Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 75 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 75

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 75

(૭૫) સરદાર કાલુસિંહ

(૧) ફૂલ બન ગયે અંગારે

મેડતા પર છેવટે જયમાલ રાઠોડ ગાદીપતિ બન્યા. ઇ.સ. ૧૫૪૪માં આથી મેડતાનગરમાં તો આનંદ વ્યાપી ગયો. પરંતુ દૂર દૂરના એક નાનકડા ગામ શ્યામગઢમાં વસતા રાઠોડ પરિવારમાં પણ હર્ષ છવાઇ ગયો.

શંભુદાસ જયમલ રાઠોડના સાથી હતા. યુદ્ધના મેદાનમાં સાથે સાથે ઘોડા દોડાવેલા. જયમલ રાઠોડ પણ પોતાના સાથીને ભુલ્યા ન હતા.

એક ઘોડેસવાર કાસદ ગામમાં આવ્યો. “શંભુદાસ રાઠોડ ક્યાં રહે છે?”

અહોભાવથી લોકોએ શંભુદાસનું ઘર બતાવ્યું.

કાસદે સંદેશો આપ્યો. “મેડતા નરેશ જયમલજી પોતાના રાજ્યારોહણ પ્રસંગે આપને હાજર રહેવાનું આમંત્રણ પાઠવે છે.”

તે દિવસે શંભુદાસ આખા શ્યામગઢના માનના અધિકારી બની ગયા. ગામના ચૌધરી અને શાહુકારે અભિનંદન આપ્યા.

“ભાઇ તમે તો મોટા માણસ બની ગયા. રાજદરબારે તેડું આવ્યું.”

“બેટા હરિ, તું મારી સાથે મેડતા આવીશ?” પોતાના મોટા દીકરાને શંભુદાસે પ્રશ્ન કર્યો.

હરિ ખેતી સંભળાતો હતો. ઘરની બારીમાં એક સુદર ચહેરો તેણે જોયો. મુસાફરી ટાળવા તેણે જવાબ આપ્યો.

“પિતાજી, મારે તો પુષ્કળ કામ છે. કાળુને લઈ જાઓ. એને મેડતાનગર જોવાની મઝા પડશે.”

આ સાંભળી આઠેક વર્ષના કાળુના આનંદનો પાર ન રહ્યો.

મેડતાના દરબારમાં તલવારબાજી, ઘોડેસવારી વગેરે જોઇને કાળુને પણ આવા સરદાર થવાનું મન થયું.

“પિતાજી, હું પણ મોટો સરદાર બનીશ.”

શંભુદાસને આનંદ થયો. એક જમાનામાં પોતે શૂરવીર સરદાર તરીકે પંકાયો હતો. પોતાના કૂળમાં કાળું શૂરવીરતાની કેડી કંડારે એ તો ઘણા આનંદની વાત હતી.

“દીકરા, મારા કરતાં યે સવાયો થજે.”

કાળુ બહાદુર સરદાર બનશે એ વાતની તો શંભુદાસને ગળા સુધી ખાત્રી હતી. એ ભારે હિંમતવાળો હતો.

“જો બેટા, તલવારબાજી, ઘોડેસવારી, ધનુષ્યવિદ્યા અને હિંમત હોય તો ચોક્કસ સરદારી મળે. બહાદુરી બતાવવાની તાકાત કેળવ.”

આઠ વર્ષના કિશોર કાળુસિંહના હૈયામાં પિતાના શબ્દો કોતરાઈ ગયા. એણે તો તલવારબાજી, ઘોડેસવારી અને ધનુષ્યવિદ્યામાં મન પરોવ્યું. મન હોય તો માળવે જવાય. થોડા જ સમયમાં કાળુસિંહ આ ત્રણે કળામાં પાવરધો બની ગયો.

શંભુદાસનો પરિવાર સુખી હતો.

શંભુદાસનો મોટો દીકરો હરેદાસ વીસ વર્ષનો જુવાનજોધ હતો આ પરિવારો યુદ્ધ વેળા સૈનિક બની જતા અને શાંતિના સમયે ખેડૂત એમની પુત્રી નર્મદા સોળમા વર્ષમાં પ્રવેશી ચૂકી હતી. એનામાં પિતાની ખુમારી અને માંનું રૂપ વર્તાતુ હતું.

પત્ની ગંગા માયાળુ  અને મહેનતુ હતી. ૩૭ વર્ષની વયે પણ ગંગા ગામના ઉત્સવો, સારા પ્રસંગોમાં ઉત્સાહભેર ભાગ લેતી. એના હસમુખા ચહેરા, સપ્રમાણ કાયા અને પાતળા બદને લગભગ દશ વર્ષ છુપાવી દીધા હતા. તે કહેતી

“મારા બાળકો જ હીરા, મોતી અને માણેક છે. ઝાઝા ધનની શી જરૂર? આ અમૂલ્ય ધન આગળ તો કુબેરનો ભંડાર પણ ફિકો છે.”

નર્મદા આ પરિવારની લાડકી દીકરી હતી.

ચૌહાણકુળના ખાનદાન ઠાકોર જશવંતસિંહની સુંદર અને સુશીલ દીકરી સાથે હરિદાસના લગ્ન થયા હતા.

પહાડ જેવો કદાવર ઠાકોર જશવંતસિંહ પોતાની એકમાત્ર પુત્રીની વિદાય વેળાએ નરમઘેંસ બની ગયો.

“શંભુદાસ, માં વગરની કૈલાસની ખામી ધ્યાનમાં ન લેતા કેળવજો.”

“ઠાકોર, સંબધ બાંધી સ્નેહ લુંટવા અને લુંટાવવો એ તો મારા ઘરની પરંપરા છે. કૈલાસ આજે રડશે પરંતુ ફરી મળશો ત્યારે હાસ્યના ફુંવારામાં કુદતી હશે એ મારું વચન છે.”

અને શંભુદાસના વચનમાં કેટલી સાર્થકતા હતી?

લગ્ન પછી છ માસમાં જ કૈલાસ ભાવવિભોર થઈને બોલતી “માનું સાચુ સુખ ગંગામાની છાયામાં જ મને માણવા મળ્યુ છે.”

“નર્મદા, તું તો નણંદી કરતા બહેની વાધારે લાગે છે, તે મને સહોદરાના પ્રેમ કરતાંયે નિકટનો પ્રેમ આપ્યો છે.

શંભુદાસની, શ્યામગઢમાં સારી કહી શકાય. એવી ખેતી છે, ગાયો છે, ભેંસો છે, ત્રણ ઘોડા છે. ઘર સવારથી સાંજ સુધી કિલ્લોલતું રહે છે.

આ ઘરમાં સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી ભગવાન ભજનો, સૌથી વૃદ્ધ દાદીમાંના કંઠે સાંભળવા મળે છે.

ગોવિંદ પ્રાણ મ્હારો રે

મને જગ લાગ્યો ખારો રે...

“દાદીમાના ભજનોથી  વાતાવરણ ભક્તિમય બની જાય છે. ભક્તિની મહેક સર્વત્ર પ્રસરી જાય છે.

ગામલોક દાદીમાને વંદન કરતા અને કહેતા

દાદીમા ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. તેઓને ગર્વ હતો કે, પોતે રાઠોડ કુળના હતા. જે કુળને મીરાંબાઈએ પોતાની ભક્તિથી ઉજાળ્યું હતું. ભગવાનના ધામ દ્વારિકામાં આજે પણ મીરાંબાઇ ભગવાનની ભક્તિ કરતા હતા.

શ્રાવણ મહિનો હતો. સોમવારનો સૂર્ય ઉદિત થયો. આજ સમયે શ્યામગઢમાં સમાચાર ફરી વળ્યા કે, દાદીમાં ભજન ગાતા ગાતા ઢળી પડ્યા. પ્રાણોત્સર્ગ થયા.

“દાદીમા મોક્ષધામે ગયા.” સર્વત્ર શોર મચી ગયો.

તેમની અંતિમયાત્રામાં ગામનો માનવ મહેરામણ ઉમટ્યો. કોઇ  એવું ન હતું કે, જેની આંખ ભીની ન થઈ હોય.

સમયનું ચક્ર તીવ્ર ગતિથી ફર્યા જ  કરે છે.

દાદીમાના સ્વર્ગ ગમનને બે વર્ષ વીતી ગયા.

મેડતાના જયમલ રાઠોડ ચિત્તોડગઢના મહાજન સાથે દ્વારિકા ગયા. બાળપણમાં મેડતાના મહેલોમાં દાદાજીના ખોળામાં મીરાં અને જયમલ રમેલા. કાકા રતમસિંહની દીકરી મીરાં સહોદરા કરતાંયે જયમલ માટે વિશેષ હતી. મીરાબાઇને મેવાડમાં લાવીને મહારાણા ઉદયસિંહ સંતના હૈયાને થયેલા અન્યાયને હળવો કરવા માંગતા હતા.

મીરાંબાઇ ભક્ત હતા. તેમના હૈયાને દુભાવ્યો પછી મેવાડપતિઓ દુઃખી જ થયા હતા. મહારાણા રતનસિંહ, બુંદીના રાવ સૂરજમલ સાથેના દ્વંદ્ધયુદ્ધમાં માર્યા ગયા. વિક્રમાદિત્યને વનવીરે હણ્યો. વનવીરને ઉદયસિંહે માફી તો આપી પણ એને રાજપૂતાના છોડી અન્યત્ર પ્રસ્થાન કરવું પડ્યું.

મહારાણા ઉદયસિંહ મીરાંબાઇને મનાવીને તેમના આશિર્વાદ લેવા માંગતા હતા. પોતાના અગ્રગામીઓએ કરેલા કુકર્મોનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા. મીરાંબાઇ મેવાડમાં પ્રધારશે. આ સમાચારે સમગ્ર (રાજસ્થાન) રાજપૂતાનામાં આનંદનું મોજું ફરી વળ્યું.

જો મીરાંબાઇ પુનઃ ચિત્તોડગઢ પધારે તો રાણા ઉદયસિંહની સોળે કળાએ ચડતી થાય.

દ્વારિકા પધારેલા ભાઇ જયમલ અને મહાજનનુ ભાવભીનું સ્વાગત થયું. અતિ આગ્રહ પછી મીરાંભાઇએ કહ્યું, “હું પ્રભુની પરવાનગી લઈ આવું.”

મીરાંબાઇ પ્રભુ પાસે ગયા તે ગયા. પ્રભુમય બની ગયા.

ઉતારે મીરાંબાઇની રાહ જોતા જયમલ રાઠોડ અને મહાજનને મંદિરના મુખિયાજીએ સમાચાર આપ્યા, “ ભક્ત મીરાં કૃષ્ણમાં સમાઇ ગયા.” સૌ વીલે મોંઢે પાછા ફર્યા.

મીરાંબાઇએ જયમલ સાથે મહારાણા ઉદયસિંહ અને તેમના પરિવારને આશીર્વાદ પાઠવ્યા હતા. બધું સુલભ છે. સંતના આશીર્વાદ દુર્લભ છે. દર્શન તો વળી અતિ દુર્લભ છે.

પરંતુ આશાથી વિપરિત જયમલ મીરાંબાઇના સ્વર્ગેગમનના સમાચાર લઈને પાછા ફર્યા હતા. ભક્ત મીરાંબાઇ ભગવાનમાં સમાઇ ગયા હતા. એમણે જગતની માયા સંકેલી, પ્રભુના ધામમાં પધારવાનું સૌભાગ્ય મળ્યું.

મહારાણાને અફસોસ એ હતો કે, પસ્તાવો કરવાની તક પણ ન હતી.

આ જગતમાં બધું જ છે પરંતુ અભાગીને તે મળતું નથી. પોતે આટલા વર્ષોમાં દ્વારિકા જવા વિચારી ન શક્યા એ ભૂલ મહારાણાને ડંખ મારી ગઈ.

કુદરત પણ જાણે રૂઠી. અતિશય તાપ પડ્યો. બેસુમાર વરસાદ પડ્યો. પરિણામે સર્વત્ર રોગચાળો પાટી નીકળ્યો. માણસો ટપોટપ મરવા લાગ્યા. જ્યાં મોતનું તાંડવ સરજાયું હો ત્યા કોણ કોની સંભાળ રાખે?

રોગચાળાની ઝપટમાં ગંગા સપડાઇ. પરિવારે ધરતી અને આભ એક કર્યા પરંતુ ગંગા છેવટે સ્વર્ગે સિધાવી.

ગંગાનો સ્નેહ વડની છાયા જેવો ઘેઘૂર હતો.

શંભુદાસે  પોતાની પ્રિય પત્ની પાછળ દિલ ખોલીને ખર્ચ કર્યો. ઘરની બચત તો ખર્ચાઈ ગઈ. સાથે સાથે થોડું દેવું પણ કરવું પડ્યું. ઘરની આર્થિક સ્થિતિ કથળી.

પરંતુ હરિદાસ અને કાળુ પિતાને સાંત્વના આપતા.

“પિતાજી, આ કાંડાના બળે દેવુ તો સહેલાઇથી ભરપાઇ કરી દઈશું. ક્રુષ્ણ અને બલરામ જેવા બળુકા દીકરાઓ હરિ અને કાળુ ધરતી ધ્રુજાવવાને સમર્થ હતા.

ઇ.સ. ૧૫૪૯, શંભુદાસ એકાકી બની ગયા. જીવન સંગીનીના મૃત્યુના આઘાતે તેમના બદન અને મનને તોડી નાખ્યાં, માત્ર એક જ વર્ષમાં સિંહ જેવા શંભુદાસ લથડી ગયા. જાણે વૃદ્ધત્વ દશ વર્ષ વહેલું આવી પહોંચ્યું.

રાજપૂતાનામાં બાદશાહ શેરશાહ વિજયની પરંપરા સર્જી રહ્યો હતો. જોધપુર અને મેડતા અફઘાન પઠાણોના હાથમાં ગયું.

જયમલ રાઠોડને ચિત્તોડગઢ જવું પડ્યું.

શ્યામગઢમાં શંભુદાસ પાસે શાહુકાર દેવાની ચુકવણી માટે આગ્રહ હતો. જે માણસ પહેલાં સલામ ભરતો હતો. આજે ઉચા અવાજે ઉઘરાણી સ્વમાની શંભુદાસ  પોતાની લાચારી સમજી, મનથી ભાંગી પડ્યા,

બિમારીએ એમના તન પર ભરડો લીધો.

શાહુકાર ધવલશા રંગીન તબિયતનો પ્રૌઢ આદમી હતો. નામ પ્રમાણે એનો વાન ધવલ હતો, વસ્ત્રો ધવલ હતા.

હરિદાસે ધવલશાને વિનંતી કરી, “ પિતાજીની તબિયત સારી નથી. તમારા દેવાને હું મારી ચામડી ઉતારીને પણ ચુકવી દઈશ. પરંતુ હવે તમે પિતાજી પાસે દેવાની વાત કરશો નહિ. મારી આટલી વિનંતી છે.

ધવલશાએ દિલાસાના બે બોલ કહ્યા. ખંધુ હસીને ચાલ્યો ગયો.

એક ગોઝારા દિવસે શંભુઆસે પ્રાણ છોડ્યા.હરિદાસ માટે આ દુકાળમાં તેરમો માસ હતો.

જ્ઞાતિના મુખિયાએ કહ્યું, “તમારા પિતાજીએ, તમારી માં ગંગાનો દિવસ રંગેચંગે કર્યો અને હવે તમે બે રામ-લક્ષ્મણ જેવા પુત્રો હોવા છતાં શંભુદાસનો દહાડો ખાલી જાય તો ન્યાતગંગા તમારી પર ફિટકાર વરસાવશે.”

ન્યાતગંગાના ફિટકારનો ડર, ઇન્દ્રના વ્રજ જેવો હોય છે. પિતા પાછળ પણ દેવુમ કરીને હરિદાસે બારમું કર્યુ.

દેવાનો ભાર દિન પ્રતિદિન વધવા માંડ્યો.

બાર મહિના વીતી ગયા.

એક દિવસે ધવલશાએ હરિદાસને બોલાવીને કહ્યું,

“ જો, ભાઇ હરિદાસ, મેં ઘણું ધન તારા પિતાને અને તને ધિર્યું છે. હવે એ દેવું અદા કરવાની વાતનો વિચાર કર. આ તો વેપાર છે. અહીં ભાઇ ભાઇની શરમ રાખતો નથી. હું કેટલા દહાડા રોકાઉ? ના છૂટકે મારે ચૌધરીને ફરિયાદ.....”

“ના, કાકા એ વેળા નહિ આવે. હું જલદીથી તમારું દેવું ચુકવી દઈશ.”

કાળુ મંદિરે ગયો. મંદિરમાં ભગવાન શંકરના લિંગને પ્રણામ કરતા હરિદાસ બબડતો હતો, “દેવાનો ભાર દિવસે દિવસે વધતો જાય છે. ધવલશા માન મર્યાદા તોડીને વાત કરે છે. એના શબ્દો સોયની અણી કે વીંછીના ડંખની માફક તીવ્ર વેદના આપે છે.”

કાળુને મોટાભાઇની વેદનાથી આઘાત લાગ્યો.

બીજે દિવસે આખા ગામને આઘાત લાગે તેવો બનાવ બની ગયો. ગામના ચૌધરી રામસિંહજી મૃત્યુ પામ્યા. એમનો દીકરો જોરાવરસિંહ ગામનો નવો ચૌધરી બન્યો. જુનો ચૌધરી જેટલા સજ્જન હતાં, નવો ચૌધરી એટલો જ દુર્જન હતો. જોરાવરસિંહનો ઉછેર મેવાડના ચાવંડ ગામમાં થયો હતો.આ ગામનો લૂણા ચાવંડિયો અત્યાચારી હતો. જોરાવર તેનો જિગરી દોસ્ત હતો. જોરાવરસિંહ માનતો હતો કે, ગામલોકો તો મારી દુઝણી ગાય જેવા છે. ગામમાં સોપો પાડી દીધો.

ધવલશા શાહુકાર અને જોરાવર ચૌધરીની જુગલજોડી જામી. કોઇપણ ગ્રામવાસી એમના માર્ગની આડે આવતો નહિ.

રાત્રિએ અંધકાર જ્યારે ગામને પોતાની ચાદરમાં લપેટી લેતો ત્યારે ધવલશા અને જોરાવરની લીલા ભડકી ઉઠતી.

ગામની કેટલીયે યુવતીઓના શીલભંગ થઈ ગયા.

એવી જ એક યુવતી આબરૂ ગુમાવતા જ, પ્રાણ ગુમાવી બેઠી.

એના પરિવારની વેદના જોઇને હરિદાસનો ક્ષત્રિય આત્મા ઉકળી ઉઠ્યો. એ ગુસ્સાથી પાગલ બની ગયો.

“જોરાવર તારી હરકતોએ હવે મર્યાદા ઓળંગી છે. આજ પછી ગામની કોઇ યુવતીનો ભોગ લીધો છે તો હું તારો પ્રાણ લઈશ.”

હરિદાસની ગર્જના કામ કરી ગઈ. ડરના માર્યા ધવલશા અને જોરાવરે પોતાની પ્રવૃત્તિ સંકેલી લીધી.

મહિનાઓ વીતી ગયા.

“ભાઇ હરિદાસ મારું દેવુ?”

હૈયા પર પથ્થર મુકીએને પશુ વીચી કાઢ્યા. બે ખેતર રાખીને બીજા વેચી દીધા. કાળુ સોળ વર્ષનો યુવાન હતો.

મોટાભાઇ, મારો ઘોડો?

“કાળુ એ રહેવા દે.” હરિદાસની આંખમાં આંસુ હતા.

“મોટાભાઇ હું તમારી સાથે છું. હિંમત કાં હારો છો?”

*******

“હરિદાસ, જોરાવરને તેં ભારે સબક શીખવાડ્યો.” મિત્રો કહેતા. જોરાવરસિંહની મોટામાં મોટી કમજોરી ઔરત હતી. ગામની સુંદર યુવતીઓ જોતો પરંતુ હરિદાસ યાદ આવતા તેને તે વિચાર ખંખેરી નાંખવો પડતો હતો.

લૂણા ચાવંડિયાની જાગીરદારીમાં તો ઇશ્ક એ જમીનદારોની શાન સમજવામાં આવતી.

લૂણા ચાવંડિયા તો કહેતો જિસ ચીજ પર મ્હારી નજર બૈઠ જાય વો ચીજ મ્હારી હી બન જાતી હૈં.

ભાઇ,જોરાવર, આ ભગત હરિદાસથી તો તોબા. તું આવ્યો તો જીવનમાં રંગત આવી ગઈ પરંતુ હરિદાસે ભંગ પાડ્યો.

જોરાવરસિંહની આંખોમાં એક ચમકારો દેખાયો.

હરિદાસને એની બદતમીઝીનો બદલો અવશ્ય મળશે.

ભગવાન સૂર્યનારાયણ ધરતીને શોભાયમાન કરવા ગગનમાં પધાર્યા. કાળુસિંહ ઘોડેસવારી માટે તૈયાર થયો.

“કાળુ, હું પણ આવું છું. મારે મેડતા જવાનું છે.”

કૈલાસે હાથ ઉંચો કર્યો. હસતા હસતા વિદાય આપી, નાનકડા વિશ્વરાજ અને જયરાજે હાથ ઉંચો કર્યો.

૨૫ કોસ સુધી ઘોડો દોડાવીને કાળુ હજુ આગળ જવા માંગતો હતો.

“કાળુ, હવે હું જઈશ. સાંજના પાછો ફરીશ.”

“મોટાભાઇ, જલદી પાછા ફરજો.”

કાળુ ગામ તરફ પાછો ફર્યો.

સાંજ પડી. કૈલાસ, કાળુ અને નર્મદા હરિદાસની રાહ જોવા લાગ્યા. ચંદ્ર આકાશમં ચાંદની પાથરવ લાગ્યો. પરંતુ હરિદાસ ન આવ્યા કાળુ ઘોડેસવર થઈને દૂર દૂર સુધી જોઇ આવ્યો. મોટાભાઇ આવવાના કોઇ આસાર જણાયા નહિ.

“મોટાભાઇ શું મેડતામાં રોકાઇ ગયા હશે?” સૌ ચિંતિત મને આખી રાત જાગતા રહ્યા.

કાળુ અધીર બનીએ ગયો. “ભાભી, હવે હું મેડતા જઈ આવું.”

મેડતામાં તપાસ કરી. સ્વયં કિલ્લેદાર હરિદાસનો મિત્ર હતો. તેણે કહ્યું,

“હરિદાસ તો સંધ્યાકાળે શ્યામનગર પહોંચે એ રીતે અહીંથી નીકળી ગયા હતા.”

તો પછી મોટાભાઇ ગયા ક્યાં?

અચાનક કાળુ ચમક્યો. શું જોરાવર કોઇ ષડયંત્ર તો રચ્યું નથી ને? એણે ગામમાં આવીને તપાસ કરી તો જોરાવર કે ધવલશા ચાર દિવસથી ગામમાં જ ન હતા.

 

કૈલાસ અને નર્મદા હૈયાફાટ રૂદન કરવા લાગ્યા.

મિત્રો ચારે તરફ શોધ કરવા લાગ્યા.

છેવટે, ત્રીજે દિવસે શ્યામગઢથી ૨૦ કોસ દૂર એક અવાવરૂ કૂવામાંથી હરિદાસનું શબ હાથ લાગ્યું. દુર્ગંધ મારતી હતી.

કાળુ ગુસ્સાથી પાગલ થઈ ગયો. મૃત હરિદાસના માથામાં બે ત્રણ ઘા હતા. “જેને આ કાળા કામો કાર્યા છે એને મોતને ઘાટ ઉતાર્યા વગર હું ઝંપવાનો નથી.”

હૈયાફાટ રૂદન વચ્ચે કાળુએ મોટાભાઇની અંતિમક્રિયા પતાવી. શોકના દિવસો ગાળ્યા.

અંધારી રાત હતી. એક ઘોડેસવાર કાળુને મળવા આવ્યો.

“કાળુસિંહ, દરવાજો ખોલ.”

કાળુએ દરવાજો ખોલ્યો. સામે સૂરજમલ હતો.

“કાળુ, હરિદાસ ગયા? એમની હત્યા કોણે કરી?

સૂરજમલ ખુંખાર ડાકુ હતો. એક જમાનામાં હરિદાસ અને સૂરજમલ ગાઢ મિત્રો હતા. પોતાના મિત્રની હત્યાના સમાચાર સાંભળી તે ખાસ આવ્યો હતો.

         “સૂરજમલજી, મોટાભાઈની હત્યા જેટલી ક્રૂર રીતે, નિર્મમતાથી કરવામાં આવી છે એના કરતાં વધારે ક્રૂરતાથી એ હત્યારાને હું ખતમ કરીશ. મને માત્ર પુરાવા મળવા જોઇએ.”

         “કાળુ, હરિદાસના હત્યારાને ખતમ કરવા માટે હું તૈયાર છું.”

         “ના, મોટાભાઈ તરફ એટલું ઋણ તો હું જ અદા કરીશ.”

         મદ્યરાત્રિ સુધી કેટલીક વાતો થઈ. ભાગતી રાતે, કાળુના ઘરેથી એક અશ્વારોહી નીકળ્યો એણે પવનવેગી ઘોડાને એડ લગાવીને જોતજોતામાં અંધારામાં અદ્‍શ્ય થઈ ગયો.

         ધવલશાની એક સુંદર દીકરી મીનાક્ષી. જોરાવરસિંહની આંખમાં એ વસી ગઈ. એક દિવસે જોરાવરસિંહ એને સંભળાય એ રીતે બોલીગયો.

         “બકરે કી માં કબતક ખૈર મનાયેગી.”

         મીનાક્ષીએ આ વાત ધવલશાને કરી. ધવલશા આ સાંભળીને સમસમી ગયો એ બબડ્યો “કાંટે સે હી કાંટો નિકાલનો પડેગો.”

         છ મહિના પસાર થઈ ગયા. કાળુ હત્યારાની શોધમાં જ હતો પરંતુ એ સૌને કહેતો, “ટુંકુ આયુષ્ય લઈને આવેલા એટલે મોટાભાઈ ગયા.”

         જોરાવરસિંહ ચૌધરી બહેકી ગયા. ગામમાં સૌ કોઇ એનાથી ફફડતા. એના કુકર્મો ફરી ચાલુ થઈ ગયા હતા. મોતના ડરથી કોઇ સામનો કરવાની હિંમત કરતું નહિં. લોહીચાખ્યા વાઘની માફક હવે એ વકર્‍યો હતો.

         કાળુસિંહ વિચારતો, “જોરાવર, તારા પાપનો ઘડો જલદી જલદી ભરી નાખ, તારો તો હું જ કાળ છું પરંતુ સમય પહેલાં કાળ કદી પોતાનો પંજો ઉમાગતો નથી.”

         અને એ સમય આવી પહોંચ્યો.

         રઘુ જોરાવરસિંહનો જમણો હાથ હતો. સર્વ પ્રપંચો એના હાથે જ થતા. એની એક બહેન હતી.

         રઘુ બેચાર દિવસ માટે બહાર ગામ ગયો. જોરાવરસિંહે તેની બહેનને પોતાના ખાસ માણસો સાથે ઉઠાવી. પરંતુ રઘુની બહેને હોંશમાં આવતાં જ જોરાવરનો સામનો કર્યો. ભેટમાં ખોસેલી છરી કાઢી એની ધારને બતાવીને બોલી.

         “ખબરદાર, કોઇ આગળ વધ્યો તો.”

         જોરાવર તડૂકી ઉઠ્યો, “નારાયણ, બાઘો કેમ બની ગયો. ખુંચવી લે છૂરી.”

         નારાયણ છૂરી ખુંચવવા ગયો પરંતુ છૂરી એના પેટમાં ભોંકાઈ, લોહીની ધારા વછૂટી, રણચંડીને બેહોશ કરવા પાસે પડેલી ડાંગ જોરાવરે ફટકારી.

         પાછળથી થયેલો જોરદાર ઘા. રઘુની બહેન ઢળી પડી. એના પ્રાણ પળમાં ઉડી ગયા.

         આ કાંડથી જોરાવર હેબતાઈ ગયો. એણે બંને લાશો વગે કરાવી દીધી.

         “ધવલશા, હવે શું કહીશું?”

         “હવે એવી વાત વહેતી કરો કે, નારાયણ રઘુની બહેનને લઈને ભાગી ગયો છે.”

         બીજે દિવસે ગામમાં આ વાત ફેલાઈ ગઈ.

         રઘુ ગામના પાદરે પ્રેવેશ્યો ત્યારે એને આ વાત સાંભળવા મળી.

         “એ બહેન મારે માટે મરી ગઈ. જેણે ભાઈનું નામ લજાવ્યું. મારા જીવનમાં આ એક તો બહેન હતી.”

         સમય પસાર થતાં વાર લાગે છે? છમાસ વીતી ગયા.

         વસંતના વાયરા વાયા. જોરાવરસિંહે એક દિવસે ધવલશાની ગેરહાજરીમાં મિનાક્ષીનું અપહરણ કરાવ્યું. બળાત્કાર કરી, ધમકી આપી.

         “ખબરદાર, જો આ વાત તારા પિતાને કે કોઇને કરી છે તો.”

         મિનાક્ષી હેબતાઈ ગઈ. થોડા દિવસ પછી, ધવલશા પરગામથી પાછા વળ્યા તો મિનાક્ષીએ ધવલશાને બધી વાત કરી.

         ધવલશા સળગી ઉઠ્યો. હવે તો જોરાવરનો વંશજ નિર્મુળ થવો જોઇએ. એણે જોરાવરસિંહ સાથે વધુ ઘરોબો કેળવવા માંડ્યો.

         બીજી બાજુ રાતના અંધકારમાં જોરાવરસિંહના મોતની જાળ બિછાવવા માંડી.

         એક અંધારી રાતે એ રઘુના ઘરે ગયો. “રઘુ, દરવાજો ખોલ.”

         “કેમ, કાકા, આટલી રાતે?”

         “ભાઈ, નિશાચરને મારવા નિશાચર બનવું પડે ને?”

         પછી તમામ વાત એણે માંડીને કહી. “તારી બહેન ભાગી ગઈ નથી. નારાયણે દગો કર્યો નથી પરંતુ જોરાવરને ત્યાં આ કાંડ સર્જાયું હતું”

         રઘુએ તલવાર હાથમાં લીધી. ધવલશાએ એને રોક્યો.

         “હજુ એક પાસો આપણી પાસે છે. તું હરિદાસના પાંચે હત્યારાના નામ જાણે છે. જઈને કાળુસિંહને કહી દે. તું અને કાળુ મળીને જોરાવરના ખાનદારને ખતમ કરી નાખો.”

         કાળુને રઘુ મળ્યો. અમાવાસ્યાની કાળી રાતે વેરની વસુલાત લેવાનો તખ્તો ગોઠવાયો. બંનેએ નરાધમ જોરાવરના પરિવારને ખતમ કરવાના સોગંદ લીધા.  

શ્યામગઢમાં અમાવાસ્યા આવતાં પહેલાં છૂપી મંત્રણા ચાલુ થઈ ગઈ.

         દૂર દૂર રઘુ અને કાળુ સમાન દુ:ખી યુવાનો ભેગા થયા.

         “કાળુ, હરિદાસની હત્યા જોરાવરસિંહના પાંચ કુટુંબી યુવાનોનેજ સોંપવામાં આવી હતી. હું તો વિવાહ પ્રસંગે બહારગામ ગયો હતો. પાછળથી હત્યા થયા પછી મને ખબર પડી.”

         “રઘુ, મિત્રતાના કોલ દીધા પછી અવિશ્વાસ હું નથી આણતો.”

         “કાળુ, ધવલશાએ મોં ખોલ્યું એનું રહસ્ય હજી પકડાતું નથી.”

         “સંભવ છે કે, એ પણ કોઇક પ્રકારનો બદલો વાળવા આપણને તૈયાર કરી રહ્યો હોય.” કાળુએ કહ્યું.

         “તો પછી આપણે એને છૂટો નથી મૂક્વો.”

         ધવલશા અને રઘુએ જોરાવરસિંહને ખતમ કરવા અમાવસ્યાની રાત પસંદ કરી કારણ કે તે દિવસે એની હવેલીમાં રંગરાગની મહેફીલ જામતી હોય છે. બધાં શરાબના નશામાં ઝુમતા હોય છે. બધા સાથીદારો તે દિવસે અચૂક ભેગા થતા.

         રઘુએતો કેટલાયે દિવસથી, બલ્કે બેત્રણ મહિનાથી બહેનની દગાબાજીના ગમમાં જોરાવરસિંહને ત્યાં જવાનું બંધ કરી દીધું હતું.

         ધવલશાએ આ બાબતે જોરાવરને સરસ વાત કરી, “રઘુ હવે રસ કાઢી લીધેલા શેરડિના સાઠાના કૂચા જેવો છે અને કોક વેળા એની હાજરી ખતરનાક પણ બની શકે છ.”

         “ચાલો સારૂં થયું. રઘુ ન આવે એમાં જ આપણું કલ્યાણ છે.”

         પરંતુ અમાવસ્યાની રાતની મહેફીલમાં ઘવલશા જણાયા નહિ ત્યારે જોરાવરને એની નિષ્ઠા પ્રત્યે આશ્મ્કા જાગી. મીનાક્ષીવાળી વાત જો ધવલશા જાણી જાય તો! કાલે એની વાત કહી એ મસ્તીથી શરાબનો એક પ્યાલો ગટગટાવી ગયો.

         ધવલશા પોતાના ઘરેથી જોરાવરસિંહને ત્યાં જવા નીકળ્યો હતો. એના મનમાં હતું કે, થોડો સમય વિતાવીને પોતે બહાર નીકળી શકશે પરંતુ રસ્તામાંજ કાળુ અને રઘુએ એને આંતર્યા.

         ધવલશા, ત્યાં ક્યાં જાઓ છો? હવે તો તમારૂં ભાગ્ય અમારી સાથે જ જોડાયું છે. જો ગરબડ કરશો તો પહેલાં તમનેજ યમધામ પહોંચાડી દઈશું.

         ચૌધરી જોરાવરસિંહની હવેલીમાં આગળ મોટું આંગણું હતું. ચારે બાજુ મોટી દીવાલ હતી. પ્રવેશદ્વાર આગળ બે માણસો શસ્ત્રો ધારણ કરીને બેસી રહેતા.

         કાળુએ આ બન્ને માણસોને ચૂપચાપ ઢસડીને, એમના વસ્ત્રો પરિધાન કર્યા. ધવલશા પણ એમની પાછળ હતો.

         મધ્યરાત્રિએ મહેફીલ જ્યારે પૂરબહારમાં જામી હતી ત્યારે કાળુએ દરવાજો ખોલ્યો. “હવે કાળુની બહેન નર્મદાની વારી.” દારૂના નશામામ જોરાવર બબડતો હતો. “કોણ છે?”

         “તારો કાળ” કાળુ બોલ્યો. નામર્દ નર્મદાનું નામ તારા મોંઢે શોભતું નથી.

         ઝાટકો લાગ્યો હોય અને ચૌંકી જાય તેમ જોરાવર ચોંક્યો. સામે ચોકીદારના વેશમાં કાળુ અને રઘુને જોયા. પાછળ ધવલશા ઉભો હતો.

         “આવ કાળુ, મહેફીલમાં તુ પણ થોડી પી લે.” જોરાવર બોલ્યો

         જોરાવર, તમારા પાપોની સજા આપવા અમે કાળુ અને રઘુ આવ્યા છીએ.”

         જોરાવરે જોયું કે, ધવલશા જ આ બંનેને લઈ આવ્યો છે. એણે પલકવારમાં ભેટમાં ખોસેલા ખંજરને કાઢી ધવલશા જે દરવાજા આગળ ઉભો હતો અને જુસ્સામાં ને જુસ્સામાં કાળુ અને રઘુ આગળ આવી ગયા હતા તેનો લાભ લઈ ફેંક્યું. ખંજર બરાબર ધવલશાની છાતીમાં.

         એજ સાથે કાળુ અને રઘુએ તલવાર વડે શત્રુઓની કત્લેઆમ ચલાવવા માંડી. હરિદાસની હત્યા કરનારા પાંચે પાંચ. જાલીમો માર્યા ગયા. થરથર કાંપતા જોરાવરને કાળુએ પહેલા બે હાથ કાપી. પછી પગમાં ઘા કરી અને ચિત્કાર કરતા જોરાવરની ગરદન ઉડાવીને ખતમ કરી દીધો.

         ઝનૂનમાં આવેલા આ બંને યુવકોએ હવેલીના એકએક વ્યક્તિની કતલ કરી.

         “રઘુ હવે આપણને ચંબલની ખીણ જ સંઘરશે. ત્યાં મારો દોસ્ત સૂરજમલ મારી રાહ જુએ છે. તું પણ જાલ.”

         “ચાલ દોસ્ત, મારી મકસદ તો પૂરી થઈ.”

         આમ, કાળુ જે સદરદાર થવાના ખ્વાબ જોતો હતો સંજોગોએ એને ડાકૂ બનાવી દીધો.

         દુનિયા શક્તિની ભક્તિ કરે છે. નર્મદા, કૈલાસ અને મિનાક્ષી આ ત્રણે નારીઓ એકબીજાને મળીને દુ:ખનો ભાર વહેંચતા વહેંચતા જીવન પસાર કરે છે. આ ત્રણે નારીઓ નિર્ભયતાથી જીવન જીવવાનું શીખી ગઈ.

         થોડા વરસો પછી નર્મદાનું લગ્ન ગોઠવાયું. લોકો કહેવા લાગ્યા. આ લગ્નમાં ભાઈ ન આવ્યો. પરંતુ કૈલાસ અને નર્મદા જાણતા હતા કે, પુરોહિતના દીકરા તરીકે કાળુએ આખો વિધિ નિહાળ્યો હતો.

         કૈલાસના બે દીકરા જયરાજ અને વિશ્વરાજ પિતાની પ્રતિકૃતિ હતા.

         ગુજરાતના એક શહેર પાટણનો પાનાચંદ મિનાક્ષીને લગ્ન કરીને લઈ ગયો.

********************

         ચંબલની ખીણમાં પહોંચેલા કાળુને સૂરજમલે આવકાર્યો. સમયના પ્રવાહ સાથે કાળુ ડાકૂઓનો સરદાર બની ગયો. એની ક્રૂરતાથી ચારેકો હાહાકાર મચી જતો.

         ડાકૂગીરી કરતાં કરતાં ૧૭ વર્ષનો ગાળો પસાર થઈ ગયો.

         એક દિવસે ભગવાન પશુપતિનાથના મંદિરમાં કાળુને તેના બાળપણના મિત્ર રતનનો ભેટો થઈ ગયો.

         કાળુસિંહ શિવનો ભક્ત બની ગયો હતો. મંદસૌરના પશુપતિનાથના મંદિરમાં વર્ષમાં એકાદવાર તે અવશ્ય જતો.

         “રતન, શી હાલત છે ગામની?”

         “ભાઈ, બહાર ચાલ,” રતને કહ્યુ,

         એક એકાંત સ્થળે બંને બેઠા.

         “કાળુ, તારા ભત્રીજા વિશ્વરાજ અને જયરાજે ગામને નંદનવન બનાવી દીધું છે. વિશ્વરાજનો ગામનો ચૌધરી બની ગયો છે. પણ કૈલાસ ભાભી પુષ્કળ બીમાર છે. કદાચ થોડા દિવસના મહેમાન.”

         કાળુએ રતનને ગામમાં આવવાનું કહ્યું.

         કૈલાસને એકાંતમાં રતને કાળુની વાત કરી. કાળુ પોતાને ઓળખાવવા માંગતો નથી એ પણ કહ્યું.

         બીજે દિવસે રતન સાથે એક અધેડ ઉમરનો પુરૂષ ચૌધરી વિશ્વરાજની હવેલીમાં આવ્યો.

         “ભાભી, આ મારા કાકા હીરાજી.”

         કૈલાસ ભાવવિભોર બની ગઈ. દિયેર-ભાભીએ આંખો વડે વાતો કરી લીધી.

         તેજ દિવસે મધ્યરાત્રિએ કૈલાસકુંવરે પ્રાણ છોડ્યા. કૈલાસકુંવરની શવયાત્રામાં કાળુએ ખભો આપ્યો અને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર રતનના ઘરે આવી ઘોડા પર ચાલી નીકળ્યો.

         શ્મશાનમાં કૈલાસકુંવરની લાશ ઉતારવામાં આવી ત્યાંતો રાજના સેંકડો ઘોડેસવારો ચારેબાજુ વીંટળાઈ વળ્યા. સરદાર ચંદ્રસિંહે ચારે બાજુ નજર દોડાવી. પરંતુ પંખી ઉડી ગયું હતું. પિંજર ખાલી હતું.

         એણે મૃતાત્માને સલામી આપી. રાજના સિપાહીઓની અંતિમ સલામી કૈલાસકુંવર પામી. કોઇને સમજ પણ ન પડી કે, શા માટે આ ઘોડેસવારો આવ્યા હતા!

         ધડકતે હૈયે રઘુ અને સૂરજમલ દૂર દૂર રાહ જોતા હતા.

         “કાળુ, તું આવી ગયો.? રાજના ઘોડેસવારો અહીંથી પસાર થયા. અમે ચિંતિત હતા.” હસતા હસતા ત્રણે ઘોડેસવારો મંઝિલે પહોંચી ગયા.

 

  પારસમણીનો સ્પર્શ.

        ચંબલની ખીણમાં કાલુસિંહ ઇ.સ. ૧૫૫૬ માં આવ્યો હતો. તે વખતે તેની વય માત્ર ૨૦ વર્ષની હતી. તે ભગવાન પશુપતિનાથનો પરમ ઉપાસક બની ગયો. વર્ષમાં બેવાર ભગવન પશુપતિનાથના ચરણોમાં પોતાનું મસ્તક નમાવવા તે અવશ્ય આવતો.

આજે ૧૫૭૩ માં ડાકૂગીરીના ૧૭ વર્ષો એણે પૂર્ણ કર્યા. લોકો કહેતા, કાલુસિંહની ડાકૂગીરી ઇમાનની હતી. એના કેટલાક આદર્શો ઉત્તમ હતા. “તુલસી હાય ગરીબી” માં તે માનતો, તેથી ગરીબોની હાય કદી એણે લીધી ન હતી. હવે તો એ ટોળીનો માનીતો સરદાર બની ગયો હતો. એની પ્રચંડ કાયા, એની પહોળી પહોળી આંખો અને મોટી મોટી મૂછો સામા માણસને ડરાવવા પૂરતી હતી.

ગામના શાહુકાર અને ગરીબોને સતાવનાર જાલીમો માટે તો તે યમદૂત-શો હતો. હવે તો રાજપૂતાનામાં મોગલોની સત્તાનો ઉદય થયો હતો. રાજપૂત રાજાઓ અને મોગલો સત્તાના સંઘર્ષમાં ગડાડૂબ હતા. તે વખતનો લાભ લઈ કાળુ સિંહ પોતાના ધ્યેયને સિદ્ધ કરવામાં બેવડા જોરથી મંડી પડ્યો.

એ અને એના સાથીઓ જ્યાં જતાં ત્યાં મોતનું તાંડવ ખેલાતું સર્વ કોઇ એના નામથી ધ્રૂજતા. મેવાડના પ્રદેશમાં હવે તેણે રંજાડ શરૂ કરી દીધી.

તેજ વેળા, ગોગુન્દામાં મહારાણા પ્રતાપસિંહ, પિતાના મૃત્યુ પછી ગાદીપર બેઠા હતા. મહારાણાજીને સરદારોએ ચાડંવ પ્રદેશના લૂણા ચાવંડિયા અને રાઠોડોની પ્રજાપરની રંજાડ વિષે માહિતી આપી હતી. પરંતુ રાજકીય સ્થિતિ પ્રવાહી હોવાથી તેઓએ ચાવડ પ્રદેશ પર બહુ ધ્યાન આપ્યુ નહિં.

ચાવંડ ગામ નદીકિનારે હતું. એ ગામમાં મીના પોતાના દાદા સાથે રહેતી હતી. મીનાનું લગ્ન થયું હતું. પરંતુ પતિ સાથે ન બનતા એ ચાવંડમાં જ દાદા સાથે રહેતી હતી. મીના રૂપાળી, નીડર અને ગરમ મિજાજની યુવતી હતી. એના દાદા, પિતા મેવાડી સૈનિક તરીકે રહી ચૂક્યા હતા. પરંતુ પોણી સદી વટાવી ચૂકેલા, આ વૃદ્ધની કાયા જર્જરિત થઈ ચૂકી હતી.

સવારનો સમય હતો. ઘણો સમય થયો સૂર્યનારાયણ આકાશમાં પોતાની સફરે નીકળી ચૂક્યા હતા. પ્રતિક્ષણે એમના કિરણોમાં તાઝગી અને ગરમી આવતી હતી.

“દાદા, હું પાણી ભરીને આવું છું.”

કહીને મીના માથે બેડુ મુકીને નદીકાંઠા તરફ ચાલી. રસ્તામાં પોતાનાથી આગળ ચાલતી એક સુંદર યુવતીને જોતાં જ, પોતે એનાં સંગાથ, કરવાના ઉદ્દેશથી ઉતાવળી ચાલે ચાલવા લાગી.

“અલી, સરયુ, તેં મને બુમ કેમ ન પાડી?”

“અરે મીના, હું ધૂનમાં ને ધૂનમાં આગળ વધી ગઈ.”

કહેતા કહેતા સરયુ ખડખડાટ હસી પડી.

મીના પણ બનાવટી ગાંભીર્ય ધારણ કરી બોલી.

“હું, તને પણ હવે ધૂન ચઢવા માંડી એ. જુવાન છોકરીઓ ધૂનમાં ઘેરાઈ જાય એ સારૂં નહિં હો, બોલ તો ખરી કોણ છે એ ભાગ્યશાળી?”

“મીના, આવી કોઇ વાત નથી. તને તો અવળો અર્થ કરવાની ટેવ છે.”

“સાંરૂ! હવે સરયુ મોટી થઈ ગઈ. એની જોડે સાચવીને બોલીશું, બસ.” નદી આવી ગઈ. બંને સાહેલીઓએ બેડાં ભરી લીધાં.

એવામાં રાજનો ઢંઢેરો પિટનારો નદી ઓળંગી આ બાજુ  અવ્યો. એ ગામમાં જવા ઉપડ્યો. જ્યાં એણે રસ્તાપર પસાર થવા લોકો જોયા એટલે ઢોલ પીટીને મોટા અવાજે બોલવા માંડ્યો.

“મેવાડના રહીશો, વીર યુવકો, આપણા પૂજ્ય મહારાણા પ્રતાપસિંહ, પ્રજાને સેનામાં જોડાવાનું આમંત્રણ આપે છે. તમે જાણો છો કે, આપણા રાજ્યપર બાદશાહ અકબરશાહનો ડોળો ઘૂમી રહ્યો છે. થોડા સમયમાં જ તેમનું આક્રમણ થશે ત્યારે આપણાં મેવાડની રક્ષા કરવા, આજથીજ આપણે કટિબધ્ધ થઈએ. કોઇપણ યુવાન મેવાડની ભૂમિને વફાદાર રહેવાના શપથ લેશે એટલે તેની શારિરીક ક્ષમતા ચકાસીને. સેનામાં દાખલ કરવામાં આવશે. મા ભવાની અને ભગવાન એકલિંગજીનું આ આહ્‍વાન મેવાડના યુવાનો જરૂરથી ઉપાડી લેશે.”

પનિહારીઓ માથે બેડુ અને મોં ઉપર ધૂંઘટ ઓઢીને ધીમે પગલે ચાલતી જેથી મહારાણાજીનો સંદેશો સારી રીતે સાંભળી શકાય.

અચાનક દૂર દૂરથી, ધૂળની ડમરી, આસમાન તરફ ઉડતી જણાઈ. પ્રચંડકાય બુકાની ધારી ઘોડેસવારો આવી રહ્યા હતા. ઘોડાના તબડક... તબડક ડાબલા સંભળાવા લાગ્યા.

સૌ નાશભાગ કરવા લાગ્યા. ડાકૂ ગામપર ત્રાટક્યા હતા જેથી પોતાનો જીવ બચાવવાની સૌને ચિંતા થવા લાગી.

બૂમરાણ મચી, “કાલુસિંહ આવ્યો, કાલુસિંહ આવ્યો.”

ઢિંઢેરો પિટનારો, સામેની ઝૂપડીમાં ચાલ્યો ગયો. સંતાઈ ગયો. ગામના પાદરે જઈને કાળુસિંહ અને તેના સાથીદારો, ચોરા આગળ ઘોડા પરથી નીચે ઉતરીને ઉભા રહ્યા.

“શમશેર, જા પાંચ સાથીઓને લઈને ગામમાંથી જે મળે તે લઈ આવ.”

સર્વત્ર શૂન્યકાર સર્જાઈ ગયો હતો. ધનવાનોં ફફડી રહ્યા હતા. ગરીબો ઝૂંપડીંમાં સંતાઇ આ ધાડ વહેલી પતે એની રાહ જોઈ રહ્યા હતા. આવા કપરા સમયે પણ મીના પાણીનું બેડું ભરીને, જાણે કાંઈ જ થયું નથી એમ વર્તી, નીડરતાથી ચાલી આવતી હ્તી.

એક રૂપાળી અને જુવાન સ્ત્રી, આમ નિર્ભયતાથી ચાલી આવે છે આ જોઇ કાળુ નવાઈ પામ્યો. પોતે તો સ્ત્રી તરફ વિવેકથી વર્તે છે પરંતુ પોતાના ખુંખાર સાથીઓ, આવી સ્ત્રીઓને જુએ તો બહેકી જાય. ડાકૂ વિચારવા લાગ્યો, ધાડના સમયે રૂપાળી અને યુવાન સ્ત્રી આમ ડાકૂઓની નજરે ન ચઢવી જોઇએ!

“એય, છોકરી, તને બીક નથી લાગતી. ભાગી જવાને બદલે સામે મોંએ ચાલી આવે છે,”

“બીવાનું? કોનાથી? હું તો મોતથી ડરતી નથી.”

“તું બકવાશ કરે છે. તને ખબર નથી હું કોણ છું.?”

“મને ખબર છે, તમે ડાકૂ છો?” પરંતુ તમારાથી શું બીવાનું અને મને તમારા જેટલો પ્રાણોનો મોહ નથી.

“શું અમારા જેવા બહાદુરો મોતથી ડરે છે એમ?”

“પ્રાણોનો મોહ છે, મોતથી ડરો છો, એટલે તો હથિયાર ધારણ કરો છો અને રાજપૂતાનામાં સાચો બહાદુર તો એક જ છે જે શહેનશાહથી, એની લાખોની ફોજથી પણ ડરતો નથી.

“તું કોની વાત કરે છે?”

“હું મહારાણા પ્રતાપની વાત કરૂં છું. બહાદુરો રક્ષા કરે, હલ્લા નહિં. તમે તો તમારા જ માણસોને મારો છો. બહાદુર બનવું હોય તો મહારાણા પાસે જાવ. લોકોને લુંટવાનું બંધ કરો ભગવાન એકલિંગજીના મેવાડની પરદેશી ડાકૂઓથી રક્ષા કરો.”

“સૂરજમલ, આ છોકરી સાચુ કહે છે. શમશેરને બોલાવી લો. હું તો મેવાડની સેનામાં દાખલ થઈ જઈશ.”

“જ્યાં અમારા સરદાર ત્યાં અમે.” સૌ સાથી બોલી ઉઠ્યા.

“બહેન, આ કાળુસિંહ તારી વાત માની લે છે. તે આજે એક ઉમદા માર્ગ બતાવ્યો છે.”

“ભાઈ, ઉભા રહો.”

મીના ઉતાવળે દોડી. એક લાલ દોરી લઈને પાછી આવી.

“ભાઈ, ધર્મયુદ્ધ ખેડવા જઈ રહ્યા છો ત્યારે આ બહેનની રક્ષા, જે હંમેશા તમારૂં રક્ષણ કરશે એ ધારણ કરો.”

“બહેન, આજથી તું કાળુની ધર્મની બહેન બની ગઈ.” એજ વેળા સરયુ ત્યાં આવી પહોંચી. કાળુ અને જોતોજ રહી ગયો.

અજાણપણે બંનેએ એક બીજાને, એક જ નજરમાં પરસ્પરના હૈયામાં ઉતારી લીધા.

મીનાના દાદા લાકડીના ટેકે આવી પહોંચ્યા.

“સરદાર, આજે મારે ત્યાં ભોજન લેશો.”

સૌ કબુલ થયા. ગામમાં વાયુવેતે આ વાત પ્રસરી ગઈ.

રાત્રે ગામ આખું આનંદની હેલીએ વઢ્યું. નાચગાનનો ઉત્સવ ઉજવાયો.

સૌ કોઇ મીનાની હિંમતને દાદ આપવા માંડ્યા.

કાલુસિંહ અને તેના સાથીઓ વતનની હિફાજતના સાદને સુણી સૈનિક બનવા ગોગુન્દા તરફ ચાલી નીકળ્યા.

ગોગુન્દાની નજીક આવતાં જ તેઓ પ્રફુલ્લિત થઈ ગયા.

જે વખતે કાળુસિંહ મેવાડના દરબારમાં પ્રવેશી રહ્યો હતો તે વખતે ગ્વાલિયરના રામસિંહને મહારાણા કહી રહ્યા હતા, “પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે કે, પોતાના ષડયંત્રમાં ઉપયોગી નીવડે તે માટે જો થોડાક હિંદુઓને, રાજા માનસિંહને સેનાપતિ, રાજા ટોડરમલને સચીવ, તાનસેનને મહાન ગાયક કે બિરબલને મિત્ર બનાવી, થોડાક રાજપૂતોને સારા હોદ્દા આપી ઉદારતા બતાવવામાં આવે છે એમ સમજાવી જરાયે જરૂર નથી. હું તો માનુ છું કે, હિંદની ભૂમિપર વધારે અધિકાર હિંદુઓના હાથમાં હોય એ તો મોગલોની લચારી છે.”

“મહારાણાજી, અકબરના મિત્ર થવા ધસી ગયેલા રાજવીઓ પોતાને કૃષ્ણનીતિજ્ઞ માને છે.”

“ભલે એ ભૌતિક લાલસાઓમાં ગુલામી ભોગવતા. આપણે તો રામની નીતિપર ચાલીને, રાવણાચાર આચરનારાઓને દંડ આપવો જ પડશે.”

એજ પળે દ્વારપાળે કાળુસિંહના આગમનના સમાચાર કહ્યા. મહારાણાએ તત્કાળ કાળુસિંહને બોલાવ્યો. તમામ હકીકત સાંભળી.

સૌને બે માસની તાલીમનો આદેશ આપ્યો. અંતે કસોટી લેવામાં આવી.

બીજે દિવસે દરબારમાં જાહેરાત કરવામાં આવી.

“કાળુસિંહ અને એના સાથીઓએ સાહસિક કદમ ભર્યું છે. બીજાઓએ એમાંથી પ્રેરણા લેવાની છે. હું કાળુસિંહના સાથીઓને સેનામાં પ્રવેશ આપું છું. કાળુસિંહ વીરતામાં, સાહસમાં એક ઉચ્ચ સરદારના ગુણો ધરાવે છે. સમાજની વિષમતાએ ગુમરાહ થયેલા એ બહાદુરને હું મારા અંગરક્ષક તરીકે નિયુક્ત કરૂં છું.”

આ સાંભળી કાળુસિંહ ગદ્‍ગદ્‍ થઈ ગયો. મહારાણાએ પોતાને અંગરક્ષક બનાવ્યો.

સૌ કહેવા લાગ્યા. “મહારાણ તો પારસમણી છે એમના સ્પર્શે એક ડાકૂ અંગરક્ષક બની શકે એમાં શી નવાઈ?”