવસ્થા કરી રાખી હતી. જહાજમાં જે ફેરફાર કરવાના હતા તેનો સામાન પણ અહી જ રાખવામાં આવ્યો હતો જેને બલીએ વ્યવસ્થિત રીતે ઊંટો ઉપર લાદી દીધો હતો.

આ જગ્યા મોટા શહેરોથી ઘણી દૂર હતી જેના કારણે મોબાઈલમાં કોઈને પણ નેટવર્ક ન્હોતું આવતું જેના કારણે કોઈ જાણી શકે એમ નહોતા કે તેઓ ક્યાં જઈ રહ્યા છે.

જમ્યા પછી બધા પોતપોતાના ઊંટો ઉપર સવાર થયા અને ખુલ્લા રણમાં ઊંટો દોડવા લાગ્યા. સુમંત નો ઊંટ સૌથી આગળ હતો અને તેની પાછળ પાછળ દિવાન, ડેની અને રાજ ઠાકોર સાથે આવેલા લોકો અને સૌથી છેલ્લે વળી પાછા સુમંત ના માણસો.

આ વ્યવસ્થા એટલા માટે ગોઠવવા માં આવી હતી કે જેના લીધે તેમની સાથેના કોઈ અજાણ્યા લોકો ભુલા ના પડે. તેમજ તેમની સાથે સામાન લાદેલા ઊંટો હતા જેમને એકસાથે લઈ જવામાં આવવાના હતા. પણ આ રાતની સફર એટલા માટે હતી કે જેથી તેમના લોકેશન વિશે અને રસ્તા વિશે બીજા કોઈ જાણી ન શકે.

એક તરફ કચ્છનું સફેદ રણ અને બીજી તરફ પાકિસ્તાન અને રાજસ્થાનનું થરનું રણ આવેલું હતું. રાતનો એકદમ ઠંડો પવન બધાને ઠારી રહ્યો હતો. તેઓ જે જગ્યાએ જઈ રહ્યા હતા તે, બંને રણની બોર્ડર પાસે અને જ્યાંથી લૂણી નદીનું મુખ આવેલું છે તેની પાસે આ જહાજ રાખવામાં આવ્યું હતું.

તેમની સાથે રહેલા બીજા ઓફિસરો અને એન્જિનિયરોને થોડુક વિચિત્ર તો લાગી રહ્યું હતું પણ આ જરૂરી હતું એટલે કોઈ કંઈ જ બોલતા નહોતા અને જે પણ થઈ રહ્યું છે તે ચુપચાપ જોઈ રહ્યા હતા.

અંધારામાં રણમાં કોઈ જગ્યાએ રસ્તો પણ નહોતો દેખાઈ રહ્યો ત્યાં સુમંત બધાને પોતાના સિક્રેટ લોકેશન તરફ કોઈ પણ ભૂલ વિના જ લઈને જઈ રહ્યો હતો. ઊંટના પગલાં અને તેમની સાથે બાંધેલા ઘુઘરાઓના અવાજ સિવાય ક્યારેક ક્યારેક પવનના સૂસવાટા ના અવાજ આવી રહ્યા હતા.

લગભગ બે કલાક જેટલો સમય ચાલ્યા પછી તેમને કંઇક નવો અવાજ સંભળાયો. આ અવાજ પાણીના વહેવાનો હતો. લગભગ બધા જ સમજી ગયા હતા કે તેઓ લૂણી નદી પાસે પહોંચી ગયા હતા.

બધાના ઊંટને એક જગ્યાએ ઊભા રાખવામાં આવ્યા અને પછી બધોજ સામાન ઉતારી લેવામાં આવ્યો. ત્યાર પછી તેઓ નદીની કોતરોમાં બનેલી એક ગુફામાં દાખલ થયા. આ ગુફા અતિશય વિશાળ હતી જે ગુફા જોયા પછી એવું તો નહોતું લાગતું કે તે કુદરતી હોય. કૃત્રિમ રીતે બનાવવામાં આવેલી આ ગુફામાં ઘણા બધા રૂમ જેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવેલી હતી.

બધા જ લોકોને અલગ અલગ રૂમો આપવામાં આવ્યા અને આરામ કરવા માટે કહેવામાં આવ્યું. બધા પોતપોતાના રૂમમાં જઈને આરામ કરવા લાગ્યા. ડેની અને દિવાન બંને એક રૂમમાં જ હતા પણ તેમની સાથે બીજા બે લોકો પણ હતા. રાજ ઠાકોર પોતાની સાથે પેલા ઓફિસરો અને એન્જિનિયરોને લઈને એક રૂમમાં ચાલ્યો ગયો.

બધા હવે આખા દિવસની સફરના અંતે થાક્યા હતા એટલે આરામ કરવા લાગ્યા. તેમને બધાને ખુબ સારી ઉંઘ આવવાની હતી. અત્યારે તેઓ એવી જગ્યાએ હતા જેના વિશે કોઈ જ જાણતા નહોતા પણ તેમ છતાં તેઓ પૂરી રીતે સુરક્ષિત હતા.

રાજ ઠાકોર કેવા ફેરફાર કરાવશે..?
કેવું હશે જલંધર જહાજ અને ફેરફાર પછી કેવું બનશે..?
શું પેલો ખજાનો તેમને મળશે..?
પેલા બીજ શેના હતા..?

આવા અનેક પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'