KHUSHI KHUMAARI KHURSHI ANE KHUDDARI in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૯૨

Featured Books
Categories
Share

હાસ્ય લહરી - ૯૨

ખુશી ખુમારી ખુરશી ને ખુદ્દારી

કોઈપણ ક્ષેત્રની ચૂંટણીના જ્યારે ગર્ભાધાન થવા માંડે, ત્યારે નિર્જીવ ખુરશીને પણ તાવની વાયરલ અસર થવા માંડે. મતનો કયો માણીગર ખુરશીનો ધણી બનશે, એનો દુ:ખાવો તો ઉપડે જ ને મામૂ? ખુરશી પણ જીવંત છે. એની કુંડળીમાં પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવું સત્વ છુપાયેલું છે. જેનામાં ખુશી હોય, ખુમારી હોય, ને ખુદ્દારી હોય તો, ખુરશી પણ ભગવાન છે. ખુરશી ભલે લાકડાની કહેવાય, પણ એ લાકડા સાથે કેવું માંકડું જોડાવાનું છે, એ તો ભવિષ્યવેત્તા પણ બતાવી શકે નહિ. મઝેનું માંકડું જોડાયું તો ખુરશી સિંહાસન બની જાય. ને રતનજોગીયું જોડાયું તો, દ દુશાસન પણ બની જાય..! રતનજીનું ‘ઓલ્ડર’ ભેજું પણ એવું જ કહે છે કે, જે મઝા ખુરશીમાં છે, એવી મઝા ભરેલી તિજોરીમાં હોતી નથી. માત્નાર ક ઉપર કાગડું ચરકવું ના જોઈએ, બાકી ખુરશી મળી ગયા પછી, સ્વર્ગ મેળવવા મરવું પડતું નથી. વફાદારીની વાત કરીએ તો ખુરશીને લોકો નાહકની બદનામ કરે છે. ખુરશી તો વફાદાર જ છે, એ કોઈની તરફદારી કરતી નથી. એ લાકડાની હોય, ચાંદીની હોય, સોનાની હોય, પથ્થરની હોય કે હીરા માણેકવાળી હોય, એ બલ્લુને બદાણી પણ બનાવી દે, ને પીલ્લું વાળીને ટોચે પણ ચઢાવી દે..! પછી તો જેવાં જેવાં જેના અગનખેલ..! ખુરશી ‘સિંહાસન’ પણ બની જાય. ને હુતાશન પણ થઇ જાય. ખુરશી બેસવા જ કામ આવે એ ભ્રમ છે, બેસનારને ક્યારે ગલોટિયું ખવડાવે એ નક્કી નહિ. જેવાં જેના કરમ..! જ્યાં ખુશી હોય, ખુમારી હોય ને ખુદ્દારી હોય, ત્યાં ખુરશી બાગબાન પણ બની જાય. ખુરશી મહત્વની નથી, કોણ અને કેવો એના ઉપર બેસે એ મહત્વનું..! જંગલનો રાજા સિંહ પાછલો ભાગ ગોઠવીને જો પથ્થર ઉપર બેસે તો, એ પથ્થર પણ સિંહાસન જ કહેવાય. ખુરશી લડતી નથી કે, બીજી કોઈ ખુરશીની અદેખાય કરતી નથી. ખુરશી માટે લડનારા જ એને હિંસક બનાવી દે..! ખુરશી માટેની મારામારી આજની થોડી છે? આદિકાળથી છે..! મહાભારતથી શરુ થયેલી આ લડાઈ હજી અટકી નથી .! ક્યારેક તો એવી મારામારી થાય કે, મહામારી પણ વામણી લાગે. ખુરશી વિષે કલમબાજી કરવા નીકળ્યો છું ત્યારે મને કોઈ કવિની પંક્તિ યાદ આવે છે કે,
જિંદગી જીનેકી ચીજ હૈ જીના નહિ આતા

નશા તો હર ચીજમેં હૈ પીના નહિ આતા

અઠંગ નશેડીને કોઈ એકજ ‘Brand’ ની લત લાગે, એમ ખુરશીના રવાડે ચઢેલાને ખુરશી સિવાય બીજો કોઈપણ નશો માફક નહિ આવે. શેખાદમ આબુવાલાએ પણ ખુરશીનો મર્મ ટાંકતા એક સરસ વાત લખી છે કે,

કેવો તું કીમતી હતો સસ્તો બની ગયો

બનવું હતું નહિ ને શિરસ્તો બની ગયો

ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું

ખુરશી સુધી જવાનો રસ્તો બની ગયો

મને તો ખુરશી સાથે કોઈ લેવા દેવા નથી. અમારી પેઢીઓ રઝળી પડી હશે, પણ ખુરશી માટે મારામારી કોઈએ કરી નથી. પણ આ તો બધી હશીખુશીની લહેરખી..! ખુશ રહેવાથી Smally-Smally પ્રોબ્લેમ ચપટીમાં ચપટ થઇ જાય, માત્ર હસતાં આવડવું જોઈએ. તાજ્જુબી એ વાતની છે કે, મારો હાસ્ય-લેખ વાંદરાઓ વાંચતા નથી, છતાં માણસ કરતાં વધારે હસતા હોવાની મને શંકા છે. માણસને હસાવવા માટે તો ખાસ્સી વેઠ કરવી પડે. હાસ્ય લેખક કે કલાકારોની આખી ગેંગ કામે લગાડી હોય તો પણ ફાયદો થવાનો હોય તો જ હસે. હસાવવાવાળા રડમુખા થઇ જાય પણ, હસવા માટે લોકો હોઠ ફાટ-ફાટ નહિ કરે. રાવણનું મૃત્યુ નાભિમાં હતું, એ વાત વિભીષણ જાણતા હતા. પણ અમુક માણસનો હસવાનો કીમિયો એના કયા અંગમાં સેટિંગ થયેલો છે, એની ખબર એની ઘરવાળીને પણ નહિ હોય. હસાવનારનો પરસેવો લાવી દે દાદૂ..! કુદકે ને ભૂસકે વધી રહેલા વિજ્ઞાન પ્રમાણે, હવે હસવા માટેની પણ ટેબ્લેટ નીકળે તો નવાઈ નહિ..! મારા એક કાર્યક્રમમાં એક ભાઈ મુદ્દલે હસે નહિ. નીચે ઉતરીને મેં કહ્યું, ‘વડીલ..! તમે કયા જન્મારાનું મારી સાથે વેર લઇ રહ્યા છો કે, એક કલાકથી હું હસાવું છું છતાં તમે દાંત કાઢતા જ નથી ?’ આટલું જ કહ્યું એમાં તો દાંતનું ચોગઠું મોંઢામાંથી કાઢીને મારા હાથમાં પકડાવી દીધું..! મને કહે લે, આ દાંત કાઢ્યા હવે આગળ વધ..! એના કપાળમાં કાંદા ફોડું, હું હસી પડ્યો પણ એના હોઠ ત્યારે પણ નહિ ખેંચાયા..! ક્યારેક તો મચ્છર કરતાં આવાં Heart-stone અમારું લોહી વધારે પી જાય બોલ્લો..! એક લોકભોગ્ય ભજન તમને બધાંને યાદ હશે કે, ‘મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી. હવે તો એવું ગવાય કે, ‘મારી ખુરશી સંભાળો મતદાર રે, વ્હાલાં મતદારો..!’ ખુરશીમાંથી રાજકારણનો ‘ર’ કાઢી લો તો ખુશી જ ખુશી પ્રગટે. ને જો રાજકારણના ‘ર’ નું ગ્રહણ લાધે, તો નાખુશીનો પ્રસવ પણ થાય. દર્દીને જેમ પલંગનું મહત્વ હોય, નવવધુને માહ્યરા નું મહત્વ હોય, બાળક ને ઘોડીયાનું મહત્વ હોય, હિંચકે ઝુલનારને હિંચકાનું મહત્વ હોય, એમ ખુરશીમાં બેસનારને ખુરશીનું મહત્વ હોય..! જે જેવો બેસે એના ઉપરથી ખુરશીનું કુળ અને ખાનદાની નક્કી થાય. ખુશી શબ્દની વચ્ચે જો શ્રી રામજીનો ‘ર’ ભેરવાય તો ખુરશી સિંહાસન પામે, ને કોઈ ધાંઆઆસુ રાજકારણીનો ‘ર’ ભેરવાયો તો આગના બબૂલા પણ કાઢે. ખુરશી જ્યારે શાસનનું ફર્નીચર બની જાય છે ત્યારે, અનિવાર્ય અને અવિભાજ્ય અંગ બની જાય. શ્રીશ્રી ભગો કહે એમ, બાંકડે બેસીને સમૂહ ભાવનાથી વહીવટ કરવાની ફાવટ લોકોમાં આવી નથી. એટલે, ખુરશીનું અસ્તિત્વ અણનમ છે. કેટલાયે આવ્યા ને કેટલાયે ચાલી ગયા, એની કબર કે રાખ મળતી નથી, છતાં, આદિકાળથી ખુરશીની જમાવટ અણનમ છે..! આદિકાળથી જેનું અસ્તિત્વ હોવાં છતાં, સતાના કોઈ સુલેમાને ‘વિશ્વ ખુરશી-દિન’ મનાવ્યો હોય એવું જાણમાં નથી.
ખુરશીની હાલત પણ વાઈફ જેવી છે યાર..! પોતાનું ભલું થાય કે નહિ થાય, ધારણ કરનારનું ભલું થવું જોઈએ. પોતાની વાઈફની કદર કરીને કોઈ મીંઢળબંધાએ ‘સંસાર-વિભૂષણ’ નો એવોર્ડ આપ્યો નથી, એમ ખુરશીની કોઈએ કદર કરી નથી. ખુરશી ઉપર બેસનારો કદાચ તૂટી પડયો હશે, બાકી આપમેળે ખુરશી તૂટી પડી હોય એવાં બનાવો ઓછાં બન્યા હશે. ખુરશી એ રાજકારણીની ઇચ્છાદેવી છે. અશક્તિમાનની દયાની દેવી છે..! વિજ્ઞાન ભલે એમ કહેતું હોય કે, ખુરશી નિર્જીવ છે. પણ સત્તાધીશ બેઠો હોય ત્યારે એ સજીવ બની જાય..! ખુરશીમાં રોમાંચ પણ છે, ને રહસ્ય પણ છે, સાહસ પણ છે, ને કૌતુક પણ છે, કોલાહલ પણ છે, ને તંગદીલી પણ છે,. સ્વાર્થ પણ છે, ને પરમાર્થ પણ છે. ગુજરાતના પાછલાં પાનાં ઉથલાવશો તો પ્રમાણ મળશે કે, એક મુખ્યમંત્રી વિદેશ યાત્રા કરવાના થયા, એમાં તો, ગુજરાતના રાજકીય તખ્તા ઉપર સંગીત ખુરશી રમાય ગયેલી. બળવાનું રણશિંગું એવું ફૂંકાયેલું કે, મુખ્યમંત્રી વિદેશ જ રહી ગયેલા ને, ખુરશી ઉપર પરિવર્તને જમાવટ કરી દીધેલી. ખુરશી ભલે દેખાવે ઋષિમંત લાગે, પણ સમય આવે કાર્યેસુ બની કામણગારી બની જાય. એની કુંડળી ક્યારે જાગૃત થાય એ નક્કી નહિ. દારુ-ગાંજો-અફીણ જેવાં નશીલા પદાર્થથી જ નશો ચઢે એવું નથી. રાજકારણ પણ એક એવો નશો છે કે, એમાં ખુરશીએ જ સહન કરવાનું આવે. ખુરશી ઉપર બેસનારો ક્યારે ‘ ‘ખેલે ખેલે રે ભવાની મા જય જય અંબે મા’ નો ગરબો ગાય નાંખે એનું નક્કી નહિ..!

લાસ્ટ ધ બોલ

કોઈની સરસ પંક્તિ મને વાંચવા મળી...

જો ધક્કેસે ચાલતી હૈ ઉસે હમ કાર કહતે હૈ

જો ધક્કેસે ભી નહિ ચલતી ઉસે સરકાર કહતે હૈ

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------