શીર્ષક : જો બીવી સે કરે પ્યાર
©લેખક : કમલેશ જોષી
તમારામાંથી કેટલા લોકો એવા છે જેમણે ‘જો બીવી સે કરે પ્યાર, વો પ્રેસ્ટીજ સે કૈસે કરે ઇનકાર’ ટેગ લાઇનવાળી જાહેરાત ટીવીમાં જોઈ છે? એ જાહેરાત પ્રેશર કૂકરની હતી. મને થતું ‘બીવી સે પ્યાર’ અને ‘કૂકર’ને શું સંબંધ? વાઇફ માટે પ્રેમ, માન, સન્માન વ્યક્ત કરવા માટે ડોલરના ફૂલોની વેણી કે ગુલાબનું ફૂલ કે એકાદ સારી સાડી કે પાટણનું પટોળું કે ફાઈવ જી ફેસેલીટી વાળો મોબાઈલ આપવો જોઈએ અથવા કોઈ સારી હોટેલમાં એની સાથે કેન્ડલ લાઈટ ડીનર કરવું જોઈએ પણ ‘કૂકર’? એક મેરીડ મિત્રે કૂકરને ‘હસબંડ અને વાઇફને જુદા કરવા માટે દોષિત ગણાવ્યુ, અપરાધી ગણાવ્યું’ ત્યારે તો મારા આશ્ચર્યનો પાર નહોતો.
"હું સમજાવું."એ બોલ્યો હતો. "પહેલાના જમાનામાં મોટાભાગની પરણિત મહિલાઓ કેવળ ગૃહિણી એટલે કે હાઉસ વાઇફ તરીકેની જ ડ્યુટી નિભાવતી કેમકે એ જમાનામાં તપેલા-તપેલી-ટોપિયા અને ચુલા-પ્રાઈમસની સુવિધા વાળા રસોડામાં રસોઈ બનાવવાનો પ્રોગ્રામ બે-અઢી કે ત્રણ કલાક સુધી ચાલતો રહેતો. એ પછી જમી-કારવી સહેજ આડા પડે ત્યાં સાંજની રસોઈ બનાવવાનો ટાઇમ થઈ જતો. પતિદેવ ઘરે આવે ત્યારે વાઇફ ‘ઉંબરે ઉભી વ્હાલમના સ્કૂટરના હોર્નના સૂર સાંભળવા’ કાન ધરી અને આંખો પાથરીને ઉભી હોય. પણ હાય રે પ્રેશર કૂકર અને ગેસના ચુલા! અઢી-ત્રણ કલાકનું કામ અર્ધી-પોણી કલાકમાં પૂરું કરી નાખતી ગૃહિણીઓએ હવે ફ્રી ટાઇમને પાસ કરવા પાર્ટ ટાઇમ જોબ કે બ્યુટીપાર્લર જેવા બિઝનેસ કે હસબંડને એમની શૉપમાં હેલ્પફુલ થવાનું શરુ કરી દીધું છે. કેટલાક ગવર્મેન્ટ જોબમાં લાગી ગયેલા કપલ્સ તો એકબીજાથી બસો-ચારસો કિલોમીટર દૂર નોકરી કરી રહ્યા છે. નો ડાઉટ રૂપિયાનો ઢગલો થાય છે પણ એની સામે ‘લાખો કા સાવન’ કે ‘ચાની ચૂસકી’ કે રોજ સાંજે હિંચકે હિંચકવાની મૌજ કે શનિ-રવિના ઘરે બનતા સ્પેશ્યલ મેનુ.. ને એવું ઘણું બધું પોષ્ટપોન કે કેન્સલ થવા લાગ્યું છે." એ અટક્યો અને છેલ્લું વાક્ય કહ્યું, "પ્રેશર કૂકર અને એની સીટી રસોડામાં ક્યારેક થતી કપલ્સની હળવી નોક-જોક કે મજાક-મસ્તીની વચ્ચે જાણે પોલીસ હવાલદારની જેમ ઉભી રહી જાય છે."
નાનપણમાં પ્રેશર કૂકરને સીટી વગાડતું જોઈને વર્ષો સુધી મને લાગતું કે કૂકરમાં કાંઇક ફોલ્ટ, કંઈક ખામી રહી ગઈ છે, દર થોડી વારે એમાંથી હવા નીકળી જાય છે. એક તો એની સીટીનો કર્કશ અવાજ ગમતો નહિ, ઉપરથી એમાંથી નીકળી જતી ગરમ વરાળ વેસ્ટ ગઈ હોવાનો અફસોસ મને થયા કરતો. એમાંય જયારે એક દિવસ મમ્મીએ કહ્યું કે "કૂકર બગડી ગયું લાગે છે." ત્યારે તો હું રાજી થઈ ગયો. મને થયું, "હાશ! મારી શંકા સાચી પડી, હવે મમ્મી કૂકર રીપેર કરાવી લેશે એટલે સીટીના ત્રાસમાંથી છુટકારો થશે." ત્યાં મારા મમ્મીએ કહ્યું, "એમાં બે'ક દિવસથી સીટી વાગતી બંધ થઈ ગઈ છે, રીપેર કરવા આપવું પડશે." હું આશ્ચર્યચકિત થઈ ગયો.
નાનપણમાં બે અવાજ મને બિલકુલ ન ગમતા : એક પ્રેશર કૂકરની સીટીનો અને એક અમારી બાજુના મકાનમાં રહેતા કપલ વચ્ચે મોટા અવાજે થતી બોલાચાલીનો. અઠવાડિયે પંદર દિવસે એક વાર તો એવું બનતું જ. પડોશી હસબંડ ડેલે ઉભો રહી કર્કશ અવાજે બુમ પાડતો ‘આજે બનાવતી નહિ મારું જમવાનું.. નથી જમવું મારે તારા હાથનું’ તો ક્યારેક વાઇફ મારા મમ્મી પાસે આંસુ સારતી પોતાના હસબંડની ફરિયાદ કરતી. એક બાજુ કૂકરની સીટી બુમાબુમ કરતી હોય અને બીજી બાજુ આ કપલની પણ સીટીઓ વાગતી હોય એ સાંભળી મને તો ક્યારેક ગુસ્સો ચઢતો. પણ મારા દાદીમા તો જુદું જ કહેતા, "આ બંનેને એક બીજા માટે લાગણી બહુ છે." હું નવાઈ પામતો: ધૂળ લાગણી! લાગણી તો પેલા સામેના ઘરમાં રહેતા અંકલ-આન્ટી વચ્ચે છે, હું મનોમન વિચારતો. એ અંકલ-આન્ટીના ઘરમાંથી કદી અમે ઉંચો અવાજ નહોતો સાંભળ્યો. ઝઘડાળું કપલ તો અડધું ગાંડું હતું. ક્યારેક શેરી વચ્ચે ધમાલ કરતું તો ક્યારેક ડેલા પાસે ખુરશીઓ ઢાળી મોટા અવાજે ફિલ્મી ગીતો ગાવા માંડી જતું. હા, એમનો વોઇસ સાંભળવા જેવો તો હતો જ. ક્યારેક એવો ઝઘડો થતો કે અઠવાડિયા સુધી એમના અબોલા ચાલતા, તો ક્યારેક છોકરાના બર્થડેના બહાને આખી શેરીને એ લોકો ભેળની પાર્ટી આપતા અને બે ચાર લવ સોંગ્સ ગાઈ મહેફિલ જમાવી મુકતા. આને અડધા ગાંડા ન કહો તો શું કહો?
બટ આઈ વોઝ રોંગ. એ દિવસે આખી સોસાયટીમાં સોપો પડી ગયો હતો કેમકે સાવ અચાનક જ પેલા શાંત કપલે છુટાછેડા લીધા હતા. મારી મોટી બહેન પણ મારી જેમ જ ઝાટકો ખાઈ ગઈ હતી. એ કોલેજમાં હતી. એની ધારણા હતી કે છુટાછેડા થશે તો બાજુના મકાનમાં રહેતા ગાંડિયા દંપતીના થશે જયારે વાસ્તવમાં સામેના ઘરમાં રહેતા શાંત કપલે એકબીજાથી જુદા થવાનો નિર્ણય કર્યો હતો. હું નાનો હતો પણ આ ઘટનાની ગંભીરતા મને પણ સમજાતી હતી, બસ આવું કેમ થયું એ મને ગળે ઉતરતું નહોતું. બરોબર એજ સમયે અમારા રસોડામાં મોટો ધડાકો થયો. હું દોડતો ફળિયામાંથી રસોડા તરફ ગયો તો આખા રસોડામાં દાળની રેલમછેલ થઈ ગઈ હતી. લકીલી, દીદી પાછળની ગેલરીમાં કપડા સુકવતી હતી અને મમ્મી ઉપરના રૂમમાં પૂજા કરતી હતી. એટલે કોઈને કશી ઈજા નહોતી થઈ. પણ ગેસની બાજુમાં ચોતરફથી મચકોડાઈ ગયેલું કૂકર અને છેક પાણીયારા નીચે પડી ગયેલું એનું ઢાંકણું જોઈ હું ગભરાઈ ગયો.
ઉપરથી મમ્મી દોડી આવી ત્યાં સુધીમાં દીદીએ ઝડપથી ગેસ બંધ કરી દીધો અને મમ્મીને કહ્યું, ‘કૂકર ફાટ્યું’. મમ્મીએ તરત જ મને અને દીદીને તપાસ્યા "તમને કંઈ નથી થયું ને?" અમે કહ્યું, "અમે તો રસોડામાં હતા જ નહિ." એમણે નિરાંતનો શ્વાસ લીધો અને દીદીને કહ્યું, "બે દિવસથી કૂકરની સીટી બગડી ગઈ છે તને ખબર તો હતી છતાં એ શા માટે વાપર્યું?" દીદીની આંખોમાંથી બે આંસુ સરી પડ્યા. જાણે ઘાત ગઈ હોય એમ અમે ત્રણેય એકબીજાને વીંટળાઈ ગયા. મારા મગજમાં વિચારોનું વાવાઝોડું સર્જાઈ ગયું હતું. મને સમજાઈ ગયું હતું કે કૂકરમાંથી વરાળ અને કપલમાંથી હૈયાવરાળ નિયમિત રીતે નીકળી જવી જોઈએ, એ એની ખામી નહીં એની ખૂબી છે. બે દિવસ પછી નવા કૂકરની સીટી વાગી ત્યારે મને એ કર્કશ ન લાગી, બરોબર ત્યારે જ બાજુવાળા ઝઘડાળા કપલના ઘરમાં વાસણ ખખડયાનો અવાજ સાંભળી હું જાણે ‘સબ સલામત’ની સાયરન વાગી હોય એવો ખુશ થયો. મને પેલી જાહેરાતના શબ્દો ‘જો બીવી સે કરે પ્યાર વો પ્રેસ્ટીજ સે કૈસે કરે ઇનકાર’ નો ગૂઢ અર્થ જાણે સમજાયો હોય એવું લાગ્યું.
મિત્રો, અત્યારેય તમારા રસોડામાં કૂકરની સીટીઓ વાગતી જ હશે. બે દિવસ પહેલા ઊંચા અવાજે બોલાયેલું વાક્ય કે અઠવાડિયા પહેલા રસોડામાં થયેલા વાસણનો ખખડાટ એ તમારા હેલ્થી અને હેપ્પી લગ્નજીવનના સંકેતો છે, સીમટોમ્સ છે એટલું યાદ રાખજો. અમારા એક મિત્રએ તો દરેક નાના-મોટા ઝઘડાને સેલીબ્રેટ કરવાનો નિયમ લીધો છે. જે દિવસે બંને વચ્ચે ચકમક ઝરે તે દિવસે હોટેલમાં જમવા જવાનું અથવા ફિલ્મ જોવા જવાનું એવો નિયમ એ લોકો છેલ્લા પચ્ચીસ વર્ષથી પાળે છે. આજના દિવસે જે કપલ્સને ત્યાં મહિનાઓથી કૂકરની સીટી નથી વાગી એમને ત્યાં આજે કૂકરની સીટી વાગે એવી રમૂજી પ્રાર્થના કરીએ તો કેવું? ખાનગી વાત કહી દઉં, અમારે તો આજે સાંજે બહાર જ નાસ્તો કરવાનો છે, તમે ઘરે જ છો કે અમારી જેમ... (😀😀😀)
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)