Guhilot dynasty and Maharana Pratap in Indian history - 71 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 71

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 71

(૭૧) રાજા માનસિંહની વાપસી

       “હિંદુસ્તાનની મોટામાં મોટિ સલ્તનતની ફોજમાં શું કોઇ એવો બહાદુર સેનાપતિ નથી કે જે મારી સમક્ષ મેવાડના રાણાનો ગર્વખંડન કરીને, એને મારા દાબારમાં પેશ કરે. શું હલદીઘાટીના યુદ્ધમાં રાણાનો એવો દમામ પથરાઈ ગયો છે કે, આટલા બધાં સેનાપતિઓ ડધાઈગયા છે.” આજે સમ્રાટ અકબર તીવ્ર વેદનાથી સિંહનાદ કરી ઉઠ્યો.

દરબારે અકબરીમાં સન્નાટો છવાઈ ગયો.

મોગલસેનામાં બે પ્રવાહો વહેતા હતા. રાજપૂતોને મિત્ર બનાવવા માટે સેનામાં રાજપૂત વીરોને યોગ્યતાના ધોરણે ભરતી કરવાથી મોગલ સિપાહીઓ, સેનાપતિઓમાં કચવાટ હતો. શાહબાઝખાનએ પક્ષનો મુખ્ય સેનાનાયક હતો. તે ગુપ્ત રીતે સેનામાં રાજપૂતોની ઓછામાં ઓછી ભરતી થાય અને પદોન્નતિ થાય એવા પ્રયત્નો કરતો. બાદશાહના પડકારને પહોંચી વળવાની તૈયારી રૂપે જ એ પોતાની જગ્યાએથી ઉભો થયો. બાદશાહને કુર્નિશ બજાવી વિનયપૂર્વક બોલ્યો.

“આલીજાહ, જહાંપનાહ, મોગલસેના સુરમાઓનો ભંડાર છે. આપની હર ખ્વાહીશને પૂરી કરવા આ બંદો આપની સેવામાં હાજર છે. આપના આદેશથી,  મને પૂર્ણ યકીન છે કે, મેવાડી રાણાને હું દરબારે અકબરીમાં પેશ કરી શકીશ. માત્ર પંદર દિવસની મહેલત મને આપો. હું બતાવી આપીશ કે, મોગલ સલ્તનતની તાકાત કેટલી પોલાદી છે. મોગલસેના ભારતની સર્વશ્રેષ્ઠ સેના છે.”

બાદશાહ અકબર ખુશ થયા. શાહબાઝખાન અનુભવી તુર્ક સેનાપતિ હતો. હલદીઘાટીના સંગ્રામ વેળા શહેનશાહે અને બાજુપર મૂકી, કેટલીક રાજકીય ગણતરી સાથે રાજા માનસિંહને યુદ્ધનું સુકાન સોંપ્યું હતું.

રાજા માનસિંહ, માત્ર ૨૬ વર્ષનો જુવાન, મોગલ સામ્રાજ્ઞી જોધાબાઈના કારણે અનુભવી અને શ્રેષ્ઠ મોગલસેનાનો રાહબર બન્યો. આ સાથે કેટલાયે સેનાપતિઓની આકાંક્ષાઓ પર પાણી ફરી વળ્યું. શાહબાઝખાનની તો અનુભવી સેનાપતિ તરીકે પ્રથમ ગણતરી થતી હતી.

બહેરામખાન પછી મોગલસેનામાં એ જ મુસ્લીમ સિપેહસાલાર ખુંખાર હતો. એની મહત્વકાંક્ષા પર ભયંકર કુઠારાઘાત થયો હતો. ખાનથી આ સહન થાય એમ ન હતું. ઘડીભર તો બગાવત કરવાનો વિચાર આવ્યો પરંતુ ઉતાવળ કરવાથી પોતે જ નુક્શાનમાં જશે એમ સમજાઈ જવાથી એ મૌન ધારણ કરી બેઠો હતો. તે જાણતો હતો કે, શહેનશાહ અકબર પોતાના આદેશની અવગણના કરનારને કદાપિ માફ કરતો નથી.

એ મનમાં ને મનમાં રાજપૂતોની મોગલ દરબારમાં વધતી જતી વગના કારણે ઇર્ષા કરતો હતો. બહેરામખાન પછી એનો સિતારો બુલંદ થવો જોઇએ પરંતુ જોધાભાઈના ભાઈ રાજા ભગવાનદાસને પડખે રાખીને શાણા અકબરે, રાજપુતાનાના અનેક રાજ્યો જીતી લીધા. હવે તેના પુત્ર રાજા માનસિંહનો સિતારો ચમકવા લાગ્યો હતો. શું આ લોકો સેનામાં વંશપરંપરાગત અધિકારો જમાવીને બેસી જશે? તો પછી મુગલ શહેનશાહો ખાતર વતન છોડીને, ભારતને વતન બનાવવાની કુરબાની આપનાર પોતાના હમજાતિની શહેનશાહ ઉપેક્ષાજ કરવા માંગે છે? અસંતોષના બીજ ત્યાં હતાં. શું પોતે આ સ્પર્ધામાં હંમેશાં પછડાટજ ખાશે? આવા વાતાવરણમાં, રાજપૂતાનામાં, હલદીઘાટીના પ્રતિષ્ઠાના જંગમાં રાણાને સહીસલામત છટકવા દઈને રાજા માનસિંહે કરેલા ધબકડાથી શહેનશાહ ખિજાયા. આ તકનો લાભ લઈ શાહબાઝખાને મેવાડી રાણાને હરાવવાનું બીડું ઝડપ્યું.

“શાહબાઝખાન, હું તમને સેના, ધન અને તમામ સત્તાનો ઉપયોગ કરવાની સત્તા આપું છું. મારે રાણો આ દરબારમાં જોઇએ.”

**********************

પોતાના વિશાળ દિવાનખાનામાં આરામ કરવાને બદલે શહેનશાહ આમતેમ આંટા મારી રહ્યા હતા.

“આમેર કુંવર આપને મળવાની ઇજાજત ચાહે છે.”

“આવવા દો.”

કુરનીશ બજાવીને રાજા માનસિંહ પ્રવેશ્યા. મુખપર ઉદાસીનતા છવાયેલી હતી.

“કહો, માનસિંહજી, શાં સમાચાર ?”

“જહાંપનાહ, આપ મારી એક વિનંતી સાંભળશો? જંગના કોઇપણ ખતરનાક સ્થળે જવા હું તૈયાર છું પરંતુ ખાન જોડે મને રાજપૂતાના...”

“માનસિંહ, હું તમારી કાબેલિયત અને નિષ્ઠાથી પરિચિત છું. હું જાણું છું કે, શાહબાઝખાન સાથે તમને નહિ ફાવે પરંતુ સેનામાં આ ન ચાલે. તમારે ખાન જોડે જવાનું છે. ખાન ગમે તેવા તમારા વિરોધી હશે પરંતુ તેમના જંગે મૈદાનના અનુભવો તમે મેળવો એવી મારી તમન્ના છે. તમે સલ્તનતના મહાન સેનાપતિ બનવાના છો. તમારે માટે દરેક પ્રકારના સંજોગો અને પરિસ્થિતિઓની તાલીમ જરૂરી છે. લશ્કરી શિસ્ત પ્રમાણે તમારા હાથ નીચે હલ્દીઘાટીમાં ખાને કામ કર્યું હતું. હવે તમે એમના હાથ નીચે કામ કરો. આ તો તમારી કસોટી છે અને છતાં અંતિમ ઉપાયતો છે જ. મોગલોના યુદ્ધક્ષેત્રો ઘણાં છે. ગમે ત્યાં તમને મોકલી દઈશ. પરંતુ હાલ તો તમે ખાન સાથે જાઓ.”

શાહબાઝખાન સાથે બાદશાહે રાજા માનસિંહ ઉપરાંત રાજા ભગવાનદાસ, સૈયદરાજુ, પાયદાખાન, સૈયદ હાસમ અને સૈયદ કાસમખાન જેવા દક્ષ અને સુરમા સેનાનાયકોને મોકલ્યા.

પૂરતી સેના, પૂરતા શસ્ત્રો અને બેસુમાર ધન સાથે શાહ બાઝખાન ત્રાટક્યો. “રાણો ક્યાં છટકવાનો છે?” ખાનના મનમાં વિચાર આવ્યો.

વિશાળ ફોજ જ્યારે અભિયાન માટે પ્રસ્થાન કરવા લાગી ત્યારે સૌને યકીન થઈ ગયું કે, મેવાડી રાણો કેદી બનીને આવશેજ. આવડી જંગી સેનાનો સામનો પ્રતાપ કેવી રીતે કરી શકશે?

પરંતુ અહીં તો ખાટલેજ મોટી ખોડ હતી. જેને શ્રધ્ધા હોવી જોઇએ એ બાદશાહ અકબરને શાહબાઝખાનના વિજય માટે આશંકા હતી.

શહેનશાહ અકબર માણસપારખુ હતા. ખાનની સંગઠનશક્તિ અને ડંખીલા સ્વભાવની ખામી બાદશાહ જાણતા હતા.

થોડા દિવસ પછી શેખ ઇબ્રાહીમને તેઓએ આદેશ કર્યો. “શેખ ઇબ્રાહીમ, ખાનની સહાયતા માટે તમે પણ રવાના થાઓ.”

બાદશાહ સામે બંગાળના અફઘાનો, અફઘાનીસ્તાનના પઠાણો અને બીજા પ્રશ્નો હતા જ. હવે તેઓએ રણનીતિ બદલી. જ્યાં રાજપૂત સેના મોકલવાની હોય એ પ્રદેશ મુસ્લીમ વસ્તી વાળો હોય અને મુસ્લીમ સેનાનાયક હોય ત્યાં બિનમુસ્લીમ વસ્તી હોય. તોજ સત્તાની સમતુલા જળવાશે. હવે રાજા માનસિંહને કાશ્મીર, બંગાળ અને અફઘાનીસ્તાનના પ્રાંતોમાં જ અજમાવવાનો તેમણે નિર્ધાર કર્યો.

આ બાજુ, સેનાની વ્યૂહરચના ગોઠવવા અંગે જ્યારે જ્યારે વિચારણા થવા લાગી ત્યારે ત્યારે રાજા માનસિંહની સલાહને અવગણવામાં આવી. ખાન અને એના સાથી એના સૂચનને હાસ્યમાં ઉડાવી દેવા લાગ્યા. કોક વેળા એવા કટાક્ષો ફેંકવામાં આવતા કે જેમાંથી રાજા માનસિંહની નિષ્ઠા મહારાણા પ્રતાપ તરફ છે કે મોગલ શહેનશાહ તરફ એના વમળો પેદા થતા. વ્યંગ્યબાણો વડે અપમાન કરવામાં આવતું.

નિરૂપાયે રાજા માનસિંહને શાહબાઝખાન જોડે શાબ્દિક ચકમક ઝરતી.

વૃદ્ધ અને અનુભવી રાજા ભગવાનદાસ આ જોઇ વ્યથા અનુભવી રહ્યા. એકાંતમાં ખાન સમક્ષ તેમણે પોતાની હૈયાવરાળ ઠાલવી.

“ખાન, તમારો અને અમારો સંઘર્ષ જિંદગીમાં ગમે ત્યારે લડશે પરંતુ આપણે જે ઉદ્‍શ્ય માટે અહીં આવ્યા છે તે વેળા ખોટા વિવાદ અસ્થાને છે. આપણાં માટે શોભાસ્પદ નથી. ખાન, હું સાચા મનથી કહું છું, માન મારો પુત્ર છે તો તમે મારા મિત્ર છો. બે માંથી એકપણ રતીભર મને ઓછો પ્રિય નથી.”

“રાજાજી, હું છૂટો દોર અને આ અભિયાનની સફળતાનો સેહરો મારા માથે લેવા માંગું છું. વારંવાર ચકમક ઝરતી હોય તો બહેતર છે કે, મારે આ અભિયાન, આપ બંને વગર સફળ બનાવવું.”

રાજા ભગવાનદાસ હસ્યા. “શાહબાઝખાન, આ મુલાકતનું પરિણામ સુંદર આવશે. યાદ રાખજો, હું મિત્રઋણ અદા કરીશ જ.”

રાત્રિનો સમય હતો. મોગલ છાવણી કાળરાત્રિના પંજામાં સપડાઈ ચૂકી હતી. ક્યાંયે શોર ન હતો. માત્ર ચોકીદારો મૌન ધારણ કરીને, આંખો ખુલ્લી રાખીને પહેરો ભરી રહ્યા હતા.

રાજા ભગવાનદાસ અને માનસિંહ વચ્ચે મંત્રણા ચાલતી હતી.

“માન, ખાનની વાત સાચી છે. તેઓ આ અભિયાનના સેના પતિ છે. તેઓને આ અભિયાનની સફળતા માટે છૂટો દોર મળવોજ જોઇએ. આપણું અહીંથી પાછા ફરવુંજ યોગ્ય છે.

બીજે દિવસે સન્નાટો છવાઈ ગયો. રાજા ભગવાનદાસ અને રાજા માનસિંહ પોતાના અંગરક્ષકો સાથે રાજધાની જઈ રહ્યા હતા.

શાહબાઝખાન આ બંનેને જોઇજ રહ્યો.

થોડા દિવસ પસાર થયા.

“રાજા માનસિંહ, તમે બીજી સેના લઈને મેવાડ પ્રયાણ કરો.”

“જહાંપનાહ, હવે આપ મને એ કામ ન સોંપશો. શાહબાઝખાન અમારી સામે આશંકાથી જુએ છે. રાજપૂતો સામે બધુ પડકારાય, એમની ઇમાનદારી નહિં. શાહબાઝખાન સાથે હું હરગીઝ રાજપૂતાનામાં રહી શકું જ નહિં.”

“રાજાજી, તમારી ઇચ્છા, તમારા માટે બંગાળા, અફઘાનીસ્તાન અને કાશ્મીરના પ્રાંતો રાહ જોઇ રહ્યા છે.” બાદશાહે નમતું જોખ્યું.

****************

         “શાહબાઝખાન હવે ઝનૂની બનશે.” મેવાડમાં હવા જામી.

         માનસિંહ રાજપૂત હતો અને ખાન તુર્ક હતો. દમનનો દોર ચલાવવા માટેની સર્વસત્તા એના હાથમાં હતી.

         મહારાણા અને તેમના પરિવારની રક્ષા માટે સૌ સાવધ બન્યા. ગમે તેટલા બલિદાન આપવા પડે પરંતુ ખાનને તેના ધ્યેયમાં સિદ્ધિ તો ન જ મળવી જોઇએ. આ નિર્ધાર મેવાડી સૈનિકોનો, પ્રજાનો અને ભીલોનો હતો.