MANAS NARAM PAN CHANA CHOR GARAM in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૯૧

Featured Books
Categories
Share

હાસ્ય લહરી - ૯૧

માણસ નરમ પણ ચણા ચોર ગરમ...!

મગજમાં તાવડો એ વાતે તપે છે કે, સાચું વિધાન ચણા ચોર ગરમ’ છે કે જોર ગરમ’? આટલું સમજવામાં રતનજીનું ભેજું હજી ફૂટબોલની માફક ચરણ-પ્રહાર ખમી રહ્યું છે. મારી ખુદની હાલત પણ, ચાઈનાના માલના ગ્રાહક જેવી છે, હું પણ વિચારોની કબડ્ડી રમી રહ્યો છું. મગજમાં ‘ચણા ચોર ગરમ’ નો ડેટા એવો ફીટ થઇ ગયેલો છે કે, કોઈ જોર ગરમ’ બોલે તો ‘ડલ્લો’ લુંટાઈ જતો હોય એટલું દુખ થાય..! આ જોઇને મારા છોકરાં પણ હસે. જીભમાં સ્વાદનો સાલો કરંટ જ નહિ આવે તે અલગ..! સંવેદના પણ જાગવી જોઈએ ને મામૂ..? એના કપાળમાં કાંદા ફોડું લૂલીમાં રસ જ નહિ ઝરતો હોય તો ખાવાનો ‘ટેસ્ટ’ જાગે જ ક્યાંથી?..! ખૂબી વળી એ વાતની કે, વેચવાવાળો પણ મોઢામાં બટાકો ચૂસતો હોય એમ એવું બોલે કે, અમુક અક્ષર મોંઢામાં જ રાખે ને, અમુક અક્ષર જ બહાર ઢોળે..! વધ્યું એટલું નાક વાટે કાઢે. પણ અવાજ પડતાની સાથે જીભની કુંડળી જાગૃત થઇ જતી..! મને વળી એવી કમબખ્તી સુઝી કે લાવને શબ્દકોશનો આશરો લઇ જોઈ લઉં, કે સાચું વિધાન છે શું..? એમ કરવા ગયો તો બાવાના બેઉ બગડ્યા. કોથળામાંથી બિલાડું નીકળ્યું..! માન્યતા ઉપર હેવી રોલર ફરી ગયું. ને ગુગલ માસીએ તો ધરાર ના પાડતાં કહી દીધું કે, ચણા ચોર ગરમ જેવું કંઈ છે જ નહિ, ચણા ‘જોર ગરમ’ જ આવે..! બાળ આસ્થા ઉપર કુહાડો પડે એટલે દુખ તો થાય, પણ કરી પણ શું શકીએ..? ચટાકા નો મામલો રહ્યો એટલે, પ્રશ્નને UNO માં થોડો લઇ જવાય? માતાનું માનવું, કે ગુગલ માસીનું, એની અવઢવમાં પડી જવાય. બેમાં માં રાખવું કોનું ? પછી તો ભેજાનું દહીં, દહીંનું માખણ, છાશ, ,ઘી પનીર બધ્ધું થઇ ગયું, પણ સાચું વિધાન હજી મળ્યું નથી. શુદ્ધ વિધાને ભેજામાં હજી મગજ-સવારી કરી નથી. આપણે પણ જાણીએ કે, ટપ-ટપ સાથે કામ શું છે..? આપણે મમ..મમ સાથે જ લપ્પન છપ્પન રાખો ને? ભલે ને નામની હેરાફેરી થતી, ખાધનો ‘ટેસ્ટ’ થોડો બદલાવાનો..? રતનજીએ મને પાનના ગલ્લાવાળાને બદલે, શેક્સપિયરનો દાખલો આપ્યો. શેક્સપીયર કોણ છે. ને કોણ હતો એ સમજવા અને સમજાવવામાં અડધું ભેજું તો તવાય ગયું. પછી ખબર પડી કે, “what is there in a name..!” કહેનાર શેકસપિયર હતાં. પણ તેમણે ક્યારેય ‘ચણા ચોર ગરમ’ ખાધેલાં નહિ. અને ખાધાં હોય તો વલસાડની ચોર-ગલીમાં ઉભેલી રેંકડી ઉપરથી નહિ ખાધેલાં, એ પાક્કું..! આજકાલ નામ તેવા ગુણ તો ક્યાં હોય છે..? છોકરાનું નામ જીગર હોય, પણ જન્મ્યો ત્યારથી હીટરની માફક ધગતો હોય..! જે હોય તે, ‘ચણા જોર ગરમ’ હોય કે ‘ચોર ગરમ’ હોય, સવાલ બાળ આસ્થા અને સંબંધનો છે. જેમણે બચપણનું બાળોતિયું પણ જીવની જેમ સાચવ્યું હોય, એની માનસિકતા ઝટ પલળી જાય એવી હોતી નથી. ચણા ચોર ગરમ સાથેનો બચપણનો સંબંધ હોય તો એની આસ્થા ઉપર જોર જુલમ નહિ થાય. ‘ચણા ચોર ગરમ’ ની બુમ પડે, ને વેચનારનો ડગલો, ટોપલો ને બાળપણ આંખ આગળ ફરકવા માંડે. જીભ લપકારા મારવા માંડે. ઘોડિયું-હાલરડું ને દુધની બાટલી જોઇને માઉતર યાદ આવે, એમ ‘ચણા ચોર ગરમ’ ની ગુંજ ઉઠે ને માતાનો પાલવ પકડવાનું મન થઇ આવે. ચણા ચોર ગરમવાળાના રણકારની ગુંજ જ એવી કે, અવાજ પડે ને કાનમાં મધ રેડાતું હોય એવી ગલીપચી થવા માંડે. કવિ શ્રી કૈલાસ પંડિતની માફી સાથે એમની પંક્તિને મચેડીને કહું તો, ‘મોટર બંગલા લઇ લો મારા લઇ લો વૈભવ પાછો, પણ ‘ચણા ચોર ગરમ’ નો કાગળનો પૂળો મુજને પાછો આપો..!’

આ પૂળો વિવાહ વખતે અપાતા સાકર-પૂળા જેટલો ભલે વિશેષ નહિ હોય, પણ છપ્પન ભોગની વચ્ચે મુક્યો હોય તો અતિથી વિશેષ જેવો અવશ્ય લાગે..! સાકરપળો ચિરંજીવ બન્યો નથી, એનાથી વધારે બચપણમાં ખાધેલો ‘ચણા ચોર ગરમ’ નો પૂળો વધારે ચિરંજીવ બન્યો છે..! ચણા ચોર ગરમ કોઈ પકવાન નથી, આમ તો સાંજનું ચવાણું જ છે, છતાં ફાઈવ સ્ટાર હોટલની મોંઘીદાટ થાળીનો સ્વાદ દાઢમાં નહિ રહે, પણ ચણા ચોર ગરમનો સ્વાદ દાંત ખરી પડે તો પણ અણનમ રહે..! ચણા ચોર ગરમ ને જોઈએ ત્યાંથી જ લહેરખી આવી જાય. વહેવારમાં જેમ બૂઠા રૂપિયા કરતાં સવા રૂપિયો શુકન વંતો લાગે, એમ ૫૬ ભોગનો થાળ પીરસાયો હોય, પણ, સેવપુરી, પાણીપુરી, ભેળપૂરી વગર ૫૬ ભોગનો થાળ પણ ઘાસના પૂળા જેવો સુકો લાગે, ચણા ચોર ગરમની રેંકડી નાં હોય તો બજાર પણ સુનું લાગે..! જોઈએ ત્યાંથી પાણીની પાઈપ મોંઢામાં ફૂટવા માંડે..! એટલે જ તો ઝઘારા મારતી મોંઘીદાટ ફાઈવ સ્ટાર હોટલના ખાણા કરતાં, દીવડાના અજવાળે પપલાવતી ચણા ચોર ગરમવાળાની સ્ટેન્ડિંગ રેંકડી જોઇને મજનૂં બની જવાય..! એટલા માટે કે બચપણનું એ સ્મારક છે. પીઝા બર્ગર સેન્ડવિચ જેવાં આયાતી ફૂડ વચ્ચે પણ ચણા ચોર ગરમવાળો આજે પણ યુવાનોનાં હૈયાનો થનગનાટ છે..! હું બે ત્રણવાર લંડન અને અમેરિકા ગયેલો. વિદેશમાં વસતા સ્વદેશીને દાણા-ચણા અને ચણા ચોર ગરમની લહેજતમાં આજે ય દિલચશ્પી. માદરે વતનની યાદ ખરી ને..? ‘ચણા ચોર ગરમ’ વાળાનો બોલવાનો લહેકો એમના ભેજામાં આજે પણ ગુંજે. ગુંજનો ડેટા હજી ભૂંસાયો નથી. હું આખેઆખો એમની પાસે ગયો, એના મહત્વ કરતાં, દાણા-ચણા વગર ગયો હોય તો, પાસપોર્ટ અને વિઝા વગર વિદેશ આવ્યો હોય એટલું આશ્ચર્ય એમને થાય. મારા આગમનના આનંદ કરતાં, દેશના શીંગ-ચણામાં એમની દિલચશ્પી વધારે. વાઈફને લીધા વગર ગયા હોઈએ તો એમ નહિ પૂછે કે, ભાભીને કેમ નહિ લાવ્યા? પણ શીંગ-ચણાનું ખાસ પૂછે કે, શીંગ-ચણા તો લાવ્યા છો ને..? એમાં ચણા ચોર ગરમ લઇ ગયા હોય તો, (પ્લેનમાં લઈ જવા દે તો) કોઈ પાકટ કલાકારે ધોધમાર Jokes કહી નાંખ્યા હોય એમ, ગેલમાં આવી જાય..! એમના ફાધરને લઇને જો ગયા તો બંદા રંગાખુશ નહિ થાય, પણ દાણા-ચણા કે ચણા ચોર ગરમ લઈને જો ગયા હોય તો બચપણ યાદ આવી જાય. મહેફિલ મનાવીને ઝૂમવા માંડે. જો કે, બધાને જ આવું હોતું નથી. આ તો જેના ભાગ, ને જેના જેવાં અહોભાગ..! ચટાકા..બ્રુરી ચીજ હૈ બાબુમોશાય..!

ચણા ચોર ગરમ હોય કે, દાણા-ચણા હોય, વિદેશમાં આજે પણ એની શાન છે. અમે પરણેલા ત્યારે અત્યારે ચાલતી pre-wedding વાળી ડીઝાઈન નહિ. એકમેકનું મોઢું પણ જોવા નહિ મળતું. પુરેપુરો સામાજિક કર્ફ્યું લાગી જતો. છતાં ચોરી-ચોરી બાગમાં મળતાં ત્યારે બાગમાં બેસીને બે-ત્રણ ફૂટના અંતરેથી ખારીશીંગ કે ચણાનો દાણો એકબીજાના મોંઢામાં ફેંકતા. ઝીલાય જાય તો ફેંકનારને આનંદ, ને નહિ ઝીલાય તો ઝીલનારને આનંદ. એમાંથી જ અમારા પ્રેમનાં ફણગા નીકળતા. સો જોજન થાંભલા ઉપર ચઢીને બાણાવળી અર્જુને પાણીમાં જોઇને માછલી વીંધેલી ને દ્રૌપદી મળેલા, એમ અમુકના તો દાણા-ચણાના ખેલમાં જ લગનના માંડવા બંધાયેલા. બાકી શીંગ ચણા ખાવાની સ્ટાઈલ જો જોવી હોય તો વિદેશના ધોળીયાઓની..! એવણ દાણા-ચણાની ફેંકાફેંકી નહિ કરે, માશુકાના વાળમાં હળવે હળવે હાથ ફેરવતાં હોય એમ, દાણા-ચણા ઉપર ટેરવું ફેરવીને કલાકના માપે ચણા ખાતાં નહિ, ચાખતાં હોય. મૂઠો ભરીને છોટલાં સાથે ફાંકા મારવાનું જ્ઞાન હજી એમના સુધી પહોંચ્યું નથી. ગમે તે કહો, માનવીની ગરીબી દુર થાય કે નહિ થાય, પણ શીંગ-ચણાની ગરીબી વિદેશ ગયાને સુધરી હોય તેમ, ભાવ પણ એટલો ઉંચો મળે કે, શીંગ-ચણાની ખરીદીમાં તો આખા અઠવાડિયાની આપણે ત્યાં શાકભાજી આવી જાય. આપણે ત્યાં તો શીંગચણા વેચનારને ત્યાં શરાબ નહિ મળે, પણ ત્યાં શરાબ વેચવાવાળાને ત્યાં દાણા-ચણા તો ઠીક ચણા ચોર ગરમ પણ મળી જાય. ટેબલ પર મોંઘી શરાબ હોય, મોંઘેરા મહેમાન હોય, ને જો શીંગ-ચણા નહિ હોય તો પાણીમાં બોળીને પાપડનું બાઈટીંગ કરતા હોય એવું લાગે. ચણા એ ‘ચણા ચોર ગરમ’ નુ પિયર છે. શીંગ વગર ચણા અધૂરા ને ચણા વગર શીંગ અધુરી એ એમની ખાનદાની. પતિ-પત્નીના સુખી સંસારનું પ્રતિક એટલે ચણો..! ચણાના બંને દાણા છૂટા જ નહિ પડે. જો એક દાણો છૂટો પડી જાય, તો એ ચણો નહિ કહેવાય, દાળિયો કહેવાય..! એ પછી ચટણીમાં જ કામ આવે. ત્યારે ચણા ચોર ગરમ ભલે ચણાની પેદાઈશ હોય, પણ ઊંચા ઘરાનાની લાગે..! શું કહો છો રતનજી..?

લાસ્ટ ધ બોલ

શીગની જન્મભૂમી જમીનની અંદર છે, અને ચણાની પેદાશ જમીનની ઉપર છે, પણ એ બંને વચ્ચે ક્યારેય પ્રદેશવાદની લડાઈ થતી નથી. બંને એકબીજાના પુરક બનીને આદિકાળથી સાથે રહે છે. પ્રદેશવાદના લડવૈયાઓએ દાણા-ચણામાંથી શીખવા જેવું છે મામૂ..!

------------------------------------------------------------------------------------------------------------------------