Street No.69 - 106 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-106

Featured Books
Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-106

એની વાતો કહી રહી હતી. સાવીનું આખું શરીર ધ્રુજી રહેલું..... સાવીની આંખો વિસ્ફારીત થઇ ગઇ અને અચાનક શાંત થઇ ગઇ. એણે વાસંતીનું શરીર ધારણ કરેલું એ એકદમ શિથિલ થઇ ગયું. વાસંતી એમાંથી મુક્ત થઇ અને સાવીએ કહ્યું “આગળનું હું જાણું છું એ મારાં અગાઉનાં અઘોરી ગુરુજ હતાં એમણે તારો જીવ લીધો એ પાપમાં પડ્યાં. “
“મારી ગુરુદક્ષિણાની વિધી કરાવવા પાપ આચર્યું એમાં એમની કાળી વાસના જવાબદાર હતી. એ શરીર તારું મારી સામે પડેલું. ગુરુ પણ શિક્ષાથી નશિયત થયાં એમનાં ઉપર સ્ત્રી હત્યાનું પાપ હતું. સિધ્ધીનાં ગુમાનમાં ના કરવાનું કરી બેઠાં. અંતે એ પણ ગુરુશ્રાપનાં ભોગ બન્યાં...”
“મને એ નથી સમજાતું કે મેં અઘોરણ બનવા પાછળ કેટકેટલી કુરબાની આપી... કોનાં કોનાં જીવન બરબાદ કર્યા. એની નામોશી તો મારાં માથેજ આવી” સાવીનું હૃદય નો જીવ રડી ઉઠ્યો બોલી “વાસંતી તારી સદગતિ કરાવવાની જવબાદારી મારી છે હું મારાં પ્રેમસાથનાં સંગાથે તારી બધીજ વિધી કરીશ કરાવીશ.”
વાસંતીએ કહ્યું “સાવી તું આટલી નિખાલસતાથી વાત કરે છે તારો પશ્ચાતાપ મારું જીવન પાછું નહીં અપાવી શકે.. જો કે એ જીવન ગુમાવ્યાનો મને જરા પણ અફસોસ નથી હું જીવતીજ શું હતી ? એક વેશ્યાની જીંદગી શું હોય છે ? કોઇ મંઝીલ વિનાની સમાજથી તરછોડાયેલી નગ્નતા, વાસના, વ્યભિચારથી ખદબદતી જીંદગી.... એક શ્રાપની જીંદગી જીવી રહી હતી... છૂટી ગઇ છું હું હવે નવો જન્મ સારાં સંસ્કારી કુટુંબમાં થાય એવી મારી છેલ્લી ઇચ્છા છે... મારું શરીર તને કામ આવ્યું. એજ મારી...”.. એમ કહેતાં જીવ રડી ઉઠ્યો અને બોલી “તમે વિધી કરાવી આ પ્રેતયોનીમાંથી મને છોડાવો એની રાહ જોઇશ..” અને એનો જીવ ત્યાંથી પલાયન થયો.
સોહમ અને સાવી એકબીજાની સામે જોઇ રહેલાં.. સોહમે કહ્યું “સાવી... તારાં હાલનાં ગુરુની પરવાનગી લે અને એની વિધી જ્યારે કરવી પડે હું કરવા તૈયાર છું પહેલાં મારે મારાં ઘરે જવું પડશે સવારે થવા આવી છે”.
સાવી કહે “સોહમ હું પણ તારી સાથે તારાં ઘરે આવું ? મારી દેહની ભસ્મતો હવે કુંભમાં મુકાઈ ગઈ છે હું ગૃહપ્રવેશ કરી શકીશ. પેલી નૈનતારા તારાં કુટુંબને કે એનાં તાંત્રિક પિતા તને કે તારાં કુટુંબને કોઇ નુકશાન પહોંચાડે પહેલાં મારે ત્યાં રક્ષાકવચ કરવું છે હું હજી એટલું તો તારાં માટે કરી શકું એમ છું પછી આગળ ગુરુઇચ્છા....”
સોહમે કહ્યું “ભલે ચાલ... તારું શરીર વાસંતીનું ધારણ કરેલું છે પણ ચહેરો એજ છે મારાં ઘરનાં તને ઓળખી જશે. પણ હવે બધી લીલા સમજાઇ ગઈ છે મનેજ જીવનમાંથી જાણે રસ જતો રહ્યો છે એક સુખ- વૈભવ - પૈસાની ભૂખ મને માયાજાળ લાગે છે એમાં કંઈ લેવાનું નથી મારે ગુરુશરણે જવું છે. ઘરમાં બધુ હું...”
સાવીએ કહ્યું “કોઇ વિચાર કે ચિંતા ના કર.. હવે ગુરુ ઇચ્છા પર છોડી દે.. તારે અઘોરી બનવું હતું મહાઅઘોરીનાં શરણે આપણે સાથેજ જઇશું.”
સોહમે કહ્યું “ચાલ ઘરે જઇએ પણ મારાં મનમાં અનેક વિચારો આવે છે મારાં વૃધ્ધ માં-બાપ અને નાની બહેનો.. એમને કોનાં આશરે છોડી દઊં ? એટલી બધી વીડંબણા છે કે મારાં પગ નથી ઉપડતાં.”
સાવીએ સોહમની સામે જોઇ કહ્યું "સોહમ આટલું નબળું મનોબળ તને અઘોરી કેવી રીતે બનાવત ? તારે ઘર કુટુંબ છોડવું પડ્યું હોત.. તું કેવી રીતે છોડત ? ગુરુ ઇચ્છા અતિબળવાન છે. શ્રધ્ધાનું બળ બળવર્તર બનાવ ચાલ ઘરે જઇએ આગળનું ગુરુ પર છોડી દે એની મેતે બધુ ગોઠવવાતું જશે. ઘરે હું રક્ષા કવચની વિધી કરીશ.... પછી ઘરે કહેજે છે તારે કંપનીનાં કામે કોલકતા જવું પડશે અથવા સત્ય કહી દે કે તું અઘોરી બનવા ગુરુ પાસે જવા માંગે છે કંઈક તો નિર્ણય લેવો પડશે ને..”..
સોહમે સાવીની સામે જોઇને કહ્યું “ચાલ ઘરે આગળ જે સ્ફુરશે એમ આગળ વધીશ.”
સાવી અને સોહમ બંન્ને સોહમનાં ઘરે આવ્યાં. બેલાએ દોડીને દરવાજો ખોલ્યો બોલી "દાદા તમે આવી ગયાં ? કેવી રહી મીટીંગ ? અહીં પણ...” એમ બોલી અટકી અને હસવા લાગી.
પછી એની નજર સાવી પર પડી બોલી... “સાવી દીદી તમે કેટલાં સમયે આવ્યા ? તમે પહેલાં કરતાં જાડા થઇ ગયા છો.” ત્યાં સોહમની આઇ આવીને બોલી “આવી ગયો દીકરા ? તારાં બાબા ક્યારનાં યાદ કરે છે.” સાવીને જોઇને કહ્યું “આવ દીકરા ઘણાં સમયે આવી હમણાંથી કેમ આવતી નહોતી ?”
સાવીએ પગે લાગીને કહ્યું “આઇ હું કોલકતા હતી મારાં પાપા માં ત્યાં શીફ્ટ થઇ ગયાં છે હું તમને લોકોને મળવાજ આવી છું સુનિતા ક્યાં છે ?” સોહમની આઇએ કહયું ”એની બહેનપણીને ત્યાં રાત્રી રોકાઈ હતી હવે આવતીજ હશે એનો ફોન આવી ગયો છે એ સોહમ માટે પૂછતી હતી.”
સોહમ અને સાવીએ એકબીજા સામે જોયું.... સોહમે પૂછ્યું “એની બહેનપણીને ત્યાં ? કેમ ત્યાં રોકાઇ ?” આઇએ કહ્યું “એનાં લગ્ન લેવાયાં છે એટલે ત્યાં ગઇ છે હવે આવતીજ હશે. સોહમ તું આવી ગયો છું એક રાત્રીમાં ઘણું બધુ બની જાય છે. તારાં બાબા તને બધી વાત કરશે.”
સોહમે કહ્યું “ભલે આઇ હું ફ્રેશ થઇ જઊં પછી વાત કરીએ” એમ કહી આઇનાં હાથમાં એક કવર મૂક્યું જેમાં પૈસા હતાં. બોલ્યો “આઇ આ તારી પાસે રાખ ઘરમાં કામ લાગશે મારે પાછું કોલકતા જવાનું છે પછી શાંતિથી વાત કરીએ.” એમ કહી એનાં રૂમમાં જતો રહ્યો.
સાવી બેલા સાથે બેસીને વાતો કરવા લાગી અને ત્યાં સુનિતા હસતી હસતી ઘરમાં પ્રવેશ કરે છે સાવીને જોઇ બોલી “ઓહ સાવી તમે અહીંયા ? દાદા આવી ગયા ? હું પણ દાદા માટે સરપ્રાઇઝ લાવી છું” અને સોહમના બાબા સેવામાંથી આવ્યા......

વધુ આવતા અંકે ---- પ્રકરણ-107