21
જગનની રિવૉલ્વરની ગોળીએ, ફૂલસ્પીડમાં દોડી રહેલી રાજવીરની કારના ટાયરનો ધડાકો બોલાવી દીધો, એ સાથે જ રાજવીરની કાર બેકાબૂ થઈને રાજવીર, સિમરનની લાશ અને ડીકીમાં પુરાયેલા વિક્રાંત સાથે બ્રીજની ડાબી બાજુની રેલિંગ તોડીને ઊંડા નાળામાં ખાબકી.
એ જ પળે રાજવીરે કારનો દરવાજો ખોલી નાખ્યો અને બીજી પળે તો કાર નાળામાં ધીરા વહેણમાં વહેતા પાણીમાં ડૂબકી લગાવી ગઈ. અને આની ત્રીજી જ પળે, બિન્દલે ઉપર-બ્રીજ વટાવીને એક ચિચિયારી સાથે કાર ઊભી રાખી. બિન્દલ અને જગન બન્ને જણાં કારમાંથી ઊતર્યા.
‘બિન્દલ..,’ જગને ઉતાવળા અવાજે કહ્યું : ‘... આપણે ડીકીમાં રહેલા વિક્રાંતને બચાવવાની સાથે જ રાજવીરને પણ પૂરો કરવાનો છે.’
‘હા, નાળાના પાણીમાં ગુંગળાઈને રાજવીર મરી જાય તો આપણી એક ગોળી બચી જશે, પણ બોસ મરી જશે તો આપણા રૂપિયા રખડી પડશે.' બોલતાં બિન્દલ બ્રીજની બાજુના ટેકરા પરથી નીચે નાળા તરફ ઊતરવા માંડયો. સાથે જ જગન પણ ઊતરવા માંડયો.
બન્ને જણાં ખૂબ જ ઉતાવળમાં હતા, અને બન્નેનું ધ્યાન નીચે નાળા તરફ જ હતું, એટલે થોડેક આગળ, એમ્બ્યુલન્સની પાસે ઊભેલા શક્તિ તરફ તેમનું ધ્યાન ગયું નહોતું.
જોકે, શક્તિએ રાજવીરની કારને બ્રીજની રેલિંગ તોડીને નાળામાં ખાબકતાં જોઈ હતી, અને એ પછી તેણે જગન અને બિલને પણ કાર રોકીને, ઝડપભેર નાળા તરફ ઊતરી જતા જોયા હતા.
શક્તિને ઘડી વાર માટે બ્રીજ તરફ દોડી જવાનું મન થયું, પણ તેણે મનને રોકી રાખ્યું. ‘ના. બોસ આવે ત્યાં સુધી અહીંથી હલવું નથી.’ તેના મગજમાંનો વિચાર પૂરો થયો, ત્યાં જ તેના મોબાઈલ ફોનની રીંગ વાગી ઊઠી. તેણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને સ્ક્રીન પર જોયું અને પછી મોબાઈલ કાને મૂકતાં કહ્યું : ‘બોલો, બોસ !’ અને પછી મોબાઈલ ફોનમાં સામેથી તેના બોસની વાત સાંભળીને તેણે કહ્યું : “બોસ, હું એ બ્રીજ પાસે જ ઊભો છું. મેં એ કારને બ્રીજ પરથી નાળામાં પડતી જોઈ અને પછી પાછળ-પાછળ જ ધસી આવેલી કારમાંથી બે આદમી ઊતરીને નાળામાં ઊતર્યા.’
અને મોબાઈલમાં સામેથી શક્તિના બોસે તેને અમુક હુકમ આપ્યા, એટલે તેણે કહ્યું : ‘ચિંતા ન કરો બોસ, હું જોઈ ન્ લઉં છું.’ અને મોબાઈલ કટ્ કરતાં તેણે એમ્બ્યુલન્સમાં બેઠેલા પોતાના ત્રણ સાથીઓમાંથી એકને બૂમ પાડી : ‘બલવીર ! બહાર આવ તો..,’
અને એમ્બ્યુલન્સનો પાછળનો દરવાજો ખોલીને, સુમિત્રા અને નતાશાની આસપાસ બેઠેલા ત્રણ ગુંડામાંથી બલવીર બહાર નીકળી આવ્યો. બલવીર દરવાજો પાછો બંધ કરીને શક્તિ તરફ ફર્યો, એટલે શક્તિએ કહ્યું : ‘બોસનો ફોન હતો. આપણે નીચે નાળામાં ઉતરવાનું છે.' અને પછી તેમણે શું કરવાનું છે ? એ બલવીરને ઉતાવળે સમજાવીને, બલવીરને લઈને સાવચેત પગલે બ્રીજ તરફ આગળ વધ્યો.
ત્યારે બ્રીજની નીચે, નાળા પાસે પહોંચી ચૂકેલા જગન અને બિન્દલ ચંદ્રના ઝાંખા અજવાળામાં કાર તરફ જોઈ રહ્યા.
કાર નાળાના પાણીમાં ઊંધા મોઢે પડી હતી. કારનો અડધો ભાગ અંદર ડૂબેલો હતો, જ્યારે ડીકીનો ભાગ જ બહાર દેખાતો હતો. અત્યારે એ ડીકી ખૂલી અને એમાં વિક્રાંત દેખાયો.
કાર બ્રીજ ઉપરથી નીચે પડી એમાં અથડાટ-પછડાટમાં વિક્રાંતને તમ્મર આવી ગયાં હતાં, આંખે અંધારા છવાઈ ગયાં હતાં. આંખ આગળથી અંધારા ઓછા થતાં જ તેણે અત્યારે ડીકી ખોલી હતી.
‘બૉસ !’ જગન અને બિન્દલ બન્નેએ એકસાથે જ બૂમ પાડી.
‘રાજવીર બહાર નીકળ્યો નથી ને...?' ડીકીમાંથી બહાર- નાળાના પાણીમાં આવતાં વિક્રાંતે જગન અને બિન્દલને અધીરાઈભેર પૂછ્યું.
‘ના.’ જગન અને બિન્દલે એકસાથે જ કહ્યું અને જગને હાથમાંની બેટરીનું અજવાળું આસપાસમાં ફેરવ્યું.
રાજવીર ડ્રાઈવિંગ સીટ પર હતો, અને સિમરન એની બાજુની સીટ પર.., ' વિક્રાંતે કારના આગળના ભાગને પાણીમાં ડૂબેલો જોતાં કહ્યું : ‘..જુઓ, શું થયું એ બન્નેનું ? !’ અને વિક્રાંત પોતે કિનારા તરફ આગળ વધ્યો.
તો કિનારે ઊભેલા જગન અને બિન્દલ બન્ને જણાં પોતપોતાની રિવૉલ્વર સંભાળતાં કાર તરફ આગળ વધ્યા.
વિક્રાંત કિનારે પહોંચીને અડધી ડૂબેલી કાર તરફ જોઈ રહ્યો.
ચંદ્રના અજવાળામાં દેખાઈ રહેલી કાર જે રીતના ડૂબેલી હતી અને રાજવીર અને સિમરન હજુ સુધી બહાર આવ્યા નહોતા, એ જોતાં વિક્રાંતને થયું કે, અત્યાર સુધીમાં રાજવીર અને સિમરન બન્ને નાળાના ગંદા પાણીમાં ગૂંગળાઈને મરણ પામ્યા હશે. જોકે, અત્યારે હવે તેને થતું હતું કે, રાજવીર જીવતો હોય તો સારું. કારણ કે, હવે જગન અને બિન્દલનો સાથ મળતાં તે રાજવીર પાસેથી કૈલાસકપૂરના ચાલીસ કરોડ રૂપિયાના હીરા, દસ કરોડ રૂપિયા રોકડા અને કૈલાસકપૂરનું લૅપટોપ પાછું મેળવી શકે એમ હતો.
વિક્રાંત અહીં આવું વિચારતો ઊભો હતો, ત્યારે તેની પીઠ પાછળ, થોડેક દૂર, ઝાડીઓમાં હાથમાં રિવૉલ્વર સાથે શક્તિ અને બલવીર ઊભા હતા. બન્ને અત્યારે તેમને તેમના બૉસ પાસેથી મળેલા હુકમ પ્રમાણે વર્તી રહ્યા હતા. અત્યારે સામેનું ચિત્ર હજુ સ્પષ્ટ થયું નહોતું. હજુ તેમના બહાર મેદાનમાં, વિક્રાંત અને એના સાથીઓ સામે ઉતરવાનો સમય આવ્યો નહોતો. અને એટલે જ બન્ને જણાં અત્યારે હાથમાં રિવૉલ્વર સાથે ચુપચાપ ઊભા હતા અને કિનારે ઊભેલા વિક્રાંત તેમજ અડધી ડૂબેલી રાજવીરની કાર નજીક પહોંચેલા જગન અને બિન્દલ તરફ જોઈ રહ્યા હતા.
જગને ડ્રાઈવિંગ સીટનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ એ ખૂલ્યો નહિ. તેણે પાણીમાં ડૂબકી લગાવી અને થોડીક પળો પછી બહાર આવ્યો.
‘શું થયું ?!’ કિનારે ઊભેલા વિક્રાંતે અધીરાઈ સાથે પૂછયું. પણ જગને કોઈ જવાબ આપ્યો નહિ. એણે ફરી ડૂબકી મારી.
હવે બિન્દલે પણ કારની બીજી બાજુ પહોંચીને ડૂબકી મારી. આ રીતના બે-ત્રણ વખત ડૂબકી મારીને- કારની અંદરની સ્થિતિની પાકી ભાળ મેળવીને પછી જગન અને બિન્દલે બન્નેએ એકબીજા સામે જોયું. ‘અંદર સિમરનની જ લાશ પડી છે..,’ જગન બિન્દલ સામે જોતાં બોલ્યો : ‘...રાજવીર નથી.’
‘બરાબર છે. રાજવીર નથી.' બિન્દલે કહ્યું, એટલે જગન કિનારે ઊભેલા વિક્રાંત તરફ ફર્યો : “બૉસ !' એણે કહ્યું : ‘સિમરનની લાશ છે, પણ રાજવીર નથી.'
સાંભળતાં જ વિક્રાંત રાજવીરને એક ગંદી ગાળ બકયો, અને પછી રોષભેર ચિલ્લાયો : ‘હજુ એ કુત્તો આટલામાં જ હશે, એને શોધીને ખતમ કરો.’
‘જી, બૉસ,' કહેતાં જગન અને બિન્દલે એકબીજા સામે
જોયું.
તું સામેની બાજુએ જો, હું આ બાજુ જોઉં છું.’ જગને બિન્દલને કહ્યું.
બિન્દલ નાળાના બીજા-સામેના કિનારા તરફ આગળ વધી ગયો, તો જગન વિક્રાંત હતો એ કિનારા તરફ આગળ વધ્યો.
જગન કિનારા પર આવ્યો અને એણે હાથમાં રિવૉલ્વર સાથે, આસપાસમાં રાજવીરની શોધ આદરી, વિક્રાંત પણ એની સાથે આગળ વધ્યો.
ત્યારે એમનાથી થોડાંક પગલાં દૂર જ, ડાબી બાજુની ઝાડીઓ પાછળ રાજવીર લપાઈને પડયો હતો.
કાર બ્રીજની રેલિંગ તોડીને, નાળામાં ખાબકી એ વખતે જ રાજવીરે કારનો દરવાજો ખોલી નાખ્યો હતો, અને બહાર છલાંગ લગાવી દીધી હતી. કાર નાળામાં પડી એની બીજી પળે તે કિનારાની જમીન પર પટકાયો હતો.
આટલે ઊંચેથી જમીન પર પડતાં જ તેના મોઢેથી પીડાભર્યો અવાજ નીકળી ગયો હતો. તેને ડાબા ખભા અને ડાબા પગમાં ખૂબ જ વાગ્યું હતું, પણ તેને ખબર હતી કે, ગણતરીની પળોમાં જ વિક્રાંતના સાથીઓ જગન અને બિન્દલ આવી પહોંચશે, અને એટલે તે પીડાને પરાણે દબાવતાં-લંગડાતો-લંગડાતો નીચી ઝાડી- ઓમાં દાખલ થઈને છુપાઈ ગયો હતો.
એની થોડીક સેકન્ડો પછી હાથમાં રિવૉલ્વર સાથે જગન અને બિન્દલ કિનારા પર ઊતરી આવ્યા હતા. પછી વિક્રાંત કારની ડીકીમાંથી બહાર નીકળ્યો હતો અને અત્યારે હવે એ જગન અને બિન્દલ સાથે તેને શોધી રહ્યો હતો.
અત્યારે વિક્રાંત અને જગન તેનાથી થોડાંક પગલાં દૂર જ ફરી રહ્યા હતા.
રાજવીરે રિવૉલ્વર કાઢવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો.
પણ આ શું ? ખિસ્સામાં રિવૉલ્વર નહોતી.
તેની પાસેની બેમાંની એક રિવૉલ્વર તો બ્રીજ પરથી નીચે પડતી વખતે જ હાથમાંથી છૂટી ગઈ હતી અને બીજી રિવૉલ્વર પણ કયારે ખિસ્સામાંથી નીકળી ગઈ હતી એનો તેને ખ્યાલ રહ્યો નહોતો. પણ હા, તેની પેન્ટના ખિસ્સામાં ચપ્પુ જરૂર હતું. હવે તેની પાસે ફકત આ એક જ હથિયાર રહ્યું હતું.
તેણે એ ચપ્પુ કાઢીને ખોલ્યું. તેને તેના આ ચપ્પુ પર ગર્વ હતું. દુશ્મન નજીક હોય તો તે આ ચપ્પુ પાસેથી રિવૉલ્વરની ગોળી જેવું કામ લઈ શકતો હતો. તેને ચપ્પુ છૂટું મારવાની કળા આવડતી હતી, એટલું જ નહિ પણ તે આ કળામાં પારંગત હતો. રિવૉલ્વરની ગોળીની જેમ જ તેનું આ ચપ્પુ ટાર્ગેટ- નિશાનને વીંધી શકતું હતું, અલબત્ત નિશાન ચપ્પુની રેન્જમાં હોય તો !
રાજવીરને લાગ્યું કે, થોડીક પળોમાં જ તેને શોધતાં વિક્રાંત અને જગન તેની બિલકુલ નજીક આવી પહોંચશે, અને તેને જોઈ જશે, અને એટલે તે ચપ્પુને હાથમાં જ રાખીને ધીમે-ધીમે પાછળ હટવા લાગ્યો.
પણ હવે તેના નસીબે જાણે પલટો લેવાની શરૂઆત કરી દીધી હોય એમ એ ઝાડીઓવાળો વિસ્તાર પૂરો થયો. એ પછી ઝીણા ઘાસવાળો ખુલ્લો વિસ્તાર હતો અને ત્યાંથી સો એક વાર દૂર જૂનું ખંડેર દેખાતું હતું. ઝાડી અને ખંડેરની વચમાં કાંક કયાંક ઝાડ ઊભેલા હતા.
ચીઈંઈંઈં.....! એવો અવાજ થયો અને રાજવીર હતો એની થોડેક દૂરથી-ઝાડીમાંથી ટીટોડી ઊડીને અદશ્ય થઈ ગઈ. ભેંકાર સન્નાટો ભેદાઈ ગયો અને બીજી જ પળે પાછી ભેંકાર શાંતિ પથરાઈ ગઈ. હવેની શાંતિ બિહામણી હતી. પેલી ટીટોડીએ રાજવીરનું છૂપું સ્થળ જાહેર કરી દીધું હતું.
વિક્રાંતે નાળાની પેલી તરફ રહેલા બિન્દલને પણ આ તરફ બોલાવ્યો અને પછી એ જગન સાથે જે જગ્યાએથી ટીટોડી ઊડી હતી, એ દિશામાં ઝડપથી આવવા માંડયો.
રાજવીર સાપની જેમ ઝીણા-ઝીણા ઘાસવાળી જમીન પર સરકવા લાગ્યો. રાજવીર થોડીક પળોમાં જ ખંડેર તરફ ખાસ્સું અંતર કાપીને થંભી ગયો.
વિક્રાંત અને જગન સાપને શોધતા નોળિયાની જેમ ઝાડીમાં તેને શોધી રહ્યા હતા. આટલી વારમાં બિન્દલ પણ વિક્રાંત અને જગન સાથે જોડાઈ ગયો હતો.
જગન અને બિન્દલ પોતાની વચમાં ત્રીસેક ફૂટનું અંતર રાખીને, ઝાડીમાં તેને શોધતા-ફંફોળતાં હતા. વિક્રાંત આ બન્નેની વચમાં ચાલતો હતો.
હવે તેઓ રાજવીરથી માંડ પચાસેક વાર દૂર હતા.
રાજવીરને લાગ્યું કે, હવે આ રીતે જમીન પર પડયા રહેવાથી તે લાંબો સમય ટકી શકશે નહિ. તેની પાસે બે જ વિકલ્પ હતા. કાં તો તે વિક્રાંતને નજીક આવવા દઈને, વિક્રાંતની નજર તેની પર પડે એ પહેલાં જ છૂટું ચપ્પુ મારીને વિક્રાંતને સ્વધામ પહોંચાડી દે, અને પછી જગન અને બિન્દુલની ગોળીઓના શિકાર બની જવું.
અને કાં તો પછી લાગ જોઈને, સામેના ખંડેરમાં પહોંચી જવું અને ત્યાં વ્યૂહાત્મક સ્થળેથી એમાંના એકાદ માણસને મારીને, એની રિવૉલ્વર છીનવી લઈને બીજા બે જણાંનો સામનો કરવો.
બીજો રસ્તો રાજવીરને વધુ ડહાપણભર્યો લાગ્યો. તે ખૂબ જ સાવચેતીપૂર્વક સરકતો-સરકતો એ ત્રણેયથી થોડેક વધુ દૂર પહોંચ્યો, ને પછી ઊભો થયો અને લંગડાતો-લંગડાતો ખંડેર તરફ દોડયો.
પણ તે એ ખંડેરની નજીક પહોંચ્યો, ત્યાં તો જગનની નજર તેની પર પડી ચૂકી હતી. જગને રિવૉલ્વરની ગોળી છોડી દીધી અને એ ગોળી રાજવીરની ડાબી સાથળમાં ખૂંપી ગઈ. એ જમીન પર પટકાયો.
પછી બિન્દલ અને વિક્રાંતની રિવૉલ્વરમાંથી પણ ગોળીઓ છૂટતી રહી અને રાજવીર જમીન સાથે દબાઈને-પોતાના શરીરને ખેંચતો આગળ વધતો ગયો. છેવટે તે ખંડેરમાં પહોંચી ગયો. હવે તે સલામત હતો. કમસેકમ થોડા સમય માટે તો તેની સલામતી નિશ્ચિત હતી.
અત્યારે-આ સ્થળે તેને બચાવવા માટે કોઈ આવવાનું નહોતું. તેણે જાતે જ એ ત્રણેયનો સામનો કરીને બચવાનું હતું. અને એટલે જ તે ખંડેરની દીવાલ સાથે લપાઈને, એ ત્રણેયના આવવાની વાટ જોઈ રહ્યો. તેના હાથમાંનું ધારદાર ચપ્પુ ચમકી રહ્યું હતું.
પેલા ત્રણે-વિક્રાંત, જગન અને બિન્દલ પણ હાથમાં રિવૉલ્વર સાથે ખંડેર તરફ આવી રહ્યા હતા. રાજવીર પાસે રિવૉલ્વર નહોતી, એ વાતનો ખ્યાલ એ ત્રણેયને નહોતો, અને એટલે એ ત્રણેય ખૂબ જ સાવચેતીપૂર્વક આ તરફ આવી રહ્યા હતા.
રાજવીરની સાથળમાંથી લોહી વહી જઈ રહ્યું હતું, એટલે તેની શક્તિ વિખરાઈ જઈ રહી હતી. તેને લાગી રહ્યું હતું કે, થોડીક વારમાં જો લોહી વહેતું બંધ નહિ થાય તો તે ચોકકસ બેહોશીમાં સરી જવાનો હતો અને પછી સારવાર ન મળે તો મોતને ભેટી જવાનો હતો.
રાજવીર રક્ષણની આશામાં ખંડેરમાં આવ્યો હતો, પણ અંદર આવ્યા પછી તેને ખ્યાલ આવ્યો કે તે તો ઉલટાનો ઘેરાઈ ગયો હતો. હવે તે બહાર નીકળી શકે એમ નહોતો. ખંડેરની દીવાલો બિસ્માર હાલતમાં હતી. આ દીવાલોને ઢાલ તરીકે વાપરીને જ તેણે આખું યુદ્ધ ખેલવાનું હતું.
એકલવાયો રાજવીર દીવાલની આડ લઈને ખૂણામાં ઊભો હતો. તે ધીરે-ધીરે હોશ ગુમાવતો જઈ રહ્યો હતો, પરંતુ કોઈકને પોતાની સાથે લેતા જવા માટે જ જાણે હોશમાં ટકી રહ્યો હતો.
રાજવીર ઊભો હતો, એ તરફ વિક્રાંત, જગન અને બિન્દલમાંથી જે પહેલો આવે એ રાજવીરના હાથમાંના ચપ્પુનો ભોગ બની જવાનો હતો. સહુ પહેલા વિક્રાંત તેની નજીક આવે એવી રાજવીરને આશા હતી.
રાજવીરને હવે તેના દુશ્મનોના, વિક્રાંત, જગન અને બિન્દલના પગલાંઓનો ધીરો અવાજ સંભળાવા લાગ્યો. રાજવીરે પોતાના હાથમાંના ચપ્પુ પરની પકડ મજબૂત કરી.
બીજી જ પળે વિક્રાંત, જગન અને બિન્દુલ હાથમાં રિવૉલ્વર સાથે, જરાક પણ સળવળાટ સંભળાય તો રિવૉલ્વરની ગોળીઓ છોડી દેવાની પૂરી તૈયારી અને તત્પરતા સાથે ખંડેરમાં દાખલ થયા.......
(ક્રમશઃ)