મિશન ઇમ્પોસિબલ- ડેડ રેકનિંગ- પાર્ટ 1
- રાકેશ ઠક્કર
હોલિવૂડની ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ- ડેડ રેકનિંગ- પાર્ટ 1’ (MI 7) ને રૂ.2400 કરોડમાં બનાવવામાં આવી હોવાનો દાવો થયો હતો. ‘મિશન ઇમ્પોસિબલ’ સિરીઝની દરેક ફિલ્મમાં ટોમ ક્રૂઝને આપણે એકથી એક મુશ્કેલ સમસ્યા ઉકેલતા જોયો છે. આ વખતે તેની લડાઈ એક અદ્રશ્ય વસ્તુ સાથે છે.
સમુદ્રમાં એક વહાણ છે અને એની ચાવી શોધવાનું કામ ઈથનને સોંપવામાં આવ્યું છે. એ ચાવી કઈ વસ્તુની છે અને એનાથી શું થશે એની કોઈને ખબર નથી. પણ એ ચાવી જેની પાસે હશે એ વિશ્વની સૌથી મોટી શક્તિનો માલિક બનશે. ઈથન અને તેની ટીમે જેને ‘એન્ટિટી’ નામ આપ્યું છે એવા દુશ્મનનો સામનો કરે છે. વાર્તાનું કેન્દ્ર ચાવી જ હોય છે.
આ વખતે એવી વાર્તા તૈયાર કરી છે કે અગાઉની ફિલ્મો જેણે જોઈ નથી એમને વાંધો આવે એમ નથી. તે આ ફિલ્મ સાથે સરળતાથી જોડાઈ શકે છે. ઈથન હંટ (ટોમ ક્રૂઝ) ને એક નવું મિશન મળે છે. તેને ‘એન્ટિટી’ વિશે જાણકારી આપવામાં આવે છે. જેને ચાવીઓના બે સેટ દ્વારા ખોલી શકાય છે. એ ચાવીઓ કોઈ ખોટા હાથમાં જતી રહે એ પહેલાં ઈથને પ્રાપ્ત કરવાની છે. ‘એન્ટિટી’ એટલું શક્તિશાળી છે કે કોઈપણ સરકાર એને મેળવવા માગે છે. અને એની પાછળ પડી જાય છે. ઈથન ‘એન્ટિટી’ ને નષ્ટ કરવાનું મિશન શરૂ કરે છે. તેની મુલાકાત રહસ્યમય સ્ત્રી ગ્રેસ (હેલે એટવેલ) સાથે થાય છે. અને જૂનો દુશ્મન ગ્રેબિયલ (એસાઈ) પણ સામે આવે છે.
આખી ફિલ્મ ટોમ પર જ છે. તે ખરેખર સુપર સ્ટાર છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં કોઈ યુવા હીરોને શરમાવે એવા દ્રશ્યો ટોમ ક્રૂઝે 61 વર્ષની ઉંમરે આપ્યા છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એ વધારે ખતરનાક એક્શન કરે છે. વળી સ્ટંટ જાતે જ કરે છે. એ માટે એને અલગથી ખાસ સલામ કરવી પડે એમ છે. પોતાની જ નહીં હોલિવૂડની કોઈ ફિલ્મમાં આજ સુધી આવ્યા ના હોય એવા સ્ટંટ કરી બતાવ્યા છે. Youtube પર ટોમના ફિલ્મ માટેના જાતે કરેલા એક્શન બતાવતા વિડીયો એના ટ્રેલર કરતાં વધુ જોવાય છે. ટોમની ફિલ્મમાં VFX નો ઉપયોગ બહુ ઓછો થાય છે.
ગયા વર્ષે ટોમની ‘ટોપ ગન મેવરિક’ સારું મનોરંજન પૂરું પાડી ગઈ હતી. એનાથી એક્શનમાં ચાર ચાસણી ચઢે એવી ‘MI 7’ માં તેનું મોટરબાઈક સાથે પહાડ પરથી કૂદવાનું દ્રશ્ય રૂંવાડા ઊભા કરી દે એવું છે. કાર સીકવન્સ છે તો ટ્રેનના દિલધડક દ્રશ્યો પણ રોમાંચક બન્યા છે. બધાને ખબર છે કે ‘મિશન ઇમ્પોસિબલ’ ની ફ્રેંચાઇઝી હંમેશા એની વાર્તા કરતાં એક્શન અને વિલનના કાવતરાને જ વધારે મહત્વ આપે છે.
નિર્દેશક ક્રિસ્ટોફર દરેક દ્રશ્યથી પ્રભાવિત કરે છે. એમણે બીજી હોલિવૂડની ફિલ્મોથી વધારે મહેનત કરી છે એનો એ પરથી ખ્યાલ આવશે કે સામાન્ય રીતે હોલિવૂડની કોઈપણ ફિલ્મ દોઢથી બે કલાકની હોય છે ત્યારે ‘MI 7’ ને પોણા ત્રણ કલાક લાંબી બનાવી છે. એ કારણે ફિલ્મ ઘણી જગ્યાએ ધીમી પડી જાય છે. સીન લાંબા ખેંચ્યા છે પણ એમાં ઘટનાઓ બનતી રહેતી હોય છે તેથી દર્શકો કંટાળો અનુભવતા નથી અને રસ ગુમાવતા નથી.
થિયેટરમાં સિનેમાનો એક જબરદસ્ત અનુભવ આપે એવી છે. એમાં તકનીકનો પડકાર અને ચમત્કાર જોઈને આશ્ચર્ય થશે. બીજી હોલિવૂડની કે કોઈપણ એક્શન ફિલ્મથી એકદમ અલગ બનાવી છે. આ વખતે સંવાદ ક્યાંક મજેદાર લાગતા નથી પણ એક્શન શરૂ થયા પછી એની કમી સાલતી નથી. એક એક્શન ફિલ્મ હોવા છતાં ઈમોશનલ દ્રશ્યોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
હોશ ઉડાવી દે એવા દ્રશ્યો સાથેનો ક્લાઇમેક્સ જબરદસ્ત હોવાથી પૂરા પૈસા વસૂલ થઈ જશે. અલબત્ત એવી ફરિયાદ રહેશે કે અંત વધુ સમજાય એવો નથી. મિશન ઇમ્પોસિબલ- ડેડ રેકનિંગ- પાર્ટ 2’ માટે સરખો અંદાજ આપવાની જરૂર હતી. ‘મિશન ઇમ્પોસિબલ’ ની સાત ફિલ્મો પછી પણ એમ જરૂર થશે કે આ મિશન ચાલતું રહેવું જોઈએ. ટોમ જે રીતે થાક્યા વગર કામ કરી રહ્યો છે એ જોતાં આ સિરીઝની ઘણી ફિલ્મો હજુ આગામી વર્ષોમાં જોવા મળી શકે છે.