વાગેલા વાજાના ભણકારા...!
વર્ષના બારેય મહિના મારા માટે અકબરના રત્ન જેવાં. જીવવાનું હોય કે મરવાનું, એ બાર મહિનાનાં કુંડાળામાં જ આવે..! જેની પાસે બાર-બાર છોકરાંની સિલ્લક હોય તેમણે તો નામ પાડવાની ઝંઝટ રાખવી જ નહિ, મહિનાના જ નામ છોકરાના નામ તરીકે ફીટ કરી દેવાના..! જાન્યુઆરીથી શરુ કરી, ડીસેમ્બર સુધીમાં વાર્તા પૂરી કરી દેવાની. ૧૩ મો મહિનો નથી એટલે અટકી જ જવાનું..! ફાયદો એ વાતનો થાય કે, વૃદ્ધાવસ્થામાં મહિનાના નામ પ્રમાણે તે છોકરાના ઘરે ગાલ્લું છોડી પડાય, અને મહિનો બદલાય એટલે બીજાને ત્યાં જવા ગાલ્લું જોડી દેવાય..! એમાં જેનું નામ ફેબ્રુઆરી હોય એને તો દીવસની ગણતરીમાં ફાયદો જ થાય. માએ ભલે નવ માસ પુરા રાખ્યા હોય, પણ માં-બાપને રાખવા માટે બે-ત્રણ દિવસ ઓછાં જ રાખવાના આવે ને..! ભગવાન કોઈને બાર છોકરા નહિ આપે, ને વૃધ્ધાવસ્થામાં ઘર અને છોકરા બદલવાની અલક ચલાણી પણ નહિ કરાવે..! પણ આ તો એક ચપકો..!
ફેબ્રુઆરી એટલે ગરીબ માસ. બીજાની જેમ ભર્યો ભાદર્યો નહિ, એના નસીબમાં જ ૨૮ દિવસ લખેલાં..! છતાં રોમેન્ટિક એવો કે, એને ‘love-month’ કહીએ તો પણ ચાલે..! ફેબ્રુઆરી આવે ને lovely days નો મેળો ભરાવા માંડે. જેવો ફેબ્રુઆરી બેસે એટલે મારું મગજ ભગતડાની માફક ધુણવા માંડે. જ્ઞાની લોકો એને માનસિક ધ્રુવીકરણ પણ કહે. કારણ કે, મારાં માંગલિક ફેરા ફેબ્રુઆરીમાં થયેલાં. આ મહિનામાં જ મારાં હાડકે મશહુર પીઠી ચઢેલી..! અર્જુનને માત્ર માછલીની આંખ દેખાયેલી, એમ મારી આંખ લગન કરવામાં ચોંટી ગયેલી. એટલો હરખઘેલો થયેલો કે, મારા લગન ક્યાં થયેલા, કોને ત્યાં થયેલા, જાનમાં કોણ કોણ આવેલું, ગોર મહારાજ કોણ હતો, જાનૈયાઓને શું શું જમાડેલું, કયા દરજીએ મને MAN માંથી JENTALE MAN વાનાવેલો, એ બધ્ધી ખબર, પણ કયા કારણવશ હું પરણેલો, એની મને આજે પણ ખબર નથી બોલ્લો..! ફક્કડ ચાલતા બળદીયાને શ્રી રામ જાણે કોણે પરાણી મારેલી કે, હજી આજે પણ મુકેશના દર્દીલા ગીત સાંભળું છું...! જાન કાઢીને જાનનો દસ્તાવેજ કરવાનો ઘાણ મેં આ મહિનામાં કાઢેલો. ભણેલા ગણેલા હોવાથી એટલું તો સમજીએ ને કે, પૃથ્વી ચલાવવાની જવાબદારી આપણી પણ ખરી ને.!
રતનજી મને ઘણીવાર કહે કે, ‘લગન એટલે સરસ મઝાના ચાલતા જીવનમાં વઘાર કરવાની કુચેષ્ટા..! ‘ જેવાં દેવ ઉઠે, એટલે કોડીલા કુંવારો ઘોડા અને કન્યા શોધવા માંડે. મારાં કરતાં ઘોડો દેખાવડો હતો છતાં, હું પણ ઘોડે ચઢેલો. જેવો ફેબ્રુઆરી બેસે એટલે પરિપક્વ કુંવારાની ‘જાન’ નીકળવાની શરુ..! લગન એ સળી કરવાની ચેષ્ટા છે. માણસ માત્ર સળીને પાત્ર..! છોડ યાર, લગનની વાત નીકળે ને આંખમાં આજે પણ આંસુઓના ઝરા ફૂટે છે. બાકી ફેબ્રુઆરી એટલે અધૂરા માસે અવતરેલો મહિનો..! ૧૧-૧૧ મૂડીવાદ મહિનાઓ સાથે હોવાં છતાં, હરામ્મ બરાબર જો એકેય મહિનાએ ફેબ્રુઆરીની દયા ખાય ને, પોતાનામાંથી એક-એક દિવસ આપીને ‘દિવસ-દાન’ કર્યું હોય તો..! અંબાણીના વંશ-વારસ હોય એમ, ફેબ્રુઆરી સિવાયના મહિનાઓ ૩૦-૩૧ દિવસની સંખ્યામાં રમે, અને ફેબ્રુઆરી એટલે “નાનું કુટુંબ સુખી કુટુંબ” જેવું..! ક્યારેય કટોરો લઈને ફેબ્રુઆરી ખમતીધર મહિનાઓ પાસે ગયો નથી કે, ‘તમારામાંથી ‘બે દિવસ’ કોઈ મને આપો તો હું પણ તમારી જેમ ભરેલા મરચાં જેવો લાગુ. ફીક્ષ ડીપોઝીટની બેંકેબલ યોજનામાં હલવાયો હોય એમ, ફેબ્રુઆરીએ ચાર વર્ષવાળી ‘લીપયર્સ’ યોજનાની તપસ્યા કરવાની, તો એક દિવસનો ઉચકો મળે..! ૨૮ ના ૨૯ થાય..! પછી ગરીબી ક્યાંથી ઉંચી આવે..? સાલી માણસની ગરીબાઈ સૌને દેખાય, ફેબ્રુઆરી ની કોઈને ચિંતા થાય છે..?
જે હોય તે, મહિનાઓમાં અજાયબ મહિનો એટલે ફેબ્રુઆરી..! ભલે બે નંબરનો કહેવાય, એ સહન થાય, પણ ફેબ્રુઆરીને અધૂરા માસે જન્મેલો કહે તો સહન નહિ થાય..! આ ફેબ્રુઆરી મહિનાને ને જોઉં છું, ને હૃદય 'પોચું-પોચું' થઇ જાય દાદૂ.! કરમની કહાણી તો એવી કે, આ ખાંડા મહિનામાં જ મારા સંસારનું સ્થાપન થયેલું. મારા લગનના વાજા ફેબ્રુઆરી મહિનામાં જ વાગેલા. આવાં યાદગાર મહિના માટે હું નહિ લખું તો મારો રતનજી થોડો લખવાનો..?
બોસ..! અમારા જમાનામાં પણ ફેબ્રુઆરી હતો, પણ BLACK & WHITE ટીવી જેવો. અત્યારના જેવો રંગીન નહિ...! પકોડા ને ફાફડા માં પતી જતો. નહિ રોમેન્ટિક કે નહિ એન્ટીક..! પ્રેમ કરવા જઈએ તો જાણે ‘સેપ્ટિક’ થવાનું હોય એમ, LOVE LINE વાળું ફાવતું જ નહિ. ગમતી છોકરી આગળ પણ ગુરખાની માફક ઊભાં રહી ખમીશના કોલર ચાવતાં..! પોતે જ એવાં થથરતાં કે, I LOVE YOU બોલતાં તો જીભ ઉપર પહાડ પડ્યો હોય એટલી વેદના થતી. ન કરે નારાયણ ને ઘરે લફરું પહોંચ્યું તો ખલ્લાસ...! બાપાની લાકડી જીવંત બની જતી. ગામનો એકેક ‘રતનજી’ પોલીસ જેવો લાગતો..! દુકાને દાળ લેવા મોકલ્યો હોય તો ‘હળી’ કરીને આવતા ખરાં, પણ એને જ પ્રેમ કહેવાય એવી અક્કલ નહિ..! ભૂલમાં પણ ‘પ્રેમલા-પ્રેમલી’ જેવું કરવા ગયા તો, ધોઈ નાંખવા માટે બાપા બાથરૂમ સુધી પણ નહિ જવા દેતા, ઓટલા ઉપર જ ધોઈ નાંખતા..! નહિ મોઢાની કોઈ નકશી કે, નહિ કોઈ હેર સ્ટાઈલ..! પેટ છૂટી વાત કરું તો તેલના કુંડામાં માથું પલાળીને જ ફરતાં હોય, એવાં તેલિયા માથાવાળાને કઈ કામણગારી કહેવા આવે કે, I LOVE YOU RAMESH...! એકાદ છોકરી ગમી જતી તો ‘છીઈછીઈ’ કરીને ભાગી જતી..!
બારણામાં ભલે, કેસુડાં ‘ફાટ-ફાટ’ થતાં હોય, વાસંતીના વાયરા ભલે ગુલાબી-ગુલાબી લાગતાં હોય, બાપાનો ધાક જ એવો કે, ચણીબોર જેટલાં પણ રોમેન્ટિક નહિ થવાતું. પ્રેમના પરપોટા તો ફૂટે, પણ બાપાને કહેવાય થોડું કે, બાપા મને પ્રેમરોગ થયો છે. કહેવા જઈએ તો બરડા નકશીવાળા કરી નાંખે..! એટલે વાંઝણી મર્યાદા જ રાખતાં..!
આજે તો જલશા છે બોસ..! બારમું-તેરમું તો એક જ વખત આવે, ફેબ્રુઆરીમાં પ્રેમના DAYS તો એટલાં બધાં આવે કે, એ બધાની ઉજવણી કરવા જાય, તો ખુદ મજનુ પણ ફ્જલુ થઇ જાય..! ફ્રેન્ડશીપ ડે, કોમ્પ્લીમેન્ટ્સ ડે, રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડીબેર ડે, પ્રોમિસ ડે, કિસ ડે, હગ ડે, વેલેન્ટાઈન ડે, સ્લેપ ડે, કિક ડે. પરફ્યુમ ડે, ફલર્ટ ડે, કન્ફેશન ડે, મિસિંગ ડે. વગેરે વગરે..! કાનનો મેલ કાઢવાના જ DAY નહિ આવે. સામેથી આપણે કહેવું પડે કે, હવે જીવવા દે, મને શાંતિથી મરવા દે...!
લાસ્ટ ધ બોલ
બગીચામાં લટાર મારવા ગયો તો ત્યાં એક સુવિચાર લખેલો.
“ઝાડ ઉપર પ્રેમિકાનું નામ લખવાને બદલે પ્રેમિકાની યાદમાં એક ઝાડ ઉગાડજો. તમારો
પ્રેમ અમર બની જશે..!”
શ્રીશ્રી ભગાએ પોતાની પ્રેમિકાની ગણતરી કરી, તો ઝાડ રોપવા માટે જમીન ઓછી પડી.
એટલે પછી પાંચ વીંઘાના ખેતરમાં શેરડી જ વાવી દીધી..!
એના કપાળમાં કાંદા ફોડું..!
-----------------------------------------------------------------------------------------------------------------