પાર્થને કહો
સવારનો પ્રથમ પ્રહર, બંને સેનાઓ એકબીજા સામે ટકરવા આતુર હતી. મહારાણા પ્રતાપ વિખ્યાત ચેતક અશ્વ પર બિરાજમાન હતા. તેઓનું ભવ્ય વ્યક્તિત્વ, ઉષાકાળના ભગવાન ભાસ્કરના કિરણોમાં ઓર ખીલી ઉઠ્યું હતું.
તેઓનું કદ લાંબુ હતું. વિશાળ અણીદાર નેત્ર હતા. ભરાવદર ચહેરો હતો. શૌર્યના પ્રતીક સમી મૂછો હતી. વિશાળ વક્ષસ્થળ, તેઓ અર્જુનની માફક આજાનબાહુ હતા. તેમનો વર્ણ ગૌરવર્ણ હતો. એવો ભાસ પડતો હતો કે, સાક્ષાત ભગવાન ભાસ્કર હલ્દીઘાટીના મેદાનમાં ઉતરી આવ્યા છે.
ચેતક વારંવાર હણહણી રહ્યો હતો. તે થોડી થોડી વારે પાછલા પગે ઉભો થઈ જતો. જાણે એમ કહેતો ન હોય! “માલિક, હવે કેટલો વિલંબ? શુભસ્ય શીઘ્રમ:”
મહારાણાએ હસીને, પોતાની જમણી બાજુએ સરદાર કાલુસિંહને જોયો. ડાબી બાજુ વીર ગુલાબસિંહ, વીર કાંધલજી હતા. તેઓની પાછળ રાજપૂતોની વિશળ ફોજ હતી. દૂર દૂર પર્વતો પર ભીલોની સેના જણાતી હતી. પ્રત્યેક ભીલે ઘૂંટણ સુધી જાડા કપડાંની ધોતી પહેરી હતી અને માથે નાનુ અમથુ ફાળિયું બાધ્યું હતુ.
શસ્ત્રસજ્જ મોગલો આ નિર્ધન વીરોને જોઇને હસી રહ્યા હતા. “આ શું લડવાના છે? બિચારા વગર મોતે માર્યા જશે.”
પરંતુ એમને ખબર ન હતી કે, આ જ ભીલો, અરવલ્લીના પર્વતપુત્રો એમને ભારે પડવાના છે.
રાજરાણા માનસિંહજી, તેઓ દેલવાડાના જાગીદાર હતા અને બિદાજી જેઓ બડીસાદડીના જાગીદાર હતા. એમના તાબામાં પાછળની સેના હતી.
સ્વયં મહારાણા મુખ્ય સેનાપતિ હતા. ડાબી અને જમણી બાજુની સેના માનસિંહ અને બિદાજી સાચવતા હતા. તો મહારાણા મધ્યમાં હતા. મહારાણાના અંગરક્ષક તરીકે કાંધલજી અને કાલુંસિંહ તથા ગુલાબસિંહ હતા. ત્રણે મહારથી હતા.
મહારાણાજીએ જોયું કે, મોગલસેનામાં એક વિશાળકાય હાથી પર મોગલ સલ્તનતનો ભાવિ વારસ શાહજાદો સલીમ, જે માત્ર સાત જ વર્ષનો છે જેના ગળામાં હીરા- જડીત મોતીની માળા ચમકી રહી હતી. એના હાથમાં હીરાજડીત કમાનવાળી તલવાર હતી. જેને તે રમકડાંની માફક ઘૂમાવતો હતો.
એની બંને બાજુ ઘોડેસવારો હતા. કદાચ એ મોગલસેનાના જાણીતા સેનાપતિઓ હતા. પાછળ બીજા હાથી પર માનસિંહ બિરાજેલા હતા.
આ બધાંની વચ્ચે એક પાણીદાર યુવાન અશ્વારોહી પણ ચાલતો હતો. એને જોઇ પ્રતાપ હસ્યા, શક્તિસિંહ પણ બદલો લેવા આવી પહોંચ્યા છે ને!
શ્રીમદ ભગવદગીતામાં કુરૂક્ષેત્રની રણભૂમિનું વર્ણન આવે છે મહારાણાજીને અર્જુનનો વિષાદ યાદ આવ્યો. મહાભારતના યુદ્ધમાં અર્જુનને કાકા દીકરાઓ પર શસ્ત્ર ચલાવવાન હતા જયારે અહીં તો પોતાના સગાભાઇ, અરે સહોદર સામે શમશેર ઉપાડવાની હતી. આકરી કસોટી હતી.
મહારાણા વિચારવા લાગ્યા. આ દેશની કેટલી મોટી કમનસીબી છે? આ મેદાનમાં જેટલા રાજપૂતો છે એટલાં જ જો આ ધરતીની મુક્તિ માટે એક થઈ જાય તો એકપણ મોગલ જીવતો અજમેર ન પહોંચી શકે, પરંતુ અફસોસ કે, આટલી સીધી વાત ભારતીયો સમજી શકતા નથી.
બીજી બાજુ કુંવર શક્તિસિંહ પણ વિચારમાં ખોવાઇ ગયો હતો. “હુ મેવાડનો, સમસ્ત મેવાડ એકબાજુ લડી રહ્યુ છે જ્યારે હું મોગલસેનામાં આવીને યુયુત્સુ બની ગયો. અરે યુયુત્સુ પણ ન્યાય માટે જ ધર્મરાજ પાસે ગયો હતો. હું તો અધર્મ માટે યવનરાજ પાસે ગયો છું. હું અને મહારાણા એક જ માતાપિતાના પુત્રો, અમારા બંનેની રગોમાં એક જ ખૂન વહે છે. શું હું આ અધર્મયુક્ત આચરણ તો નથી કરી રહ્યોને?”
તેની જોડે જ શાહબાઝખાન ઘોડાપર આગળ વધી રહ્યો હતો તેણે શક્તિસિંહના મુખપરની દ્વિધા પકડી પાડી. “કુંવર શક્તિસિંહ શો વિચાર કરી રહ્યા છો? હવે વિચારવાનો સમય નથી. તમે જો વિચારમાં ખોવાઇ જશો અને દુશ્મનનો ભાલો, તીર કે શમશેર તમને ખતમ કરી નાખશે તો ગજબ થઈ જશે. તમારું ધ્યાન રાખો, નહિ તો પ્રતિશોધના અરમાન આ જન્મે પૂરા નહિ થાય, તમો જાણો છો કદાચ આ યુદ્ધના અંતે તમને કદાચ મેવાડનું સિંહાસન પણ પ્રાપ્ત થાય.”
શાહબાઝખાન આ વાક્યોથી તો....... પોતાની જાત પર વધારે નફરત જાગી. પોતાનો કેવો સરસ પ્યાદા તરીકે ઉપયોગ થઈ રહ્યો છે એનું હવે તેઓને ભાન થઈ ગયું.
પરંતુ જંગે મેદાનમાં લડ્યા વગર છુટકો ન હતો. તેણે પણ જંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો. હવે સામસામે આવેલી બંને સેનાઓ યુદ્ધ માટે કટિબંધ થઈ રહી હતી.
“મહારાણાજી, હવે યુદ્ધનો આદેશ આપી દો. આતતાયીઓ જુલ્મની પરાકાષ્ઠાએ પહોંચી ગયા છે. જે એમનું નથી એ છીનવા એઓ ધરતી પર પોતાની તમામ તાકાત સાથે પહોંચી ગયા છે. પાંડવોમાં સૌથી વધારે શાંતિમાં માનનાર કુંતાજીની શ્રદ્ધા જ્યારે કૌરવોની કુટિલતા જોઇને અને કૃષ્ણના વેણ કે, દુર્યોધને ભરી રાજસભામાં પાંડવોની માંગણીની ક્રૂર હાંસી ઉડાવતા, અવહેલના કરતાં કહ્યું કે, સોયની અણી જેટલી જમીન પર હું પાંડવોને આપવા નથી માંગતો બાવડામાં બળ હોય તો આવે યુદ્ધના મેદાનમાં ફેંસલો ત્યાં થઈ જશે. ભિક્ષુની માફક માંગવાથી કશું નથી મળતું. રાજ્ય માટે તો શક્તિ જોઇએ. “ આ સાંભળી કુંતાજી ગુસ્સે થઈ ગયા. પોતાના પુત્રો શું કાયર છે? અધિકાર માટે હવે તો લડવું જ રહ્યું અને છેવટે તેમણે આદેશ આપી જ દીધો.
“પ્રાર્થને કહો, ચડાવે બાણ,
યુદ્ધ એ જ હવે તો ત્રાણ.”
અને મહારાણાજીએ હવામાં તલવાર વીંઝી, સિંહનાદ કર્યો.
“જય એકલિંગજી,”
રાજપૂત સેનાએ પ્રતિઘોષ કર્યો.
“જય એકલિંગજી”
ઘડીભર તો આ ઘોરનાદથી મોગલસેના પણ કાંપી ઉઠી બાળક સલીમ મેવાડી સેના સામે જ જોઇ રહ્યો.
રાજા માનસિંહે તે જ વેળા ઇશારો કર્યો.
હવે મોગલ શાહજાદા સલીમે હવામાં તલવાર ઘૂમાવી અને બોલી ઉઠ્યો, “અલ્લા હો અકબર” મોગલ સેનાએ એનો પ્રતિસાદ પાડ્યો.
“અલ્લા હો અકબર”
આમ, જુસ્સાભેર બંને સેનાઓ, ભિડાઇ ગઈ. હલ્દીઘાટીના મહાસંગ્રામની શરૂઆત થઈ.
આજ વખતે યુદ્ધના મેદાનમાં એક ટુકડી આવી. તેને સાથે રાજા માનસિંહે શાહજાદા સલીમને, યુદ્ધના મેદાનમાંથી રવાના કરી દીધો. એને શીઘ્ર અજમેર પહોંચાડવાની સૂચના આપી દીધી. ખૂનખાઅર જંગમાં મોગલ સલ્તનતના વારસદારને રાખવાનું જોખમ રાજા માનસિંહ ઉઠાવવા માંગતો ન હતો.