DHULO TO HARKHPADUDO (DTH) - 32 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 32

Featured Books
Categories
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 32

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૨

આપણે જોયું કે હેમા નામની કન્યા સાથે અમિતની લગ્નોત્સુક મિટીંગ સફળ સાબિત થઈ. પરિવાર વગર એકલી રહેતી આ યુવતીએ અમિતને મળ્યા વગર હા કહી દેતાં, ઉત્સાહિત મીનામાસીએ હેમાને શુકન આપી દેતાં એનું અમિત સાથે ગોઠવાઈ ગયુ. પણ જ્યારે અમિત હેમાને એના ઘરે મૂકવા ગયો તો એની રૂમ પાર્ટનર બિંદુએ એક અતિ વિચિત્ર વાત કહી દીધી હતી. હવે આગળ...

હેમાની રૂમ પાર્ટનર બિંદુએ આક્રમકતા વધારી એને ઘરે મૂકવા આવેલા અમિત વિશે કડક પૂછપરછ કરી, "આ કોણ છે?"

હેમાએ નરોવા કુંજરોવા જવાબ આપ્યો, "મને મૂકવા આવ્યા છે." પણ કંટાળેલા અમિતે એને સામે પુછ્યુ, "આ કેમ આટલું બધું બોલે છે?"

હેમા તો શાંત રહી પણ બિંદુ એના તરફ ફરી અને વિફરી, "અમારી વચ્ચે આવવાવાળો તું છે કોણ?"

અમિતે શાંત ચિત્તે જવાબ આપ્યો, "હું અમિત. આ હેમા, મારી ભાવી પત્ની છે."

બિંદુએ સામે ઘાંટો પાડ્યો, "હેમા, મારી પત્ની છે."

અચાનક સોપો પડી ગયો. હેમા મોઢા પર રૂમાલ દબાવી અંદર દોડી ગઈ. તો સાતમા સ્વર્ગમાં વિહરતો અમિત અચાનક સાતમા પાતાળમાં પટકાયો. એ માનસિક રીતે ફસડાઈ નીચે પટકાઈ ગયો હતો. બિંદુ દોડી એના માટે પાણી લઈ આવી.

એ પાણી પીવા છતાં સ્વસ્થ ના થયો પણ બિંદુ થોડી કુણી પડી ગઈ. એણે એને સમજાવ્યો, "હેમાને કુદરતી રીતે કોઈ પુરુષમાં રસ જ નથી. એને સ્ત્રીઓ જ ગમે છે. મને પણ મારા પતિ કરતાં સ્ત્રીઓ જ વધુ ગમે છે. એટલે જ હું મારા પતિથી અલગ રહું છું. એ કાનપુર રહે છે હું મુંબઈ. મારા પતિથી બચવા મેં મારી કંપનીમાં રિકવેસ્ટ કરી મારી ટ્રાન્સફર અહીં કરાવી લીધી છે. મારો પતિ પણ આ વાત જાણે છે એટલે તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ ધોરણે એ ત્યાં નિરાંતે બેઠો છે. આ બધું તમને જણાવવાનું કારણ એ છે કે કાલે તમારી હાલત મારા પતિ જેવી ના થાય."

અમિતનું મગજ બહેર મારી ગયું. એને થોડું વિચારવા બાદ એને હેમાના સધકીના ઘરમાં કરેલાં આચરણ પરથી આની વાતો એક વખત સાચી જણાઈ. છતાં એણે એક વાર આ વાત, સાચી હોય તો હેમાના મોઢે સાંભળવા આગ્રહ રાખ્યો.

બિંદુ અંદર ગઈ અને એમના લગ્નનું ફોટો આલ્બમ લઈ આવી. એમાં એક મેરેજ સર્ટિફિકેટ પણ હતું. બિંદુરાઘવ અને હેમાના લગ્નનું. અમિતે એની પરવાનગી લઈ એમાંથી થોડા ફોટાઓ પાડી લીધા. હવે ત્યાં રોકાઈને કોઈ ફાયદો નહોતો એટલે એ ત્યાંથી લૂટાઈને ચૂપચાપ બહાર નીકળી ગયો.

એ એના ફૂટેલા નસીબને માનવા તૈયાર જ નહોતો. એ દુઃખી હ્રદયથી ત્યાંથી રવાના થયો પણ એનુ હ્રદય રડી રહ્યુ હતુ,

'ફલક પે જીતને સિતારેં હૈં વો ભી શરમાયે
દેનેવાલે તું મુઝે ઈતની જિંદગી દે દે
યહી સજા હૈ મેરી મૌત હી ન આયે મુઝે
કિસી કો ચૈન મિલે મુઝકો બેકલી દે દે.

ગમ ઊઠાને કે લિયે મૈં તો જીયે જાઉંગા,
ગમ ઊઠાને કે લિયે મૈં તો જીયે જાઉંગા,
સાંસ કી લય પે તેરા નામ લીયે જાઉંગા,
ગમ ઊઠાને કે લિયે મૈં તો જીયે જાઊંગા.'

એ સધકીના ઘરે માંડ માંડ પહોંચ્યો તો ત્યાં ખુશખુશાલ મીનામાસીએ એનું ઓવારણા લઈ સ્વાગત કર્યુ. આ સહન ન થતા હિંમતવાન અમિત રડી પડ્યો. ધૂલો હરખપદૂડો અને ઈશા હરણી તો ત્યાંથી નીકળી ગયાં હતાં. મીનામાસી મૂંઝવણમાં મૂકાઈ ગયાં. શું કરવું એ એમને સમજાયું નહીં એટલે એ પણ રડવા લાગ્યાં.

બહારથી રડવાનો અવાજ આવતો સાંભળી સધકી સંધિવાત અંદરથી દોડતી આવી. એને જોઈને અમિત ભાવુક થઈ ગયો, "સંધુ, એ રોંગ નંબર નીકળ્યો."

"હેં!" સધકીએ સંધિવાત સર્જ્યો, "ધૂલાભાઈથી આવી ભૂલ ના થાય. ચોક્કસ કાંઈ ગેરસમજ થઈ ગઈ હશે. પણ થયું શું એ કહેશો?"

અમિત પાસે જે થયું એ કહેવા માટે શબ્દો નહોતા. એ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયો. ત્યાં મીનામાસીને કળ વળી એટલે એમણે પણ એ જ પ્રશ્ન સામે મૂક્યો, "થયું શું એ બાબતમાં મગનું નામ મરી પાડીશ?"

એ ચકરાવે ચડી ગયો. કેવી રીતે જવાબ આપવો એ માટે શબ્દો ગોઠવવા લાગ્યો. હજી થોડો પ્રયાસ કરી શકે એ પહેલાં નાની બાલ્કનીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફિસ બનાવી ત્યાં પોતાનું કામ અપૂર્ણ છોડી હોલમાં આવેલા ભાવલા ભૂસકાએ ભૂસકો લગાવ્યો, "આ અવાજો શેના છે? અમિતભાઈ હવે શું થયું?"

હવે અમિતે શબ્દપ્રયોગની કડાકૂટ છોડીને મોબાઈલ ખોલી હેમાનાં ઘરમાં પાડેલ ફોટા શોધી, મોબાઈલ ભાવલા તરફ આગળ વધારી એ માંડ માંડ બોલ્યો, "બનેવી, રોંગ નંબર."

ભાવલાએ ફોટો જોતા વેંત ચમક્યો. એણે એ ફોટાઓ સ્ક્રોલ કરી જોઈ લીધા. એણે પ્રસ્થાપિત પરિસ્થિતિનો તાગ મેળવી, એ બિંદુરાઘવ અને હેમાના મેરેજ સર્ટિફિકેટનો ફોટો સ્ક્રીન પર રાખી, અમિતનો મોબાઈલ સધકીને આપ્યો.

સધકીએ ઝડપભેર ફોટો જોઈ, "હાય હાય." એટલું બોલીને સોફાની બેઠક પર પછડાટ ખાધી. એણે સોફા પર વ્યવસ્થિત રીતે બેસવાને બદલે પોતાની જાતને એ સોફા પર ફંગોળી. ત્યાં શું ચાલી રહ્યું છે એ બદલ ગડમથલ અનુભવતા મીનામાસીને કાંઈક અઘટિત ઘટના ઘટી ચૂકી હતી એટલી ગંધ ચોક્કસ આવી ગઈ હતી પણ છતાં એ શું એ જાણવા આતુર થઈ ગયાં હતાં. જોકે આ અસમંજસ ભર્યા સમય દરમ્યાન પણ એ સમતા ધારણ કરી સધકીની બાજુમાં બેસી ગયાં. ચિંતા એમના શરીરમાંથી પસીનો બની બહાર નીકળી રહી હતી.

સધકી સંધિવાતે એમને અમિતનો ફોન હાથમાં પકડાવી, બોલી, "માસી, એ હેમા પરણિત છે." એ સાથે મીનામાસીએ હેમાને ભાંડવાની શરૂઆત કરી.

આ તરફ ભાવલાએ સમયોચિત નિર્ણય લઈ ધૂલાને ફોન કર્યો. ભાવલાએ ફોન પર ધૂલાને સૌ પ્રથમ અમિતની લગ્નોત્સુક મિટીંગ વિશે કોઈને પણ જાણ કરવાની ના પાડી, ખાસ કરીને એમના મિત્ર વર્તુળમાં. પછી હેમાના સમલૈંગિક સ્વભાવ અને સમલૈંગિક લગ્ન વગેરે વિશે એને જાણ કરી.

હરખપદૂડો ધૂલો બેકફૂટ પર આવી ગયો. તેઓ હજી પોતાની સોસાયટીના ગેટ પાસે પહોંચ્યા હતાં. એણે કાંઈ બોલવાને બદલે ઈશાનો હાથ પકડીને એને ખેંચી બહાર નીકળાય એ તરફ લઈ ગયો. સમજુ ઈશાએ કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ આપ્યા વગર એની સાથે ચાલી નીકળી. એ બંને હેમાના ફ્લેટના દરવાજે આવી ઊભાં રહી ગયાં.

ધૂલાએ એના ફ્લેટની ડોરબેલ વગાડી. અને દરવાજો ખુલે એ દરમ્યાન એણે ઈશાને સંપૂર્ણ પરિસ્થિતિથી વાકેફ કરી. ઈશા એક નાનકડા મહાવિસ્ફોટનો અનુભવ કરી રહી હતી. એમને ત્યારબાદ ધ્યાનમાં આવ્યુ કે લગભગ ત્રણેક મિનિટ વીતી ગઈ હોવા છતાં દરવાજો ખૂલ્યો નહોતો. એણે આ પરિણામ અપેક્ષિત હોવા છતાં પણ ફરી ફરી ડોરબેલ વગાડી. આમ જ દસેક મિનિટ બાદ એમણે દરવાજો ખૂલવાની રાહ જોયાં બાદ પાછા ફરવાનો નિર્ણય લીધો.

ઈશાના ચહેરા પર ક્રોધ તરવરતો હતો પણ તેઓ એ સમયે બીજી સોસાયટીમાં બીજા કોઈના ઘરની બહાર ઊભાં હતાં એટલે એ મહામુશ્કેલીએ પોતાના ક્રોધ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહી હતી. જેવી તેઓએ નિરાશ થઈને લાચારીપૂર્વક હેમાના ફ્લેટના દરવાજા તરફ પીઠ ફેરવી કે એમણે દરવાજાની કડીઓ અને ત્યારબાદ સાંકળના ખખડવાના અવાજો સાંભળ્યાં. બંનેએ સૂચક નજરે એકમેક સામે જોયું પણ પાછળ ફરીને જોવાનું ટાળ્યું.

તેમના ભારે ડગલાં અટકવાને બદલે આગળ જવા આગ્રહ કરી રહ્યાં હતાં. એમણે દરવાજો ખૂલવાના અવાજો અવગણી દાદરા ઊતરવા તરફ પ્રયાણ કર્યું.

જેવા તેઓએ પ્રથમ પગથિયા પર પગ મૂક્યો, પાછળથી હેમાનો અવાજ આવ્યો, "સોરી ભાઈ, સોરી ભાભી." એમના પગ તો અટક્યા છતાં પણ એમણે પાછળ જોવાનું એવોઈડ કર્યું. એમને પાછળ દોટ મૂકી રહેલા પગલાંઓનો અવાજ સંભળાયો. ઈશાના ખભા પર હળવી થપાટ પડી એટલે એ પાછળ ફરી. તો પગથિયાં પર હેમા એને વળગીને રડતાં રડતાં 'સોરી, સોરી' એ શબ્દનું રટણ કરવાં લાગી.

શું આ હેમા ખરેખર દુઃખી છે? હેમાએ એ બિંદુરાઘવની પત્ની હોવાની વાત કેમ છુપાવી? એણે સામેથી બંધ થયેલ પ્રકરણને ખોલીને અમિત સાથે લગ્ન કરવા હા કેમ ભણી? હવે આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૩૩ તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).

લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).