સ્વપ્નસુંદરીનો પ્રસ્તાવ સાંભળીને હું સ્તબ્ધ બની ગયો હતો. થોડી વાર તો હું સૂનમૂન બેસી રહ્યો.
એક વાત તો જોકે સ્વપ્નસુંદરીએ સાચી કહી હતી.જો હું આ પ્રસ્તાવનો સ્વીકાર ન કરું તો પછી હું સ્વપ્નસુંદરીનો સાથ પણ ખોઈ દઉં.અને હા પાડવામાં કોઈ નુકસાન નહોતું. રમતમાંથી બહાર નીકળી જવા હું સ્વતંત્ર હતો એવું તો સ્વપ્નસુંદરી પણ કબૂલ કરી રહી હતી.
સ્વપ્નસુંદરી ભાવહીન ચહેરા સાથે અપલક મને જ તાકી રહી હતી.કદાચ તેને ખાતરી હતી કે હું તેના પ્રસ્તાવનો અસ્વીકાર નથી જ કરવાનો!
"ઠીક છે.મને મંજૂર છે."અંતે હું બોલ્યો.
અને સ્વપ્નસુંદરીના ચહેરા ઉપર નિરાંત તરવરી ઉઠી.
"મને તારી પાસે આ જ આશા હતી."તેણે સ્મિત સાથે કહ્યું.
બદલામાં મેં ફક્ત એક સ્મિત કર્યું પણ કશું બોલ્યો નહીં. આમ પણ બોલવા જેવું હતું શું?
અચાનક સ્વપ્નસુંદરીની આંખો ચમકી ઉઠી, "જો તારા બે મિત્રો કેન્ટીનના દરવાજાની આગળ સંતાઈને આપણને જોઈ રહ્યા છે.નાટક શરૂ કરવાનો સમય આવી ગયો છે."
"એટલે શું?"હું ગુચવાયો.
સ્વપ્નસુંદરીએ પોતાનો હાથ આગળ કર્યો, "મારા હાથ પર પોતાનો હાથ મૂકી દે."
મેં ખચકાતા ખચખાતા તેના હાથ ઉપર હાથ મૂક્યો.
"આમ ગભરાય છે શાનો? સ્વપ્નસુંદરી બોલી," મારા હાથમાંથી કંઈ કરંટ નથી નીકળતો."
હવે એને કોણ સમજાવે કે તેના હાથ પકડીને મને 440 વોલ્ટના ઝટકા લાગી રહ્યા હતા!
સ્વપ્નસુંદરીએ પોતાની સૂચનાઓ ચાલુ રાખી,"હવે મારી આંખોમાં આંખો નાખ અને મારી સાથે રોમેન્ટિક વાતો કરતો હોય તેવો દેખાવ કર."
મેં માથુ ધુણાવ્યું અને તેની ચહેરાની એકદમ નજીક મારો ચહેરો લઈ ગયો અને ધીમેથી બોલ્યો, "શેર બજાર અત્યારે ડાઉન છે.તને શું લાગે છે અત્યારે નવું રોકાણ કરવું જોઈએ કે પછી માર્કેટ થોડું સ્થિર થાય તેની રાહ જોવી જોઈએ?"
સ્વપ્નસુંદરી મારી સામે આશ્ચર્યથી જોઈ રહી.
મેં વાતચીત ચાલુ રાખી,"અને જો અત્યારે રોકાણ કરીએ તો સ્મોલ કેપમાં રોકાણ કરવું જોઈએ કે પછી લાર્જકેપમાં કરવું જોઈએ?"
સ્વપ્નસુંદરી શરમાઈને બોલી,"આ તો શું બકવાસ કરી રહ્યો છે? તને બીજું કોઈ વિષય નથી મળતો વાત કરવા માટે?"
હું ચહેરા પર એકદમ રોમેન્ટિક ભાવ લાવીને બોલ્યો,"છે ને! બીજા ઘણા બધા વિષય છે. તને શું લાગે છે રોહિત શર્મા સેન્ચ્યુરી ક્યારે મારશે? કેટલાય સમયથી તેની સેન્ચ્યુરી નથી આવી. હવે તો તેને ટીમમાંથી કાઢવા માટે પણ અવાજો ઉઠવા માંડ્યા છે."
સ્વપ્નસુંદરી મલકી,"તને ખબર છે તું એકદમ બાઘો છે!"
હું સ્વપ્નસુંદરીનો હાથ પંપાળવા માંડ્યો, "સારું મને ખ્યાલ નહોતો કે છોકરીઓને અર્થતંત્ર અને ક્રિકેટમાં બહુ રસ નથી હોતો. તો સલમાન ખાનના લગ્ન કેમ નથી થઈ રહ્યા તેના વિશે ચર્ચા કરીએ?"
હું સ્પષ્ટ જોઈ રહ્યો હતો કે સ્વપ્નસુંદરીને ગુસ્સો આવી રહ્યો હતો.પણ ચહેરા ઉપરથી સ્મિત હજી વિદ્યમાન હતું. "તું મજાક કરી રહ્યો છે. સરખી વાતચીત તો કર."
હું બોલ્યો," અરે પણ આપણે નાટક જ કરવાનું છે ને!હું ખરેખર પ્રેમભરી વાત કરીશ તો પણ તારા માટે તો એ નાટક જ હશે.!"
ને આટલું કહેતા કહેતા હું અચાનક ગંભીર થઈ ગયો.
ત્યાં મારી નજર કેન્ટીનના દરવાજા પાસે ગઈ.સૌરભ અને વિનય ત્યાં જ ઉભા હતા અને ફાટી નજરે અમારી તરફ જોઈ રહ્યા હતા.વિનયના ડોળા તો એટલી હદે બહાર આવી ગયા હતા કે એવું લાગતું હતું એના ચશ્માના કાચ ફૂટી જશે. જ્યારે સૌરભની હાલત એવી હતી કે ભર બપોરે આકાશમાં ચંદ્રમા જોઈ લીધો હોય.
"સારું હવે મજાક બંધ."મેં કહ્યું,"મને લાગે છે કે અત્યાર માટે આટલું નાટક પૂરતું છે. બહાર મારા જે બે મિત્રો આપણને જોઈ રહ્યા છે તેમના રિએક્શન પરથી તો એવું લાગી રહ્યું છે કે આપણું નાટક સફળ નીકળી રહ્યું છે."
સ્વપ્નસુંદરીએ પણ તીરછી નજરે એ બે તરફ જોઈ લીધું અને આ વખતે તેના ચહેરા ઉપર ખરેખરું સ્મિત આવ્યુ.
"હા!" તે ખિલખિલાટ હસીને બોલી," શરૂઆત તો શુભ થઈ છે આપણી."
"તો હવે?" મેં કહ્યું.
"હું તને કોલ કરીશ.તું મને તારો નંબર આપી દે." સ્વપ્નસુંદરીએ કહ્યું.
મેં મારો નંબર આપી દીધો અને તેણે સેવ કરી લીધો.
"અત્યારે તો મારે ક્લાસ છે પછી હું તને કહું છું કે આપણે આગળ કેવી વ્યૂહરચના અપનાવી."કહીને તેણે વિદાય લીધી.
તેણે મારા મોબાઈલ ઉપર પોતાના નંબરનો મિસ કોલ કર્યો હતો. હું એ નંબર સેવ કરવા ગયો ત્યાં અચાનક મને ખ્યાલ આવ્યો કે હજી પણ મેં એનું નામ પૂછ્યું ન હતું. મેં માથું પીટી લીધું અને અંતે એના નામને સ્વપ્નસુંદરી તરીકે સેવ કર્યો.
ક્રમશ: