KERINO RAS ETLE DASHMO RAS in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૮૫

Featured Books
Categories
Share

હાસ્ય લહરી - ૮૫

દશમો રસ એટલે કેરીનો રસ..!

 

કેરીનો સ્વાદ અને ખુમારી જ એવી કે, કેરીનું માત્ર ચિત્ર દોર્યું હોય તો, તેની ફરતે પણ કીડીઓ ત્રણ તાળીનો ગરબો ગાતી થઇ જાય..! એટલે તો નવોઢા પહેલ-વહેલી ઘરમાં આવવાની હોય એમ, લોકો કેરીગાળાની કાગડોળે રાહ જોતાં હોય. કેરીગાળામાં ચપટલાલ પણ ચપટો મટીને ગલગોટા જેવો થઇ જાય. ને બેફામ ખાય નાંખી તો, ચકલીમાંથી મરઘો કે, ઉંદરડી માંથી હાથણ પણ થઇ જાય..! કેટલી ખાધી એના ઉપર બધું છે., બાકી કહેવાય નહિ જીરૂમાંથી જિરાફ પણ થઇ જાય..! આ વરસે અંબાલાલની એવી આગાહી ફૂંકાય કે, કેરીના છૂંદાને મારો ગોળી, રસિયાઓનો છૂંદો કરી નાંખ્યો..! સવારે ચોમાસું-બપોરે ઉનાળો ને સાંજે શિયાળામાં ધાબળા શોધવા પડે..! એમાં કેરી શું જીવ લાવે..? જે આંબાઓ ઉપર કેરીના ઝૂમખાં હીંચકાતા હતા, તેના ઉપર વગર કેરીએ વાંદરાઓ સરકસના ખેલ કરતા થઇ ગયા. જો કે સાવ એવું પણ નથી, આગાહીની ઐસી કી તૈસી કરીને, બાધા-આખડીના જોરે ક્યાંક ક્યાંક માનતાઓની કેરીઓ આવેલી પણ ખરી. પણ જ્યાં દરિયા જેવી તરસ હોય ને ડબલાં જેટલું પાણી મળે તો તરસ ફીટે..? ખુદ મારો જ જનમ કેરીના પ્રદેશ વલસાડમાં થયેલો હોવા છતાં પપૈયાનો રસ ને ખાજલી ખાઉં છું બોલ્લો..! મારો રામ જાણે પૃથ્વીના વિઝા લેવાના ફોર્મમાં મારાથી ‘કેરી’ લખાય ગયેલું કે શું, તે મને વલસાડમાં પાર્સલ કરેલો..! આ લેખમાં વલસાડી હાફૂસ ફૂટી નીકળ્યો છે એનું કારણ પણ એ જ..! કાનમાં વાત કરું તો, કેરીના રસ કરતાં લીમડાના રસ મેં વધારે પીધાં છે. છતાં કેરીના પ્રદેશનો મલાજો રાખવા જ મારું તખ્ખલુસ રસ ઉપરથી ‘રસમંજન’ રાખેલું..! બાકી, આંબા તો ઠીક, બંદા પાસે બાવળિયાનું ઠુંઠું પણ નથી. જેવી ભગવાનની માયા..!
પઅઅણ કેરી એટલે કેરી બાપૂ..! જેનું સર્જન કરવા માટે ભગવાને દશ-પંદર વેકેશન વાપરી નાંખ્યા હોય એવી અદભૂત..! એની સુગંધ જ એવી કે, જીવ લેવા આવેલા યમરાજ પણ કેરીગાળો પૂરો થાય ત્યાં સુધી થંભી જાય, ને કેરીના ગોટલા કાઢ્યા પછી જ જીવ કાઢીને જાય. જેમ દીકરીના વલણથી પિતાનું કુળ વખણાય, એમ કેરીના ચલણથી એનો ‘આંબો’ વખણાય. જે ગામના આંબાની કેરી વિખ્યાત હોય, એ ગામ ચારેયકોર પ્રખ્યાત થઇ જાય. એ એની શાખ છે. કેરીગાળો આવે એટલે ભલભલા ફળોની ગાડી છેલ્લા પ્લેટફોર્મ ઉપર નંખાવા માંડે, ત્યારે કેરી પહેલાં પ્લેટફોર્મ ઉપર આવી જાય..! એવો ચમકારો આવી જાય કે, કેરીનું નામ પડતાની સાથે મોંઢામાં ઝરા ફૂટવા માંડે. એ વખતે કેજરીવાલ-કાજોલ-કર્ણાટક કે ‘કેરાલા સ્ટોરી’ જેવાં નામ-રાશિવાળા યાદ નહિ આવે, પણ કેરીનો આખો ‘ફેમીલી-પેક’ હાજરાહજૂર થઇ જાય. ઉપરની વિભૂતિઓ સાથે કેરીને ન્હાવા-નીચોવવાનો કોઈ સંબંધ નહિ. માત્ર રાશિ-મેળ આવે એટલું જ..! જો કે આમ તો ભગવાન શ્રી રામ અને રાવણની રાશિ પણ એક જ હતી ને, છતાં ક્યાં મન-મેળ ખાતો હતો? હા તો બોલો યાર..? કેરીનું નામ પડ્યું ને મોંઢાની પાઈપ લાઈન ફાટી ગઈ કે શું..? એના કપાળમાં કાંદા ફોડું, કોઈપણ ડાયાબેટિક દુશ્મનનો ખોફનાક બદલો લેવો હોય તો, એની સામે બેસીને કેરી જ ચૂસવાની..! પછી જુઓ એની શી હાલત થાય છે તે..!
સાહિત્યકારોએ ભલે હાસ્ય-કરુણ-વીર-અદભૂત-શૃંગાર રૌદ્ર- ભયાનક-શાંત કે બીભત્સ નામના નવ રસને સાહિત્યમાં પ્રાધાન્ય આપ્યું હોય, પણ દશમો રસ એટલે બાપૂ કેરીનો રસ..! નવા-નકોર જમાઈને કેરીગાળામાં બોલાવી, ઉપરના નવે-નવ રસથી નવડાવી નાંખો તો પણ, કોઈ ફેર નહિ પડે, પણ કેરીનું રસપાન કરાવો એટલે એવો પ્રસન્ન થઇ જાય કે, બે-ચાર વરદાન પણ આપી દે..! કેરીની મૌસમમાં નાક પણ એવું નફફટ થઇ જાય કે, વગર ગુગલે કેરીનાં લોકેશન મળી જાય કે, કયા ખૂણામાં કેરીના ઢગલા પડ્યાં છે..? જે ઘરમાં કેરીના ટોપલા પડ્યા હોય, એ નર અંબાણી કે અદાણીનો વંશ-વારસ હોય એવી અદાકારી આપોઆપ આવી જાય. આમ તો પૂરી બારાખડી બોલવામાં આજે પણ મને ફાંફા પડે, તો કેરીની વંશાવલી આવડે જ ક્યાંથી? જેમ ઘણાખરા દેશો નકશામાં જોયા નહિ હોય, માત્ર નામ જ સાંભળેલા હોય, એમ કેરી પણ સાક્ષાત જોવામાં કે ચાખવામાં નહિ. એટલે કેરીના નામનો ખપપૂરતો અભ્યાસ જ રાખેલો..! ‘કાલે ઇતને સબ જાંબુ’ ની માફક કેરીગાળો કરી લેવાનો ને વાર્તા પૂરી કરવાની. જે ફળ્યા તે ભગવાન માનીને આસ્થા પૂરી કરી લેવાની. બાકી, ૩૩ કરોડ દેવી-દેવતાની શોધખોળમાં પડીએ તી હાથવગા ભગવાન પણ ખોવાય જાય. કેરી જોઇને દાઢ વલવલવા માંડે, ને મોંઢે ઝરા ફૂટવા માંડે એને કુળ-ફળ માની લેવાનું..! બાકી કેરીની વંશવાલીમાં ઉતરીને મગજનું દહીં નહિ કરવાનું..! છે, કેરીની બાબતમાં અમારો ચમનીયો એટલે કેરીના ‘એસ્ટ્રોલેજર’ જેવો. મારી જેમ પૂરી બારાખડી એને પણ નહિ આવડે, પણ કેરીના સઘળાં પ્રકાર એના તાળવે ચોંટેલા..! કઈ કેરીની કઈ રાશી છે, એના જ્ઞાનેશ્વર જેવો..! જેમ કે, ૧. મેષ રાશિ: હાફૂસ-અંધારિયો ને લંગડો ૨. વૃષભ રાશિ: બાટલી-વનરાજ-બદામી કે બદામડી ૩. મિથુન રાશિ: કેસર અને કાળીયો ૪. કર્ક રાશિ: હઠીલો ને ડાહ્યાબાપો ૫. સિંહ રાશિ: મલગોબો-મલ્લિકાર્જુન ને ટોટાપૂરી ૬. કન્યા રાશી: પાયરી ને પીળીયો ૭. તુલા રાશિ: રાજાપુરી ને રસરાજ ૮. વૃશ્ચિક રાશિ: નીલમ ને નીલેશાન ૯.ધન રાશિ: ધોળિયો ૧૦.મકર રાશિ: જમખ્યો ને જમાદાર ૧૧. કુંભ રાશિ: સરદાર ૧૨. મીન રાશિ દેશી-દાડમીયો ને દૂધપેંડો, ( લ્યો, આ બહાને મેં પણ કેરીના પ્રકાર જણાવી દીધાં..!)
કેરીગાળામાં વાઈફના લીધે સાસરું પણ વૈકુંઠ બની જાય. એમ કેરીના કારણે ઉનાળો પણ ઉટી ના હવામાન જેવો લાગે. દુખની વાત એ છે કે, કેરીગાળો આપણે ત્યાં ઠાઠમાઠથી ઉજવાતો નથી. બાકી, જૂનાગઢની કેસર અને વલસાડની હાફુસના સ્થળે તો કેરીના કુંભમેળાની માફક ‘કેરીમેળા’ ઉજવાવા જોઈએ. આમ તો ઉનાળામાં ફણસ પણ થાય, છતાં મહાકાય ફણસને કોઈએ ફળોના રાજા કહ્યો નથી, જ્યારે કેરીને ફળોની રાણી કહી છે. ત્રાજવાના એક પલ્લામાં ફણસ મુકો, ને બીજા પલ્લામાં કેરી મૂકી હોય તો પોપટના પાંજરામાં મરઘો બેસાડ્યો હોય એવું લાગે, બાકી વટ તો કેરીનો જ પડે હોંકેકે..!
કે..!
બ્રીટીશરોએ હિન્દુસ્તાન છોડ્યું, ત્યારે અંગ્રેજની બીકે મારા શરીરમાં ‘ડાયાબીટીશ’ સંતાય ગયેલો. એના કારણે મારા ઘરમાં કેરી આવે એટલે, કેરીને બદલે ડાયનોસોર આવ્યો હોય એમ, વાઈફ આજે પણ ભડકે..! કોઈની રૂપાળી કન્યાને ઘરમાં ઉપાડી લાવ્યો હોય એમ, ઘર એક મંદિર બનવાને કુરુક્ષેત્ર બની જાય. છોકરાઓ તો કેરી જોઇને ગેલમાં આવી જાય, પણ વાઈફની આંખના ડોળા ચગડોળની માફક ફરતા થઇ જાય. કાશ્મીરનાં શાલીમાર ગાર્ડન જેવો વાઈફનો ચહેરો, ઉકરડા જેવો થઇ જાય. એને કોણ સમજાવે કે, ઉનાળો બે જ વાતની લહેર કરાવે. એક કેરીગાળાની ને બીજી વેકેશનની..! કારણ બનેનો સમય સરખો. કેરીના ગોટલા કાઢવા માટે તો નિશાળમાં વેકેશન અપાતું હોય. પણ એને સમજાવે કોણ..? ..! અમારા જમાનામાં દેશી માણસ પાસે AC હોય નહિ. બાપાને કહીએ કે, ગરમી બહુ લાગે, તો માથે ટક્લું કરાવી આપતાં, ને ઉપરથી કહેતાં કે, 'જાવ બેટા, ચાર મહીને ઠંડક જ ઠંડક..!' સાથે એકાદ પૂંઠાવાળો પંખો પકડાવતાં, ને કહેતાં કે, ‘આ પૂંઠા સામે માથું હલાવજો, પંખો હલાવતા નહિ, પંખો તૂટી જશે..!’ વિચાર કરો કે, એક હાથમાં ચૂસવાની કેરી હોય, બીજા હાથમાં પૂંઠાવાળો પંખો હોય, અને બંને કાંડામાં ખુજલીએ માળા બાંધ્યા હોય, તો અમારી હાલત શું થતી હશે..? ખુજલી ખંજવાળે, પંખો પકડે કે કેરી ચૂસે..? પણ એના કપાળમાં કાંદા ફોડું, અમને એમાં પણ મઝા આવતી..! એવી હાલતમાં કેરી પણ ખાતાં, પંખો પણ નાંખતા, ને ખજવાળી પણ લેતાં. આજે પણ જૂનાગઢની કેસર હોય, બનારસનો લંગડો હોય, કે વલસાડની હાફૂસ હોય, એનો દબદબો છે બોસ..! બધાં જ નવાબ જેવી જાહોજલાલી ધરાવે. આ વિસ્તારની કોઈ કન્યા એવી નહિ હોય કે, જેના શરીરે પીઠી નહિ ચઢતી હોય..! કેરી જ એવી આડી ફરી વળે કે, મંગલ-શનિ ના દોષ પણ ડખો નહિ કરે..! લોકો પણ વિચારે ને કે, આવા વિસ્તારમાં વેવાઈવાડો રાખ્યો હોય તો, કેરીગાળો તો સચવાય..! એના કપાળમાં કાંદા ફોડું, પ્રત્યેક સફળ પુરુષની પાછળ જેમ સ્ત્રીનો હાથ હોય, એમ આ વિસ્તારની કન્યાને કેરીનો સાથ હોય છે મામૂ..!
લાસ્ટ ધ બોલ
અકબરનું શાસન કયાંથી ક્યાં સુધી ચાલ્યું?
સર..! ઇતિહાસના પાનાં નંબર ૪૫ થી ૪૯ સુધી..!
તારા કપાળમાં કાંદા ફોડું..!