Guhilot dynasty and Maharana Pratap in Indian history - 50 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 50

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 50

રાજા માનસિંહ અને કુંવર અમરસિંહ

     અંધારી કાજળઘેરી રાત હતી. મેવાડની પ્રજાપરિષદના આગેવાનો, મહાજનો ,સરદારો , કોમલમેર નરેશ અક્ષયરાજ સોનગિરા ,માનસિંહજી સોનગિરા , જેઓ ઉદયપુરમાં જ હોવાથી તેમને ખાસ આમંત્રણ આપી ઉપસ્થિતિ રહેવા સૂચવ્યું હતું. મેરપુરના ભીલ રાજવી પૂંજાજી મંત્રણાગૃહમાં ભેગા થયા હતા. સર્વે મહારાણા પ્રતાપસિંહના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતાં.

         અગત્યની મંત્રણા માટે સૌને આમંત્રણ આપવામાં આવ્યું હતું, સૌને ખબર હતી કે, આજે કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હતો. સૌને વધુ વાર પ્રતિક્ષા કરવી પડી નહિ, મહારાણા પધાર્યા.

    સભામાં મહારાણાજીનો જય હો, ‘જય એકલિંગજી ’ નો હર્ષ ભર્યો, નાદ ગુંજી ઉઠ્યો.

મહારાણાએ આસન ગ્રહણ કર્યું. ધીરગંભીર મુખમુદ્રા હતી, તેમણે પોતાની વાત રજૂ કરી.

         “ તમે સૌ જાણો છો કે, ઘણા વર્ષોથી મેવાડ અને મોગલો ટકરાવાના છે એ નિશ્ચિત હતું. પિતાજી એ આ  માટે સેનામાં સારી એવી ભરતી પણ કરેલી. બિહારના કાબેલ તીરંદાજો દ્વારા આપને સેનામાં અને ભીલોમાં આ તાલીમ પૂરી કરી લીધી છે. ભીલ યુવાનો એટલા બધાં તૈયાર છે કે , યુદ્ધ થાય તો બીજી હરોળ તરિકે ખુબજ અસરકારક ભૂમિકા ભજવી શકે એમ છે. ચિત્તોડ છોડ્યાં પછી પિતાજી અને અમે બેસી રહ્યા નથી. છેલ્લા છ વર્ષો થી અમે સતત સૈન્ય –સંગઠન અને તાલીમ પાછળ પુષ્કળ ધ્યાન આપી રહ્યા છે. સદગત મહારાણા આ જંગ ખેલી લેવા ખૂબ જ આતુર હતા. પરંતુ તેમના અકાળ અવસાને આ જવાબદારી આપણા માથે આવી પડી છે. આપણાં પાડોશી નાનામોટા ઘણા રાજ્યો મોગલોથી અસંતુષ્ટ છે. તેઓ પણ આ સંગ્રામ માં આપણી પડખે આવશે. હજુ આપણને યુદ્ધ માટે થોડો સમય જોઈએ છે. પણ જંગ નિશ્ચિત છે માની ને તૈયારી જકરવાની છે. મંત્રણામાં આપણે સમય  વિતાવીને ઘનિષ્ઠ તૈયારીઓ કરી શકીએ તો સફળતા આપણી જ હશે. મેવાડીઓ અને મોગલોનો એક જંગ જો આપણા ધારેલા સમયે અને સ્થળે થશે તો વિજય આપનો જ થશે. આજે રાજા માનસિંહ સંધિનો પ્રસ્તાવ લઈને આપણે આંગણે આવ્યા છે. શો જવાબ આપવો એનો વિચાર કરી લઈએ. આપણી સમક્ષ બે રસ્તા છે. એક રાજપૂતાનાના અન્ય રાજાઓની માફક સંધિનો સ્વીકાર કરી લઈ, આરામથી બાકીનું જીવન પૂર્ણ કરવું , જે સરળ છે. બીજો રસ્તો સંઘર્ષનો છે. જે કપરો છે. તેમાં  સર્વનાશ જ છે. આ સંઘર્ષ વર્ષો સુધી ચાલશે, કરોડો વર્ષ પુરાણી અરવલ્લીની પહાડીઓ, વૃક્ષોની ગીચ “ઘટાઓ, ગાઢ જંગલો આપણાં રખેવાળ છે. દુનિયા ની કોઈ સત્તા અરવલ્લીની ગહન ઘાટીઓ વૃક્ષોની ઘટાઓમાં મેવાડીઓને હરાવી શકશે નહિ. હું માનું છું કે ખતમ થવું બહેતર છે. , મોગલોને નમવા કરતાં.”

 “ મહારાણાની રાહબરી નીચે અમે પણ સંઘર્ષ કરવા તૈયાર છીએ. ભાણ સોનગિરા ગર્જી ઉઠ્યો,”

         “ મેવાડી મહાજનો ભલે ક્ષત્રિય નથી પરંતુ ક્ષત્રિયવટવાળા તો છે. વખત આવ્યે , મહારાણાજી ના પથમાં અમે ધનના ઢગલા ખળકી દઈશું. મોગલસેના ને અમે કોઈ પણ જાતનો સહકાર નહિ આપીએ. ધન કરતાં મેવાડ અમારા માટે મહાન છે. વિધર્મી આક્રમણ ખોરો સાથે અમારો વેપાર વિનિમય નહિ હોય. જે આ નિયમભંગ કરશે એને અને જમાતબંધી  ફરમાવીશું .” મહાજનો બોલ્યા.

“ધન્ય છે મહાજનો , આવા દેશ ભક્ત મહાજનો જ દેશને તારે છે.” વખત આવ્યે અમે ગોદામો બાળી દઈશું. ધનના ઢગલા ઢોળી દઈશું પરંતુ દુશ્મનની સેનાના  મોંમાં નહિ પડવા દઈએ. “            

એક યુવાન મહાજન બોલી ઉઠ્યો.

“મહારાણાજી, મેવાડના ભીલો આપની, આપના  પરિવારની પ્રાણના ભોગે રક્ષા કરશે, રાજપરિવારનો એક પણ સભ્ય અમારા રક્ષાછત્ર વગર નહિ રહે.” મેરપુરના ભીલરાજ પૂંજો બોલ્યો,

“ મહારાણા, હવે આપણા સૌના માટે સંઘર્ષનો માર્ગ છે. ભગવાન એકલિંગજી જેની રક્ષા કરે એ મેવાડની આબરૂ જાળવવાની શક્તિ શું ભગવાન આપણને નહીં આપે ? જો આ વેળા, તમે નમી જશો તોરાજપૂતાનાનું  ગૌરવ હણાઈ જશે. તમારા આ ઉમદા કાર્યમાં તો સમસ્ત રાજપૂતાનાની પ્રજાનો પ્રચ્છન્ન સહકાર હશે જ. કોણ જાણે આજની આ ચિનગારી , જે મેવાડમાંથી પ્રજવળશે તે સમય જતાં વિશ્વસમ્રાજ્યવાદને ખતમ કરનાર , પ્રચંડ અગ્નિ –જ્વાળા નહિ બની શકે. ક્રાંતિની આ જ્વાળા એક જમાનામાં હિમાલયથી કન્યાકુમારી સુધી અવશ્ય ફેલાશે.” કોમલમેર નરેશ અક્ષયરાજ સોનગિરા , જે પ્રતાપના નાના થતા હતા તેમણે કહ્યુ.

“ સંઘર્ષ જ આપણો પથ છે.”  સરદારો બોલ્યા.

એકાએક સૌના મુખમાંથી ‘જય ચિત્તોડ “, જય ચિત્તોડ ,જય ચિત્તોડ નો નાદ ગુંજી ઉઠ્યો.

         મહારાણાજી ભાવવિભોર થઈ ગયા. ચિત્તોડગઢ તેઓ ભૂલી શક્યા  ન હતા. ચિતોડ પર વિજય મેળવવા તેઓ , પ્રાણોનું પણ બલિદાન આપવા માટે તૈયાર હતા.

તેઓના મુખમાંથી પણ શબ્દો સરી પડયા. ‘ જય ચિત્તોડ'

 ---------------૨--------------------   

         બીજે દિવસે પ્રાતઃકાળની તૈયારીઓ શરૂ થઈ ગઈ. પાટવી કુંવર અમરસિંહે રાજા માનસિંહના મનમાં ભોજન-સમારંભ યોજ્યો.  કુંવર અમરસિંહની વય તે વેળા માત્ર ૧૫ વર્ષની હતી. પિછોડા સરોવરના કિનારે, ઉદયપુરમાં વિશાળ શમિયાનો ખડો કરવામાં આવ્યો.

         ઉદયપુરનું નિર્માણ કાર્ય પાછલા કેટલાયે વર્ષોથી થઈ રહ્યું હતું, રાતના પાછલા પહોરથી  જ શમિયાનો તૈયાર કરવામાં સૌ મજૂરો લાગી ગયા હતા. મોંઘેરા મહેમાન માટે સોનાચાંદીના  પાત્રો તૈયાર કરવામાં આવ્યા હતા.

         રાજા માનસિંહ સ્વાગતની તૈયારીઓ જોઈ વિચારમાં પડી ગયા. શું મહારાણા સંધિ સ્વીકારશે ? જેનો પાટવી કુંવર મારી આટલી આગતા સ્વાગતા કરે છે તેના માટે મારે શું ધારવું ?

સરોવર કિનારે લટાર માર્યા બાદ રાજા માનસિંહ ખુશખુશાલ હૈયે અમરસિંહને મળ્યા.

“ આવો હું આપનું સ્વાગત કરું છું. “

         રાજા માનસિંહની એક બાજુ અમરસિંહે સ્થાન લીધું. બીજી બાજુનું આસન ખાલી હજુ મેવાડપતિ માટે એ હતું એ સહજ સમજી શકાય એવી વાત હતી.

         “અમરસિંહ તમારો વિનય, તમારી મૃદુતા. તમારી સંસ્કારી વાણીથી મને ઘણો હર્ષ થયો. તમને કદાચ ખબર નહિ હોય કે , મેવાડ ,મારવાડ અને અંબર , આ ત્રણ રાજ્યો રાજપૂતાનાંની ત્રિવેણી છે.”

“ જી , આપનો વિચાર સર્વથા ઉચિત છે. આ ત્રણે શક્તિ એક થાય તો. રાજપુતાનાની સામે જોવાની દુનિયામાં કોઈની તાકાત નથી. “

         “પરંતુ એક થવામાં થોડા વિધ્નો નડે છે.”

આ સંવાદ ચાલે છે. ત્યાં તો એક સિપાહી આવ્યો.

         “ યુવરાજ , આપણી સેવામાં મહારાણાજીનો સંદેશો છે કે, ગઈ કાલે મોડી રાત સુધી કરેલા શ્રમના કારણે મેવાડપતિની તબિયત અચાનક અસ્વસ્થ થવાથી તેઓ આ સમારંભમાં હાજર રહેવા અસમર્થ છે. આપ અતિથિની તહેનાતમાં રહી મેવાડી આતિથ્ય દિપાવશો.

         આ સાંભળી યુવરાજ અમરસિંહને નવાઈ લાગી અને રાજા માનસિંહને ક્રોધ ઉપજ્યો. તેઓના સમગ્ર બદનમાં ક્રોધનો અગ્નિ ફરી વળ્યો. આંખોમાં અગ્નિનાં તણખા વર્તવા લાગ્યા. “મોગલ સેનાપતિ રાજા માનસિહના સ્વાગતાર્થે યોજાયેલા ભોજન-સમારંભમાં  ખુદ યજમાન મેવાડપતિ મહારાણા પ્રતાપસિંહ ગેરહાજર , આ સમાચાર જ્યારે રાજપૂતનમાં ફેલાશે ત્યારે રાજપૂતો મારે માટે શું ધારશે ? જો હું આ પરિસ્થિતિમાં ભોજન કરીશ તો દુનિયા મારી ઠેકડી ઉડાવશે. શું માનસિહ ભોજનનો ભૂખ્યો છે ? ના . કદી નહિ , એ તો પ્રતાપના માનનો ભૂખ્યો. હતો. પ્રતાપે તરસ્યાને પાણી આપવાને બદલે લાત મારી છે. મારી અંદર રહેલા ભયંકર ભોરિંગને જગાડ્યો.છે. હવે જે થવાનું હોય તે થાય , પ્રતિશોધની જ્વાળામાં મેવાડને ભસ્મ ન કરી દઉ તો હું માનસિંહ કછવાહા શાનો ?

         “માનસિંહજી, કયા વિચારમાં ડૂબી ગયા ? ભોજન આરોગો.”

         “કુંવર અમરસિંહ, આ મારું ભયંકર અપમાન છે. હું મોગલ સામ્રાજ્યનો સેનાપતિ છું. મેં મારી શમશેર વડે ગુજરાતને હમણાં જ રોળી નાખ્યું છે, હું વિજેતા છું. તમે મેવાડીઓ મને કે તમારા સમયને ઓળખી શક્યા નથી. સુવર્ણપાત્રો માં પકવાનો આરોગવાની અભિલાષા લઈને હું આવ્યો ન હતો. રાજપુતાના મહાવીર મેવાડપતિ મહારાણા પ્રતાપસિંહની સાથે , રાજપૂતબંધુના નાતે રૂખીસુખી રોટી ખાવા માટે, મારી આરઝુઓથી હું વિમુખ બન્યો છું. જેને મારી તમન્નાઓના ટુકડેટુકડા કર્યા છે એના જીવનમાં હું મુસીબતોનો ભંડાર ભરી દઈશ. હવે હું મેવાડને પણ તેના વૈભવથી વંચિત રાખવા શીઘ્રાતિશીઘ્ર આવી પહોંચીશ. હું ત્યારે જ ચૈનથી બેસીશ કે, જ્યારે મારા અપમાનનો બદલો વળશે.”

         પાટલા સામે જ , સુવર્ણપાત્રમાં પીરસાયેલા પકવાનનો ભોજન-થાળ પડ્યો હતો. સ્વાદિષ્ટ પકવાનો, સુંદર પાત્રોમાં પિરસાયા હતા. પરંતુ મહારાણાની ગેરહાજરીના સમાચારે રાજા માનસિંહની આખોમાં એ વિષપાન થઈ પડયા. સુધા જ્યારે વિષ બને છે. ત્યારે એ તરફ અભાવ ઉત્પન્ન થાય છે, અન્નદેવતા મહાન છે તેમનો અનાદર તો થાય જ નહીં. પાઘડીમાં અન્ન દાણા નાખી રાજા માનસિંહે, ક્રોધના આવેશમાં, ધરતી પર પગ પછાડતા પછાડતા ચાલવાની તૈયારી કરી.

         “ માનસિંહજી, આટલો બધો ક્રોધ  ન હોય. મેવાડનો યુવરાજ તો આપની જોડે જ છે ને ? “

  “ માનસિંહજી સોનગિરા , તમે મારા ઘા ઉપર મીઠું ન ભભરાવો. રાજપૂત બધુ સહન કરી લે છે. અપમાન નહિ. હું આવ્યો હતો. સત્કાર પામવા. મને મળ્યા નફરત અને તિરસ્કાર. મારા જીવનમાં મારી આવી અવહેલના ક્યારેય થઈ નથી. “

         જુઓ અંબરકુમાર, રાજનીતિ પણ કહે છે કે, સ્વાગત સરખે સરખા કરે. મેવાડના કુમાર અંબરંના કુંવરનું સ્વાગત કરે. એમાં અનૌચિત્ય ક્યાં? આપનો દુરાગ્રહ રાજનીતિ નિયમોથી વિરુદ્ધ છે.” મેવાડના ભીષ્મપિતામહ અક્ષયરાજ સોનગિરા બોલ્યા.

         ક્ષણભર તો સ્તબ્ધતા છવાઈ ગઈ. સૌને લાગ્યું કે, મોગલ સેનાધિપતિ કુંવર માનસિંહના મનનું સમાધાન થઈ જશે. સમય સચવાઈ જશે. પરંતુ કુંવર માનસિંહના મનમાં તો એક જ હઠ હતી કે, મહારાણા પ્રતાપસિંહ મારી જોડે કેમ ન બેસે ? શું મારા વડીલોએ મોગલો સાથે બેટી વ્યવહાર શરૂ કર્યો. 

એથી અમે પંગત માંથી હડસેલાઈ ગયા. તો તો પછી મારે .... .. અને તેઓ ભવાં ચઢાવી બોલ્યા,

         “ કુંવર અમરસિંહ આપના પિતાને મારો સંદેશો આપજો કે, મારા આ ભયંકર અપમાનનો બદલો હું યુધ્ધના મેદાનમાં લઈશ. જે વેળા મારા નેતૃત્વ હેઠળ હિન્દુસ્તાનના મોગલ શહેનશાહ અક્બરની સાગર જેવડી વિશાળ સેના પહાડો અને જંગલોથી છવાયેલી મેવાડની ધરતીને ઉજાડતી આગળ વધશે. તે સમયે મેવાડપતિ મહારાણા ના સપના ધૂળમાં રગદોળાશે  અહંકારી રાણાનું શીશ ચિંતાથી ઘેરાઈ જશે. મેવાડની ધરતી મેવાડની ચિતાઓથી છવાઈ જશે. ગીધડાંઓને મેવાડી માંસની મિજબાની , કદી યે ન મળી હોય એટલા વિપુલ પ્રમાણમાં મળશે. મેવાડ એટલે મારી દ્રષ્ટીએ રેતીના કણો, રેતીના મામૂલી કણોને લીધે હવે તો સમગ્ર મેવાડમાં ભયંકર રક્તપાત સર્જાશે.”

         “ કુંવર માનસિંહજી, જે રજપુતી રક્ત આપના બદનમાં વહી રહ્યું છે એ જ રજપુતી લોહી મારા લોહી મારા દેહમાં દોડી રહ્યું છે, એ  ગરમી અમે પણ દાખવી શકીએ.

         પરંતુ આપ અત્યારે અમારા માનવંતા મહેમાન છો. આટલી જ રેખાને કારણે, મેવાડ અને તેના મહારાણા માટે અપમાનિત વેણ બોલનાર જીવતો જઈ શકે છે. બાકી મેવાડી વીરો વેણ કાઢનારના કવેણ નીકળતા પહેલાં પ્રાણ ન હરી લે ? આપ સુખે સિધાવો. આપના હૈયામાં આટલું બધું ઝેર હતું અને મોં પર મીઠાશ કેવી રીતે લાવી શક્યા ? આપ સંધિ કરાવવા આવ્યા હતા કે યુધ્ધની ચિંનગારીઓનો આતશ પેટાવવા. જાઓ મેવાડી મહારાણા , આપ સંગ્રામ માંગશો તો સંગ્રામ અવશ્ય આપશે. આજનું સ્વાગત મંજૂર ન હોય તો મોગલસેના લઈને આવશો ત્યારે અમારા તરફથી સ્વાગતની કશી મણા નહીં રખાય.” યુવરાજ અમરસિંહ બોલ્યા.

         તે જ પળે અક્ષરરાજ સોનગિરા બોલ્યા ,” હવે કહેવામાં વાંધો નથી કે, ગઈ રાત્રે પ્રજા પરિષદ્ સાથે સંધિ નહિ કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે. 

 

------------------૩-----------------------

         થોડી જ વારમાં એક જાસૂસે આવીને સમાચાર આપ્યા. રાજા માનસિંહજી ખૂબ ગુસ્સામાં હતા. તેઓએ પોતાના ઉતારે જઈ. સાથીઓને તુરંત રવાના થવાની તૈયારી કરવાનો આદેશ આપ્યો છે.

    પોતાના શિકારી કૂતરાઓ પાસે જઈ , પાઘડીમાં રાખેલા  ભોજનના દાણા ખવડાવી દીધા. એક ક્રૂર અટ્ટહાસ્ય કરી, પોતાના સાથીઓ સાથે ઘોડેસવાર થઈ તેઓ મુકામ છોડી ગયા.

         બંને પક્ષે ભરેલો અગ્નિ તો હતો જ માનાપમાનની ચિનગારીએ વિસ્ફોટક સ્વરૂપ ધારણ કરી લીધું. સૌ એ ધારી લીધું કે, નજીકના ભવિષ્યમાં ભયંકર યુદ્ધ આવી રહ્યું છે. બને પક્ષો જાણતા હતા  કે, મેવાડ અને મોગલ સત્તા ટકરાવાની છે જ. સવાલ જો કોઈ હોય તો તે સમય નો છે.

  અને આજના બનાવે જાણે એ સમયે ડોકિયું ન કાઢ્યું હોય એમ સૌને પ્રતીતિ થઈ.

         ચિંતિત મને કુંવર અમરસિંહ મહારાણા પ્રતાપસિંહ પાસે ગયા. તેઓને સર્વ સંવાદ સંભળાવ્યો, વિગત સાંભળી લીધા બાદ ક્ષણભર તો મહારાણા આંખો મીંચી ગયા. થોડી ક્ષણો મહામૌનનું સામ્રાજ્ય છવાઈ ગયું. એકાએક કોઈ ફરિસતો દિવ્ય વાણી સંભળવતો હોય તેમ ગંભીર સ્વરે તેઓ બોલી ઉઠયા. 

         મોગલ સેનાધિપતિ રાજા માનસિંહ ! તારી વિચાર-દશા ઠીક નથી. મેવાડના રક્તકણ એ કેવળ રેતી કણ નથી મમતામયી માતાનું દિવ્યાંગ છે. અહીંના પ્રત્યેક કંકણ પથ્થરોમાં અમે દેવાધિદેવ મહાદેવ ભગવાન એકલિંગજીના દર્શન કરીએ છીએ. અમારે મોગલો સાથે અમારાં સમ્માન અને અમારી સ્વતંત્રતા નો સોદો હરગીઝ નથી કરવો. મેડતાના મુસલમાનો અમારા હમવતન છે, જ્યારે મોગલો તો પરદેશી છે. સંધિ તો શું દોસ્તી પણ ખતરનાક ગણાય. વીરભૂમિ મેવાડને મોગલોના હાથમાં મૂકી દિલ્હીના આલીશાન શાહીમહેલોને સમૃદ્ધ કરવા નથી. ભલે શાહી ફોજ લઈ તમે મેવાડની ધરતી પર આવો. અહીનો એકેએક રાજપૂત વિશાળ મોગલસેનાના આગમનની પ્રતિક્ષા કરશે.”

         મંત્રણા ગૃહમાં અક્ષયરાજ સોનગિરા, રાવત કૃષ્ણસિંહ, ભારમલ કાવડિયા વગેરે ભેગા થયા.

         અક્ષયરાજ સોનગિરા બોલ્યા.” રાજા માનસિંહની કેવી તૃષ્ણા ! પોતાને જ બાદશાહના ગુલામ બનાવ્યા પછી બીજાને પણ એજ રાહના પથિક બનાવવાની લાલસા. હવે તો મેવાડના ખૂણે ખૂણે , જંગલે જંગલે, પહાડોમાં ,ખીણોમાં , ગામેગામ સ્વતંત્ર્ય યુદ્ધ યજ્ઞનું આયોજન થવું જોઈએ.”

        “ આપણે પકવાનો ખાઈએ અને દુનિયા આપની સામે તાકયા જ કરે. એ મઝા લૂંટવા  માંથી આ યુધ્ધોની પૂર્વભૂમિકા સરજાય છે. માનવીની કેવી ગાંડી અભિલાષા જયાં સુધી આપણે હાથી પર બેસીએ નહિ અને બીજા લોકો પગે ચાલીને આપણી આગળ ફરે નહિ ત્યાં સુધી આપણને ચેન પડતું નથી.

        “ માનવતા ક્યાં રહી ? શહેનશાહ અકબરને હિંદના આવડા મોટા સામ્રાજ્યથી સંતોષ નથી. અને મહારાણા પ્રતાપ તથા મેવાડીઓના ખૂનની તૃષ્ણા રાત દિન સાલે છે. ભારમલ કાવડિયા બોલ્યા. ઝાર    માનસિંહ બોલ્યા, “ ભારતના રાજકીય આકાશમાં એકવાર  મહારાણા પ્રતાપની શમશેર વિધુતસેર ની માફક ચમકશે.”