Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 63 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 63

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 63

(૬૩) પુર્નમિલન

          પુરપાટ દોડ્યે જતા ચેતકને લંગડાતો જોઇને મહારાણા ચમક્યા, ધ્યાનપૂર્વક તેમણે દ્રષ્ટિપાત કર્યો તો તેમનો પ્રાણપ્રિય ઘોડો ચેતક ઘાયલ થયો હતો.

સ્વાતંત્ર્યના પૂંજારીને કયુ ઇનામ મળે? છાતી પર પથ્થર મૂકીને સ્વજનોના મૃત્યુની હોળી ખેલાતી જોવી પડે. હસતા હસતા ઝેરનો પ્યાલો ઉદરમાં સમાવીને, મૃત્યુની મંગલમય વેળાને વધાવી લેવી પડે છે. ફાંસીનો ફંદો ગળામાં નાંખીને સ્વતંત્રતાદેવીના ચરણોમાં કુરબાન થઈ જવું પડે છે. પ્રત્યક્ષ પુત્રો, પુત્રીઓ, પત્ની સેહાદરો અને સ્વજનોના રક્તને હસતા હસતા સમર્પણ કરી દેવા એ સ્વાતંત્ર્યવીરનું પરમ કર્તવ્ય બની જાય છે. બલિદાન વિના સિદ્ધિ શક્ય જ નથી.

મોગલસેનાના બે મહાત્વાકાંક્ષી સરદારો.

 નામ તો એમના બીજા હતા પરંતુ એક ખુરાસાનનો વતની હતો એટલે ખુરાસાનખાં અને બીજો મુલતાનનો વતની હતો માટે મુલતાનખાં નામે સેનામાં પ્રસિદ્ધ હતા. તેઓ સેનામાં ઉચ્ચ પદવી પર હતા.

તેઓની દ્રષ્ટિ યુદ્ધમાંથી બીજી દિશામાં ભાગી જતા એક કદાવર ઘોડા પર પડી. એ ઘોડાના સવારને જોઇને તેઓ સમજી ગયા કે, મેવાડપતિ જઈ રહ્યા છે. જો મેવાડપતિ પોતાના હાથે પકડાઇ જાય તો બાદશાહ પોતાને ન્યાલ કરી દેશે એ વાત પોતે બરાબર સમજતા હતા. સંગ્રામમાં સેનાનાયક પર મોટો આધાર હોય છે. દુશ્મનના સેનાનાયક પ્રતાપસિંહને ઝબ્બે કરવામાં આવે તો રંગ રહી જાય. બંને એ મહારાણાનો બરાબર પીછો પકડ્યો.

કુંવર શક્તિસિંહે જોયું કે, બે વખત સરદારો યુદ્દ્ધ મેદાનમાંથી પાછ ફરી રહ્યા છે. આગળ જોયું તો તેને ચેતક દેખાયો. હવે પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ. આ બે મોગલ સરદારો મહારાણાનો પીછો કરી રહ્યા છે. પોતાના અંકારાને કુંવર શક્તિસિંહે તે દિશામાં દોડાવી મૂક્યો. થોડીવારમાં જ ખાન સરદારોને આંબી ગયા.

પૂરપાટ દોડ્યે જતા બે મોગલ સરદારોને પાછળથી અવાજ સંભળાયો.

“ખડે રહો.”

પાછળ જોયું તો મારતે ઘોડે આવી રહેલા કુંવર શક્તિસિંહ તેમની નિકટ પહોંચી ગયા હતા.

“આપ, કુંવર શક્તિસિંહ?”

“હા, ખાનસરદાર, હું કુંવર શક્તિસિંહ”

“જુઓ, સામે આપણો શિકાર, આપણી બધાંની નજર ચુકવીને ભાગી રહ્યો છે. પરંતુ અમારી તીક્ષ્ણ દ્રષ્ટિથી એ બચ્યો નથી. હવે ક્યાં જશે? આખિર બકરે કી માં કબતક ખૈર મનાયેગી? બાદશાહ આ શિકાર પકડવાના પુરસ્કારરૂપે અમને પુષ્કળ ધન આપશે.

“મિત્રો સાંભળો, બાદશાહનું ઇનામ તો તમને મળતા મળશે. મારું ઇનામ તો સ્વીકારો.”

બંને સરદારો મહારાણા અને શક્તિસિંહની શત્રુતા જાણતા હતા.

“આપો આપો પુરસ્કાર આપો. ભાવિ મેવાડપતિ.”

વિદ્યુતવેગે શક્તિસિંહે તલવર ખેંચી એકનું મસ્તક ઉદાવી દીધું બીજો કંઇ પણ હિલચાલ કરે તે પહેલાં એના પેટમાં તલવાર ઘોંચી દીધી.

 હવે તે શીઘ્રગતિએ મહારાણા જે દિશામાં ગયા હતા તે દિશામાં આગળ વધ્યો.

મહારાણા પ્રતાપ ચેતક ઘોડા પર આગળ વધી રહ્યા હતા ત્યારે એક ખીણ આવી. પાછળ દુશ્મન અને આગળ ખીણ.

“ચેતક, ખરી કસોટી છે.”

ચેતક ખૂબ જ ચાલાક હતો. તે ઘાયલ થયો હતો. તેના પગમાં ભારી વેદના થતી હતી. હવે તેનું આયુ અલ્પ હતું. તેણે પોતાના બદનમાં જેટલું જોર હતું તેટલું તમામ જોર લગાવીને દોટ લગાવી. ખીણ કૂદી ગયો. પાછળ આવતા ખાન આ જોઇ નવાઈ પામ્યા. તે બીજા રસ્તે પ્રતાપને આંબી જવા ઘોડા દોડાવી ગયા પરંતુ રસ્તામાં કુંવર  શક્તિસિંહ તેમને  યમસદન પહોંચાડી દીધા.

ચેતક ખીણ તો કુદી ગયો પરંતુ એ દોડ એની મૃત્યુ દોડ નીવડી. એના મોંઢામાંથી ફીણ નીકળવા માંડ્યું. એક ઠેંકાણે તે લથડી પડ્યો. હવે સ્વયં મહારાણા પ્રતાપને તેની અંતિમ અવસ્થાનો ખ્યાલ આવી ગયો.

ચેતક વગર પ્રતાપ આ સ્થિતિનો કદી વિચાર પણ કર્યો ન હતો. મહારાણાએ ટગર ટગર જોઇ રહેલા ચેતકના મસ્તક પર હાથ ફેરવ્યો. બંનેના ચક્ષુ મળે તે પહેલાં બંનેના ચક્ષુમાંથે આંસુની ધારા વહેવા લાગી.

“ચેતક જાય છે.” આટલો જલ્દી?” મહાપ્રયત્ને મહારાણા બોલ્યા.

એટલામાં ત્રણ ઘોડેસવારો કાલુસિંહ, પૂંજાજી અને ગુલાબસિંહ દેખાયા.

બીજી દિશાએથી કુંવર શક્તિસિંહ છેક મહારાણાની નિકટ આવી પહોંચ્યો.

ઘાસના તણખલાની માફક રાજગાદી છોડી દેનાર રામચંદ્રજી લક્ષ્મણની મૂર્છાવેળાએ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા હતા. જિંદગીમાં કદી એ આંસુ ન લાવનાર મહારાણા પ્રતાપ ચેતકના પ્રાણોત્સર્ગ વેળા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા. વજ્ર જેવા શરીરમાં કેવો ફૂલ જેવો આત્મા! પત્થર પર દેહ પટકીને પ્રાણ કાઢી નાંખવાની પ્રબળ ઇચ્છા થઈ આવી.

મહારાણાજીએ મુખપરથી હથેળી હટાવીને જોયું તો સામે કુંવર શક્તિસિંહ.

“બંધુ તું પહોંચી ગયો. લે આ જીવનને હવે કશામાં રસ નથી ઉઠાવ તારી શમશેર અને લઈ લે પ્રતિશોધ. વૈરાગ્નિ શાંત કરી લે.”

“મોટાભાઇ” કુંવર શક્તિસિંહના અવાજમાં ઘોર નિરાશા હતી.

“મોટાભાઇ, મને માફ કરજો.” હવે શક્તિસિંહ મહારાણાના ચરણોમાં પડી ગયો. પ્રતપસિંહ એને ઉઠાવી લીધો. ગળે લગાડ્યો.

“મહારાણા આપ તો મેવાડના ભાગ્યદાતા છો. અપની તરફ કાંકરી ફેંકનાર પણ મહાપાપી બની જાય. વિશ્વનો દરેક વતનની આઝાદીનો ચાહક આજે આપના પ્રાણોની રક્ષાનો ઇચ્છુક છે. આ તલવાર હું આપના ચરણોમાં મૂકી દઉં છું. હું ઉદ્ધત છું. હું વિદ્રોહી છું. હું નમકહરામ છું. હું ધરતી પર બોજા રૂપ છું. મેં મેવાડ છોડીને કલંકિત જીવન વિતાવ્યું છે. આપ તો મેવાડના મહરાણા છો. હું આપનો જ મહાગુનેગાર છું. મેં જ રાજા માનસિંહને મેવાડ અક્રમણની તૈયારીમાં દોરવણી આપી હતી. તમે જે સજા આપશો તે હું સ્વીકારી લઈશ.” આંસુઓની ધારા વહાવતા કુંવર શક્તિસિંહ બોલ્યો.

અ સમય દરમિયાન, મહારાણાનું હ્રદય શક્તિ તરફથી નિર્મળ થઈ ગયું હતું. પગમાં પડેલી તલવાર ઉઠાવી, શકિતાના હાથમાં સોંપતા બોલી ઉઠ્યા.

“શક્તિ, મને આનંદ થાય છે કે, આટલા વર્ષે પણ મને મારો સહોદર શક્તિ શુદ્ધ સ્વરૂપે મળ્યો. માનવી પસ્તાવો કરે એટલે શુદ્ધ થઈ જાય છે. આ તારો ખરા દિલનો પસ્તાવો છે. તારી આંખોમાંથી વહેતા આંસુ એ પસ્તાવારૂપી સ્વર્ગીય ઝરણું છે. તારા આંસુ એનું પ્રમાણ છે. પરંતુ ભાઇ, એકાએક તારામાં આ પરિવર્તન ક્યાંથી?”

“એ પ્રેરણા મોહીનીદેવીની છે.”

“શક્તિ, તારી એ ગૃહલક્ષ્મી જગદંબા છે.”

હવે ચેતકની અંતિમક્રિયામાં ત્રણે સરદારો ગુંથાયા.

ચેતકની અંતિમક્રિયામાં ગુંથાયેલા સરદરો તરફ ફરીને મહારાણાએ અંકારાની આંખોમાંથી વહેતા અશ્રુ બતાવ્યા સાથે સાથે હલદીઘાટીનો એ મહાવીર પણ ખુલ્લા અવાજે ફરી અશ્રુ સારી ઉઠ્યો. વાહ રે સહોદર પ્રેમ! કેવું મિલન?

“મોટાભાઇ તમે શીઘ્ર આ સ્થળેથી પ્રસ્થાન કરો. લો મારો ઘોડો અંકારા લઈ જાવ.”

“પરંતુ તું શું કરીશ?”

“મારે હવે ન તો તલવારની જરૂર છે ન તો મોગલ શહેનશાહની નોકરીની.

 ન તો અંકારાની. હવે હું સાધુ થઈને આત્મકલ્યાણર્થે અહીંથી જ પ્રસ્થાન કરીશ.”

“કુંવર શક્તિસિંહજી, મહારાણાના સહોદર જ આ કરી શકે. ભાતૃપ્રેમનું આ પવિત્ર દ્રશ્ય અમારી આંખોને શીતળતા આપી રહ્યું છે. રામ ભરત મિલાપના પુનિત પ્રસંગની યાદ દેવડાવે છે. જ્યાં સુધી પ્રતાપનો પ્રતાપ રહેશે ત્યાં સુધી શક્તિનું સમર્પણ અમર રહેશે.” ત્રણે સરદારો  બોલી ઉઠ્યા.

બંને સહોદરો જુદી જુદી દિશામાં એકબીજાને એકબીજા ન દેખાય ત્યાં સુધી નેત્રોથી જોતા જોતા જુદા પડ્યા.

 શક્તિસિંહ વટેમાર્ગુ બનીને અનામી જગતમાં જવા ઓગળી ગયો.

ચારે બાજુ મોતનો પંજો છવાઈ ગયો હતો.

યુદ્ધનો આરંભ થયો. સલીમ કે જે સાત વર્ષનો સોહામણો શાહજાદો હતો. તે હસ્તે તેણે શમશેર ઘૂમાવીને કર્યો. સામ્રાજ્યવાદીઓને લોકોની ભાવના સાથે ચેડા કરવાની કુટેવ હોય છે. સત્તાધીશો માટે એ “બુમરેંગ” હોય છે.

હલદીઘાટીના મેદાનમાં આખો દિવસ મોતનું તાંડવ ખેલાયું. પ્રલય, કયામત શું એની ઝલક તે દિવસે વીરોને પ્રત્યક્ષ જોવા અને માણવા મળી. રાત્રિન સમયે હલદીઘાટી સ્મશાનવત બની ગઈ. મોગલ છાવણીઓમાં સ્ત્રીઓના રૂદનના ચિત્કાર, હૈયા ફાટી જાય તેવ કરૂણામય અવાજો સંભળાતા હતા. હજારો સૌભાગ્યવંતીઓના સૌભાગ્ય નંદવાયા હતા. રડતી વિધવાઓને કોણ અશ્વાસન આપે? ચારે બાજુ મોતનો પંજો જડબેસલાક છવાઇ ગયો હતો. ચારે બાજુ ભયંકર ચીસો, રૂદન અને શિયાળવાના અવાજ સંભળાતો હતો. દિલ ધડકાવી દે તેવું દ્શ્ય હતું. રાત પસાર થતી હતી. પોતાની શિબિરમાં હજુ સુધી શક્તિસિંહ આવ્યા ન હતા. મોહીનીદેવી પતિની પ્રતીક્ષામાં બેચેન હતી. આશા-નિરાશા વચ્ચે તે ઝોલાં ખાતી હતી. અંધારી રાત હતી. કાળા વાદળો ચારે કોર છવાઈ ગયા હતા. અચાનક એક વૃદ્ધ લથડતે પગલે ત્યાં આવી પહોંચ્યો. એના કપડાં લોહીથી તરબતર હતા. “બેટી કુંવર શક્તિસિંહ હવે નહિ આવે.”

મોહિનીદેવીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ધીમે ધીમે આગળ વધીને તે વૃદ્ધ મોહિનીદેવીની બિલકુલ પાસે આવી પહોંચ્યો. એ હતા ગોગુન્દાના વયોવૃદ્ધ સામંત દેવીલાલ. મોહિનીદેવીએ ઓળખ્યા. “ તમે? આ વખતે? દુશ્મન છાવણીમાં?”

“હા, ઘાયલ સૈનિકોના વેશમાં જ હું આવી શકુ એમ હતો. મારે પાછા વળવાનું છે. એક સંદેશો સાંભળી લે. નાના મહારજ સલામત છે. પરંતુ હવે છાવણીમાં નહિ આવે તેઓએ આજે એવું કામ કર્યુ છે કે, જેનાથી એમનું નામ ઇતિહાસમાં અમર થઈ જશે.

પછી એમણે જે વાત કરી તેનાથી મોહિનીદેવી ગર્વોન્ત બની ગઈ. તે વૃદ્ધ એક મેવાડી જાસૂસ હતો. રામદાસ મેડતિયાએ તેને ખાસ મોકલ્યો હતો. કુંવરસિંહે આજે મેવાડની લાજ રાખી છે. પરંતુ હવે તેઓ ભોગી મટી જોગી થયા છે. માટે જ હવે તેઓ મોગલ છાવણીમાં કદી નહિ આવે. તેઓએ મેવાડીઓના હૈયા પર વિજય મેળવ્યો છે. અયોધ્યાની પ્રજા જે આદર ભરતને આપતી એ આદર મેવાડીઓ પાસેથી કુંવર શક્તિસિંહ મેળવશે.”

મોહિનીદેવી બોલી, “ પતિવિયોગ સહી લઈશ પરંતુ કલંકિત પતિની પત્ની બની જીવાત નહિ. દેવીદાસ જાસૂસ ચાલ્યા ગયા. ઉન્નત ગ્રીવાએ મોહિનીદેવી ગગન પ્રતિ દ્રષ્ટિ કરવા લાગ્યા જાણે દૂર કુંવર શક્તિસિંહ હસતાં હસતાં કહેતા હતા, “ દેવી મોહિની તારી અભિલાષા પૂર્ણ થઈ. મહારાણા બચી ગયા. પરંતુ વિજય તો મારા પ્રેમનો થયો છે. અલવિદા.”

ઇશ્વરે ઘડીના છઠ્ઠા ભાગમાં મોહિનીદેવીના પ્રેમનો સાગર છીનવી લીધો. આંસુનો પ્રવાહ વહેવા લાગ્યો. ડૂસકું આવી ગયુ. પરંતુ પતિના નિર્ણયને માથે વધાવીને એણે રાજધાની પરત જવાનો નિર્ણય કર્યો.

છાવણીમાં જઈને જોયું તો કિરણ પ્રસન્ન ચિંત્તે ઊંઘતી હતી. આબેહૂબ શક્તિસિંહની પ્રતિમૂર્તિ એ મૂર્તિમાં કઠોરતા હતી જ્યારે આ મૂર્તિમાં કોમળતા.

કોલ્યારી ગામમાં ઘાયલ મહારાણા પ્રતાપસિંહ પોતાના સાથીઓને કહી રહ્યા હતા. “શક્તિસિંહના પત્ની મોહિનીદેવી એની પત્ની નહિ, સાક્ષાત જગદંબા છે. શક્તિસિંહના હ્રદય પરિવર્તન પાછળ એની જ પ્રેરણાથી અમારી શત્રુતા ખતમ થઈ ગઈ. હવે મમતાનું ઝરણું વહેવા માડ્યું. એનું ઉદ્‍ગમસ્થાન મોહિનીદેવીના હ્રદયની નિર્મળતા જ છે.”