Prarambh - 77 in Gujarati Classic Stories by Ashwin Rawal books and stories PDF | પ્રારંભ - 77

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

પ્રારંભ - 77

પ્રારંભ પ્રકરણ 77

બરાબર આઠ વાગે જામનગર બાંદ્રા હમસફર એક્સપ્રેસ જામનગર સ્ટેશનથી ઉપડ્યો. કેતનના મનમાં ફરી પાછી ભૂતકાળની યાદો તાજી થઈ ગઈ.

જામનગર સાથે કોણ જાણે કેમ એક અલગ જ લગાવ હતો. જ્યારે પણ એ જામનગર આવતો ત્યારે એક નવી જ ઉર્જાનો એને અનુભવ થતો. આ એ જ શહેર હતું જ્યાં માયાવી અવસ્થામાં દોઢ વર્ષ જેટલો લાંબો સમય પસાર કર્યો હતો. અને આ વખતે તો મનાલીએ પણ એની ઘણી સરભરા કરી હતી. જામનગર છોડવાનું મન જ નહોતું થતું.

કેતન થોડો ઈમોશનલ થઈ ગયો હતો પરંતુ હવે એની કર્મભૂમિ મુંબઈ બની ગઈ હતી એટલે જામનગરનો મોહ છોડવો જ રહ્યો. હાપા સ્ટેશને ટ્રેઈન ઉભી રહી એ સાથે જ કેતન જામનગરના વિચારોમાંથી બહાર આવ્યો.

એના પોતાના કમ્પાર્ટમેન્ટમાં અત્યારે એની સાથે બીજા ૪ પેસેન્જર્સ હતા. ૩ સીટ હજી ખાલી હતી. રાજકોટથી ભરાઈ જશે એવી ગણતરી હતી. અને એવું જ બન્યું.

રાજકોટ સ્ટેશને બીજાં ત્રણ પેસેન્જર એના કંપાર્ટમેન્ટમાં આવ્યાં. એક યુગલ એની સામે બેઠું અને પચાસેક વર્ષની ઉંમરનાં એક બહેન સાઈડની ખાલી સીટ ઉપર બેઠાં.

થોડી વાર સુધી કેતન આ યુગલ સામે જોઈ રહ્યો. યુવકની ઉંમર ૩૦ ની આસપાસ હતી તો યુવતીની ઉંમર ૨૮ આસપાસ હતી. આ યુગલ શ્રીમંત ઘરનું દેખાતું હતું. બંનેની વાતચીત ઉપરથી બંને પતિ પત્ની લાગતાં હતાં. યુવતી પ્રેગનન્ટ હતી.

" કયો મહિનો ચાલે છે ? " સામે બેઠેલાં આન્ટી બોલ્યાં. જો કે આ સવાલ યુવતીને ગમ્યો નહીં. જાહેરમાં આ રીતે કોઈ એને પૂછે એ એને પસંદ ન હતું.

"બે મહિના પૂરા થઈ ગયા છે માસી." યુવતી બોલી.

" સારું સારું. દીકરો કે દીકરી આપણા હાથમાં નથી હોતું. જે આવે એને વધાવી લેવાનું. " ફરી આન્ટી બોલ્યાં. યુવતીએ કોઈ જવાબ આપ્યો નહીં.

" હમણાં ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન રાખવું. પૌષ્ટિક ખોરાક ખાવો. દિવસમાં ત્રણથી ચાર વાર જમવું. દૂધ દહીં પનીર ઘીનો ઉપયોગ વધારે કરવો. એનાથી કેલ્શિયમ મળે છે. " વળી આન્ટી બોલ્યાં.

" મારાં મધર ઈન લો આ બધું ધ્યાન રાખે જ છે આન્ટી. " યુવતી કંટાળીને બોલી.

"હા તે ધ્યાન રાખવું જ પડે ને ! આજકાલની છોકરીઓ પ્રેગ્નન્સીમાં પણ બહારના ચટાકા કરતી હોય છે. એટલે તો સિઝેરિયન કરાવવું પડે છે. અમારા જમાનામાં સિઝેરિયન કેવું ? નોર્મલ ડિલિવરી થતી. " આન્ટી બોલ્યાં.

" આન્ટી પ્લીઝ ..." યુવતી આન્ટી સામે જોઈને બોલી. એના ચહેરા ઉપર ગુસ્સો સ્પષ્ટ જોઈ શકાતો હતો.

સાથેનો યુવાન યુવતીની ખૂબ જ કાળજી લેતો હતો. એણે પોતાની સીટ બદલી અને પત્નીને બારી પાસે બેસાડી જેથી આન્ટી ડિસ્ટર્બ ના કરે.

" શું નામ તમારું ? " હવે કેતને યુવાનને સવાલ કર્યો.

" જૈમિન લોટવાલા. " યુવાન બોલ્યો.

" તો તો તમે સુરતના જ હશો ! " કેતન બોલ્યો.

" હા અમે મૂળ સુરતના પરંતુ મારો બિઝનેસ મુંબઈમાં છે એટલે વર્ષોથી મુંબઈ જ રહીએ છીએ. પપ્પાનો કાપડનો કરોડોનો બિઝનેસ છે. હું પોતે સાઉથ ઇન્ડિયા સંભાળું છું અને સાથે સાથે એક્સપોર્ટ પણ સંભાળું છું. " જૈમિન બોલ્યો.

" કાપડ માર્કેટમાં તો સ્કાય ઇઝ ધ લિમિટ ! " કેતન બોલ્યો.

"તમારી વાત એકદમ સાચી છે. તમારામાં આવડત જોઈએ. અમારા ધંધામાં માર્કેટિંગ અને રિલેશન્સ બહુ મહત્વનો ભાગ ભજવે છે." જૈમિન બોલ્યો.

"તમારાં લગ્નને કેટલાં વર્ષ થયાં ?" કેતને પૂછ્યું.

" બે વર્ષ થયાં. જલ્પા સુરતની જ છે. એ પણ શ્રીમંત પરિવારમાંથી જ આવે છે. અત્યાર સુધી એ મારો બિઝનેસ જોતી હતી પરંતુ હમણાંથી મેં એને આરામ કરવાનું કહ્યું છે. " જૈમિન બોલ્યો.

જો કે જલ્પાને આ બધા સવાલ જવાબ ગમતા ન હતા. કોઈની અંગત જિંદગી વિશે આ માણસ શા માટે સવાલો કરતો હશે ?

" પ્રેગનન્સી છે એટલે એમનું મેડિકલ ચેક અપ તો તમે અવારનવાર કરાવતા જ હશો ! " કેતન બોલ્યો.

"વિલ યુ પ્લીઝ શટ અપ ? તમને બધાંને કેમ આટલો બધો રસ છે મારી પ્રેગનન્સીમાં ? હું ચેકઅપ કરાવું છું કે નહીં એ મારો અંગત મામલો છે ! " જલ્પા ગુસ્સે થઈને બોલી.

" રિલેક્સ ડાર્લિંગ. સામેની વ્યક્તિ તો તું જો ! એજ્યુકેટેડ માણસ છે. એમને શું રસ હોય ? એ તો જસ્ટ પૂછે છે !" જૈમિન બોલ્યો.

" હા અમે ચેકઅપ કરાવીએ છીએ. એનો કેસ થોડોક નાજુક છે. ડોક્ટરે તો સંપૂર્ણ આરામ કરવાની વાત કરી છે. પહેલાં તો ડોક્ટરે પ્રેગનન્સી રાખવાની જ ના પાડી હતી પરંતુ એમ કેમ ચાલે ? છેવટે થોડાક ઇન્જેક્શનનો કોર્સ કરાવીને પછી પ્રેગનન્સી રાખી છે" જૈમિન બોલ્યો.

કેતનનો આ બધું પૂછવા પાછળનો ચોક્કસ આશય હતો. શરૂઆતમાં જ કેતને આ યુગલ ઉપર ફોકસ કર્યું હતું. ખાસ કરીને એ યુવતી ઉપર ફોકસ કર્યું હતું. અને એને જે ચિત્ર દેખાયું હતું એ જરા પણ સારું ન હતું.

કેતનની હાલત સહદેવ જેવી હતી. જાણવા છતાં એ આવી વાત સામેની વ્યક્તિને કહી શકે તેમ ન હતો. ગર્ભ પડાવી નાખવાનું એ કહી શકે એમ ન હતો. આ બાળકના જન્મ સાથે જ એની માતાનું એટલે કે આ યુવતીનું અવસાન થવાનું હતું !!

" જો બાળકનો જન્મ માતા માટે ગંભીર હોય તો પછી ડોક્ટરની સલાહ પ્રમાણે તમારે ગર્ભ રાખવો જ ન જોઈએ જૈમિનભાઈ. હજુ પણ સમય છે. તમે એમને એબોર્શન કરાવી દો. " કેતન બોલ્યો. એની ભાવના આ યુવતીને બચાવી લેવાની હતી.

પરંતુ દ્રઢ પ્રારબ્ધને કોઈ મિટાવી શકતું નથી. જલ્પા કેતન ઉપર ખૂબ જ ગુસ્સે થઈ.

"હાઉ ડેર યુ ટેલ મી ટુ અબોર્ટ માય ચાઇલ્ડ ? ધીસ ઈઝ ટુ મચ. નાઉ ઈનફ ! પ્લીઝ ડોન્ટ ટોક વિથ માય હસબન્ડ ! " જલ્પા બોલી.

કેતનની ભાવના તો એવી હતી કે જો કદાચ બાળકના જન્મ પછી જલ્પા મૃત્યુ પણ પામે તો એને સજીવન કરી દેવી. પરંતુ અત્યારે એણે જે રીતનો વ્યવહાર કેતન સાથે કર્યો એ જોયા પછી કેતને એને એના નસીબ ઉપર છોડી દીધી.

" આઈ એમ સોરી બ્રો ! " જૈમિન બોલ્યો.

" ઈટ્સ ઓકે. " કેતને જવાબ આપ્યો અને જૈમિનને પોતાનું વીઝીટીંગ કાર્ડ આપ્યું.

" ડિલિવરી થાય કે તરત જ મને ફોન કરી દેજો જૈમિનભાઈ. હું શા માટે તમારામાં આટલો બધો રસ લેતો હતો એ તમને સમજાઈ જશે. " કેતન બોલ્યો અને ઉભો થઈ પાણીની બોટલ હાથમાં લઇ સૌથી ઉપરની સીટ ઉપર જઈને સૂઈ ગયો. રાત્રિના દસ વાગી ગયા હતા.

નીંદર તો એમ જલ્દી આવે તેમ હતી નહીં. એ ફરી જામનગરના વિચારોમાં ખોવાઈ ગયો અને થોડીવારમાં જ નિદ્રામાં સરી પડ્યો.

પોતે હજુ કોઈ નવા ધંધામાં સેટ થયો ન હોવાથી કેતને વીઝીટીંગ કાર્ડમાં હજુ કોઈ પણ જાતના ફેરફાર કર્યા ન હતા. જૈમિને કાર્ડ વાંચ્યું. -- કેતન સાવલિયા. " જે. જે. સાવલિયા ડાયમંડ્સ" સુરત.

જૈમિન તો કાર્ડ સામે જોઈ જ રહ્યો. સાવલિયા પેઢી તો ડાયમંડ માર્કેટની ખુબ જ જૂની અને જાણીતી પેઢી હતી. અબજોની પાર્ટી હતી. પોતે સુરતનો હતો એટલે આ પેઢી વિશે જાણતો હતો. આટલી મોટી હસ્તી સામે જલ્પાએ ગુસ્સો કર્યો એ બહુ ખોટું કર્યું.

કેતનની આંખ વહેલી સવારે પાંચ વાગે ખુલી ગઈ. સૌથી ઉપરની બર્થ ઉપર બેસીને ધ્યાન અને માળા કરવાનું અનુકૂળ ન હતું એટલે એણે સૂતાં સૂતાં જ ગાયત્રીની માત્ર પાંચ માળા કરી.

સવારે છ વાગે એ નીચે ઉતરીને બ્રશ વગેરે પતાવી આવ્યો. હજુ બધા સૂતા જ હતા એટલે ફરી પાછો બર્થ ઉપર સૂઈ ગયો.

સવારે સાત વાગે વાપી આવ્યું ત્યારે એ નીચે ઉતર્યો અને પ્લેટફોર્મ ઉપર જઈને ચા પી આવ્યો.

સવારે ૮ વાગ્યા સુધીમાં બધા જાગી ગયા હતા અને વચ્ચેનું બર્થ પણ નીચે પાડી દીધું હતું એટલે એ નીચે ઉતરીને નીચેના બર્થ ઉપર જઈને બેઠો.

" ગુડ મોર્નિંગ કેતનભાઈ " જૈમિન બોલ્યો.

" ગુડ મોર્નિંગ " કેતને જવાબ આપ્યો.

" તમે પણ બોરીવલી ઉતરશો ? " જૈમિને પૂછ્યું.

" ના બાંદ્રા મને નજીક પડશે. અત્યારે હું પાર્લા રહું છું. " કેતન બોલ્યો.

એણે જૈમિન સાથે વધારે ચર્ચા કરવાનું ટાળ્યું. જલ્પા પણ જાગી ગઈ હતી. ગઈકાલના પોતાના વર્તન બદલ એને થોડોક ક્ષોભ થતો હતો એટલે એ કેતન સાથે આંખ મિલાવી શકતી ન હતી.

સવારે ૮:૪૦ કલાકે બોરીવલી આવી ગયું એટલે એ બંને જણાં નીચે ઉતરી ગયાં.

બાંદ્રા ૯:૩૦ વાગે આવી ગયું. કેતન પોતાની બેગ લઈને નીચે ઉતર્યો. મનસુખ માલવિયા એના કોચ પાસે આવી ગયો હતો. એણે બેગ લઈ લીધી અને બંને બહાર નીકળ્યા.

અડધા કલાકમાં કેતન પોતાના ઘરે પહોંચી ગયો. બેગ મૂકીને સીધો સિદ્ધાર્થભાઈના ઘરે મમ્મી પપ્પા પાસે ગયો અને ચરણસ્પર્શ કર્યા. માતા પિતાને રોજ વંદન કરવાનો એનો નિયમ હતો અને આ જ એના સંસ્કાર હતા.

"આવી ગયો તું ? જાનકીએ કહ્યું કે તું જામનગર પણ ગયો હતો." જયાબેન બોલ્યાં.

" હા મમ્મી. બંગલાની સ્કીમ ત્યાં ચાલે છે એટલે થોડું ધ્યાન રાખવું પડે ને ? હું ધરમશી અંકલના ઘરે જ ગયો હતો અને ત્યાં જમ્યો હતો. " કેતન બોલ્યો.

મમ્મી પપ્પા સાથે થોડીક વાતચીત કરીને કેતન પોતાના ફ્લેટમાં આવ્યો. હજુ નાહવા ધોવાનું બાકી હતું.

"ચા પીશો ? કારણ કે ટ્રેઈનમાં તો ચા ઘર જેવી ના આવે. " જાનકી બોલી.

"હા ચા મૂકી દે. ત્યાં સુધીમાં હું ફટાફટ નાહી લઉં. " કેતન બોલ્યો અને સીધો બાથરૂમમાં ગયો.

નાહી ધોઈને કેતન બહાર આવી ગયો અને પછી એણે જાનકી સાથે ચા પી લીધી.

" તમારું રોકાણ તો ત્રણ-ચાર દિવસનું થઈ ગયું ! " જાનકી બોલી.

" કામ જ એવું હતું એટલે પૂરું કર્યા વગર નીકળાય નહીં. એટલે તો મેં તને જામનગરથી ફોન કર્યો હતો કે હું જામનગર આવ્યો છું. " કેતન બોલ્યો.

" કાલે ગુરુપૂર્ણિમા છે. રસોઈમાં કંઈ સ્પેશિયલ બનાવવું હોય તો મમ્મી જોડે વાત કરી લેજો. " જાનકી બોલી.

" એ સારું યાદ કરાવ્યું. જમવામાં તો વિશેષ કંઈ બનાવવાનું હોતું નથી પરંતુ ગુરુજીને થાળ ધરાવવા માટે એકાદ મીઠી વાનગી બનાવવી જોઈએ. " કેતન બોલ્યો.

"બીજી બધી મીઠાઈ બનાવવી એના કરતાં તો સોજીના લોટનો શીરો મને વધુ યોગ્ય લાગે છે. કારણ કે સત્યનારાયણની કથામાં પણ એ જ બનતો હોય છે. " જાનકી બોલી.

" બેસ્ટ આઈડિયા ! સોજીનો શીરો ફાઈનલ. તું મમ્મી સાથે વાત કરી લેજે. " કેતન બોલ્યો.

ગુરુપૂર્ણિમાનું મહત્વ શિષ્ય માટે ઘણું બધું હોય છે. એ દિવસને વિશેષ બનાવવો એ દરેક શિષ્યની ભાવના હોય છે. વર્ષમાં એક જ વખત ગુરુજીની સરભરા કરવાનો અવસર મળે છે. અને આ એક જ દિવસ એવો છે કે જ્યારે શિષ્યને સૂક્ષ્મ જગતમાંથી ગુરુજીના પ્રત્યક્ષ આશીર્વાદ મળે છે !

કેતને પોતાની રીતે ઘણું બધું વિચારી લીધું અને એ તૈયારીમાં લાગી ગયો. એની પાસે પોતાના મહાન ગુરુ સ્વામી અભેદાનંદજીનો તો કોઈ ફોટો ન હતો પરંતુ સમર્થ ગુરુ શ્રી રામકૃષ્ણદેવનો ફોટો પોતાના પૂજા ખંડમાં એણે રાખ્યો હતો. અને રોજ એમની જ પૂજા કરતો હતો.

વહેલી સવારે પાંચ છ વાગ્યે પૂજા કરવાની હતી એટલે એ રાત્રે જ ગુલાબનો હાર, ફૂલ, બીલીપત્ર, ચંદન પાવડર વગેરે લઈ આવ્યો.

ગુરુપૂર્ણિમાના દિવસે વહેલી સવારે ચાર વાગ્યે ઉઠી ગયો અને સૌથી પહેલાં બ્રશ કરીને નાહી લીધું. એ પછી પૂજા ખંડમાં એ ધ્યાનમાં બેસી ગયો. ગયા વર્ષે પણ એને ગુરુપૂર્ણિમાના દિવસે ધ્યાન અવસ્થામાં ગુરુજીનાં દર્શન થયાં હતાં એટલે આજે પણ એણે મહાન ગુરુજીને દિલથી યાદ કર્યા.

એના આશ્ચર્ય વચ્ચે ચેતન સ્વામી અને સ્વામી આભેદાનંદજી બંને એના માનસચક્ષુ સામે પ્રગટ થયા.

" આજે સમગ્ર વિશ્વમાં ગુરુનું ચૈતન્ય પ્રગટ થાય છે. જેની જેવી શ્રદ્ધા એ પ્રમાણે ગુરુ પૂજા પણ સ્વીકારે છે અને ફળ પણ આપે છે. આજે અમે તને નિરાશ નહીં કરીએ. સૂક્ષ્મ જગતમાં રહેલા આપણા ગુરુજી પણ તને આશીર્વાદ આપવા માટે પ્રગટ થયા છે." ચેતન સ્વામી બોલ્યા.

" હું વારંવાર તમને હેરાન કરતો જ રહું છું પરંતુ આજે હું તમને જરા પણ તકલીફ આપવા માંગતો નથી. આજે તમે દિલથી મને આશીર્વાદ આપો કે હવે જલ્દીથી મને મારો માર્ગ મળી જાય. હું કેટલા દિવસોથી એકદમ નવરો બેઠો છું. ૬૦૦૦ વારનો પ્લોટ લઈને પણ હું એમાં કંઈ કરી શકતો નથી કારણ કે દિશા શૂન્ય છું. બસ મને મારો માર્ગ બતાવો." કેતન બોલ્યો.

" તને પોતાને પણ ખબર છે કે તારો જન્મ લોક સેવા માટે જ છે એટલે લોક સેવાને લગતી કોઈપણ પ્રવૃત્તિ ત્યાં તું કરી શકે છે. એના માટે ત્યાં શું કરવું એ અમારો વિષય નથી. તું તારી રીતે વિચારી શકે છે. છતાં લોકો રોજ ધ્યાન કરી શકે એ માટે તેં શાંતિકુંજમાં જોયો હતો એવો હિમાલય ખંડ ત્યાં બનાવી શકે. રોજ સત્સંગ અને પ્રવચનો થાય એવો હોલ બનાવી શકે. સાધુ સંન્યાસી માટે રહેવાની જગ્યા ઊભી કરી શકે. સાથે સાથે એક વિશાળ હોસ્પિટલ પણ તું બનાવી શકે. વિશાળ જગ્યા છે તું આ દિશામાં વિચારી જો. તારી સેવાકીય પ્રવૃત્તિ માટે જ ગુરુજીએ આ પ્લૉટ તને અપાવ્યો છે. " સ્વામીજી બોલ્યા.

"જી સ્વામીજી. આપના આશીર્વાદથી એ દિશામાં હવે કામ ચાલુ કરું છું. પરંતુ મને મળેલી સિદ્ધિઓનો ઉપયોગ શું ? " કેતન બોલ્યો.

"તું એકવાર આ પ્લૉટ ઉપર મેં કહ્યું તે પ્રમાણે કન્સ્ટ્રક્શન કરાવીને વિવિધ સેવાઓ ચાલુ કરી દે. તને પોતાને જ ખબર પડશે કે કઈ સિદ્ધિ ક્યાં વાપરવાની છે ? " સ્વામીજી બોલ્યા અને આશીર્વાદ આપીને અદ્રશ્ય થઈ ગયા.

સવારના પોણા છ વાગી ગયા હતા. કેતને ગુરુપૂજન ચાલુ કર્યું. શ્રી શ્રી ઠાકુરના ફોટાને સ્વચ્છ કરીને ચંદનનું તિલક લગાવ્યું. ગુલાબનો હાર પહેરાવ્યો. પુષ્પો, બીલી પત્ર વગેરે અર્પણ કર્યાં. કેળાંનો પ્રસાદ ધરાવ્યો એ પછી આરતી કરી.

ભાવપૂર્વક પૂજા કરીને એ ઉભો થયો ત્યારે સવારના સાડા છ વાગ્યા હતા.
એ સિદ્ધાર્થ ભાઈના રૂમમાં ગયો. મમ્મી અને પપ્પા બંને ઉઠી ગયા હતા. પ્રથમ ગુરુ માતાપિતા જ હોય છે.

" આજે ગુરુપૂર્ણિમાના પ્રણામ મમ્મી પપ્પા ." કેતન બન્નેના ચરણસ્પર્શ કરીને બોલ્યો.

" સુખી રહે બેટા. " જયાબેન બોલ્યાં.

" તું તો ન્હાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે. ચા બની જ રહી છે. ચા નાસ્તો કરીને જ જા " જગદીશભાઈ બોલ્યા.

કેતન ત્યાં જ બેઠો. થોડીવારમાં ચા આવી. એણે ચા પી લીધી. સિદ્ધાર્થ ભાઈના ફલેટમાં સવારમાં બે વાર ચા બનતી હતી. પહેલી ચા સવારે ૬:૩૦ વાગે બનતી હતી. જે જગદીશભાઈ અને જયાબેન માટે બનતી હતી. અને બીજી ચા સવારે સાડા સાત વાગે પૂરા પરિવાર માટે બનતી હતી. જેની સાથે ગરમ નાસ્તો પણ બનતો હતો.

ચા પીને કેતન પોતાના ફ્લેટમાં આવ્યો. આજે ગુરુપૂર્ણિમા હતી એટલે સવાર સવારમાં જ ખાર શ્રીરામકૃષ્ણ આશ્રમમાં દર્શન કરવા જવાની એની ઈચ્છા હતી. જાનકીને કહીને એ નીચે ઉતર્યો અને જાતે ગાડી ચલાવીને ખાર જવા માટે નીકળી ગયો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)