ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૧
આપણે જોયું કે હેમા નામની કન્યા સાથે અમિતની લગ્નોત્સુક મિટીંગ સફળ સાબિત થઈ હતી. આ વખતે ધૂલાએ બરાબર નક્કી કરી લગ્નોત્સુક મિટીંગ જ ફિક્સ કરી હતી. સૌના આશ્ચર્ય વચ્ચે આ છોકરીએ છોકરા સાથે કોઈ પણ જાતની વાતચીત વગર ઈશા પાસે હા પાડી દીધી. પરિવાર વગર એકલી રહેતી આ યુવતીને મીનામાસીએ શુકન આપી દેતાં એનું અમિત સાથે ગોઠવાઈ ગયુ. હવે આગળ...
ઈશા સધકીના બેડરૂમમાંથી હસતી હસતી, હેમાનો હાથ ઝાલીને બહાર આવી અને બોલી, "મીનામાસી, શુકનનું કવર કાઢો, હેમાએ હા પાડી છે."
મીનામાસીએ પર્સમાં હાથ નાખ્યો અને ફૂલ ગુલાબી બે હજાર રૂપિયાની પાંચ નોટ અને રાખોડી પાંચસો રૂપિયાની બે નોટ કાઢી, પૂરા અગિયાર હજાર રૂપિયા હેમાનાં હાથમાં મૂકી દીધાં. જે થોડા સંકોચ સાથે હેમાએ સ્વીકારી લીધાં એટલે સૌ અમિતને અભિનંદન આપવા લાગ્યાં.
હજી એ બધાં અભિતને અભિનંદન આપી હેમા તરફ ફરે એ પહેલાં એનો મોબાઈલ રણક્યો. હેમા એના મોબાઈલ પર ફ્લેશ થતો નંબર જોઈને ડરી ગઈ હોય એમ ઊભી હતી ત્યાંથી બે ડગલાં પાછળ હટી ગઈ હતી.
એની આ રહસ્યમય હરકત જોઈને બધાં એક વાર વિચારમાં પડી ગયાં. પીઢ મીનામાસીએ પરિસ્થિતિ સંભાળી લીધી, "શું થયુ બેટા? કોઈ તકલીફ હોય તો હવે અમને નિ:સંકોચ જણાવી દે."
પણ એણે કોઈ ખુલાસાવાર જવાબ નહીં આપતાં ફક્ત એટલું જ કહ્યું, "કાંઈ નહીં, ઓફિસમાંથી ફોન હતો."
હવે આત્મવિશ્વાસથી ભરપૂર અમિતે એની મંગેતરને માનસિક સહારો ભળે એ રીતે બાજી સંભાળી લઈ બોલ્યો, "હેમાજી, ઓફિસમાં કોઈ તકલીફ હોય તો નોકરી બેધડક રીતે છોડી દેજો. ઘર ચલાવવા માટે જોઈએ એટલું હું કમાઈ લઉ છું. ઓકે?"
એણે સંમતિ દર્શક માથું ધુણાવ્યું અને પ્રથમ વખત અમિતને જવાબ આપતાં બોલી, "ભલે."
આ શુભ પ્રસંગ માટે તૈયાર સધકીએ તરત મીઠાઈનો ડબ્બો ખોલી, પહેલી કાજુકતરી ઈશાને ખવડાવી. અલબત્ત આ મંગલ વાતાવરણમાં સૌને દશે દિશાઓમાંથી શરણાઈઓ સંભળાઈ રહી હતી અને એ સમયે ભાવી દુલ્હને ઘરે જવા રજા માંગી.
મીનામાસીએ અમિતને ઇશારો કર્યો કે તૈયાર થઈ જા, અને બોલ્યાં, "અમિત બેટા, વહુને એમના ઘરે મૂકી આવો." અમિત હકારાત્મક માથુ નમાવીને મીનામાસીને પગે પડ્યો ત્યારે હેમાને ધ્યાન આવ્યુ કે એણે પણ મીનામાસીને પગે લાગવું જોઈએ. એણે તરત એ વિચાર અમલમાં મૂક્યો.
જેવી એ મીનામાસીને પગે લાગી એમનું હ્રદય ભરાઈ આવ્યું. એ હેમાને બાથ ભરીને હિબકે ચડી ગયાં, "વહુ બેટા, બહુ રાહ જોવડાવી તેં, હવે જલ્દી જલ્દી આપણાં ઘરે આવી જા. તારા જે કોઈ સગાં વહાલાઓ હોય એમને હું મળવા આવીશ. પણ હવે જલ્દી જલ્દી આપણાં ઘરે આવી જા."
સૌની નવાઈ વચ્ચે હેમાએ એમને સામે બાથમાં ભરી લીધાં. એ એમના માથે પીઠ પર ધીમે ધીમે પણ પ્રેમથી હાથ પસરાવવાં લાગી. આથી મીનામાસીને પણ શાતા વળી. સૌએ નોંધ લીધી કે આ હેમા સાવ અકારણ, ક્યારેક અતડી તો ક્યારેક પ્રેમાળ બની જાય છે. પણ કોઈ એનો તાગ મેળવી શકતા નહોતા. વળી એની જરૂર પણ નહોતી. મુખ્ય મુદ્દો એ હતો કે મિશન 'અમિત ઠેકાણે પાડો' એની સમાપન વિધિઓ તરફ દોટ મૂકી રહ્યું હતું.
અમિતના મનમાં તો ગિરનારી ગાયના કઢીયેલ દૂધમાંથી બનેલ ઘીથી લથપથ એવા મોતીચૂર બુંદીના લાડુ ફૂટવા લાગ્યા હતા. સોનામાં સુગંધ સમાન, લગ્ન બાદ પણ એની પત્ની અને માતા વચ્ચે જો આવો જ પ્રેમ રહે તો એનું ઘર નંદનવન અને કુટુંબ કલ્યાણકારી અને ઘરનું વાતાવરણ સ્વર્ગ સમાન સાબિત થઈ જાય. એ મનોમન હરખપદૂડો થઈ ગયો, 'તો તો, જામો પડી જાય, જામો.'
એ ક્ષણેકમાં ધર્મેન્દ્ર બની ગયો. કેમ નહીં! એને એની ડ્રીમ ગર્લ, મોડે મોડે પણ મળી ગઈ હતી. એ આ સ્વપ્ન સાકાર થવાથી કલ્પનાના રથ પર સવાર થઈને ખુલ્લી આંખે સોનેરી ભવિષ્યમાં પહોંચી ગયો હતો,
'ડ્રીમ ગર્લ, ડ્રીમ ગર્લ,
કીસી શાયર કી ગઝલ, ડ્રીમ ગર્લ,
કીસી ઝીલ કા કંવલ, ડ્રીમ ગર્લ,
પતા થા મીલેગી, કભી તો મીલેગી,
આજ નહીં તો કલ, ડ્રીમ ગર્લ.
ડ્રીમ ગર્લ, ડ્રીમ ગર્લ.'
એને એનો સાચો પ્રેમ આજે મળી ગયો હતો. એની ખોજ આજે સમાપ્ત થઈ હતી.
છેવટે મીનામાસીએ એમને ચોંટી પડેલી હેમાને હેતથી અળગી કરી. એને સધકી સંધિવાત તરફ સાંકેતિક ઇશારો કર્યો. હેમા એ સાથે જ સધકીને ભેટી પડી. સધકી સંધિવાત પણ એને 'ભાભી' કહી હરખાઈ ગઈ. એ સાથે જ નણંદ ભાભીના હેત આંખો વાટે છલકાયાં. સધકીએ એને પાંચસો રૂપિયા ભેટ તરીકે આપ્યાં. જે એની ભવિષ્યની ભાભીએ હરખભેર સ્વીકાર્યા.
સધકીએ સંધિવાત સાઈડ પર મૂકીને મનોજ કુમાર બની ગઈ અને નિતીન મૂકેશના સ્વરમાં ગણગણવા લાગી,
'જિંદગી કી ના તૂટે લડીઈઈઈઈ,
જિંદગી કી ના તૂટે લડીઈઈઈઈ,
પ્યાર કરલે, હો પ્યાર કરલે,
ઘડી દો ઘડી ઓઓઓઓઓ,
ઓ લંબી લંબી ઉમરિયા કો છોડો,
હો લંબી લંબી ઉમરિયા કો છોડો,
પ્યાર કી ઈક ઘડી હૈ બડી.'
ત્યારબાદ હેમા ઈશા હરણી તરફ ફરી. એ હવે ઈશાને પણ ભેટી પડી. ફરી એક વાર નણંદ ભાભીના હેત આંખો વાટે છલકાયાં. ફરક એટલો હતો કે આ વખતે હેમા નણંદ હતી અને ઈશા હરણી ભાભી.
એ ભાવલા ભૂસકા તરફ ફરી, કદાચ પગે લાગવા. એ આગળ વધે એ પહેલાં ભાવલાએ ભૂસકો ભરી લીધો, "ભાભી, અમે તમારા કરતાં નાના છીએ. પણ મને કાજુકતરી ખવડાવી મીઠું મોઢું કરાવો એટલે બધાં આ તમામ નાસ્તાને ન્યાય આપે." સૌએ આ વાત હસીને વધાવી લીધી.
પણ આશ્ચર્યજનક રીતે હેમા ત્યાં ઊભી જ રહી ગઈ. અમિત એની ભાવી ભાર્યા ભેગો ભલો થઈ, કાજુકતરીનો ડબ્બો લઈ, એક કતરી ભાવલા ભૂસ્કાને ખવડાવી. સામે ભાવલાએ પણ એક કાજુકતરી અમિતના મોઢાંમાં મૂકી. આ સાળો બનેવી ખુશ હતા.
અમિતે ભાવુક થઈ કાજુકતરીનું બોક્ષ હાથમાં લઈને મીનામાસીના પગે પડી આશીર્વાદ લીધા અને માતાને કાજુકતરી ખવડાવી દીધી. બાદમાં સધકી પણ સૌને કાજુકતરી ખવડાવા કાજુકતરીનું બોક્ષ એની પાસેથી લઈ, ટીપાઈ પર મૂકી બોલી, "સૌ ઘરનાં જ છીએ એટલે અમિતભાઈ તથા હેમાબાભીની જોડીને શુભેચ્છાઓ આપી મોઢું મીઠું કરી, ચા નાસ્તો કરી લઈએ." આ સાંભળી હરખપદૂડો ધૂલો તરત નાસ્તો કરવા બેસી ગયો. એના માટે હવે આ જ કામ બાકી હતુ.
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ હેમાની બેચેની વધી રહી હતી. એ ફટાફટ નાસ્તો પતાવી ઊભી થઈ ગઈ એટલે સધકીએ નવી નવી ભાભીને મહેણું માર્યુ, "જો તો ખરી, અમિતભાઈ સાથે બહાર જવા કેવી થનગની રહી છે, મારી ભાભી!" અને બધાં ખડખડાટ હસી પડ્યાં.
મીનામાસીએ અમિતને ઉદ્દેશીને કહ્યું, "અમિત બેટા, મારી વહુને એમના ઘરે મૂકી આવો." અને એ સાથે બંન્ને ઝપાટાબંધ ત્યાંથી રવાના થઈ ગયાં.
આખા રસ્તામાં અમિત જ બોલતો રહ્યો. જ્યારે કોણ જાણે કેમ પણ હેમા એની હાજરીથી ખચકાટ અનુભવી રહી હતી. અમિત પોતાની વાતોથી એને નોર્મલ બનવા મદદ કરી રહ્યો હતો.
પણ રિક્ષા જ્યારે એની સોસાયટીના કમ્પાઉન્ડમાં આવી, ઊભી રહી તો એણે ઊતરીને અમિતને બાય કર્યુ. અમિત મૂંઝવણમાં મૂકાઈ ગયો. એણે આશ્ચર્ય દબાવી એને ભારપૂર્વક જણાવ્યુ કે એ એને એના ઘર સુધી મૂકી પછી જતો રહેશે. પઢ હેમાએ એને હાથ જોડ્યાં. એટલે હવે એ એને ઘર સુધી વળાવવા અધીરો બની ગયો.
એ હેમાના ચહેરા પર અચાનક ઊતરી આવેલ અણગમાને અવગણી એની સાથે થઈ ગયો. હેમાએ દરવાજે પહોંચી ફરી એને રવાના કરવા પ્રયાસ કર્યો પણ મક્કમ અમિત હવે જીદ પર આવી ગયો હતો. એણે બેલ વગાડી. બેલ રણકી એટલે એની રૂમ પાર્ટનરે દરવાજો ઊધાડ્યો. એ અમિતને જોઈને ગમ ખાઈ ગઈ.
એણે હેમાની પુછપરછ શરૂ કરી, "આટલું મોડુ કેમ થઈ ગયું? અત્યાર સુધી ક્યાં હતી? મારો ફોન કોલ કેમ રિસીવ નહોતી કરતી? આ કોણ છે?"
હેમાએ ડરતાં ડરતાં જવાબ આપ્યો, "ઓફિસમાં હતી. કામને લીધે મોડું થઈ ગયું હતું."
એણે આક્રમકતા વધારી, "આ કોણ છે?"
હેમાએ નરોવા કુંજરોવા જવાબ આપ્યો, "મને મૂકવા આવ્યા છે."
એણે ત્રાડ પાડી, "આ છે કોણ?"
કંટાળેલા અમિતે એને પુછ્યુ, "આ કેમ આટલું બધું બોલે છે?"
હેમા તો શાંત રહી પણ બિંદુ એના તરફ ફરી, "અમારી વચ્ચે આવવાવાળો તું છે કોણ?"
અમિતના ગુસ્સાનો પારો સતત વધી રહ્યો હતો પણ એણે ક્રોધિત થયા વગર જવાબ આપ્યો, "હું અમિત. આ હેમા મારી ભાવી પત્ની છે."
બિંદુએ સામે ઘાંટો પાડ્યો, "હેમા, મારી પત્ની છે."
શું આ 'અમિત ઠેકાણે પાડો' મિશન એક વખત ફરી નિષ્ફળ થઈ ગયું? અમિતના નસીબમાં હેમાનું નસીબ લખાયેલુ છે કે નહીં? હેમાને બિંદુએ પોતાની પત્ની કેમ કહી? હવે આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૩૨ તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).
લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).