(૬૯) મહારાણા પ્રતાપ અને બાદશાહ અકબર
મહારાણા પ્રતાપ કુંભલભેરના કિલ્લામાં પોતાના સાથીઓ સાથે આવી ગયા, શહેનશાહ અકબરની સેનામાં ભારતવર્ષના તમામ પ્રાંતોના સૈનિકો જોડાયા હતા. આ સૈનિકો મારફતે હલદીઘાટીનું યુદ્ધ ભારત વિખ્યાત બની ગયું. કવિઓ, ગાયકો, નાયકો હિમશિખરથી માંડી કન્યાકુમારી ભૂશિર સુધી પ્રશસ્તિઓ બનાવી, ભજવીને ભારતીય સંસ્કૃતિના આ શિરોમણી, ભારતમૈયાના ભાલપ્રદેશની બંદિયા જેવા મહારાણાને બિરદાવી રહ્યા હતા.
હિંદના નગરે-નગરે, ગામે ગામ, ચૌરે ચૌટે, અત્ર-તત્ર અને સર્વત્ર મહારાણા પ્રતાપની શૌર્યગાથા ગાજતી હતી. હિંદમાં સૂર્યની શક્તિથી નવો ઉત્સાહ પ્રગટ્યો હતો.
શહેનશાહ અકબરને પોતાના ચુનંદા જાસુસો દ્વારા આ સામચારો મળતા હતા. જનતા-જનાર્દનના અવાજને કોણબાંધી કે ગુંગળાવી શક્યું છે?
હવે તો ઇડરનરેશ નારાયણદાસ, જેઓ મહારાણાના સસરા હતા તેમણે મોગલો વિરૂદ્ધ મોરચો માંડ્યો. ઝાલોરના તાજખાન, શિરોહીનારાવ સુરતાણ, નડૂલના રાજવી ચંદ્રસેન, મહારાણાના મિત્રો બન્યા. આથી મહારાણાની શક્તિ પ્રબળબની.
મહારાણાએ ગેરિલા યુદ્ધ પધ્ધતિ અપનાવી.
મહારાણા સાથે મંત્રણા કરી સરદાર કાલુસિંહે નક્કી કર્યું. મોગલોને હંફાવવા સૌ સૈનિકોએ સૂત્ર અપનાવ્યું.
“મેવાડના મોગલ તાબાના પ્રદેશને લૂંટો, મોગલોના થાણાઓ ઉખેડી પાડો. શાહી શસ્ત્રાગારો ઉપર ધાડ પાડો. શાહી ખજાનો લૂંટો.”
મેવાડના એકેએક ઘરમાંથી હલદીઘાટીના યુદ્ધમાં કાંઈને કાંઈ ગુમાવ્યું હતું તેથી આ પ્રદેશમાં મોગલ સિપાહી દેખાય કે તેની ગરદન ઉડાવી દેવી એવો કડક જાપ્તો ગોઠવી દેવાયો.
પહાડી પ્રદેશથી ટેવાયેલા રાજપૂત રાજવીઓની સેનાથી મોગલ સેનાનાયકો ત્રાસી ઉઠ્યા. થાણાંઓ છોડીને ભાગવા માંડ્યા.
અજમેરમાં રાજા માનસિંહ દુ:ખી અને વ્યથિત મને દિવસો પસાર કરી રહ્યા હતા, હું અને બાદશાહ રાજપૂત મોગલજોડાણની ભવ્ય કલ્પનાને સાકાર કરવા મથી રહ્યાં છે, મહારાણાએ ગુલામી વિરૂદ્ધ આઝાદીનો ઝંડો ઉંચો કર્યો છે. મોગલસેનામાં પણ બે ભાગ છે. એક વિભાગ જે કટ્ટર ઇસ્લામવાદી છે તેને રાજપૂતોનું વર્ચસ્વ ગમતું નથી. આ વર્ચસ્વ કાંઈ મફતમાં નથી મેળવ્યું. મોટી કુરબાનીઓ અપાઈ છે. જે દાવ સાધીને ઘા કરે છે. તેને રાજપૂતો સમજી શક્તા નથી. રાજપૂતો એક થતા નથી. આ યુદ્ધનો હું સરસેનાપતિ છતાં મારી જ સેનામાં “ગમે તે પક્ષનો હોય, રાજપૂત હોય તેને ખત્મ કરો” એવી જેહાદ ચાલે એ કાંઈ જેવી તેવી કમનસીબી છે. આ ઘટના જો મારા ધ્યાનપર ન આવી હોત અને જોરાવર અને બીજા અન્ય ઉશ્કેરાયેલાઓને આંબેર રવાના ન કર્યા હોત તો પરિણામ ભયંકર આવત. આ ઘટનાની ચિનગારી ફેલાઈ હોત તો... કલ્પના કરવી પણ દુસહ્ય છે. ધર્મના ધોરણે સૈન્યો રચવા એટલે ઘડિયાળના કાંટા પાછા ફેરવવા સમાન છે. બાદશાહને આ ખતરનાક પ્રવાહથી આગાહ કરવાજ પડશે. વાસ્તવિક્તાને સ્વીકાર્યા વગર ભવિષ્યજ નથી. હિંદમાં હવે એક કોમ બીજી કોમના સહકાર વગર શાંતિથી રહીજ ન શકે.”
વળી એક દિવસે, શહેનશાહનો આદેશ આવ્યો.
“મારી તહેનાતમાં, ફતેહપુર સિક્રી તુરંત હાજર થઈ જાઓ.”
માનસિંહે ફતેહપુર સિક્રીમાં જઈને જોયું તો બાદશાહ ગમગીન હતા.
“રાજા માનસિંહ, મેવાડ અભિયાનનું આવું પરિણામ? કોમલમેરથી મહારાણા આપણા થાણાંઓ પર હલ્લાઓ કરી રહ્યાં છે. આપણો શાહીખજાનો લૂંટાઈ રહ્યો છે. તમે જે જે પ્રદેશો જીત્યા તેનો પૂરતો બંદોબસ્ત કર્યા વગર જ...”
“જહાપનાહ, આપનો જ આદેશ હતો કે, શાહબાઝ ખાનને સેના સોંપી, શીઘ્ર અજમેર પહોંચી જાઓ.”
“પરંતુ ગોગુન્દામાં પૂરતી મોગલસેના રાખવી હતી ને?”
“શહેનશાહ, આપને મારી ઇમાનદારી પર કદાચ વહેંમ આવે છે. પરંતુ હું આપનો, ફક્ત આપનો હિતચિંતક છું. ગોગુન્દામાં જો વધુ સૈન્યુ રોક્યું હોત તો ભૂખ, તરસ અને અસંતોષના કારણે કદાચ બળવો થાત. ભૂખથી પાગલો વધી જાત, અસંતોષથી સેતાન બની જાત અને માંહોમાહે કાપાકાપી શરૂ થઈ જાત. જેનો લાભ મહારાણા પ્રતાપને મળત.”
આ સાંભળી અકબરશાહના ડોળા પહોળા થઈ ગયા.
“શહેનશાહ, હવે હું એક એવી વાત આપને કહી રહ્યો છું કે, જેના કારણે આપને મારી સમયસૂચકતાનો ખ્યાલ આવી જશે. આપણાં સૈન્યમાં કેટલાક એવા તત્વો છે, જેમણે હલદીઘાટીના યુદ્ધમાં કેવળ રાજપૂતોનેજ ખતમ કરવા શસ્ત્રો ચલાવ્યા છે. ધર્મના ઝનૂને, કેવળ થોડા પાગલોમાં આ કૃત્યથી જવાળામુખી ફાટવાની તૈયારી હતી. મારા કેટલાંક રાજપૂત વીરોએ આ ષડ્યંત્ર યુદ્ધના મેદાનમાં પ્રત્યક્ષ જોયું હતું. મેં મારા તમામ પ્રયત્નોથી આ વાત પર પડદો પાડી દીધો છે. તેઓને આંબેર રવાના કર્યાં છે.”
આ સાંભળી અકબરશાહ બેચેન બની ગયા.
“એવા નાચીઝ માણસો કોણ છે?”
“શહેનશાહ, ભૂતકાળને ઉખેડવામાં મઝા નથી. દાટેલા મડદાં ખોદવા એ આપણું કામ નથી. હું આ વાતનો ઉલ્લેખ આપને પણ કરવા માંગતો ન હતો પરંતુ આપે જ્યારે મારા ઝમીરને લલકાર્યું ત્યારે વાસ્તિવિક્તા છતી કરવી પડી. આપ યાદ રાખો, રાજપૂત કદી બેવફા થતો નથી. મહારાણાજીના પક્ષે આ યુદ્ધમાં ક્યાંયે અધર્મ આચરાયો નથી.”
અકબરશાહ રાજા માનસિંહના મર્મની વેદના સમજી ગયા, કુતુબખાન, આસફખાન, શાહબાઝખાન, બદાયુની આ બધાની વિચારધારાથી તેઓ અપરિચિત પણ ન હતા. માનસિંહની નિર્દોષિતા પણ તેમેને ખ્યાલમાં આવી ગઈ. તેઓને એ અંદાઝ પણ આવી ગયો કે, તેને મેવાડી રાણા પ્રત્યે કુંણી લાગણી જાગી છે. તેઓ મૌન તોડતા બોલ્યા.
“રાજા માનસિંહ, મેવાડ અભિયાને તમને ધર્મસંકટમાં મૂકી દીધા છે. સામ્રાજ્ય ચલાવવા માટે પથ્થરદિલ પણ થવું પડે. શાસન કઠોર અને નઠોર પણ છે. મને સમજાતું નથી કે કછવાહા માનસિંહ ઢીલા પડ્યા કે, કીકો રાણો ધાર્યા કરતાં વધારે મજબૂત નીવડ્યો. હવે મારે જાતે મેવાડ જવું પડશે. કહેવાતા એ અરવલ્લીના સિંહને પિજરામાં પૂરવો પડશે.”
રાજા માનસિંહ ચાલ્યા ગયા.
“મારે જાતે રાજપૂતાનાની પરિસ્થિતિ પર નજર નાંખવી પડશે.” બાદશાહે વિચાર્યું.
શહેનશાહ અકબર અજમેર પહોંચ્યા.
“આપણી સેના એ માત્ર મોગલસેના છે. તે સામ્રાજ્ય માટે જ લડે છે, કોઇ વ્યક્તિ, ધર્મ કે એવી સંકીર્ણ બાબતો માટે નહિં. આ દેશને મજબૂત કરવા એક મજબૂત કેન્દ્રની જરૂર છે અને એ કેન્દ્ર છે મોગલ સલ્તનત સૌ સૈનિકોએ ખભેખભા મિલાવીને એ માટે કામ કરવું પડશે. હું સેનામાં શિસ્તભંગ ચલાવી લેવા માંગતો નથી.”
બદાયુની, આસફખાન અને શાહબાઝખાન તથા તેના માણસો સમજી ગયા કે, રાજા માનસિંહનો પ્રભાવ વધી રહ્યો છે. તેઓ મનમાં સમસમી ઉઠ્યા.
“અહીં જે સેના છે તેને કૂચ કરવાનો આદેશ આપી દો. મારે શીઘ્ર ગોગુન્દા પહોંચવું છે.” શહેનશાહે પોતાની ઇચ્છા વ્યક્ત કરી.
તા.૧૧ મી ઓક્ટોબર, ૧૫૭૬ ના દિવસે બાદશાહ એક તાજી વિશાળ સેના લઈને અજમેરથી ગોગુન્દા જવા રવાના થયા. મનમાં પ્રતાપને પરાસ્ત કરીને મેવાડ વિજેતા બનવાના ખ્વાબ સાથે.
“આ મેવાડીઓ પણ અજબ માટીના ઇન્સાન છે. આખું મેવાડ હારે તો પણ જ્યાં સુધી મહારાણા અણનમ છે ત્યાંથી મેવાડ અણનમ છે એમ માને છે. સુખી થવા માટે જન્નત ન સહી, જન્નતના ખ્યાલો પણ કાફી છે.” બાદશાહ હસતા હસતા વિચાતા હતા.
(૨)
“બાદશાહ અકબર ગોગુન્દા પહોંચી ગયા છે. ઉદયપુર તો પહેલેથીજ ખાલી હતું. હવે મોગલસેના શીઘ્ર કોમલમેર પર ત્રાટકશે.”
સદરદાર કાલુસિંહ બોલ્યા. પ્રાણની જરાયે પરવા ન કરે એવા રણબંકા રાજપૂતો અને ભીલોની નાનકડી સેના મહારાણા જોડે હતી. આ યોદ્ધા યમદૂત જેવા વિકરાળ હતા.
સ્વયં મહારાણા પ્રતાપ સાવધ હતા.
ગોગુન્દામાં પડેલી સેના થોડી શિથિલ પડી. બાદશાહ અકબર ધ્યેયશીલ હતા. સેનાની શિથિલતા અસહ્ય બની એટલે તેઓએ રાજા ભગવાનદાસ અને કુતુબદીનને બોલાવ્યા.
“સિપેહસાલાર કુતુબદીન, આપણને આરામ પોસાય નહિં. અહિં આપણે જલસા કે મહેફીલ જમાવવા આવ્યા નથી. તમે અને રાજા ભગવાનદાસ સેના લઈને ઉપડો, અરવલ્લીના પહાડો ખુંદી વળો, હું જાતે મેવાડ આવ્યો છું એટલે કીકો રાણો પકડાવોજ જોઇએ. મારી સમક્ષ એને જીવતો કે મરેલો પકડી લાવો.
રાજા ભગવાનદાસ અને સિપેહસાલાર કુતુબદીન વિશાળ મોગલસેના સાથે ગોગુન્દાથી આગળ વધ્યા.
મહારાણાએ હવે મોગલોને ગેરીલા યુદ્ધ ખેલીને હંફાવવાનો નિર્ણય કરી લીધો હતો.
“કુતુબદીન, આ સેના ગમે તેટલી વિશાળ હોય, બહાદુર હોય પરંતુ અરવલ્લીની પહાડીઓમાં નકામી છે. એ તો જેને પહાડી યુદ્ધનો અનુભવ હોય એવા સૈનિકોજ કામ લાગે, ભલે ને આ સૈનિકો મેદાનમાં ખૂનખાર જંગ ખેલી શક્તા હોય.”
“મહારાણાને જીતવાના બાદશાહના અરમાન પૂરા નહિ થાય. મહારાણાને પકડવાના અથવા તો મારી નાંખવાના મોગલ સેનાપતિઓના ખ્વાબ માત્ર ખ્વાબ જ રહેશે.” સરદાર કાલુસિંહ આત્મવિશ્વાસ સાથે ગુપ્તચરોને કહ્યું.
નવેંબર માસની ઠંડી પડતી હતી. કોમલમેર અને ગોગુન્દા વચ્ચેની પહાડીઓમાં ફેલાયેલું મોગલસૈન્યુ ભારે આફતમાં આવી પડ્યું.
એક સમયે આ સેનાના શસ્ત્રો લૂંટાયા, એક ટોળી આવી આંખના પલકારામાં શસ્ત્રો ઉઠાવીને ચાલી ગઈ. એવી રીતે અન્ન ભંડાર પણ લૂંટાયો. સેના ઠંડીથી થીજી ગઈ. પહાડી પ્રતિકૂળ હવામાનમાં સૈનિકો વગર મોતે મરવા લાગ્યા.
ક્યાંયથી અન્ન પ્રાપ્તિની અશા જ ન હતી. મેવાડી વેપારીઓ પણ મોગલસેનાને કશું પરખાવતા ન હતા.
મોગલ સૈનિકો દુશ્મનોનો પીછો પકડવા આગળ વધતા પરંતુ જ્યાં ખીણો અને ઝાડીઓ શરૂ થતી. તીરોનો વરસાદ વરસતો ત્યાં તેઓનું કબ્રસ્તાન બની જતું. મેવાડી સૈનિકોને જાણે ધરતી ગળી જતી. ક્યાં ગળી જતી એનો આછો ખ્યાલ પણ મોગલ સૈનિકોને આવતો ન હતો.
“સદરદાર, પાછા ગોગુન્દા જૈએ.”
“બાદશાહને શો જવાબ આપીશું? પરાજયની પરંપરા કદાચ આપણી પર આફત સર્જશે.”
“પરંતુ કુતુબદીન, સેનાના વધુ ભૂંડા હાલ થાય તે પહેલાં પાછા ફરીએ.”
બંને સેનાનાયકોએ જોયું કે, સેના થાકી ગઈ છે. ભૂખથી, હારથી ઠંડીથી અને હાડમારીથી, પાછા નહિં ફરીએતો બળવો થશે. સેના આગળ સિકંદર જેવો સિકંદર લાચર થયો હતો તો આપણું શું ગજુ?
બાદશાહ અકબરે બંને સેનાનાયકોનો ઉઘડો લીધો.
“હિંદુસ્તાનની સર્વોચ્ચ સત્તા મોગલ સામ્રાજ્યની સેનાના તૈમૂર લંગ અને ચંગેજખાનો ઇતિહાસ સાંભલ્યો નથી. બાદશાહ બાબરની તવારીખ ભૂલીગયા? કાળો કેર મચાવી દીધો હતો દુશ્મનોના મુલકમાં રાજા ભગવાનદાસ તો વૃદ્ધ છે પરંતુ કુતુબદીન તું યુવાન પણ છે અને મોગલ પણ છે. શું તું ભરજુવાનીમાં વૃદ્ધ થઈ ગયો છે? મોગલ સિપેહસાલારના આવા હાલ?”
ગુસ્સે થઈ બાદશાહે આ બંને સિપેહસાલારોને અજમેર રવાના કર્યા.
“મહારાણાને પોતાના જ મુલકમાં હરાવીને કેદ પકડવાની ઘડીઓ મારા ભાગ્યમાં જ લખાયેલી છે.” આમ વિચારી બાદશાહે ગોગુન્દાથી સ્વયં મોટી સેના સાથે કૂચ કરી.
વાંકાચૂકા, ઉંડા અને ભીષણ લાગતા કોતરોને ઘેરવા માટે બાદશાહે ઠેર ઠેર થાણાં નાંખ્યા.
“બધી બાજુએથી નાકાબંધી કરી લો. પ્રતાપને ગુંગળાવી દો.” અકબરનો આદેશ વછૂટ્યો.
પહાડો ખૂંદતા ખૂંદતા બાદશાહ મોહી પહોંચ્યા. ત્યાં ત્રણ હજાર સૈનિકોનું એક થાણું ગોઠવ્યું.
પછી મદારિયા પહોચ્યા, દેવગઢ અને મદારિયાની મધ્યમાં એક થાણું સ્થાપ્યું. આટલો બંદોબસ્ત પૂરતો છે માની તેઓ ગોગુન્દા પહોંચ્યા. ગોગુન્દાથી રોજ નવા નવા હુકમો મોગલ થાણાંઓ પર પહોંચતા. રોજ સાંજે પરિસ્થિતિ જણાવવા ગુપ્તચરો આવી પહોંચતા. આટલી બધી તકેદારી છતાં મહારાણા પ્રતાપ હાથ ન આવ્યા. “શું આ ધરતી કીકા રાણાને ગળી ગઈ.” અકબરશાહ વિચારતા, “હું પ્રતાપનો પ્રતાપ ખતમ કરવા આવ્યો હતો. તેની છાયાના દર્શન પણ મને ન થયા. મારો દર્પ ચૂર ચૂર થયો. બાદશાહ ધૂંધવાયા.
ફતેહપુર સિક્રીથી ગોગુન્દા આવ્યે છ માસ વીતી ગયા. બાદશાહની ગેરહાજરી માનસપર અસર પહોંચાડતી હતી. કેટલાયે અગત્યના નિર્ણયો લેવા માટે તેમની રાહ જોવાતી હતી. વિશાળ સામ્રાજ્યના હિસાબે મેવાડનો પ્રશ્ન ગૌણ હતો.
અકબરશાહને કમને ગોગુન્દા છોડવાનો નિર્ણય લેવો પડ્યો. જીવનમાં પહેલી પીછેહઠ હતી પરંતુ એનો કોઇ વિકલ્પજ ન હતો.
આમ, મહારાણા પ્રતાપ અને અકબરશાહ એકજ જમાનાની બે વિભૂતિ, માત્ર આજ પ્રસંગે મિલનની શક્યતા ઉભી થઈ હતી. પરંતુ મેવાડના ભીલો, અરવલ્લીની ખીણો, મહારાણાના ખુંખાર સાથીઓના સામૂહિક પ્રયત્ને પ્રતાપ અણનમ રહ્યા. પ્રતાપની શક્તિનો, મેવાડની સાચી પરિસ્થિતિનો સાચો ખ્યાલ મેળવીને બાદશાહ ફતેહપુર સિક્રી પહોંચ્યા.
સૌ પ્રથમ તેમણે જોયું કે, જોધાબાઈ સાથે તેનો ભાણો રાજા માનસિંહ તેમનું સ્વાગત કરવા આવી રહ્યો હતો. બાદશાહ શું બોલે?