Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 55 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 55

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 55

(૫૫) અંતિમ નિર્ણય

મેવાડમા સૂર્યોદય થઈ ચુક્યો હતો. દિન પ્રતિદિન એના કિરણોમાં ગરમી આવતી જતી હતી. નવા મહારાણા પ્રતાપસિંહ સૈનિક તૈયારીની સાથે સાથે રાજ્યની આંતરીક વ્યવસ્થા પણ ફરીથી ગોઠવવામાં મગ્ન થઈ ગયા હતા.

રાજા બિરબલ ઘણાં વર્ષો સુધી આંબેરમાં રહ્યા હતા. તે વખતે મેવાડની પરમ વિભૂતિ મીરાંબાઇ ગુપ્તવેશે ત્યાં એકાંત વાસ સેવી રહ્યાં હતા તેમનું એક સ્વપ્ન હતુ. આ દેશમાં બધાંએ મળી લડાઇને દેશવટો આપવો. હવે જ્યારે મુસ્લીમોએ આ દેશના વતની તરીકે અહીંની માટી સાથે જન્મમરણનો નાતો બાંધ્યો છે ત્યારે સમન્વયની ભાવનાનો વિકાસ થવો જોઇએ. મહાન સંત મીરાંબાઇનાં આ અવપ્નને રાજા બીરબલે પોતાના હૈયામાં કંડારેલું હતુ. એ મેવાડના રાજવંશી   તેજને બરાબર જાણતો હતો. રાજા ભગવાનદાસ સ્વયં મેવાડી શૌર્યના પ્રશંસક હતા. પરંતુ સમયે કરવટ બદલી એટલે મોગલસેનામાં ભળવું પડ્યું હતું.

બિરબલ તો માનતા હતા કે મેવાડમાં મહારાણા પ્રતાપસિંહનો ઉદય એટલે તેના ઇતિહાસનો સૂર્યોદય. મહારાણાના શાસનનું તેજ દિવસે દિવસે વધતું જતું હતું.

પાછલા ચાર વર્ષોમાં યુદ્ધ માટે  સૈનિક તૈયારી અને પ્રદેશમાં આંતરિક સુવ્યવસ્થા પણ મહારાણાએ ગોઠવી હતી.

ઉંડા ઉંડા પર્વતીય પ્રદેશોમાંથી લાવી લાવીને ભીલોને સરહદ પર વસાવ્યા. એમને લડાઇની નવી યુક્તિઓ તથા કુશળ લડાયક વિદ્યા શીખવવામાં આવી.

ભીલોને મેવાડની રક્ષા માટે કટિબદ્ધ કરવાએ મહારાણાની આગવી સૂઝ હતી. મહારાણા જાણતા હતા કે, યુદ્ધ મેવાડના પર્વતીય પ્રદેશમાં જ ખોલવાનું છે. આથી જ તેઓએ મેરપુરના ભીલ રાજા સરદાર પૂંજાજી અને પરમવીર મેડતિયા રામદાસની મદદથી મેવાડના પહાડી પ્રદેશમાં છુટાછવાયા ફેલાયેલા ભીલોને વિશેષરૂપ એમના જ પરંપરાગત હથિયારોની તાલીમ અપાવીને તૈયાર કર્ય હતા. સાધારણ પોતડી પરિધાન કરેલો ભીલ પણ સારામાં સારો ધનુર્ધર બની ગયો હતો. આ નિર્ધન પ્રજા પોતાના રાણા માટે મરી ફીટતી. મોગલો પોતાની ધરતીને છીનવી લેવા આવ્યા છે. એમની સામે છેવટ સુધી લડી લેવાના નિર્ણય સાથે આ ભીલ પ્રજાએ રાજપૂતોને પૂરેપૂરો સાથ આપ્યો. મહારાણા પ્રતાપની આ એક અનોખી સિદ્ધિ હતી.

મહારાણા સંગ્રામસિંહ પછી મેવાડમાં હવે કોઇ મહારાણો એવો નથી જન્મવાનો જે મોગલસત્તાને પડકાર આપી શકે એવા ખ્યાલમાં મોગલો રાચતા હતા. પરંતુ ચિત્તોડ આક્રમણ બાદ બાદશાહ અકબરને પ્રતીતિ થઈ ગઈ હતી કે, રાણા સાંગાનો આ પૌત્ર, બાદશાહ બાબરના પૌત્રની બરાબર ટક્કર લેશે.

આથી યુદ્ધની અનિવાર્યતા બંને સમજી ગયા હતા. વિશાળ પ્રદેશ અને સાગર જેવડી સેનાના માલિક હોવાથી યુદ્ધ ક્યારે છેડવું એ માટેનો નિર્ણય બાદશાહ અકબરશાહ સરળ રીતે લઈ શકે એવી તેમની શક્તિ હતી. પરંતુ પરિસ્થિતિએ જુદો વળાંક લીધો.

ઇ.સ. ૧૫૭૪ અને ઇ.સ. ૧૯૭૫ વે વર્ષ અકબરશાહને બંગાળામાં જ રોકાઇ રહેવું પડ્યું. બંગાળામાં આ સમયે જ બળવો થયો. બળવાખોર સુલતાન દાઉદને દબાવવા સ્વયં બાદશાહને બંગાળા જવું પડ્યું. ત્યાં બે વર્ષ માટે રોકાઇ પડ્યા. આ અવસરનો પૂરેપૂરો ઉપયોગ મહારાણા પ્રતાપે કર્યો, યુદ્ધની તૈયારીમાં તેઓ મંડી પડ્યાં. સમગ્ર મેવાડમાં ગામે ગામ ઢંઢેરો પિટાવીને સેનામાં યુવાનોની ભરતી કરી. સઘન તાલીમ આપવા બિહારથી વધુ તીરંદાજો મેવાડમાં વસાવ્યા.

મેવાડના પાડોશી રાજ્યો શિરોહી, ઇડર, ડુંગરપુર અને વાંસવાડા પણ મહારાણાની પડખે હતા. તેઓ એમ માનતા હતા કે, મોગલોનું આધિપત્ય સ્વીકારવું તેનાં કરતાં ફના થવું બહેતર છે. ઇડરના નારાયણ દાસે પ્રતાપના પક્ષે રહેવા ઉપરાંત પોતાની પુત્રીના લગ્ન મહારાણા પ્રતાપ સાથે કર્યા હતા.

બુંદીને જીતી લીધા પછી રાજા માનસિંહે, સરજન હાડાના પિત્રાઇ સૂરજીત હાડાના હાથમાં બુંદીનો રાજવહીવટ સોંપ્યો હતો. તેને બાદશાહી સેવામાં ખડો કરી દીધો હતો પરંતુ તેનો જ પુત્ર દુદાજી અકબરશાહ સામે લડવા માંગતો હતો. મારવાડમાં જોધપુરના શાહક ચંદ્રસેન પણ મોગલસત્તા સામે બગાવત કરવાની તૈયારી કરી રહ્યા હતા.

 તો રાજા માનસિંહ પણ મગરૂર હતા. બાદશાહ અકબરે રાજપૂતાનાનો હવાલો તેના હાથમાં સોંપ્યો હતો. મેવાડને ગમે ત્યારે દબાવી શકાય તે માટે ગુજરાત, માળવા અને અજમેરમાં વિશાળ મોગલસેના ખડકી દીધી હતી.

બંગાળાની પરિસ્થિતિ થાળે પાડીને, અકબરશાહ ફતેહપુર સિકરી પધાર્યા હતા. તેઓનું શાનદાર સ્વાગત થયું હતું.

ઇ.સ. ૧૫૭૬ની સાલ હતી. જાન્યુઆરી માસ ચાલતો હતો.

એક ગુપ્તચરે મહારણાને સમાચાર આપ્યા કે, મોગલ બાદશાહ રાજા માનસિંહ, કુંવર શક્તિસિંહ, સિપેહસાલાર, શાહબાઝખાન વગેરે સરદારો સાથે સંખ્યાબંધ મંત્રણા યોજી રહ્યા છે. હવે ટૂંક સમયમાંજ મેવાડ પર આક્રમણ આવી રહ્યું છે.

મહારાણાએ તાત્કાલિક મેવાડના હિતેચ્છુઓની એક સભા બોલાવી. સૌ જાણતા હતા કે, આ મંત્રણા આવનારા યુદ્ધ માટેની છે.

રામશાહ તંવર, હકીમખાન સૂર, કૃષ્ણદાસ સોંનગિરા, રામદાસ મેડતિયા, વીર સાંગાજી, ભામાશાહ, તેઓના લઘુબંધુ તારાચંદ, બડી સાદડીના માનસિંહ ઝાલા, બિન્દાજી ઝાલા, મેરપુરના ભીલરાજા પૂંજાજી, પ્રસિદ્ધ વીર કાળુસિંહ વગેરે સુભટો અને સામંતો આ મંત્રણામાં ભાગ લેવા આવી પહોંચ્યા.

સૌ મંત્રણા ખંડમાં ગોઠવાઈ ગયા. થોડીવારે મહારાણા પધાર્યા. તેમના જમણા પડખે ગુલાબસિંહ હતા અને ડાબા પડખે કિસનસિંહ મેડતિયા હતા.

મહારાણાએ પોતાના ભાવવાહી સ્વરે સંબોધન કરવા માંડ્યું.

“મેવાડના સાંમતો, સુભટો અને હિતચિંતકો, યુદ્ધના વાદળો ઘેરાઇ રહ્યા છે. યુદ્ધ આપણે શરૂ નહિ કરીએ એવી આપણી નીતિ છે. પરંતુ આપણી સ્વતંત્રતા હણવા માટે મોગલ સામ્રાજ્યની ફોજો આક્રમણ કરશે તો આપણે હાથ જોડીને બેસી નહિ રહીએ. આપણે સખ્ત મુકાબલો કરીશું. શી રીતે એ ટક્કર ધારદાર બનાવવી એ માટે જ આજે આ મંત્રણાસભા બોલાવી છે.”

“મહારાણાજી, યુદ્ધ તો રાજપૂતોનો ખેલ છે. યુદ્ધનો થનગનાટ આપણા લોહીમાં વ્યાપેલો છે. માનવી જેમ શ્વાસ લે એ સહજ છે તેમ મેવાડી યુદ્ધ કરે એ સહજ છે.

“વીરો આપણે રણક્ષેત્ર નક્કી કરવાનું છે. વર્તમાન પરિસ્થિતિમાં આ બાબત આપણાં પર નિર્ભર છે.”

વયોવૃદ્ધ વીર સાંગાજીને ચિત્તોડગઢ માટે અનેરો પ્રેમ હતો. ચિત્તોડગઢ ગુમાવ્યાના ડંખ એમને ભારે વેદના આપતો હતો. તેઓ બોલી ઊઠ્યા.

“જંગ તો ચિત્તોડગઢ લેવા માટે જ કરવો. ચિત્તોડગઢમાં રહીને તો પુષ્કળ યુદ્ધો કર્યા છે. પરંતુ ગઢની બહારથી ગઢમાં આક્રમણ કરીને ગઢ લેવાનો લ્હાવો તો આ વેળા લેવો જ જોઇએ.”

ચિત્તોડગઢ લેવાની વાત જ અયોગ્ય હતી. આટલે બધે દૂર મેદાનમાં મોગલસેના સામે, જે હરપળ સાવધ રહે છે, ટક્કર લેવાની વાત જ આત્મઘાતી હતી. છતાં વીર સાંગજીની અદબ જાળવતા મહારાણા પ્રતાપ પ્રતિવાદ ન કરતા માત્ર આટલું જ બોલ્યાં.

“આ તબક્કે ચિતોડની વાત યોગ્ય નથી, સાંગાજી.”

“તો પછી આપણે કેવા રણક્ષેત્રની અપેક્ષા રાખીએ?” રામશાહે પ્રશ્ન કર્યા. “આપણે દુશ્મનોની બને એટલી વધારે ખુવારી કરવા માંગીએ છીએ. એની સંખ્યા વધારે હોવા છતાં, આપણી નેમ રહેશે. તેને હંફાવવાની અને હરાવવાની.”

“આવું સ્થાન તો હું ધારું છુ કે, કુંભલમેર જ હોઇ શકે. ત્યાં ભયંકર ઉંડી ખીણો છે. પર્વતીય રસ્તાઓ છે. દુશ્મનો જો ફસાઇ ગયા તો ઉપરથી આપણાં ધનુર્ધરોના બાણોની વર્ષામાં મોત જ એમની મુક્તિ બની જાય.” સોનગિરા કૃષ્ણદાસ બોલ્યા.

“મેં કુંભલમેરને આપણો શસ્ત્ર ભંડાર, આપણો અન્નભંડાર અને રણવાસ સાચવવા અનામત રાખ્યો છે. એથી કુંભલમેરના પાદરે દુશ્મનને યુદ્ધ નથી આપવું. હું વિચારું છું એવું સ્થળ, જે કુંભલમેર અને ગોગુન્દાની વચ્ચે હોય. જયાંથી આપણે શત્રુને વધુમાં વધુ હાનિ પહોંચાડી શકીએ.”

“એવું સ્થળ હલ્દીઘાટી જ હોઇ શકે.” સાંગાજીએ કહ્યું.

“હલ્દીઘાટી યુદ્ધક્ષેત્ર તરીકે સંપૂર્ણ યોગ્ય સ્થળ છે. હકીમખાન સૂર બોલી ઉઠ્યા. મેડતાના શાસક હકીમખાન સૂરી બાહોશ લડવૈયા અને રાજપૂતાનાની ધરતીના ચાહક હતા. તેથી મહારાનણા પ્રતાપના ખાસ વિશ્વાસુ હતા.

“હવે રાજા માનસિંહ ગમે તેટલી મોગલસેના લઈને હલ્દીઘાટીએ આવે. એમને એમની સેના સાથે ત્યાં જ ખત્મ કરીશું. જંગ એવો ખોલીશું કે મોગલો પર કયામત વરસશે.” હકીમખાન સૂરી બોલી ઉઠ્યા. તાળીઓના ગડગડાટથી તેઓના વિચારો વધાવી લેવામાં મેવાડ કેસરી જયમલ રાઠોડના મહાવીર પુત્ર રામદાસે પૂછ્યું, “પૂંજાજી, એમનું ભીલદળ, જે બાહોશ ધનુર્ધારી છે એને ક્યાં ગોઠવીશું?

“ભીલ ધનુર્ધરોને હલ્દીઘાટીના પૃષ્ઠભાગે ગોઠવવાનો વિચાર છે. એ માટે હું પૂંજાજી અને તમારી સાથે અલગ વ્યુહ વિચારીશું. આપણા ત્રણ સ્થળો ગોગુન્દા, કુંભલમેર મેર અને હલ્દીઘાટી ત્રણ જુદા જુદા હેતુ માટે છે. ગોગુન્દા આપણું કેન્દ્ર, કુંભલમેર આપણા માટે અને યુદ્ધ માટે હલ્દીઘાટી.

વસ્ત્રમાં લપટેલા આલેખને લઈને પછી સામંતો સાથે મહારાણા યુદ્ધની રચના સમજાવવા લાગ્યા.

આમ, મેવાડના મહારાણા તરફથી નિર્ણય લેવાઇ ગયો કે, યુદ્ધ હલ્દીઘાટીમાં જ થશે,

આ અંતિમ નિર્ણય હતો.