DHULO TO HARKHPADUDO (DTH) - 22 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 22

Featured Books
Categories
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 22

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૨


આપણે જોયું કે અમિત અને તારાની લગ્નોત્સુક મિટીંગ ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. આ મીટિંગમાં થનાર સાસુએ ભવિષ્યની વહુને વેવાણ તરીકે સંબોધી ત્યારબાદ પણ તારામાસીએ બે પ્રયાસ કર્યા પણ છેવટે અમિતના વલણથી નારાજ તારામાસી આ સંબંધ પર ચોકડી મારવા મજબૂર થઈ ગયાં. આમ છતાં કેતલો કીમિયાગાર અને પિતલી પલટવાર એને સમજાવીને પાછી ત્યાં લઈ આવી શકશે? કારણકે કેતલાએ મીનામાસીને શનિવારે જ ફરી મિટીંગ માટે તૈયાર રહેવા જણાવી દીધુ હતુ. હવે આગળ...


આ તરફ એમના મિત્રવર્ગના વોટ્સએપ ગ્રુપમાં આ મિટીંગ વિશે, એ મિટીંગના અને કેતલા કીમિયાગારના પરિણામ વિશે, ખાસી ઉત્કંઠા છવાઈ ગઈ હતી. પણ સધકીએ ઝડપભેર એમને ઊંધા થમ્સ અપનું સ્માઈલી મોકલી આ મિટીંગ તથા કેતલાની નિષ્ફળતા વિશે સાંકેતિક જાણ કરી દીધી હતી. એટલે એ ગ્રુપમાં ટીવીમાં ચાલતા રાજકીય ડીબેટ જેવી પરિસ્થિતિ થઈ હોવાથી ચર્ચા છેડાઈ ગઈ હતી. જેમાં પુરુષ મિત્રવર્ગ કેતલા કીમિયાગારના પક્ષે હતા. એમને કેતલાની કીમિયાગીરી પર સંપૂર્ણ ભરોસો હતો. તો મહિલા વૃંદ આ જટીલ અને જૂની સમસ્યા વિશે અનુમાન લગાવી રહી હતી.


ઈશા હરણીએ આ ચર્ચાના અગ્નિને ઘી રૂપી તુક્કો આપ્યો, 'આ ઉમરે લગ્ન એટલે વર્ષો પૂરાણી બીમારી. એનો ઈલાજ એમ રાતોરાત કે એકાદ મહિને આવવો શક્ય જ નથી. આ તો ઘણા લાંબા ઈલાજ બાદ મચક આપે, એ પણ આપે તો જ આપે. બાકી...' એણે આ વાક્ય અડધું છોડી, અંગારો ચાંપ્યો.


હવે આ ચર્ચા ઉગ્ર સ્વરૂપ ધારણ કરતી ગઈ. મહિલાઓ આ મુદ્દે અટલ હતી કે કેતનભાઈ આ વખતે ચોક્કસ કસોટીના એરણ પર ટીપાઈ જશે તો મિત્રવર્ગ નિશ્ચિત હતો કે કેતલો કોઈ ને કોઈ કીમીયો કરી જ લેશે. જ્યારે કેતલો કીમિયાગાર અને પિતલી પલટવાર રીક્ષામાં એમના ઘરે પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે મીનામાસીએ પણ અમિત સાથે વિદાય લેતાં ભાવલો ભૂસ્કો અને સધકી સંધિવાત આ વોટ્સએપ ગ્રુપમાં સક્રિય થયાં.


સધકી સંધિવાત ખૂબ ભાવુક પણ અપસેટ હતી. એણે મમરો મૂક્યો, 'આ ઉમરે એટલે? એ કન્યાની ઉમર વધારે હતી મારા અમિતભાઈ તો ઘણાં નાના છે.'


હવે સૌ જાણવા માંગતા હતાં કે ત્યાં થયુ હતું શું!


વિનીયાએ વિસ્તારપૂર્વક અહેવાલની માંગણી કરી, 'યે રિશ્તા ક્યોં નહીં હુઆ? જનતા જાનના ચાહતી હૈ.'


સોનકીએ સણસણાટ કર્યો, 'બોસ, જરા ધીરા પડો, પર્સનલ મામલો છે.'


ધૂલાએ લાગ જોઈ સોગઠી ફટકારી, 'આ મામલો હવે પર્સનલ નહીં પણ આપણાં સૌનો મુદ્દો છે. આ સમસ્ત સમસ્યા રાજકીય કે રાષ્ટ્રીય બની જાય એ પહેલાં ખુલાસો થઈ જાય એ જરૂરી બની જાય છે.'


તો હીરકીએ હણહણાટ કરી સધકીને સધિયારો આપતાં વાત જણાવવા હિંમત આપી, 'વોટ ડન?'


આ હિરકીનું અંગ્રેજી હતું જેનો અર્થ થતો હતો, 'શું થયું?'


સામે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઘરવાળી એવી સધકી સંધિવાતે પણ એની અંગ્રેજીમાં વળતો હુમલો કર્યો, 'કોન્ફિડન્સ બફેલો હેઝ ગીવન બર્થ ટુ હી બફેલો.'


મયુરીઆએ કળા કરી, 'ભાવલા આ અંગ્રેજી તને સમજાયુ?' ભાવલાએ પણ અસમર્થતા દર્શાવતી સ્માઈલી પોસ્ટ કરી. સોનકીએ સણસણાટ કરી, સર્જીકલ સ્ટ્રાઇક કરી, 'આ અંગ્રેજીનું અસલ અનુવાદ આપે એને ઓસ્કાર એવોર્ડ આપો.'


હકીકતમાં આ ભાષા તો એના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પતિ ભાવલા ભૂસકાને પણ સમજાઈ નહોતી. ધડાધડ એક સામટા ગોળીબાર સમાન સૌની પ્રશ્નાર્થ (?) એવી સ્માઈલી આવી ગઈ.


છેવટે સધકી સંધિવાતે એ જ મેસેજ ગુજરાતીમાં ટાઇપ કરી સૌને અચંબિત કરી દીધાં, 'ભરોસાની ભેંસે પાડો જણ્યો.' અને સમગ્ર મિત્ર વર્તુળમાં હાસ્યના ફુવારા ફૂટી નીક્ળયાં. હિરકી એ હણહણાટ કર્યો, 'આ સધકીની સરપ્રાઇઝ સુવાવડ સાબિતી.'


હવે સૌ હળવા થઈ ચર્ચાઓનો દોર શરૂ થયો.


છેવટે એમ નક્કી થયું કે જે થયું એમાં કેતલા કીમીયાગારનો કોઈ દોષ નહોતો પણ માત્ર અને માત્ર પ્રતિકૂળ સંજોગો દોષ પાત્ર હતાં. આમ થતાં પિતલીએ પલટવાર કર્યો, 'આગલી શનિવારીય બેઠક દરમ્યાન એ વિવાહ ઇચ્છુક મિટીંગ દરમ્યાન બનેલી આખી ઘટનાથી સૌને સવિસ્તાર માહિતગાર કરશે.'


કેતલાએ ઝડપભેર જવાબ આપ્યો, 'એ સમયે અમિતભાઈનું નક્કી થઈ ગયું હશે એટલે એ બાબતની સવિસ્તાર માહિતી સધકી સંધિવાત સૌને આપશે.'


આ બાદ પણ વિવિધ સ્વરૂપે આ મુદ્દો આ ગ્રુપમાં છેડાઈ, જીવંત રહ્યો.


જોકે આ બનાવ બાદ હવે કેતલા કીમિયાગારે વધુ આક્રમક પણ વ્યવસાયીક તથા વ્યવ્હારીક કુશળતા સાથે આ અમિતની નૌકા પાર લગાવવાનું નક્કી કર્યુ. એણે એની જ્ઞાતિની લગ્નોત્સુક ડિરેક્ટરી ડાઉનલોડ કરી. એમાં એજ ગ્રુપના ઓપશનમાં એણે ૩૫ થી ૪૦ વર્ષ ભરી ડેટા સોર્ટ કર્યો. આમ ઉમરમાં મોટી કન્યાનો મુદ્દાનો ઉકેલ લાવી દીધો.


એણે આ ડેટા પર અભ્યાસ કરીને લગ્નોત્સુક કન્યાઓની છણાવટ કરવાની જવાબદારી પિતલી પલટવારને સોંપી. પ્રથમ નજરે લગભગ સાતેક કન્યાઓ સ્પર્ધક હતી પણ એમાં વિધવા ઉમેદવાર ચાર હતી એટલે એણે બાકી ત્રણ પર ફોકસ કરવા નક્કી કર્યું.


જોકે પિતલીએ વિધવા ઉમેદવારોની પ્રોફાઇલ પણ ભારે ઝીણવટથી ચકાસી લીધી. આ ચારમાંથી ત્રણને તો એક એક સંતાન પણ હતું. પણ બાકીની એક નિ:સંતાન હતી. એણે પ્રથમ દ્રષ્ટિએ આ એક વાર ચાલે એમ નક્કી કર્યું. પણ એણે અપગ્રેડેડ પ્રોફાઇલ જોયાં તો એ ત્રણમાંથી બે ઉમેદવારોએ સ્પષ્ટ રજૂઆત કરી હતી કે એમને પોતાના સંતાનને પોતાનો માની સ્વીકારે ફક્ત એવા સંબંધમાં જ રસ છે. એમાંની એકે તો એકદમ ચોખવટ સાથે લખ્યું હતું કે એનો આશય ફક્ત પોતાના સુખ માટે પુનર્વિવાહ કે પુનર્લગ્ન નહીં પણ સાથે સાથે પોતાની પ્રેમાળ પુત્રી પિતાનો પ્રેમ પામે એ હેતુ પણ છે. આ સંપૂર્ણપણે સમજે એ જ સ્વીકાર્ય હશે. અન્યોને તકલીફ ના થાય એટલે આ સ્પષ્ટતા જરૂરી છે. એને આની નિખાલસતા બદલ માન ઉભરાઇ આવ્યું. એણે વિચાર્યું, 'જો આ અમિતભાઈ મારો ભાઈ હોત તો મેં ચોક્કસ એને આ યુવતીને સ્વીકારવા આગ્રહ કર્યો હોત. આ એક સંસ્કારી, સમજદાર, પ્રેક્ટિકલ તથા મેચ્યોરડ યુવતી છે. આ સુખ પામી અઢળક સુખ આપી શકે એમ છે.' પણ એણે એક નિસાસો નાખ્યો, 'આ અમિતભાઈ અમારો ભાઈ નહીં પણ ગ્રાહક છે. એટલે એના દ્રષ્ટિકોણથી જોવું જરૂરી બની જાય છે. એની અપેક્ષા કુંવારી છોકરી માટે છે અને એ પણ કોઈ રીતે ખોટી નથી. અને અંતમાં તો બધી નસીબની બલીહારી જ સત્ય છે. જોઈએ કોના અંજળપાણી અમિતભાઈના ઘરમાં લખાયેલ છે!'


આમ કુંવારી ત્રણ ઉમેદવાર માટે એણે પોતાની મમ્મીને તકલીફ આપવા નક્કી કર્યું. એણે આ તમામ ત્રણેયના નામ વોટ્સએપ પર એની મમ્મીને મોકલી આપ્યાં. તરત બે બ્લુ ટીક દેખાયા અને વળતી સેકન્ડે એમનો કોલ પિતલીના મોબાઈલ પર આવ્યો.


એ જાણવા આતુર હતી, "પિતુ, આ વળી શું છે? તારે આ લોકોનું શું કામ પડ્યું?" જોકે પિતલીને નિરાંત થઈ કે એની મમ્મી આ સૌને ઓળખતી તો હતી. એણે મમ્મીને વિગતવાર અહેવાલ આપી આ સંશોધન માટે વૈજ્ઞાનિક કારણ આપ્યું.


હવે ડેટા બેંક ખુલી ગઈ, "પિતુ, આમાં બે તો હકીકતમાં સગી બહેનો છે. અલ્પા અને જલ્પા. એ બંનેના માતાપિતાની છાપ સમાજમાં સારી નથી. એ બંને લગભગ વીસેક વર્ષથી એક ઘરમાં રહેવા છતાં એકમેક સાથે વાતચીત કરતાં નથી. કોઈ પણ સામાજિક કે વ્યવ્હારીક પ્રસંગે સાથે આવતાં જતાં નથી. એમના આ જક્કી વલણને લીધે એમની કુંવારી છોકરીઓ એમ ને એમ જ મોટી થઈ ગઈ છે તો પણ બંને સમજવા તૈયાર નથી. એમ તો ઘણાં વિધુર અને વાંઢાઓ એમને ત્યાં હજી આંટા મારે છે પણ હવે એ બંને છોકરીઓએ જ મન વાળી લીધું છે. એમને હવે લગ્ન કરવામાં કોઈ રસ નથી. પણ ત્રીજી, સુષમા વિશે પૂરેપૂરી જાણકારી નથી એટલે બરાબર પૂછપરછ કરી તને ફોન કરૂ. કેતનકુમાર કેમ છે?" આમ માત્ર અડધો કલાક ખાસ કામ અને કારણ વગરની ચર્ચા બાદ ફોન મૂકાયા.


પિતલી પલટવારની મમ્મીને એક નવું કામ મળી ગયું હતું. આજે એમનો મોબાઈલ વાત કરી કરીને થાકી જવાનો હતો.


શું આ 'અમિત ઠેકાણે પાડો' મિશન સફળ થશે? શું અમિતના નસીબમાં કોઈ કુંવારી કન્યા હશે? કે પછી પિતલીના વિચાર મુજબ કોઈ સંસ્કારી વિધવાને અપનાવી લેવાય? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૨૩ તથા આગળના દરેક ભાગ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).