કસક -૪૧
તો તે દિવસ ના થોડા દિવસ પછી કવન તારીકા ને મળ્યો.તે જ ગાર્ડન માં જે ગાર્ડનમાં કવન અને આરોહી મળતા હતા. એક વાર તારિકા અહિયાં આવી ગઈ હતી, જ્યારે કવન તેની સામે રોયો હતો.આજે કોઈ બેડમિન્ટન નહોતું રમતું.કવન વિચારી રહ્યો હતો કદાચ તે બંને પણ છૂટા પડી ગયા હશે.
જીવનમાં પોતાની સાથે કઇંક ખરાબ થઈ ગયા પછી આપણને પણ એવો વિચારજ આવે છે કે સામે વાળા સાથે ખરાબ જ થસે અથવા થયું હશે.પણ હમેશાં સંજોગ ખરાબ નથી હોતા ક્યારેક માણસો પણ ખરાબ બની જાય છે.
તારીકા એ પહેલાં તો કવનને રૂબરૂ સગાઈ ની શુભેચ્છા પાઠવી. તે થોડા મહિનાઓ થી વડોદરા જ રેડિયો જોકી નું કામ કરી રહી હતી.તેથી તે સગાઈ માં પણ નહોતી આવી શકી અને ખાસા મહિનાઓથી કવનને મળી પણ નહોતી શકી.
તારિકાએ તેને તરતજ પ્રશ્ન પૂછી લીધો. "તો બોલ કવન તારે કંઈ બાબતમાં સલાહની જરૂર છે?"
કવને તેનો પ્રશ્ન તેની સામે મૂકી દીધો. "મને લાગે છે કે હું લવસ્ટોરી નહિ લખી શકું."
તારિકા વિચારમાં પડી ગઈ અને તરતજ પૂછ્યું “કેમ?”
“તારિકા કદાચ હું લવસ્ટોરી લખવા માટે નો લેખક છું જ નહિ.કારણકે મને લાગે છે કે આરોહીના ગયા પછી મારી લાગણીઓ પણ હવે રહી નથી.પ્રેમ કથા લાગણીથી લખી શકાય છે.તે મગજથી નથી લખાતી,તેને લખવા હ્રદય નો સહારો લેવો પડે છે.”
તારિકાએ કવનને પૂછ્યું “તે આકાંક્ષા ને આરોહી વિષે કાંઈ જણાવ્યું?”
“ના, હું તેવું ના કરી શકું.આકાંક્ષા સારી છોકરી છે.અને બીજું હું તેને શું કહું?,તેમ કહું કે હું હજી આરોહીને ભુલાવી નથી શક્યો.હું તારી સાથે ખાલી એટલે લગ્ન કરી રહ્યો છું કારણકે મારા ઘર વાળાને હું દુખી નથી જોવા માંગતો.તેમનું એક માત્ર સ્વપ્ન તૂટી જશે.તો મને માફ કરજે હું લગ્ન પછી પણ કદાચ આરોહીને ભુલાવી નહીં શકું. પણ તોય હું ઈચ્છું છું કે તું મારી સાથે લગ્ન કર.”
કવન અધવચ્ચે બોલતા અટકી ગયો અને તારિકા એ તેને કહ્યું “તારી પાસે વાર્તા તો છે તો તું શું કરવા ચિંતા કરી રહ્યો છે?”
“મારી પાસે કઈં વાર્તા છે?”
“તારી અને આરોહીની વાર્તા”
“તે હું ના લખી શકું.”
“કેમ ના લખી શકે?”
“હું આકાંક્ષા ને દુખી નથી કરવા માંગતો.”
“તું પાત્રો ના નામ બદલી નાખજે.”
“પણ હું શું કરવા મારી વાર્તા બધાની સામે લાવું તારિકા?” તે ગુસ્સે થઈને બોલ્યો
“કારણકે તારી વાર્તા પૂરી નથી કવન.”
“શું?”
“હા,તું તારી વાર્તા લોકોના થી છુપાવીને હજી અંદર જ પીડાઈ રહ્યો છે.તું તારી જીવંત વાર્તા જે હકીકત માં પૂરી નથી થઈ તેને કલ્પનાઓમાં તો પૂરી કર અને મુક્ત થઈ જા આરોહી થી.”
“શું ખાતરી કે હું ત્યારબાદ આરોહી ને ભૂલી જઈશ?”
“તારી પાસે એમ પણ બીજો કોઈ ઓપ્શન નથી કવન. કદાચ લોકો પ્રેમ વાર્તા તેટલા માટે જ લખે છે કે જે વાર્તા હકીકતમાં પૂરી નથી થઈ તેને કાલ્પનિક વાર્તામાં પૂરી કરીને સંતોષ મેળવે.એક વાર પ્રયાસ તો કર ફરીથી લાગણીઓ ના ચિત્રમાં રંગ ભરવાનું.”
“મારા થી નહિ થાય.”
“કશુંજ અશકય નથી કવન?તું પ્રયાસ કર જ્યારે પણ તને મારી જરૂર પડે હું તારી સાથે હોઈશ.”
કવન અને તારિકા લાંબી ચર્ચા બાદ છૂટા પડ્યા. કવને તેની વાત પકડી રાખી કે તે પોતાની વાર્તા નહીં લખે અને તારિકા એ પણ તેને જુદી જુદી રીતે સમજાવ્યો કે તારે તારી જ વાર્તા લખવી જોઈએ.
ઘણી વખત આપણે કારણ વગર જ ખોટી વાતો ને પકડી રાખીએ છીએ કારણકે તેનો પૂર્વગ્રહ આપણી સાથે જોડાયેલો હોય છે.પછી તે ઘણા લોકોના સમજાવાથી પણ છુટતો નથી.
કવન નિર્ણય લઈ ચૂક્યો હતો કે તે પોતાની વાર્તા તો નહિ જ લખે.તારિકા પણ નિરાશ થઈને પાછી વડોદરા જતી રહી.
તે દિવસ કવને ખુબ વિચાર્યું, ખુબ વિચાર્યું અને તે રાત્રે સૂતો જ નહિ. તે સવારે ચાર વાગ્યા પછી સૂતો બીજો દિવસ પણ તેણે આખો વિચારવામાં કાઢ્યો.
તેણે તે બીજા દિવસની રાત્રે સાડા ત્રણ વાગ્યે તારિકાને ફોન કર્યો.
“હેલો તારિકા મને માફ કરી દે.”
તારિકા જાણતી હતી કે આજ નહિ તો કાલ કવનનો ફોન આવશે જ.
તે ઊંઘ માં હતી પણ તોય તે સારી રીતે વિચારીને બોલી શકતી હતી.
“તો શું વિચાર્યું તે?”
“હું મારીજ વાર્તા લખીશ.મને યાદ છે કે એક વાર હું બે વર્ષ પહેલા મુસીબતમાં હતો ત્યારે મને તારું જ્ઞાન જ કામ લાગ્યું હતું અને આજે પણ લાગે છે કે તારી શિવાય મારી સમસ્યા નું સમાધાન કોઈ કરી શકે તેમ નથી.”
તારિકા હસવા લાગી.
“મારા ખ્યાલથી તારિકા તારે લોકોની સમસ્યાનું સમાધાન કરવા માટે એક સેમિનાર યોજવો જોઈએ.”
“તો તો સૌથી પહેલો તું બેઠો હોઈશને તેમાં?” તારિકા આટલી ઊંઘ માં ખડખડાટ હસી ને વાત કરી રહી હતી.
“નહિ હું તારો આસિસટન્ટ બની જઈશ.આટલા સમય પછી મને પણ તારી જોડેથી ઘણું ખરું જ્ઞાન મળી ગયું હશે ને.”
કવન અને તારિકા બંને ખડખડાટ હસવા લાગ્યા.
“ચાલ તું સૂઈ જા હું કાલે સવારે તને ફોન કરીશ.”
“ઓહકે ગુડ નાઈટ.”
“ગુડ નાઈટ”
અડધી રાત્રે પણ તે હાસ્ય તેટલું જ સુંદર લાગતું હતું જેટલું હોવું જોઈએ કારણકે હાસ્યની સુંદરતા માનવીના મન અને હ્રદય દ્વારા થાય છે સમય દ્વારા નહીં.
આ સુંદર વાતોના બીજા દિવસે તારિકા,આકાંક્ષા અને કવન મળ્યા.તારિકા અને આકાંક્ષા પહેલીવાર એકબીજાને મળી રહ્યા હતા.બંને ને એકબીજાનો સ્વભાવ ખૂબ ગમ્યો.પણ આ મુલાકાત માં વાર્તાની કે આરોહીને લગતી વાત ક્યાંય નહોતી.
ક્રમશ
વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર....
આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો.
વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો