અજય અને પ્રીતિ બંને હવે લગ્નગ્રંથી થી જોડાય ગયા હતા. એમણે બંનેએ બધા જ વડીલોના આશીર્વાદ લીધા હતા. બંને સંગાથે એટલા સુંદર લગતા હતા કે, એમને જે જુએ એ એવું જ કહેતા હતા કે પરફેક્ટ જોડી છે. બંને મનોમન ખુબ ખુશ થતા હતા.
જન્મથી લઈને દીકરી જે ઘરે મોટી થઈ હોય છે, એ પોતાની બધી જ ટેવ, રીત અને જરૂરિયાત, સબંધ દરેકથી અંતર કરીને સાસરે ફક્ત પતિના સાથ, સહકાર અને પ્રેમની હૂંફ માટે જ આવે છે. એ દીકરીને પિયરમાં કોઈ જ કમી હોતી નથી. કેટલી બધી આશા રાખીને સાસરે પ્રેમની આશ પાલવે બાંધીને આવે છે. સાસરે જેમ બધા રહે છે, અને જેમ રાખે છે એમ એ પોતાની જાતને ઢાળવા લાગે છે. પોતાના સપનાને ક્યારેક તોડવામાં પણ આવે છે, છતાં એ પિતાની ઈચ્છાને માન આપીને કોઈ જ ફરિયાદ કરતી નથી. આવી જ અનેક વાતો જાણવા છતાં પ્રીતિ પણ અજયને વરી ચુકી હતી. પ્રીતિને પ્રેમ સાથે વિશ્વાસ પણ હતો જ કે, જે બીજા સાથે થતું આવ્યું છે એવું મારો અજય મારી સાથે નહીં કરે. અને આ વિશ્વાસ જ એ બંનેને એક કરી રહ્યો હતો.
પ્રીતિ પોતાના પસંદ કરેલ જીવનસાથીથી ખુબ ખુશ અને પોતાના ભાગ્યથી આનંદિત હોવાથી એ આ શુભ ઘડીએ આંસુઓની સાથે વિદાઈ ઈચ્છતી નહોતી. પ્રીતિએ એના મમ્મી પપ્પા અને બહેનને પણ કહ્યું જ હતું કે, અજયથી એના સાથથી ખુશ છું, મને કોઈ દુઃખ સાસરે જવાનું નથી, આથી કદાચ વિદાય વખતે મને રડું ન આવે તો એમ ન સમજતા કે મને તમારે માટે હવે લાગણી ઓછી થઈ ગઈ છે. મારુ માનવું છે કે શુભ ઘડીએ રડીને કેમ જુદા થવું, હરખથી એ વિદાયની ઘડીને ન આવકારી શકાય? અને ખરેખર પ્રીતિ હસતા ચહેરે જ સાસરે જઈ રહી હતી. બંને પરિવાર જ નહીં પણ આખા પ્રીતિના સમાજમાં આ કદાચ પહેલી વિદાય હશે કે જ્યાં કોઈ રડ્યું જ નહોતું. અને હસતા ચહેરે સુંદર યાદો સમેટી બધાએ પ્રીતિને વિદાઈ આપી હતી.
પ્રીતિ કારમાં અજયની બાજુમાં જ બેઠી હતી. અજયને પણ થયું કે, આ રડી નહીં ખુબ હિમ્મત વાળી છે. પણ ખરેખર તો એ ખુબ વિશ્વાસ અજય માટે રાખી ચુકી હતી કે, અજય ક્યારેય કોઈ જ ખોટું મારી સાથે નહીં જ થવા દે.
જાન એના નિર્ધારિત સમયે ભાવનગર પહોંચી જ ગઈ હતી. પ્રીતિના પગલાં હસમુખભાઈએ કહ્યું હતું એમ નવા બંગલામાં જ પડ્યા હતા. ખુબ સરસ ઉમળકાથી પ્રીતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અજય અને પ્રીતિની છેડાછેડી
એના નણંદએ છોડી આપી હતી. આપણા રિવાજો પણ કેટલા સુંદર
હોય છે. નવપરણિત કન્યાના મનને નોર્મલ કરવા કોડીકોડાની રમત ખુબ સુંદર ભાગ ભજવે છે.
કોડીકોડાની રમતમાં અજય એક વાર જીત્યો હતો. બાકી દરેક વખતે
પ્રીતિ જ જીતી હતી. છેલ્લી વખતે તો અજયે પ્રીતિના હાથમાંથી વિટીં ખેંચવાની કોશિષ પણ કરી હતી. પ્રીતિએ એ ન છોડતા એવું કહ્યું, ચીટિંગ નહીં કરવાની હો, મેં શોધી લીધી છે. બસ, આ શબ્દો અજયના મિત્રો સાંભળી ગયા અને બોલી ઉઠયા, અજય ટક્કર બરાબરની છે જામશે હો! ત્યાં ઉપસ્થિત બધા જ હસી પડ્યા હતા. થોડી વાર રમત રમાડીને બધા રાત્રીના ભોજન માટે ગયા હતા. અજય અને પ્રીતિ ભોજન પતાવીને ઘરે આવ્યા ત્યાં સુધીમાં અજયના મિત્રોએ અજયના રૂમને ખુબ સુંદર રીતે શણગારી લીધો હતો.
ભાવિની પ્રીતિને એમના રૂમમાં મુકવા માટે ગઈ હતી. ભાભી તમારે કોઈ કામ પડે તો વીના સંકોચે મને બોલાવી લેજો એવી ભલામણ પણ કરીને ભાભીને એમના રૂમમાં મૂકીને આવી હતી. થોડી વાર પછી અજય રૂમમાં પ્રવેશ્યો હતો. પ્રીતિને નીચે મોઢું ઢાળેલી જોઈ એ એની સમીપ જઈને બેઠો હતો. પોતાના બંને હાથે પ્રીતિનો ચહેરો પકડીને બોલ્યો, તું ફક્ત આ ઘરમાં જ નહીં પણ મારે હૃદયે પણ પ્રવેશી ચુકી છે. તારે મારાથી કોઈ સંકોચ કે શરમ રાખવી નહીં. આપણો બંનેનો એકબીજા માટેનો હક છે અને રહેશે જ. પ્રીતિ આજ મૌન હતી, થોડું નવું વાતાવરણ અને થોડું બદલાતું જીવન બંને પ્રીતિના ગભરાટ અને ધબકારને તેજ કરી રહ્યું હતું. છતાં એ અજયની વાત સાંભળીને સેજ હળવું હાસ્ય જ આપે છે.
અજયને પ્રીતિના હોઠ પાસેનું તલ આજ અડવાનો હક મળી જ ચુક્યો હતો. એણે પ્રીતિનો ચહેરો તો પકડ્યો જ હતો, આથી સહેલાઈથી અંગુઠાથી એ તલને સેજ સ્પર્શ્યું હતું. પ્રીતિ અજયની લાગણીને સમજી જ ચુકી હતી. પ્રીતિએ સહર્ષ અજયને સહમતી આપી અને આજ બંનેના મનની સાથોસાથ દેહ પણ એક થઈ ચુક્યા હતા.
પ્રીતિ સવારના ઉઠી, એણે રૂમનો પડદો સેજ ખોલ્યો હતો. રૂમમાં પ્રવેશતા સૂર્યના સોનેરી પ્રકાશના કિરણો અજયના ચહેરા પર પણ પડી રહ્યા હતા. અજય ગાઢ ઊંઘમાં હતો. ઊંઘમાં મસ્ત અજયનો ચહેરો પ્રીતિને નિરખવો ખુબ ગમી રહ્યો હતો. થોડીવાર એમ જ પોતાના પતિને એ નીરખી રહી હતી. આખી રાત મેળવેલ પતિનું સાનિધ્ય અને હૂંફ પ્રીતિને બેડ પરથી ન ઉઠવા મજબુર કરી રહ્યા હતા. છતાં એ બધી જ ઈચ્છાઓને ખંખેરીને ઉભી થઈ જ ગઈ હતી. પ્રીતિ નિત્યકર્મ પતાવી ઘરના મંદિરખંડમાં દર્શન કરવા જઈ રહી હતી. એને જોયું કે એના સાસુ ઉઠીને બધા મહેમાનોને કે જે હજુ રોકાયા હતા તેમને ચા તથા કોફી આપી રહ્યા હતા. પ્રીતિને થોડો સંકોચ થયો, વહેલી ઉઠી છતાં એ મોડી પડી હતી. એ સીમાબહેનને પગે લાગી હતી. સીમાબહેને પ્રીતિના દુખડા લીધા હતા. પ્રીતિને નવા માહોલમાં શું કામ કરવું કે શું સાફસફાઈ કરવી કઈ જ સમજાતું નહોતું. બહુ બધો સમાન આડોઅવળો પડ્યો હતો. બહારગામથી આવેલ મહેમાનનો સમાન પણ હતો. પ્રીતિનું મગજ કામ કરતુ નહોતું. સીમાબહેન એની પરિસ્થિતિ માપી ચુક્યા હતા. તેણે પ્રીતિને કહ્યું કે,
'બેટા તું આ બધા કામની ચિંતા ન કર, તું અજયને કહે કે એ તૈયાર થાય આપણે પાલીતાણા જવાનું છે. અમુક વડીલો ત્યાં રહે છે તો એમને ત્યાં તમને બંનેને પગે લગાડવા મારે લઇ જવાનું છે.'
'હા મમ્મી! હું અજયને ઉઠાડું છું.' ટૂંકમાં જવાબ આપી પ્રીતિ પોતાના રૂમમાં ગઈ હતી.
પ્રીતિ રૂમમાં આવી હતી. એને પોતાના હાથથી અજયના ચહેરાને સ્પર્શ્યો, અજય કોમળ મુલાયમ સ્પર્શનો અહેસાસ થતા તરત જાગી ગયો હતો. પણ એને હજુ ઉઠવું નહોતું, એણે પ્રીતિને પોતાની નજીક ખેંચીને બાહુપાશમાં લઈ લીધી હતી. પ્રીતિએ અજયના કાનમાં ધીરેથી કહ્યું, 'આઈ લવ યુ.'
અજયે તરત પોતાની આખો ખોલી અને સુંદર તૈયાર પ્રીતિને એ નીરખી રહ્યો, પ્રીતિએ સાડી પહેરી હતી. અજય એની કમરને સ્પર્શ્યો અને રોમાંચિત થયેલ પ્રીતિ અજયને વળગી પડી હતી. થોડીવાર બંને એકબીજાની હૂંફને મેળવતા રહ્યા બાદ પ્રીતિએ પાલીતાણા જવાની વાત અજયને કહી અને જલ્દી તૈયાર થવા કહ્યું હતું.
પ્રીતિ રૂમની બહાર આવીને મમ્મીને નાનુંમોટું કામ પતાવવામાં મદદ કરાવવા લાગી હતી. થોડીવારમાં બધા જ તૈયાર થઈ ગયા હતા. ગાંઠિયા જલેબી અને ચા નાસ્તો કરી બધા પાલીતાણા જવા નીકળ્યા હતા. સીમાબહેને અજય અને પ્રીતિને માતાજીના દર્શન કરાવ્યા હતા. અને એમના સુખીલગ્ન જીવનની મોનોકામના કરી હતી. પણ એમનો જ સ્વભાવ એમના જ પરિવારને વિખૂટો પાડશે એ બાબતનો સીમાબહેનને ક્યાં કોઈ આભાસ હતો!
શું થશે પ્રીતિને વડીલોના ઘરનો અનુભવ?
દીકરી માંથી વહુ બન્યાની સફરમાં કેવા આવશે બદલાવ જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.
મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻