Tum sirf meri ho in Gujarati Moral Stories by Makvana Bhavek books and stories PDF | તુંમ સિર્ફ મેરી હો !

Featured Books
Categories
Share

તુંમ સિર્ફ મેરી હો !

આશા સ્કૂલેથી આવી રહી હતી. રામજી મંદિરનો ખૂણો આવતા જ એના એના પગ ધ્રૂજવા માંડ્યા. આંખોમાં ખોફ આવીને અંજાઈ ગયો. એ મનોમન ભગવાનનું સ્મરણ કરવા લાગી, ‘હે, રામ ભગવાન! એ ત્યાં ન હોય તો સારું! મારી રક્ષા કરજે. મને એની બહુ જ બીક લાગે છે, ભગવાન! મને બચાવી લેજે!’

 

ખૂણો વળતા જ એણે નજર ઢાળી દીધી. એ એની તરફ જોવા પણ માંગતી નહોતી. ત્યાં જ એના કાનમાં ગીતનો અવાજ અથડાયો. ‘તુમ હી હો... અબ તુમ હી હો! મેરી આશિકી અબ તુમ હી હો... !

 

એ નખશિખ ધ્રૂજી ગઈ. એ ત્યાં જ બેઠો હતો. આશા ગભરાતી-ગભરાતી ઘરે આવી. આવીને એ ધૃસકે ને ધ્રૂસકે રડી પડી. છેલ્લા બે મહિનાથી એ અંદર ને અંદર પીડાઈ રહી હતી. બારમા ધોરણની ઊગતી છોકરી. સુંદરતાનો પર્યાય જોઈ લો, પણ એનું આ રૂપ જ એનું દુશ્મન બન્યું હતું. પાસેની સોસાયટીમાં રહેતો એક યુવાન એના પર મોહી પડ્યો હતો. રોજ બપોરે એ સ્કૂલેથી પાછી આવતી ત્યારે રામજી મંદિરના પાછળના ગલ્લે એની છેડતી થતી. હજુ એ નજીક આવી કંઈ બોલ્યો નહોતો, પણ ફિલ્મી ગીતો, ઈશારા, સીટી વગેરેથી તે એને પજવી રહ્યો હતો.

 

આશા એનાં માતા-પિતા અને ભાઈ સાથે નાનકડા પરિવારમાં રહેતી હતી. સ્થિતિ સાવ સામાન્ય. પિતા મનસુખભાઈ એક ફેક્ટરીમાં કામ કરતાં હતા. મમ્મી નયનાબહેન હાઉસવાઈફ હતાં અને ભાઈ ઉમંગ કૉલેજના ત્રીજા વર્ષમાં હતો. આજે સાંજે બધા જમવા બેઠાં ત્યારે ઉમંગે એને પૂછ્યું, ‘એય, ચિબાવલી! હમણાંથી તારી બકબક ઓછી થઈ ગઈ છે. જીભને કાટ લાગ્યો છે કે શું?’

 

આજે તો આશાને ભાઈ સામે દર્દ ઠાલવવાની ઇચ્છા હતી, પણ એ કંઈ બોલે એ પહેલાં જ ભાઈ ઉમંગના ખાસ મિત્ર નીતિનની એન્ટ્રી થઈ એટલે એ અટકી ગઈ. નીતિન સીધો ડાઈનિંગ ટેબલ પર જમવા બેસી ગયો. પછી ભાઈ અને ભાઈબંધ તરત જ ઊભા થઈને બાઈક લઈને બહાર જતાં રહ્યા અને આશા એના કમરામાં.

 

આશાને હવે સ્કૂલે જવાનું પણ નહોતું ગમતું, પણ બારમા ધોરણનું બોર્ડ હતું. રજા પડાય એ પોસાય તેમ નહોતું. ઘરથી સ્કૂલનું વૉકિંગ ડિસ્ટન્સ જ હતું. બે સોસાયટી અને રામજી મંદિર પાર કરો એ પછી એક કોમ્પ્લેક્સ અને પછી સ્કૂલ ! એ રોજ ચાલીને જ જતી અને ચાલીને જ આવતી. અત્યાર સુધી એ ઉમંગને કહેતાં એટલે ડરતી હતી, કારણ કે એનો ગુસ્સો ખૂબ ખરાબ હતો. એને ખબર પડે કે કોઈએ એની બહેનની છેડતી કરી છે, તો એ એની હત્યા જ કરી નાંખે. એનું ગ્રૂપ પણ રાઉડી હતું. નીતિન, મોન્ટી, અશોક એના ખાસ ફ્રેન્ડ. એ બધા મળીને આશાની છેડતી કરનારાનું કાસળ જ કાઢી નાંખે. આશા થથરી રહી હતી. શું કરવું એ કંઈ સમજાતું નહોતું. 

 

હવે તો સમસ્યા ઓર વધી ગઈ હતી. પહેલાં તો એ મવાલી માત્ર બપોરે જ ગલ્લે બેસતો. હવે તો જતી વખતે સવારે પોણા સાતે પણ ત્યાં આવીને બેસી જતો. એટલું જ નહીં, હવે તો એણે આશા આવે એટલે એની પાછળ પાછળ ચાલવાનું પણ શરૂ કરી દીધું હતું. આશા ઝપાટાભેર આગળ ચાલતી અને એ પાછળ ગીત ગણગણતો ચાલ્યા કરતો, ‘મેં રંગ શરબતો કા, તું મીઠે ઘાટ કા પાની! આ મુજમેં ઘૂલ જા તું, મેરે યાર બાત બન જાની..!’

 

બપોરનો સમય હતો. બરાબર પોણા એક વાગ્યે આશા રામજી મંદિરનો ખાંચો વટી. રોજની જેમ આજે પણ એ ધ્રૂજી જ રહી હતી, પણ આજે કોઈ અવાજ ન આવ્યો. કોઈ ગીત ન સંભળાયું. એણે ત્રાંસી નજરે પેલાની રોજની જગ્યા પર જોયું, પાછળ પણ જોયું. કોઈ નહોતું. એણે છૂટથી આમતેમ જોવા માંડ્યું, એ નહોતો. એણે રાહતનો દમ લીધો. ત્યાં જ અચાનક એક કાર આવીને એની નજીક ઊભી રહી. એ કંઈ વિચારે એ પહેલાં જ એનો પાછળનો દરવાજો ખૂલ્યો અને કોઈએ એનો હાથ પકડી અંદર ખેંચી લીધી. ગાડી તરત જ પૂરપાટ દોડવા લાગી.

 

આશાએ એને ખેંચનારા સામે જોયું. એ પેલો મવાલી જ હતો. આશાએ ચીસ પાડવાનો પ્રયત્ન કર્યો, પણ પેલાએ એના મોં પર ડૂચો મારી દીધો. એણે એની છાતીમાં હાથ પછાડવા માંડ્યા. પેલાએ બંને હાથ કચકચાવીને પકડી લીધા. ‘એકદમ શાંત થઈ જા આશા, નહીંતર..!' એણે માત્ર ચપ્પુ બતાવ્યું. આશા ધ્રાસકાભેર રડી પડી. ગળામાંથી અવાજ ન કાઢી શકી.

 

‘એય, રડ નહીં, હું તને કંઈ નહીં કરું. આ ચપ્પુ તો ફક્ત તને શાંત કરવા માટે લાવ્યો છું!' પેલાએ આશાનો ચહેરો પોતાના હાથમાં લીધો અને બોલવા લાગ્યો. 

 

‘એય આશા! આઈ લવ યુ! તું મારો જીવ અને જાન બની ગઈ છે. છેલ્લા છ મહિનાથી તને પાગલ જેમ ચાહું છું. બધાને ત્યાં ભલે રોજ સવારે છ વાગ્યે સૂરજ ઊગી જતો હોય, પણ મારે તો તને જોઉં ત્યારે જ ઊગે છે. તું મને એલફેલ ન સમજીશ! હું સારા ઘરનો છોકરો છું. બસ, તારી સાથે પ્રેમ થઈ ગયો એટલે આવારાગીરી સૂજી ગઈ. આશા, મારે તારી સાથે કંઈ બૂરું નથી કરવું. તને બસ એટલું કહેવા જ ઉઠાવી છે કે હું તારી સાથે લગ્ન કરવા માંગું છું. એ પણ તું કહે ત્યારે. 

 

અરે, હા! ઉતાવળમાં હું મારું નામ કહેવાનું તો ભૂલી જ ગયો. મારું નામ જીગર છે. રામજી મંદિરની પાછળ હરિદ્વાર સોસાયટીમાં રહું છું. બે નંબરનો બંગલો મારો છે. તું રાજ કરીશ મારી સાથે. આશા, પ્લીઝ! હા પાડી દે!' 

 

આશા સતત રડતી રહી અને એ સતત બોલતો રહ્યો. એના શબ્દો, એની આંખો, એની સ્ટાઈલ પરથી લાગ્યું કે આ સાઇકો આશિક જ છે. 

 

એ પછી એણે કાર વળાવી લીધી અને આશાને જ્યાંથી ઉઠાવી હતી ત્યાં જ પાછી ઉતારી દીધી. 

 

ઉતારતા એણે કહ્યું, ‘આશા, મારો ઈરાદો નેક છે. મને તારા આત્મામાં રસ છે, શરીરમાં નહીં, પણ એક વાત યાદ રાખજે... તું ફક્ત મારી જ છે. તને મારા સિવાય કોઈ સ્પર્શી પણ નહીં શકે, પામવાની વાત તો દૂર રહી.” 

 

ગાડીનો દરવાજો ધડામ દઈને વસાઈ ગયો. આશા રડતી રડતી ઘર તરફ દોડી. એ ઘરે પહોંચી ત્યારે એનો ભાઈ ઉમંગ અને એનો મિત્ર નીતિન ટીવી પર ક્રિકેટ મેચ જોઈ રહ્યાં હતા. મમ્મી રસોડામાં હતી. 

 

આશાની ધીરજના બંધ હવે ખૂલી ગયા હતા. એ ભાઈને વળગી પડી.

 

‘ભાઈ, મને બચાવી લે. એક મવાલી છ મહિનાથી મારી પાછળ પડ્યો છે. આજે તો એણે મને ખેંચીને ગાડીમાં બેસાડી દીધી અને કહ્યું કે, હું એની સાથે લગ્ન નહીં કરું તો...

 

ઉમંગ આગનો ભડકો બની ગયો. નીતિનનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. ઉમંગ બોલ્યો, ‘નામ બોલ!’ ‘જીગર! હરિદ્વાર સોસાયટી. બે નંબરનો બંગલો. એમ એ કહેતો હતો.”

 

બીજી જ સેકન્ડે ઉમંગ અને નીતિન ત્યાંથી અર્દશ્ય થઈ ગયા. ઉમંગે ઘરમાં પડેલી પાઈપ લીધી અને નીતિને બેટ! પાંચમી મિનિટે બંને હરિદ્વાર સોસાયટીના બે નંબરના બંગલે ઊભા હતા. ઉમંગે પૂછ્યું, ‘આ જીગરનું ઘર છે?’

 

‘હા, હું જ જીગર છું!’ ઊભેલો જણ બોલ્યો. એ સાથે જ ઉમંગે હાથમાંના પાઈપનો પ્રહાર કર્યો. જીગર પછડાયો, ‘એય, કોણ છો તમે?”

 

‘તારા બાપ!’ નીતિને બેટ લઈને એને આડેધડ ઝૂડવા માંડ્યો. થોડી જ વારમાં અડોશીપડોશીઓ ભેગા થઈ ગયા. જીગરની ઘરડી મા રાડો પાડતી પાડતી બહાર આવી. કેટલાંક દોઢડાહ્યા લોકોએ આ બંનેને રોક્યા. ઉમંગે એમની સામે સણસણતો સવાલ ફેંક્યો, ‘આ મવાલી! તમારી બહેન કે તમારી માની ઈજ્જત પર હાથ નાંખે તો તમે શું કરશો? એને ખોળામાં લઈને સુવરાવશો?”

 

કોઈ કંઈ બોલ્યુ નહીં, ઉમંગે જીગરના વાળ પકડીને એનું માથું દીવાલ સાથે પછાડ્યું, ‘આશા મારી બહેન છે. એની પર હવે પછી નજર પણ નાંખી છે તો સમજી લેજે તારાં આંતરડાં અને ડોળા બેય ખેંચી નાંખીશ.

 

નીતિને જડબું ખેંચ્યું, ‘આશાનો રસ્તો પણ હવે ઓળંગ્યો છે તો જિંદગીભર ચાલવા જેવો નહીં રહેવા દઉં!' સાઉથની ફિલ્મો જેવું એ દેશ્ય હતું. સો માણસોનાં ટોળાં વચ્ચેથી ઉમંગ અને નીતિન એક જણનાં હાડકાં ભાંગીને નીકળ્યા, પણ કોઈ કંઈ બોલ્યું નહીં. એમની પીઠ પાછળ બોલ્યો તો માત્ર એક જ જણ, જીગર! 

 

લોહીલુહાણ હાલતમાં આથમતા શબ્દોમાં એ બોલ્યો, ‘આશા મારી છે, ફક્ત મારી જ. હું એને નહીં છોડું!' અને બેભાન થઈ ગયો.

 

આ વાક્ય સાંભળી ગુસ્સે થયેલા ઉમંગ અને નીતિન પાછા વળ્યા અને બેભાન જીગર પર ફરી વાર લાત ફટકારી અને પાછા વળ્યા.

 

એ ઘટના બાદ ઉમંગે આશાને કહી દીધું, ‘તું ચિંતા વગર સ્કૂલે જા! હવે આ એરિયામાં કોઈ તારી સામે આંખ ઊંચી કરીને પણ નહીં જુએ. અને બન્યું પણ એવું. એ પછી ન તો જીગર દેખાયો ન તો જીગર જેવા બીજા કોઈ આશિકો. અઠવાડિયા સુધી બધું બરાબર ચાલ્યું, પણ એક દિવસ ગજબ થઈ ગયો. સ્કૂલે ગયેલી આશા બપોરે પાછી આવી જ નહીં. સ્કૂલે તપાસ કરી તો ખબર પડી કે, એ તો સવારથી જ નહોતી આવી. પરિવારના પગતળેથી જમીન ખસકી ગઈ. ઉમંગ અને તેના મિત્રો નીતિન, મોન્ટી અને અશોક જીગરના ઘરે ગયા. એ પણ સવારથી જ ઘરે નહોતો. ઉમંગે ત્યાં ઊભા ઊભા જ ત્રાડ પાડી, ‘હું એને છોડીશ નહીં!’ મિત્રોએ એને સમજાવ્યો અને આશાની શોધ શરૂ કરી. 

 

પૂરા આઠ કલાક બાદ પણ આશાનો ક્યાંય પતો ન લાગ્યો. આખરે હવે એમની પાસે એક જ રસ્તો બાકી રહેતો હતો. પોલીસ કેસનો. સાંજના સાત વાગ્યે ઉમંગ, એનાં મમ્મી-પપ્પા અને દોસ્તો અકોલી પોલીસ સ્ટેશને પહોંચ્યાં.

 

ખખડધજ ખુરશીમાં બેઠેલા મોટી ફાંદવાળા ઈન્સપેક્ટર ઘેલાણી અને એના જ ડુપ્લિકેટ જેવા કોન્સ્ટેબલ નાથુએ એમની સામે જોયું, ‘જી! ફરમાવો! અમે આપની શું સેવા કરી શકીએ?'

 

ઉમંગે ઈન્સપેક્ટર ઘેલાણી સમક્ષ આશા સાથે છેલ્લા છ મહિનાથી જે કંઈ થયું હતું એ બધું જ વિગતવાર વર્ણન કર્યું. ઘેલાણીએ ડિટેઈલ ફરિયાદ નોંધી લીધી. એ પછી એમને ઈન્વેસ્ટિગેશનમાં જરૂરી તમામ વિગતો, સરનામું, ફોન નંબર, મોબાઈલ નંબર, એની ફ્રેન્ડ્સનાં લીસ્ટ અને નંબર બધું જ લઈને એમને રવાના કર્યાં.

 

ઘેલાણીએ જીગરના ઘરે તપાસ કરી હતી. એની વૃદ્ધ માતા એક જ રટણ લઈને બેઠી હતી કે, એનો દીકરો સવારે છ વાગ્યે જોગિંગમાં નીકળ્યો પછી આવ્યો નથી. એ તો ઉલટાનાં આશાના ભાઈ પર શંકા કરતાં હતાં કે એમણે જ એને ગાયબ કરી દીધો છે. 

 

જીગરનો મોબાઈલ નંબર લઈ એના ઘરે વૉચ ગોઠવી ઘેલાણી બીજી તપાસે લાગ્યા. આશાની સ્કૂલમાં, આચાર્ય અને ટીચર્સની પૂછપરછ કરવામાં આવી. ઘેલાણીને શંકા હતી કે કદાચ બંને પછી પ્રેમમાં પડ્યાં હોય અને ભાગી ગયાં હોય, પણ પૂછપરછમાં એવું કંઈ તથ્ય મળ્યું નહીં. જીગર વિશે પણ એના પડોશીઓનો અભિપ્રાય સારો હતો. પૂરા બે દિવસ ઈન્વેસ્ટિગેશન ચાલ્યું, પણ કંઈ સુરાગ મળ્યો નહીં. ઉમંગ અને નીતિન વારે વારે પૂછપરછ માટે પોલીસ સ્ટેશને આવતા હતા, પણ આશાનો કોઈ પતો ન મળતો.

 

ઘેલાણી સુરાગ મેળવવા માટે તડપી રહ્યાં હતા અને નાથુ બેઠો બેઠો આરામથી ચાની ચૂસકીઓ મારી રહ્યો હતો. ઘેલાણી એના પર ખીજાયા. નાથુ હસતો હસતો બહાર નીકળ્યો. એ ઓરડાનું બારણું વળોટ્યો ત્યાં સુધી ગીત ગણગણતો હતો અને બરાબર એ જ વખતે ઘેલાણીના દિમાગમાં એક બત્તી થઈ. એ ઉછળી પડ્યા.

 

નાથુ એમને ખીજાવા માટે બીજી ચા લઈને આવ્યો હતો. એને હતું કે હવે તો ઘેલાણી વધારે ખીજાશે, પણ એના બદલે એ બોલ્યા, ‘માય ડિયર નાથુ! યુ આર ગ્રેટ! તેં તો મને એક કડી આપી દીધી. હવે તારે જેટલી ચા પીવી હોય એટલી પી. પછી હું કહું એ કામ શરૂ કરી દે! નાથુ આશ્ચર્યથી એમની સામે જોઈ રહ્યો.

 

બે દિવસના તનતોડ ઈન્વેસ્ટિગેશન બાદ ઘેલાણી અને નાથુએ આખા કેસનાં તમામ રહસ્યો ખોલી નાંખ્યાં. આશાનો પતો મળી ગયો હતો. હવે બસ જઈને એને છોડાવવાની હતી. રાતના સાડા બાર વાગ્યા હતા. ઘેલાણી આશાના ઘરે જઈ પહોંચ્યા અને એ પછી પરિવારને માહિતી આપી કે આશા મળી ગઈ છે અને માત્ર ઉમંગ એને લેવા એમની સાથે આવે. સૌને એક ક્ષણ માટે અજુગતું લાગ્યું, પણ પછી ઉમંગ ઝાઝું વિચાર્યા વિના તૈયાર થઈ ગયો.

 

ઘેલાણી, નાથુ અને ઉમંગ લગભગ અરધો કલાકના હાઈવે ડ્રાઈવિંગ પછી ડાબી તરફ આવેલા એક ખેતરમાં પ્રવેશ્યા. દૂર એક ઝૂંપડી દેખાતી હતી. અંદર લાઈટ બળી રહી હતી.

 

આશા, ત્યાં છે! ગાડીનો અવાજ અને પ્રકાશ આવશે તો ગુનેગાર સાબદો થઈ જશે ! આપણે ચાલતાં જ જઈએ !’ નાથુએ ગાડી ઊભી રાખતાં કહ્યું. ત્રણે જણ દબાતાં પગલે એ ઝૂંપડી પાસે ગયા. અધખુલ્લાં બારણામાંથી પીળા બલ્બનો આછો પ્રકાશ બહાર આવી રહ્યો હતો. 

 

ગુનેગારને કલ્પના પણ નહોતી કે, ઘેલાણી એના સુધી પહોંચી જશે. ત્રણે જડ બની ત્યાં ઊભા રહ્યાં. કાન અને આંખ માંડી. દશ્ય જોઈને ઉમંગનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. એ કંઈ કરવા જતો હતો, પણ નાથુએ એનું મોં દાબી દીધું અને અંદર જે થાય એ સાંભળવા ઈશારો કર્યો.

 

દેશ્ય આંખમાં ઊતરી રહ્યું હતું. આશાને એક ખાટલા સાથે બાંધી હતી. એના મોં પર ડૂચો હતો. બાજુમાં એક લાશ પડી હતી અને એના પગ પાસે એક છોકરો બેઠો હતો. સાવ ભિખારી ભાસ્કર જેમ ઊંધા પગ કરીને એ આશાને તાકી રહ્યો હતો. એણે આશાના પગ પકડ્યા હતા અને કરગરતો હતો, ‘એય, આશા એક વાર કહી દે કે તું મારી છે. આઈ લવ યુ વેરી મચ! તને પામવા તો મેં શું શું કરી નાંખ્યું! તું મારી જ અમાનત છે. તારા માટે તો મેં મારા ભાઈ જેવા ભાઈબંધને દગો કર્યો, તારા માટે તો મેં જીગરને માર્યો હવે. હજુ પણ તું મારી નહીં થાય તો હું તને ખતમ કરી નાંખીશ. 

 

તું મારી જ છે... લે તું ખુશ થતી હોય તો તારા માટે ગીત ગાઉં!' એમ બોલી એ ઊભો થઈને સાઇકો માણસ જેમ વિકૃત રીતે ગીત ગાવા માંડ્યો, 

 

‘મંજિલે રુસવા હૈ, ખોયા હૈ રાસ્તા, આયે લે જાયે, ઈતની સી ઇલ્સજા... મેરી જમાનત હૈ, તૂ મેરી અમાનત હૈ !'

 

અને પછી એક ધારદાર ખંજર કાઢી આશા તરફ આગળ વધ્યો, ‘આશા... તું મારી જ છે, મારી નહીં તો કોઈની નહીં. બાય!' 

 

એ આશાને મારવા જ જતો હતો ત્યાં જ ઘેલાણી, નાય અને ઉમંગ દરવાજાને ધક્કો મારી વીજળીવેગે અંદર પ્રવેશ્યા, નાથુએ એને પકડી લીધો અને ઘેલાણીએ એના માથે રિવોલ્વર ધરી દીધી, ‘નીતિન, સહેજ પણ હલ્યો છે તો ગોળી મારી દઈશ.’

 

ઉમંગે એની બોચી પકડી લીધી, એ સખત આઘાત અને આંસુના ધોધમાર વરસાદ વચ્ચે બોલ્યો, ‘નીતિન! તું? તેં મારી બહેનને ભલા માણસ મેં તને સગા ભાઈ જેમ રાખ્યો હતો..! 

 

નીતિન પસ્તાયા વિના બોલ્યો, ‘બહેન, તારી! પણ અમાનત તો મારીને! આશા ફક્ત મારી જ છે.’

 

આશા સહીસલામત એના ઘરે પહોંચી ગઈ હતી. એનું કિડનેપિંગ નીતિને જ કર્યું હતું. જીગરની લાશ એના ઘરે પહોંચી ગઈ હતી. બીજા દિવસે ઉમંગ અને એનાં માતા-પિતા ઈન્સપેક્ટર ઘેલાણીનો આભાર માનવા પોલીસ સ્ટેશન આવ્યાં.

 

‘સાહેબ, સલામ છે તમારી બુદ્ધિને! તમે ન હોત તો આ રાઝ આખી જિંદગી ના ખૂલત. તમારો ખૂબ ખૂબ આભાર! પણ મને એ કહો કે તમને કેવી રીતે ખબર પડી કે આશાને નીતિને જ કિડનેપ કરી છે?’

 

એ બધો નાથુનો કમાલ છે!’ ઘેલાણી બોલ્યા, ‘પૂરા બે દિવસની તપાસને અંતે કોઈ સુરાગ ન મળતા હું ધૂંધવાઈ ગયો હતો. હું એમ જ માનતો હતો કે જીગર જ ગુનેગાર છે, એટલે એને શોધવાની દિશામાં જ પગલાં ભરતો હતો, પણ એક દિવસ નાથુ મજાકમાં એક ગીત ગાતો હતો, 

 

દોસ્ત... દોસ્ત ના રહા... 

 

એ જ વખતે મારા દિમાગમાં ઝબકારો થયો કે, તારા દોસ્તોની તો તપાસ થઈ જ નહોતી. આ વિચાર દિમાગમાં આવતા જ નીતિનનો ચહેરો મારી સામે આવ્યો. એ ફરિયાદ લખાવવા પણ તારી સાથે હતો અને પછી રોજ પૂછપરછ કરવા પણ આવતો હતો. એ સતત હાજરી પુરાવી રહ્યો હતો એના કારણે મને વધુ શંકા ગઈ. પછી મેં એ દિશામાં તપાસ શરૂ કરી. તારા બીજા દોસ્તો મોન્ટી અને અશોકની પણ તપાસ કરી, પણ એમાં તારા ઘરે સૌથી વધુ ઘરોબો નીતિનનો જ હતો. મેં એનું કૉલ લીસ્ટ જોયું. કંઈ ખાસ મળ્યું નહીં. આખરે એના ફોનનું લૉકેશન ચેક કર્યું. રોજ દિવસ દરમિયાન તો કૉલેજ અને તારું ઘર એનું લૉકેશન હતું, પણ રોજ રાત્રે એના ફોનનું લૉકેશન આ વિસ્તારનું બતાવી રહ્યું હતું. અને એ પણ તારી બહેન ગુમ થઈ ત્યારથી જ!

 

બસ, મારો શંકા ખાતરીમાં બદલાઈ ગઈ. એ આખો દિવસ તારી સાથે રહેતો, રાત્રે ઘરે જમતો અને અગિયાર વાગ્યે ચોરીછૂપી નીકળીને અહીં આવતો. એણે અહીં આશાને બાંધી રાખી હતી. અમને એના પર શક જતાં અમે એનો પીછો કર્યો અને અહીં પહોંચ્યા, પણ એને રંગેહાથ પકડવા આ પ્લાન કર્યો. અને હા, એણે જે સવારે આશાનું સ્કૂલેથી અપહરણ કર્યું એ જ દિવસે સવારે જીગર મોર્નિંગ વોક કરવા નીકળ્યો ત્યારે એનું પણ અપહરણ કરી લીધું હતું. જેથી બધો શક જીગર પર જ જાય.

 

આશાનાં માતા-પિતા અને ભાઈએ ઘેલાણીનો આભાર માન્યો અને વિદાય થયાં. એ ગયાં ત્યાં જ એક વકીલ અંદર દાખલ થયા. ઘેલાણી સામે બેઠા અને એક નોટિસ આપી, ‘ઈન્સપેક્ટર, તમારી અને નાથુની લાપરવાહીના કારણે અમારા અસીલ જીગરની ખૂબ જ બદનામી થઈ છે અને એની હત્યા થઈ છે. એની માતાએ તમારા વિરુદ્ધ નોટિસ મોકલી છે.’

 

એકદમ ખુશખુશાલ મુદ્રામાં બેઠેલા નાથુ અને ઘેલાણી અચાનક શોકમગ્ન બની ગયા. બંનેના હાથમાં નોટિસનો કાગળ હતો કે અપજશની કાંટાળી રેખા એ જ એમને ન સમજાયું. **