કુ કુ ક્લોક ચાર વાગી ગયા હોવાની સૂચના આપતું હોય તેમ ચહેકવા લાગ્યું. નીનાની આંખોમાં રહીસહી નીંદર પણ ગાયબ થઇ ગઈ હતી. ન જાણે કેમ પણ મન અજબ બેચેની મહેસૂસ કરી રહ્યું હતું. વાસુની હાજરીમાં તો એ બધું ભૂલી જતી. ન એને કામની ચિંતા સતાવતી ન માબાપની
ઈરાથી વાત છૂપાવવાનો રંજ ક્યારેક ક્યારેક ડંખી જતો પણ એમાં પણ વાસુ વચ્ચે પડી એ વિષાદને હવા હવા કરી નાખતો હતો.
ઈરાને પોતાના મનની વાત કહેવા રહેલી ઉત્સુકતા પર ફેરવી દેવાનું કામ વાસુ હરહંમેશ કરતો રહ્યો હતો.
પોતે વાસુને ઘરમાં , ઓફિસમાં , માબાપ સાથે થયેલી એક એક વાત કરતી હતી. એમાં પણ ઇરા સાથેની, પોતાના બિઝનેસની સિક્રેટ પણ વાસુ સુધી પહોંચી જતી. હા, પણ વાસુ પોતાના વિષે ભાગ્યે જ બોલતો.ન કામ વિષે , ન પરિવાર વિષે.
'વાસુ , ઇરા અને હું એક ઘરમાં રહીયે છીએ, શી ઇઝ અ ફેમિલી . જે વાત હું મામા પાપા સાથે શેર નથી કરતી તે હું ઈરાને બેઝિઝક કહી શકું છું , તો આપણી વાત છુપાવવા પાછળ લોજીક શું છે ?' કેટલીય વાર પૂછ્યું હતું પણ વાસુનો જવાબ નહોતો બદલાતો: સમય આવે ત્યારે બધાને કહેવાનું જ છે ને !!
વાસુના અવાજમાં હળવેહળવે એક આધિપત્યનો ભાવ ક્યારે પ્રવેશી ગયેલો એ પોતે સમજી જ ન શકી. દિવસે દિવસે વાસુ સાથે મળવા માટે નિતનવા બહાનાં બનાવવા પડતા. ઇરાએ જવાબદારીના ભાગ સમજદારીપૂર્વક કર્યા હતા. ઇરા મોટો ભાગ ઘરેથી કામ કરતી અને નીના કસ્ટમર સર્વિસ માટે બહાર નીકળતી હતી. એમાં વાસુને મળવાની ગોઠવણ સહેલાઈથી થઇ જતી. કોફી શોપ્સમાં થતી મુલાકાતો પછીથી વાસુના એપાર્ટમેન્ટમાં જ થતી રહેતી.
પછી તો એવું થવા લાગ્યું કે લગ્નના બંધન વિના જ એ એક પત્નીની જેમ વાસુની તમામ મરજી નામરજી શિર આંખો પર ચડાવતી થઇ ગઈ હતી.
અને પછી જે થયું તે .... એ વિચાર સાથે જ નીનાના શરીરમાંથી હળવી ચીલ પસાર થઇ ગઈ હોય તેમ શરીર જરા કાપ્યું .
એને કાઉચ પર બિછાવેલ થ્રોને કસીને ઓઢી લીધો અને ત્યાં જ પગ લંબાવ્યા.
'નીના ...વોટ્સ રોન્ગ ? કેમ અહીં સૂતી છે ? ' વાસુ અચાનક જાગી ગયો હતો અને બાજુમાં નીનાને સુતેલી ન જોઈને બહાર આવ્યો હતો.
'ના ,એમ જ , અંદર મને ગરમી લાગી રહી હતી અને ...'નીના આગળ ન બોલી . પોતે કેટલી વ્યગ્રતા અનુભવી રહી છે તે વાત વાસુને કહેવા યોગ્ય ન લાગી.
'અંદર ચલ, હીટર ટેમ્પરેચર ઓછું કરું છું. આરામથી સુઈ જા. ' વાસુએ પાસે આવીને નીનાનો હાથ ઝાલીને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. મન નહોતું છતાંય નીનાએ ઉભા થઇ અંદર જવું પડ્યું .
બેડમાં પડ્યા પછી એને આંખો મીંચી લીધી. અણગમતી વાતો વિચારવામાં કેટલો અવસાદનો ભાર વેઠવો પડે છે એ હવે ક્યાં અજાણ્યું હતું ?
********************
ઇરાની આંખ ખૂલી ત્યારે પણ રૂમમાં ઘોર અંધારું જ હતું.એક પળ માટે ઈરાના મનમાંથી બેચાર સવાલ ઉઠી રહ્યા અને ખ્યાલ આવ્યો કે અરે, હવે તો સવાર પડી ચૂકી છે અને એને ઉભી થઈને પડદાં ખોલી નાખ્યા.
ઇરાની ગણતરી સાવ ખોટી હતી , સવાર નહોતી પડી બલ્કે સાંજ પડવા આવી હતી. ન્યુયોર્ક તો ક્યારેય જંપતું જ નથી. નીચે ટ્રાફિક પૂરબહારમાં હતો. ઇરાએ ફોન હાથમાં લીધો. ફુલ્લી ચાર્જડ થયેલો મોબાઈલ ચારનો સુમાર બતાવતો હતો. પોતે લગભગ બાર કલાક સુધી ઊંઘતી રહી હતી. વાંક થાકેલાં તન મનની સાથે લાગેલા જેટલેગનો પણ હતો. શરીરમાં શિથિલતા અનુભવાઈ રહી હતી. ઇરાએ કોફી મેકર ચાલુ કર્યું . સહુ પ્રથમ જરૂર એક સરસ કપ કોફીની હતી. વાતાવરણમાં ઉકળી રહેલી કોફીની સુગંધ અને રવ બંને પ્રસરી રહ્યા હતા.
કોફી બની રહે ત્યાં સુધીમાં ઇરાએ મિસ્ડ કોલ અને મેસેજીસ જોવા માંડ્યા.
એક કોલ જોઈને આંખ ચમકી. સવારના ચાર વાગ્યે નીનાનો મિસ્ડ કોલ રેકોર્ડ થયો હતો. એ પછી ન તો કોઈ મેસેજ હતો ન ફોન. ઈરાના મનમાં હળવી માયૂસીની માત્રા ઘોળાઈ રહી. વિવાને એક ફોન કરવા જેટલી પણ કર્ટસી ન રાખી ? વધુ કંઈ નહીં તો એ પહોંચી ગઈ છે એ જાણવા પણ ફોન તો કરી શકતે ને !!
ક્યાં સુધી વિવાનના ફોન કે મેસેજની રાહ જોવી ?
એ ન કરે તો પોતે સામેથી કરી શકે ને !! વિવાનનો રોષ સાવ ખોટો પણ નહોતો ને !! ઈરાનું મન વાદવિવાદમાં ઉતરી રહ્યું હતું .
કોફી મેકરની હળવી વાગી રહેલી બઝરે એનું ધ્યાન ભંગ કર્યું . વધુ વિચાર્યા વિના એને કોફીનો મગ ભર્યો અને બારી પાસે આવીને ઉભી રહી ગઈ. ત્યાં રાઇટિંગ ટેબલની ચેર ખેંચી ને નીચેનો માહોલ જોતા જોતાં ચુસ્કી ભરવા લાગી. હોટેલની લાઈફસાઈઝ વિન્ડો સાઉન્ડપ્રૂફ કાચની બની હોવાથી બહારનો અવાજ અંદર પ્રવેશી શકતો નહોતો. પણ , બહારનો કોલાહલ પ્રતીત તો જરૂર થતો હતો. એથી વધુ કોહરામ મચી રહ્યો હતો મગજમાં. રહી રહીને મનમાં થડકાર જન્મી ને શમી જતો હતો. : વિવાને આખી વાત પર પૂર્ણવિરામ મૂકી દેવાનો ફેંસલો કરી લીધો હશે ?
એ વિચાર સાથે જરા હાથ ધ્રુજી ગયો અને છલોછલ ભરેલા મગમાંથી કોફી બહાર ઢોળાઈ ગઈ. બહુ તો નહોતી છલકાઈ પણ ગરમ ગરમ કોફી કપડાં પર પડી એવી સોંસરવી ઉતરી ગઈ અને સાથળ દઝાડી ગઈ. મગને બાજુએ રાખી ઇરા ઝડપથી ઉભી થઇ અને બાથરૂમમાં ગઈ. બઝીન પાસે જઈને નાઇટી પાણીથી ધોઈ જ રહી હતી ને બહાર ફોનની રિંગ સંભળાઈ.
ઈરાના મનમાં થડકો પેસી ગયો. નક્કી નીના હોવાની.
પોતે થોડું વહેલા ઉઠીને વિવાન સાથે વાત કરી લેવી જરૂરી હતી. અત્યારે તો મધરાત થઇ હશે ઇન્ડિયામાં , એવા સંજોગોમાં બીજા છ સાત કલાક વાત થઇ શકે એમ નહોતી તો ત્યાં સુધી નીનાના ફોનને રિસીવ કરવો નકામો હતો.
રિંગ વાગતી બંધ થઇ ગઈ અને ઇરા પોતાની રીતે શાંતિથી નાઇટી પર ઢોળાયેલી કોફીના ડાઘ સાફ કરતી રહી. મન ઉદાસીથી ઘેરાવા લાગ્યું હતું
હવે કરવું શું ?
વિવાનને ફોન કરવો ? કે પછી હોટેલમાંથી ચેક આઉટ કરીને સીધા ઘરે પહોંચી જવું ?
કોફી પૂરી થવા આવી ત્યાં સુધી મન કોઈ નિર્ણય ન કરી શક્યું. અજબ હતાશા વ્યાપી રહી હતી. કોફી પીધા પછી પણ સુસ્તી બરકરાર રહી એનું કારણ સાફ હતું. ઈરાના મનમાં એ સ્પષ્ટ થયા પછી એક નિર્ણય લેવો જરૂરી લાગ્યો.કોફી પીધા પછી થોડીવારે તાજગી વર્તાઈ.મગજ કામ કરવા લાગ્યું.એક વાત તો નક્કી હતી કે રાત્રે જે દ્રશ્ય જોયું એ પછી ઘરે જવાની વાત તો બિલકુલ નકામી હતી. વિવાન સામેથી વાત કરે કે ન કરે પોતે વાત કરવી જરૂરી હતી. રાત્રે એને જે જોયું તે વિવાનને જણાવવું ખૂબ જરૂરી હતું. એકવાર વિવાન સાથે વાત થાય તો પછી આગળ શું કરવું એ વિષે સ્પષ્ટતા થાય.
ઇરાએ ટેબલ પર પડેલો મોબાઈલ ફોન હાથમાં લીધો અને એનું હૃદય ખુશીથી ઉછળી પડ્યું. મિસ્ડ કોલ નીનાનો સમજીને ટાળ્યો એ તો વિવાનનો હતો. હવે એનો વસવસો કરવો એ પહેલા વિવાનને ફોન કરી દેવો જરૂરી હતો. ઇરા હજી ફોન લગાવે એ પહેલા ફરી રિંગ આવી. સામે છેડે વિવાન જ હતો.
ઇરાએ રિંગ પૂરી થાય એ પહેલા જ રિસીવ કરી લીધો.
'હે ઇરા, બરાબર ઊંઘી કે નહીં ?' સામે છેડે વિવાનનો રણકતો અવાજ કાને પડ્યો, જે સાથે જ ઈરાની સામે વ્યાપેલું ભૂખરું વાદળ વિખેરાઈ ગયું ને ચહેરા પર સ્મિત અંકાઈ ગયું.
વિવાનનો અવાજ ધરપત આપી ગયો હતો ઈરાને
એની વાત પરથી લાગતું હતું કે જાણે કોઈ દૂરી બની જ નહોતી. જ્યાંથી તૂટ્યું હતું ત્યાંથી જ અનુસંધાન થઇ ચૂક્યું હતું.
ઇરા પગ લંબાવી આરામથી કાઉચ પર ગોઠવાઈ. વિવાનનો ફોન સામેથી જ આવ્યો હતો એટલે માંડીને વાત કરવામાં વાંધો નહોતો.પણ, અચાનક ખ્યાલ આવ્યો સમયનો.
' પણ એ કહે કે અત્યાર સુધી જાગે છે કેમ ? માત્ર મને ફોન કરવા માટે ? એ તો આરામથી સવારે કરી શકતે. એમાં આટલો ઉજાગરો વેઠવાની જરૂર શું હતી ?'
ઈરાના પ્રશ્નના ઉત્તરમાં સંભળાયું વિવાનનું નિખાલસ હાસ્ય.
ઇરા વિસ્મિત થઈને સાંભળી રહી હતી. વિવાન એના એ જ મૂડમાં હતો જયારે એ મુંબઈમાં હતી.
' તો તું પણ સાંભળી લે ઇરા, પહેલા તો મને થયું હતું કે તને સરપ્રાઈઝ આપું પણ હવે લાગે છે કે તને કહી જ દઉં '
ઇરા થોડી અધીરાઈથી સાંભળી રહી હતી.
'હું અત્યારે મુંબઈમાં નથી. ' વિવાન ધીરા અવાજે બોલ્યો।
'તો ? ક્યાં છે તું ?' ...
'હું અત્યારે છું હિથ્રો પર , દસ મિનિટમાં ફ્લાઇટ બોર્ડ કરીશ , હું આવું છું તને મળવા તારા શહેરમાં....'
'વિવાન ...' ઇરા તો આગળ બોલી પણ ન શકી. આ શું ચમત્કાર થઇ ગયો ?
'હા, ઇરા, આમ તું અડધેથી બાજી મૂકીને ચાલી જાય અને એ વાતનો નિવેડો લાવ્યા સિવાય બંને વ્યક્તિઓ જૂદા જૂદા શહેરમાં જીવ્યા કરે.? ના, આ મને હરગીઝ મંજૂર નથી. '
ઈરાને શું પ્રતિભાવ આપવો મૂંઝવણ થઇ ગઈ. એ ચૂપ જ રહી. એનો અર્થ વિવાને જૂદી રીતે તારવ્યો: ઓકે , લેટ મી કમ ધેર. વી વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન..
'અરે ના વિવાન તું ગેરસમજ ન કર. તું આવ પછી મારે પણ એક મહત્વની વાત કરવાની છે. ખરેખર તો હું ક્યારે વાત થાય તે જ વિચારતી હતી. ' ઇરા એક શ્વાસમાં બોલી ગઈ
'અરે વાહ , એટલે તેં તારો ઈરાદો બદલી નાખ્યો એમ ને ? મને તો ખબર જ હતી કે એમ જ થશે પણ આટલું જલ્દી થઇ જશે એ વિષે હું બેખબર હતો. '
'વિવાન। મજાક છોડ. આઈ એમ સિરિયસ. મારે તારી સાથે ખૂબ મહત્વની વાત કરવાની છે ...'
'ઓકે , ધેન સી યુ .... 'વિવાને વાત ટૂંકાવતાં કહ્યું : તું મને તારું અડ્રેસ વૉટ્સએપ કરી દેજે . આજે તો આમ પણ મારી ફ્લાઇટ મોડી પહોંચશે. કાલે ક્યાં મળવું એ પછી નક્કી કરીશું ...'
'વિવાન સાંભળ, તને એ જ તો કહેવાનું છે કે હું અત્યારે મારા ઘરે નથી. એ વિષે જ તો વાત કરવાની છે ....' ઇરા અથરા સ્વરે બોલી. કો
'શું ? શું કહ્યું ? વિવાનને થયું કે પોતે સાંભળવામાં કોઈક ચૂક તો નથી કરી.
'હા, તેં બરાબર જ સાંભળ્યું , મેં અત્યારે હોટેલમાં ચેક ઈન કર્યું છે. તું મને કહે ત્યારે તને રિસીવ કરવા એરપોર્ટ આવી જઈશ.
ઈરાની વાત સાંભળીને વિવાન અસ્વસ્થ થઇ ગયો હતો. એવું શું થઇ ગયું કે ઇરાએ બારોબાર હોટેલમાં ચેક ઈન કરવું પડે.?
ઈરાની વાત પર કશું વિચારીને પ્રતિઉત્તર આપે એ પહેલા તો તેની કનેક્ટિંગ ફ્લાઈટની એનાઉન્સમેન્ટ થવા લાગી હતી. હવે ફ્લાઇટ બોર્ડ કરવી જરૂરી હતી. જે વાત થશે એ હવે ઇરા સાથે મળીને જ થવાની હતી.
***********
સાંજના ઓળા મહાનગરને પોતાની આગોશમાં લઇ રહ્યા હતા. નીના અને વાસુ પોતાની મસ્તીમાં ચૂર હતા. વાસુએ શેમ્પેઈન ખોલી.
'લેટ્સ સેલિબ્રેટ , નીની ... '
વાસુ અને નીના પોશ રેસ્ટોરન્ટમાં બેઠા હતા. કોઈક ખુશીને વધાવવા માટે.
' હવે ખુશ ? ' વાસુએ નીનાનો હાથ પકડીને ચૂમ્યો.
નીનાના ચહેરા પરના ભાવ કળી શકાય એવા નહોતા.
'નીની, હજી શેની ચિંતા સતાવી રહી છે તને ? તારા પેરેન્ટ્સને પૈસા મળી ગયા છે. '
'હા એ તો મને ખબર છે વાસુ , મારી વાત થઇ ગઈ મમ્મી સાથે, ઓપેરેશનની ડેટ પણ નક્કી થઇ ગઈ છે. '
'તો પછી હવે શું ચિંતા કરે છે ?' વાસુએ ફરી પૂછ્યું.
'વાસુ મારો જીવ ગભરાય છે , બધું બરાબર થઇ રહેશે ને !!'
'તું પોઝિટિવ રહેશે તો ....જો તારા ચહેરા પર આમ હંમેશા બાર વાગેલા રહેશે તો કોઈ ચીજ બરાબર નહીં રહે એની ગેરેન્ટી હું આપું છું. બોલ હવે કંઈ કહેવું છે ?' વાસુ જરા ચિડાઈને બોલ્યો.
ખરેખર જોવા જાય તો નીનાના વર્તનથી વાસુનો મૂડ બગડી ગયો હતો.
કદાચ એ ત્રાસી ગયો હતો નીનાના વર્તાવથી. નીનાનો ગભરુ સ્વભાવ કોઈ પણ પરિસ્થિતિમાં આનંદ કરકરો કરી નાખતો હતો.
નીના સામે બેઠેલા વાસુને , તેના બગડેલા મૂડને અને આજુબાજુ ચાલી રહેલાં લોકોને જોઈ રહી હતી.
સહુ પોતાની મસ્તીમાં મસ્ત હતા. રેસ્ટોરન્ટમાં ચાલી રહેલી લાઈવ ઓર્કેસ્ટ્રા વચ્ચે ઉછળતાં જામ , સાંજની રંગીનિયતને વધુ નિખારી રહ્યા હતા. વાસુ સાચે જ કહેતો હતો આજે સેલિબ્રેશનનો દિવસ હતો. પપ્પાના ઓપેરેશનના નાણાંની જોગવાઈ થઇ ગઈ હતી. વાસુ ન હોતે તો એ બધું કેમનું પાર પડતે એ વિચાર જ નીનાને ગભરાવી નાખવા પૂરતો હતો.
વાસુ વિના હવે એ વધુ વિચારી શકતી નહોતી। એ હવે એ મોડ પર આવીને અટકી હતી જ્યાં વાસુ એને માટે એક બંધાણ થઇ ગયો હતો.
કદી ન છૂટે એવું બંધાણ ......
ક્રમશ:
--
Pinki Dalal
Author , Novelist, Traveller, Blogger
Director,
ORIOR IT Consulting Pvt Ltd.
127, Parekh Market,
Opera House,
Mumbai 400004
Mobile: 91 9167019000
pinkidalal.wordpress.com
pinkidalal.blogspot.com