મૌજ આવે ત્યાં મ્હાલો, તો જગતને લાગે વ્હાલો..!
ભગવાને આપેલો શ્રાપ કહો કે વરદાન કહો. એક ઉપર એક ફ્રીની માફક મને એક જ જનમમાં બે અવતાર મળેલા હોય એવું લાગ્યા કરે છે. કારણ કે, હું માણસ પણ છું, ને એક હાસ્ય કલાકાર પણ છું. કારણ કે મારો કાર્યક્રમ હોય ત્યારે, મારી ઓળખ લોકો હાસ્ય કલાકાર તરીકે જ વધારે આપે. જે મેં મારા કાનોકાન સાંભળ્યું છે, ને આંખો-આંખ જોયું છે..! ભગવાનનો જ એમાં હાથ હોય શકે. કારણ કે, દીનાનાથની ગણતરી કદાચ એવી પણ હોય કે, માણસ બનીને લોકોને રડાવવાના ધંધે વળે ને, ‘માણહ’ તરીકે ફેઈલ જાય, તો હાસ્ય કલાકારના નાતે હસાવવાના રવાડે ચઢીને સફળ તો થાય..? (સર્જનહારે પણ એની ઈજ્જત સાચવવી તો પડે ને દાદૂ..? ) એક તો આંગળીના વેઢા ઓછા પડે, એટલાં ગુજરાતી હાસ્ય કલાકારો હોય..! એમાંથી કેટલાંક માણસ બનીને હાસ્ય કલાકાર થયેલાં, તો વળી કેટલાંક હાસ્ય કલાકાર બનીને માણસ બનેલાં..! હું કઈ ફેકલ્ટીમાં આવું છું, એનું સંશોધન હજી કર્યું નથી. એટલે તો ૫૦ વર્ષથી ધડા વગરના લોટાની માફક ગબડ્યા કરું છું બોસ..! એટલી જ ખબર છે કે, ચલણમાં ચાલે એ હાસ્ય કલાકાર, ને નહિ ચાલે તે માણસ..! બાકી, માણસ બનવા મેં કંઈ ઓછી મજુરી કરી નથી. તનતોડ મજુરી તો નહિ કહેવાય, પણ ‘મગજ-ફોડ’ પરિશ્રમ તો મેં પણ કરેલો. પણ માણસની ભીડ જોઇને ભાગેલો. લોકો માણસ કરતા આજે હાસ્યકલાકાર તરીકે વધુ ઓળખે છે, એ મારું પ્રમાણપત્ર છે..! તાળી તો પાડો યાર..?
ઘણાની દાઢ વલવલતી હશે કે, રમેશ ચાંપાનેરી આજે હાસ્યનું જ પુંછડું આમળવા કેમ બેઠાં.? પણ મુદ્દાની વાત એ છે કે, આવી રહેલા ‘WORLD LAUGHTER DAY’ ના આ ‘VIBARATION’ (હિલોળા) છે. દર વરસે મે મહિનાના પહેલા રવિવારે ‘વિશ્વ હાસ્ય દિન’ ની ઉજવણીઓ ઠેર ઠેર થાય. એ દિવસે બરાડા પાડીને કહેવાનું કે, હાસ્ય બ્રહ્માસ્ત્ર છે. ધોરીમાર્ગ છે, બાકીના સુખો ડાઈવર્ઝન છે. ગાંધારીની માફક આંખે પાટા બાંધીને જીવનમાં હાસ્યથી અસ્પૃશ્ય નહિ રહેવાય.! જેના જીવનમાં હાસ્ય નથી, એનું જીવન નંદનવન નથી, વેરાન વન જેવું છે. નદી વગરના રણ જેવું છે. હાસ્ય એ હાથવગી જડીબુટ્ટી છે. સંત તુલસી દાસજીએ પણ હનુમાન ચાલીસામાં વર્ણવ્યું છે કે, “નિજ મન મુકુર સુધારી..!” ને તેનો અર્થ આપણે ફેશિયલ કરી બેઠાં..! મૂળ અર્થ તો ભક્તિનાં માધ્યમથી હસતા રહીને મુખમંડળની આભા ઉભી કરવાનો છે. ચહેરો તો પારિજાતના વૃક્ષ અને પુષ્પ જેવો હોવો જોઈએ, બોરડીના ઝાડ કે ફાટેલાં કોથળા જેવો ચહેરો, લોકભોગ્ય નથી. ચહેરો હસતો રહે તો જ ગમતો રહે. જ્યાં મૌજ આવે ત્યાં મ્હાલો તો જ જગતને લાગે વ્હાલો..! ફોટો ગમે એટલો સારો હોય, પણ કેવા પ્રકારની ‘ફ્રેમ’ માં મઢાયો છે, એ મહત્વનું છે, એમ હાસ્યથી મઢાયેલો માનવી સર્વાંગ સુંદર જ લાગે. હાસ્ય એ માનવજાતનો શણગાર છે. હસતો ચહેરો ક્યારેય દુખના વાદળો બંધાવા દેતો નથી. હાસ્ય તો અત્તરની દુકાન જેવું છે, પોતે પણ પ્રસન્ન, અને પોતાને મળનાર પણ પ્રસન્ન..! દરેક વ્યક્તિ એક એક ફૂલ લાવે તો બગીચો બને, એક એક કાંટો લાવે તો કાંટાની વાડ બને, એમ દરેકના ચહેરા ઉપર હાસ્ય આવે તો પૃથ્વી ગોકુળ અને વૃંદાવન બની જાય. માણસ સિંહની જેમ ત્રાડ નાંખે, ભેંસની જેમ ભાંભરે, ગર્દભની જેમ ભૂંકે, બિલ્લીની જેમ ‘મ્યાઉં’ બોલે, ને શ્વાનની માફક ભલે ભસે, પણ ભૂલી જાય છે કે, હસવાની શક્તિ માત્ર માણસ નામના સામાજિક પ્રાણીને જ આપી છે. હસવાને બદલે હાહાકારને માર્ગે વળેલા માણસોને જોઈએ ત્યારે, ગળે ડૂમો આવી જાય બોસ..! પણ કરીએ શું..? આ વરસે સાત મી મે ના રોજ પહેલો રવિવાર છે. વિશ્વમાં ‘WORLD LAUGHTER DAY’ ની ઉજવણી થશે. સવારે હસતા ચહેરા સાથે ઉઠવાનું. વિશ્વવ્યાપી હાસ્ય યોગ આંદોલનના સંસ્થાપક ડો. મદન કટારિયા દ્વારા 1998માં વર્લ્ડ લાફ્ટર ડેની શરૂઆત કરવામાં આવેલી. વિશ્વના ૭૦ થી વધુ દેશોમાં WORLD LAUGHTER DAY મે મહિનાના પહેલા રવિવારે વિશ્વમાં ઉજવવામાં આવે છે. શ્રી કટારીયાએ આ LAUGHTER યોગના આંદોલનની શરૂઆત એવાં ઉદ્દેશ સાથે કરેલી કે, હસવાના માધ્યમ દ્વારા લોકોના ભાવ અને ભાવના ઉપર એની હકારાત્મક અસર આવે. હાસ્યના માધ્યમથી ભાઈચારા અને દોસ્તીની વૈશ્વિક ચેતનાનું નિર્માણ થાય. ઘણાને ખબર હશે કે, ભારતની બહાર પહેલો ‘HAPPY DEMIC’ સને ૨૦૦૦ માં ડેન્માર્કના કોપનહેગના ટાઉનહોલ સ્ક્વેરમાં યોજાયો હતો. જેમાં ૧૦૦૦૦ થી વધુ લોકો એકત્ર થયેલા. જે ઘટના ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવેલી છે. હાસ્ય એ ‘ સેલ્ફ હિલીંગ ‘ છે. સ્વયં પોતે જ એક આરોગ્ય પ્રાપ્ત કરાવતું તત્વ છે. દવાની માફક એનો ઉપયોગ પણ જો સવાર સાંઝ અને બપોરે કરવામાં આવે, તો માનવી તણાવ અને મનોવિષાદમાંથી મુક્ત થઇ જાય. હાસ્ય એ માણસ જાતને ‘ખુલ્લમ-ખુલ્લા’ પ્રેમ કરવાની જડીબુટ્ટી છે. પોતાનો ચહેરો ખીલેલા ગુલાબ જેવો હોવો જોઈએ એનું ભાન છે, પણ એ સિવાયની નાગચૂડમાંથી ક્યાં તો એ છુટતો નથી કે, છૂટવા માંગતો નથી. જીવનમાં સુખી થવું હોય તો બે રસ્તા છે. ક્યાં તો ઘસઘસાટ ઊંઘો, ક્યાં તો ખડખડાટ હસો..! અને દુખી થવું હોય તો પણ બે રસ્તા છે, ક્યાં તો રસોડામાં જઈને બડબડાટ કરો ક્યાં તો કકળાટ કરો..! ધેટ્સ ઈટ..! યાર... જુદા જુદા પાંસેઠથી વધારે દેશોમાં આંઠ હજારથી વધારે ‘લાફીંગ ક્લબ’ ‘કાર્યરત છે. આ લાફીંગ ક્લબ વિષે ‘ સિગ્મંડ ફ્રોઈડ ‘ નામના પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનીકે કહ્યું કે, ‘હસવા માટે કોઈ માનસિકતા કેળવવાની જરૂર નથી, પણ જરૂર છે વૈચારિક દરિદ્રતા દુર કરવાની. માણસ પોતાના ઘરમાં એકલો એકલો મોટેથી હસ હસ કરે તો, દુનિયા એને પાગલ કહે, પણ એ જ વ્યક્તિ જો સમુહમાં હાસ્ય કરે, તો એને હાસ્ય ચિકિત્સાનો એક ભાગ માનવામાં આવે. ફ્રેંચ દાર્શનિક હેન્ની બર્ગસો કહે છે કે,‘ હાસ્ય રમૂજની વૃતિ તો જીવન સાથે એ રીતે સંકળાયેલી છે કે, જાણે માનવ જીવન સાથે એ સાહજિક રીતે જોડાયેલી હોય. અને વિખ્યાત મનો વૈજ્ઞાનિક મેકડુગલે પણ એવું કહ્યું છે કે, ‘ પ્રત્યેક માનવીના હૃદયમાં સહાનુભુતિની મૂળભૂત વૃતિ તો દબાયેલી હોય જ છે. જે શારીરિક અને માનસિક ચૈતન્યની મુક્તિરૂપે હાસ્ય દ્વારા જ વ્યકત થાય. ગ્રીક ફિલસૂફ એરીસ્ટોટલે પણ કહ્યું છે કે, ‘મેન ઈઝ એ લાફીંગ એનીમલ‘ અર્થાત, માનવી એ હસતું પ્રાણી છે. આવો આપણે પણ આપણી દિનચર્યામાં હાસ્યને સ્થાન આપીએ, ને સ્થાન સમય અને સંજોગ મળે ત્યારે હસતાં રહીએ, ને સૌને હસાવતા રહીએ....! વિશ્વ હાસ્યદિન એ માનવજાતની પ્રગતિનો માઈલ સ્ટોન હોવાથી, ગમે તે સ્થિતિમાં પણ માનવી હસતો રહે એ વિશ્વ હાસ્યદિનનો સંદેશ છે. રાવણે જો ભાથામાં એક તીર હાસ્યનું રાખ્યું હોત તો કદાચ રામાયણનો અંજામ જુદો હોત...? હાસ્ય રામ-બાણ ઈલાજ છે, એવું કહેવાને બદલે, ‘હાસ્ય એક ‘રાવણ-બાણ’ ઈલાજ પણ છે, એવું કહેવાયું હોત..!’ હાસ્યના અનેક પ્રકાર છે, એ હ્યુમર હોય, બ્લેક હ્યુમર હોય, વીટ હોય, આયરની હોય, વ્યંગહોય, કટાક્ષ હોય કે, પછી ઉપહાસ હોય.! જીસકો જૈસા માહોલ મિલા, ઉસને ઐસા મ્હેકાયા.! સાચો હાસ્યકાર એને કહેવાય કે, માનવ સ્વભાવની પરખ કરીને, એમાંથી હાસ્ય ખોતરે, ને હાસ્યની હેલી ચોમેર વરસાવે. જેમાં પોતે પણ કિલ્લોલ કરે, ને શ્રોતાને પણ કિલ્લોલ કરાવે. મન મુકીને હસો યાર..!
લાસ્ટ ધ બોલ
એક બાળકે માથે સફેદ ‘ડાય’ કરેલી. મેં કહ્યું બેટા ‘તારા ઘરના બધાએ ‘બ્લેક-ડાય’ કરી ને તેં કેમ સફેદ ‘ડાય’ કરી..?
અંકલ, ઘરમાં એકાદ તો વડીલ જોઈએ ને..?
____________________________________________________________________