ઘેરાઈ ગયેલી એ રાતમાં પ્રકાશિત થતા નાના નાના તારાઓને એ થોડીવાર માટે કાળજીપૂર્વક ગણતી રહી.દરેક વખત ની જેમ આ વખતે પણ તેના મનમાં બધા તારાઓને ના ગણી શકવાનો વસવસો પૂરેપૂરો દેખાતો હતો.કેમ કરીને આ રીતે તારાઓને ગણી શકાય ? તે મનમાં વિચારતી રહી.અશક્યને કદી પણ શક્ય કરી શકાય કે કેમ ? ચંદ્રની સપાટીની ચારે બાજુ ફરી શકાય કે કેમ ? અગણિત પ્રશ્નો તેના મનમાં દોડવા લાગ્યા.જ્યારે સમય અને સંજોગો બદલાય ત્યારે આ રીતે વિચારવાનો સિલસિલો શરૂ થઇ જાય છે એ વાત એના મગજમાં ફરી રહી. તેણે ઊભા થઈને બહાર નીકળી સામે રહેલા ઝાડની અંદર એક એક કરીને ચાર થી પાંચ તીર ઉતારી દીધા.નિશાન એટલા મજબૂત હતા કે એકપણ તીર તેના નિશાના થી ચૂક્યા નહોતા.રાતના અંધારામાં વેરાન ટેકરા પર બનેલો એ આશ્રમ નીચેથી એકદમ અંધકારમય લાગતો પણ ઉપર થી જોતા એકદમ પ્રકાશિત! તેણે બાંધેલા એ કફનમાં બસ એની અંગારાની જેમ ભડ ભડ થતી આંખો જ દેખાતી હતી.પોતે ઊપર થી નીચે સુધી લઈને પહેરેલા એક યોદ્ધાની જેમ લાગતા વસ્ત્રો તેની શોભા વધારી રહ્યા હતા. ભીમાએ ગુસ્સાની જ્વાળા સાથે ફરીથી તીર ચલાવીને ફડ ફડ ઉડી રહેલા મજબૂત દોરડાની સામે તીર છોડ્યું અને તે સાથે જ તીરે એકદમ એની જગ્યા પર જઈને સટિક ઘા કર્યો.ભીમા આશ્રમમાં સૂઈ રહેલ ગુરુદેવ અને બીજા અભ્યાસ કરતા છોકરાઓ સામે જોઈ રહી. તેણે બે ઘડી આંખો બંધ કરી અને પહેલા મારેલા એ ચાર તીર પાસે બાંધેલા દોરડા સાથે આશ્રમના ટેકરા પરથી કૂદીને તરત નીચે ઉતરી ગઈ.તેને સહેલાઈથી આ રીતે જતા જોઈને અંદાજો લગાવી શકાતો હતો કે તેણે છોડેલા એ અંતિમ તીરમાં કેટલો દમ હતો જેણે હજુપણ મજબૂત પકડ જમાવી રાખી હતી !
હંમેશા આપણે કોઈને કોઈ રૂપમાં, કોઈને કોઈ રીતે ,કોઈને કોઈ વસ્તુ પાછળ ભાગતા રહીએ છીએ એ પછી પ્રેમ હોય,ગુસ્સો હોય,દીનાર હોય,સપના હોય કે પછી ક્યાં સુધી ના અટકતા એ વિચારો હોય ! શાંતિથી બેસી જઈએ તો આજુ બાજુ દોડી રહેલા લોકોની ભીડમાં આપણે ક્યાં ખોવાઈ જઈએ એની આપણને જ ખબર નથી હોતી ! એકવાર પાછળ ફરીને જોવા ઊભા રહેલા એ નાજુક જીવને એ બધા મૂર્ખ માનીને દોડાવ્યા કરે છે.કોઈ દિવસ આ રીતે દોડવાનો થાક નથી વર્તાતો કે પછી વર્તાય તો પણ ઊભા રહેવાની ક્ષમતા કદાચ ખોઈ બેસીએ છીએ એ ખબર ભિમાને નહોતી પડી રહી. ભીમા આજે વધારે વિચારોની હોડમાં બેસી ગઈ હતી.કેમ કરીને આ વિચારોથી દૂર ભાગી શકાય એની જાણ એને નહોતી.પોતાની ઉંમર કરતાં વધારે સાહસી અને હિંમત તેની એક ઓળખ હતી.નીચે ઉતરતાની સાથે તેણે બાજુમાં બનેલા બીમમાં જઈને છૂપાઈ ગઈ હતી.એકબાજુ રાજમહેલમાં જતો રસ્તો હતો તો બીજીબાજુ રાજમહેલની સીમા પાર કરીને જંગલમાં જતો રસ્તો,હવે કયો રસ્તો એને પસંદ કરવાનો છે એ એના પર આધાર હતો.સીમાથી સીધા ઊપર એકદમ ત્રિકોણ આકારમાં ટેકરા પર બનેલો ગુરૂ મિથાધિશનો આશ્રમ પ્રકાશિત થઈ રહયો હતો.રાજમહેલની સીમા પર તૈનાત દરેક સૈનિકોના ચાલવાના અવાજો તેના કાને પડી રહ્યા હતા.એક પછી એક ધડ ધડ દઈને આવતા ભાલાના અવાજો ધરતી પર કોઈ અલગ જ ઊર્જા આપી રહ્યા હતા.ત્યાં તેની નજર દૂર થી આવતા સૈનિકોના ઝુંડ પર જઈને સ્થિર થઈ એ સાથે જ તેના ચહેરા પર અનેરી રોનક આવી ગઈ હતી.સીમા પાર કરવા જઈ રહેલા એ સૈનિકોના ઝુંડ પર તરત એ પાછળ ભાગી હતી.સીમા પાર કરવા જઈ રહેલ એ ઝુંડ સીમા પર આવીને સ્થિર થઈ ગયું હતું એનો લાભ ઉઠાવીને તરત ભીમા સૌથી છેલ્લે રહેલા સૈનિક પાસે જઈને તેની ચીસ ના નીકળે એમ માથામાં ઘા કરીને મોઢા પર હાથ દબાવીને તેને સહેલાઈથી નીચે પાડી દીધો હતો.બેભાન સૈનિક કંઈ સમજે એ પહેલા જ તેને બધાની નજરથી બચાવીને એને બીમ પાસે જઈને સુવડાવી દીધો હતો.હવે સવાર સુધી એ આ જ હાલતમાં હશે એની પૂરેપૂરી ખાતરી કરીને તરત ભીમા સૈનિકના વેશમાં ધોડા પર બેસીને એ સૈનિકોના ઝુંડમાં સામેલ થઈ ગઈ હતી.ધીરે ધીરે કરીને ઝુંડ સીમા પાર કરીને જંગલ તરફ આગળ વધી રહ્યું હતું.....
******
કોઈ પરિણામ પર આવતા પહેલા જ ભીનોરદાદાની સામે આવીને એ ઊભો રહી ગયો.એકદમ ખડતલ, ગામઠી અને બીજાને હંફાવે એવા એના મોટા ખભાઓ પરથી પરસેવો પડી રહયો હતો.તેની આંખો નીચે થયેલા કુંડાળા સાફ દેખાઈ રહ્યા હતા.ભીનોરદાદાએ પોતાની કમર પાછળ રહેલી કટાર પર ધીરે ધીરે હાથ સરકાવી દીધો હતો.સત્યેન હજુપણ કંઈ સમજી નહોતો શકતો કે અહી શું થઈ રહ્યું છે ? મિત્રા તેની આજુ-બાજુમાં ઊભા રહેલા એ લોકોને જોઈને અવાક્ બની ગઈ હતી.પોતાના ધનુષને સામે રહેલા એ વિષ્ટના પગ પાસે પડેલું જોઈને તેની બચવાની આશા મરી ગઈ હતી.આંખ નીચે મારેલા મુક્કાને યાદ કરીને સત્યેનના સુકાઈ ગયેલા રક્તમાં ગુસ્સો ઔર વધારે વ્યાપી રહ્યો હતો.કોઈ કંઇપણ વિચારે એ પહેલા જ ભીનોરદાદાની સામે રહેલા એ વિષ્ટએ ધક્કો મારીને ભીનોરદાદાને બાજુમાં ફેંકી દીધા.પોતાના પર થયેલ અચાનક પ્રહારથી કંઈ સમજે એ પહેલા જ ભીનોરદાદાની નજર સામેથી આવી રહેલા સૈનિકો પર પડી.સૈનિકોનું એક ઝુંડ તેમના તરફ આવી રહ્યું હતું.વિષ્ટ સામે ઊભો રહીને સૈનિકોને આવતા જોઈ રહ્યો હતો. તેણે ભીનોરદાદાને તેમની બાજુમાં પાછળ છુપાઈ જવા ઈશારો કર્યો.ભીનોરદાદા એની વાત સમજી ગયા હતા અને તરત ઊભા થઈને સત્યેન અને મિત્રાને લઈને કોઈને દેખાય નહિ એમ વિષ્ટ લોકો જ્યાં ઊભા હતા ત્યાં પાછળ ઝાડીઓમાં જઈને છૂપાઈ ગયા હતા.સત્યેન અને મિત્રાને કંઈ સમજ નહોતી પડી રહી કે અહી શું થઈ રહ્યું છે...કેમ આ વિષ્ટ લોકોની પાછળ ભીનોર દાદા તેમને છુપાઈ રહ્યા છે ?સૈનિકોનું ઝુંડ વિષ્ટઓને જોઈને ત્યાં જ ઊભું રહી ગયું હતું.વિષ્ટ જેટલા કમજોર હતા એટલા જ પ્રમાણમાં આ સૈનિકો માટે માથાનો દુખાવો બની બેઠા હતા.એક વર્ગ માટે થઈને વિષ્ટ હંમેશા રાજાની ગુલામી કરતા રહ્યા હતા અને હજુપણ કરે છે એ વાત સાચી હતી.કોઈ આપત્તિ વગર દરેક સૈનિકો થી લઈને રાજકીય અધિકારીઓની વ્યવસ્થાપન માટે હજુપણ એ એટલા જ જવાબદાર હતા પણ હવે એક વર્ગ વિષ્ટની એ પ્રણાલીને તોડવા સક્ષમ બની રહયો હતો પણ આટલા અલ્પ લોકોના ઉજાગર થવાથી કંઈ આખો સમુદાય નહિ બદલાય એ એમને ખબર હતી છતાં પોતાના પૂરા જોશ સાથે એમણે લડવાની તૈયારી બતાવી હતી.એના લીધે થઈને જ આજે સૈનિકોનું એ ઝુંડ એક વેંત દૂર ઊભું રહી ગયું હતું.રાતના અંધકારમાં નીકળતા એ વિષ્ટનો ભરોસો કરવો ખરેખર અનિશ્ચિત હતો.
"કા બાજુ..."તેણે સૈનિકો સામે જોઇને ઉદ્દગાર કર્યો. સૈનિકોના સામે ઊભેલા એ ખડતલ,ગામઠી વિષ્ટને જોઈને આગળ જવાની કોઈની પણ હિંમત નહોતી થઈ રહી એટલે ત્યાંથી જ સૈનિકોના અગ્રેસર રહેલા સૈનિકે જવાબ આપ્યો,
"અમે ત્રણ વ્યપારીઓને શોધીએ છીએ જે રાજમહેલના સૈનિકને નુકશાન પહોંચાડી જંગલમાં ભાગી નીકળ્યા છે...."વિષ્ટ આટલું સાંભળતા સામે ઊભા રહેલા સૈનિકના બદનમાં નીકળેલો પરસેવો અનુભવી રહ્યો જે વારે વારે થઈને પોતાના હાથ વડે સાફ કરી રહયો હતો.તેને આમ કરતા જોઈને તે હસી પડ્યો.તેને હસતા જોઈને પાછળ ઊભેલા બીજા વિષ્ટ પણ હલકી મુસ્કાન સાથે હસવા લાગ્યા.જ્યારે જ્યારે પરસેવે રેબઝેબ થતા માણસો જોઈને જે વેદના એમને અનુભવાતી હતી એ આજે સૈનિકોના પરસેવાથી એમને ખુશી આપી રહી હતી.
"કદાચ ..તમેકો થોડી રસ્તા શોધવાની મુશ્કેલી પડી હે અમે ક્યાં સુધી અહે બેઠેલા છીએ કોઈ કા અહી દૂર સુધી આવતા કે જતા જોએ ના....."તેણે પોતાની વિષ્ટ ભાષા કે જેમાં પાકૃત્ અને હિંદ ભાષાનો સમન્વય હોય એવી બોલીમાં જવાબ આપ્યો.આ વાત સાંભળીને સૈનિકો થોડીવાર માટે એકબીજાની સામે જોઈ રહ્યા.આટલા દૂર સુધી આવીને આ રીતે પાછા ફરી શકાય એવા કોઈ કારણો એમના પાસે નહોતા.
"કદાચ...અમારા સૈનિકોના કહેવા પ્રમાણે એ લોકોને આ બાજુ જતા એમણે જોયા છે અને કદાચ....આ આગ પણ એમને જ કરી હોય...."સૈનિકે ફરી ખરાઈ કરતા વિષ્ટ સામે જોઈને કહ્યું.
"કા બાજુ આ બાજુ તો કોઈ ના આવે કે ગયો હે અને આ આગ અમે ચાંપી હે...."તેણે સામે જવાબ આપતા કહ્યું.વિષ્ટનો જવાબ સાંભળીને સૈનિક આજુ બાજુ જોવા લાગ્યો હતો.તેના મત મુજબ એ લોકો વધારે દૂર સુધી નહિ ભાગી શક્યા હોય અને જો ભાગ્યા પણ હશે તો એમને વિરામ માટે થઈને એક ઠેકાણે ધામા નાખવા જ પડ્યા હશે.આગળ જવાનો કોઈ સવાલ પેદા નહોતો થઈ રહ્યો કેમકે અહી વિષ્ટનો એટલો જોરદાર દબદબો હતો કે તે ક્યારેય કોઈ સૈનિકોને બક્ષતા નહોતા.આજે અહી સુધી આવીને પણ આ સામન્ય વિષ્ટમાંથી ઉજાગર થયેલા આ વિષ્ટના ગણને જોઈને તેમની હાલત ફફડી ગઈ હતી.આ સાથે જ એક પછી એક બધા સૈનિકો પાછા વળીને રાજમહેલની તરફ વળવા લાગ્યા.તેમને જતા જોઈને ભીનોરદાદાના મનમાં હાશ થઇ હતી.શાંતિથી ઊભા ઊભા સૈનિકોને દૂર સુધી જતા જોઈ રહેલા એ વિષ્ટનો પડછાયો આગના લીધે સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
*********
જેમ તેમ કરીને એણે સામેથી પસાર થઈ રહેલા એ સૈનિકોના ઝુંડમાં પ્રવેશ મેળવીને સામેલ થઈ હતી.જંગલમાંથી પાછા ફરી રહેલા સૈનિકોના દરેક મૌનના પડઘા એના કાને પડી રહ્યા હતા.એ કયા ત્રણ લોકો હતા જેમને શોધવા માટે થઈને એ જંગલમાં ગયા હતા એનાથી એને કોઈ લેવા દેવા નહોતા,આજે પણ પોતે શોધવા નીકળેલ વ્યક્તિને ના શોધી શકવાનો પૂરેપૂરો વસવસો એના મનમાં હતો.કેટલી મહેનત કરીને દરેક રાતે તે અલગ અલગ સૈનિકોના ઝુંડમાં સામેલ થઈ ખુદના ચહેરાને પંપાળીને શોધવાનો પ્રયત્ન કરતી હતી.કોણ છે જેના માટે થઈને આ રીતે તેની દરેક રાતોને ન્યોછાવર કરીને પોતે અલગ જ વ્યથા લઈને તે નીકળતી હતી ? કોઈ ડર વગર કે પરિણામની ચિંતા વગર પોતાની જાન જોખમમાં મૂકી કેમ તેને આ સાહસ કરવાની જરૂર પડી રહી હતી ?
ક્રમશઃ