૧.શાક ભાજી ની ગોષ્ઠી
શાક માર્કેટ માં ચહલ પહલ હતી બધાજ શાક ભાજીઓ સરસ મજાના ધોવાઈ ને ગોઠવાઇ ગયા હતા પણ આ શું ? આ તો અંદર અંદર ખુસ ફુસ શરૂ થઇ બટાકા, રીંગણ, ગવાર, ટીંડોળા વગેરે કઈંક કાના ફૂંસી કરતા હતા.
લાલ લાલ ટામેટા સરસ મજા ના ધોવાઈ ને ગોઠવાતા હતા.
એ જોઇને લગભગ બધીજ શાક ભાજી એ મોઢું મચકોડ્યુ
અને રીતસર વાતોએ ચઢી.
ટીંડોળુ બોલ્યુ, "અરે જવા દેને યાર આનાય વળી દિવસો આવ્યા. અત્યાર સુધી ઢેઢે પીટાતુ તુ ત્યારે ઊંચૂ જોવાનીય તેવડ નોતી અને અત્યારે તો જો અભિમાન ના પાર નહિ વળી!. " ત્યા તો ગવાર બોલ્યુ ,"ઓ શાંતિ રાખો આયે કેટલા
દિવસ વળી. પાછુ એવા ગગડશે ને કે , ૧૦ રૂપીએ કિલો વેચાશે ને એટલે હેઠું બેસશે અને આ જોને આદુય એને વાદે જાણે આદુ ખાઈ ને પડ્યુ છે. અને એમાય વળી પેલી જટાળી કોથમીરેય પાછી ભળી છે એની પાર્ટી માં.
અત્યાર સુધી લોકો શાક ભાજી જોડે મફત માંગતા. તે વળી જોને એનાય દિવસો આવ્યા." ત્યા તો ભીંડા ભાઈ સ્વભાવે થોડા ચિંકણા , ખોંખારો ખાઈને બોલ્યા , " જો ભાઈ ભવિષ્ય માં આ ત્રણે ને ય આપડે આપડી પાર્ટી માં લેવાના નહિ. બોલો શું બોલો છો? " ત્યા તો બધાએ ' હા' ભણી "બધા શાંત રહો અત્યારે ટામેટું ભલે લાલ આંખ કરે, અને આદુય એની વાદે તીખા જરે, અને પેલી જટાળી પણ ભલે આમ તેમ ઝૂલે પણ શાંતિ થી સાંભળો આપણી પાર્ટી માં ફૂટ પડવી જોઈ એ નહિ. આપણે બધાએ સમૂહ માં ટામેટા, આદુ, અને કોથમીર બેન ને - અરે sorry sorry બેન કેવા ને વાત કેવી કોથમીર ને પડતી મૂકવાની છે. આપ મેળે એક દિવસ ભાન પડશે ને એટલે આવશે ટઇડાતા-મઈડાતા ત્યા સુધી શાંતિ ."
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
૨.કામ વાળી ના કિસ્સા!
રોજ ની જેમ જ આજે પણ ૫:૩૦ થઇ ગયા હતા પણ મીના બેન આવ્યા ન હતા
" અલી આ બધા આવ્યા પણ મીના કેમ હજી આવી નઇ " કોકિલા બેને પૂછ્યુ .
" અરે એના ઘરે પેલી કામ વાળી દિવ્યા આવી છે ને એટલે "
નિમિશા બેને પ્રત્યુતર વાળ્યો.
"હેં, અત્યારે! આ તો કઇં ટાઇમ છે એને આવવાનો. આ દિવ્યા ને મીના બેને જ ફટવાડી છે" કોકિલા બેન બોલ્યા.
"આ કામ વળીઓ ને બહુ ફટવાડાય નહિ એક તો વળી પૈસા ય આપવાના ને અવનવી વસ્તુઓ ય પાછી, આ કામ વળીઓ ને બગાડવાના ધંધા છે કે બીજુ કઇં! " નિમિશા બેને બળાપો ઠાલવ્યો .
" હવે બિચારી બિચારી કહીને થોડુ બધુ આલ્યા જ કરવાનું હવે જવા દોને, બધો દેખાડો મોટાઇ દેખાડવાનું બીજુ શું! " કોકિલા બેન જીણું જીણું બબડયા .
"હેં એમા શું દેખાડો? " નિમિશા બેને અણગમો વ્યક્ત કર્યો.
" હાસ્તો વળી અમથા બધું નથી આપતા એતો મને એમની કામ વાળી દિવ્યા જ કેહતી હતી કે મીના બેન તો સાવ સસતા ભાવ નું લિક્વિડ લાવે અને વાસણ તો બાપા કાળા મેશ. " કોકિલા બેને દિવ્યા એ કોઈને નહિ કેહવાના સમ આખરે તોડી નાખ્યા .
"હેં શું બોલો છો? લો છે આપવામાં કાઇ હારપ ગમે તેમ તોય કામ વાળી. ગમે તેટલુ આલો તોય આઘી પાછી તો કરવાની જ" નિમીશા બેન બોલ્યા. ત્યા પાછા મિટિંગ માં સંગીતા બેન ભળ્યા આ બધા દેખાય છે અને મીના બેન કેમ નથી દેખાતા? સંગીતા બેને પૂછ્યુ
" એને તો રોજ ની રામાયણ પેલી દિવ્યાડી કામ વાળી. " કોકિલા બેને કહ્યુ.
"અહ! હવે એની તો વાત જ જવા દોને. " સંગીતા બેન વળી મોઢું મચકોડતા બોલ્યા.
" કેમ તે તમારી જોડે શું કર્યુ? " નિમીશા બેને ફટ દઈને પૂછી નાખ્યુ . " તે તમને કઇં ખબર જ નથી? " સંગીતા બેને જાણે પડીકૂ ખોલ્યુ
" લૉ આ વળી શું નવું લાવ્યા " કોકિલા બેન થી રેહવાયુ નહિ. "અરે તમને ખબર નથી? દિવ્યાડી તો પાછી ખાય છે ને (સંગીતા બેન મોઢું ચાવવાનો ઇશારો કરતા)"
"હેં ...... ખાય છે શું? " કોકિલા બેન સંગીતા બેન ની લગોલગ આવી ગયા."અલી ,મુખવાસ" આમ તેમ નજર ફેરવી ધીમા અવાજે સંગીતા બેન બોલ્યા
" હેં તે મુખવાસ તો ભલેને ખાય એમા આપડે હું. " નિમીશા બેન ને કઇં નવું નો લાગ્યુ. "ઓ ભગવાન આ નિમીશા બેન તો સમજતા જ નથી... પડીકી... પડીકી, આ પેલા જેન્ટ્સ લોકો નઇ ખાતા એ! " સંગીતા બેન એ હાથ થી સમજાવતા કહ્યુ. " હેં.... હેં...!! હાય હાય "કોકિલા બેન ને કઈક નવું જાણવા મળ્યુ.
" તે પાછી ખાતી જાય ને પોતું કરતા અલી ડોલ માં જ થૂં કે બોલ" સંગીતા બેન બોલ્યા
"છીં.. છીં .... તે તમને ક્યાથી ખબર પડી " નિમીશા બેન ને વધુ રસ પડ્યો.
" અલી હું તો રોજ જોઉ મારી બાલકની માંથી પેલી રિટાડી ને ત્યા પોતા કરતી હોય ત્યારે , હા પણ જો મારું નામ નહિ લેતા હોં! " સંગીતા બેન ને પાછો ફડકો પેઠો.
"હા... હા.. તે અમે કઇં થોડી આઘી પાછી કરીએ છીએ એ તો પેલી દિવ્યાડી" નિમીશા બેને વળી આશ્વાસન આપતા કહ્યુ. "ચલો.. ચલો આ મીના બેન તો કઇં આવ્યા નહિ, ને આપણ પાછો ચોવિહાર નો ટાઇમ થઇ જશે..... કહીને બધા છૂટા પડ્યા!