Reshmi Dankh - 11 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | રેશમી ડંખ - 11

Featured Books
Categories
Share

રેશમી ડંખ - 11

11

કૈલાસકપૂર ઘવાયેલા સિંહની જેમ રૂમમાં આમથી તેમ આંટા મારી રહ્યો હતો. કૈલાસકપૂરને સિમરનનો ઈ-મેઈલ મળ્યો, એટલે સિમરનને ગંદી ગાળો બકતાં તેણે પોતાના દોસ્ત અને પાર્ટનર વનરાજને મોબાઈલ કરીને અહીં બોલાવ્યો હતો.

અત્યારે વનરાજ કૈલાસકપૂરે આપેલા સિમરનના ઈ-મેઈલ પર નજર ફેરવી રહ્યો હતો. વનરાજે ઈ-મેઈલ વાંચીને કૈલાસકપૂર સામે જોયું, એટલે કૈલાસકપૂરે ઊભા રહી જતાં મનનો ધૂંધવાટ ઠાલવવા માંડયો : ‘આ સિમરન શી ખબર મારા કયા જન્મની દુશ્મન છે ? સાલ્લીએ પચાસ કરોડ...’

‘તે એના જેવી યુવતીને પરણવાની ભૂલ કરી છે, એટલે તારે એનું પરિણામ તો ભોગવવું જ પડશે ને !’ વનરાજે કહ્યું : ‘મને તો લાગે છે કે, સિમરન એની પાસેના લૅપટોપમાંની આપણી માહિતીની ખરી કિંમત સમજી શકી નથી, નહિતર એ આમ પચાસ કરોડમાંય લૅપટોપ પાછું આપવા તૈયાર થાત નહિ. ખેર !' વનરાજે નિશ્વાસ નાંખતાં કહ્યું : ‘અત્યારે આ બધી વાતોનો સમય નથી. તું હવે આગળ શું કરવા માંગે છે, એ કહે.'

‘એમાં આપણે બીજું કહેવા-કરવાનું શું રહે છે, વનરાજ ? ફાંસીના ફંદાથી આપણી જાતને બચાવવા માટે એ ચુડેલની ડીમાન્ડ પૂરી કર્યા વિના આપણો છૂટકો નથી.' કૈલાસકપૂરે વનરાજ સામે જોઈ રહેતાં કહ્યું : “...એટલે તું પહેલાં તો બાદશા, ડેની અને કાબરાને બોલાવી લે, એટલે....'

‘...એમને બોલાવીને મને તો કંઈ ફાયદો લાગતો નથી.’ વનરાજ બોલ્યો : ‘અત્યાર સુધી આપણે એ ત્રણેય જણાંથી આ વાત છુપાવી છે, તો આગળ પણ છુપાવેલી રાખીએ ને આ સિમરન પ્રકરણ સમેટાઈ જાય એમાં જ મને તો તારી ભલાઈ દેખાય છે. પણ છતાં જો તું કહેતો હોય તો હું એ ત્રણેયને મોબાઈલ....’

‘તારી વાત મને બરાબર લાગે છે, વનરાજ !' કૈલાસકપૂરે વનરાજને રોકતાં કહ્યું : ‘અત્યારે આપણે એ ત્રણેયને બોલાવીશું, એટલે પહેલાં તો એ ત્રણેય જણાં મેં સિમરન જેવી યુવતી સાથે લગ્ન કર્યા એ બદલ મને ખરી-ખોટી સંભળાવશે અને પછી એમના જીવ જેવી એ લૅપટોપની બેગ સિમરન પાસે છે, એ જાણીને તો તેઓ ગભરાઈ ઊઠશે અને પછી લૅપટોપની બેગ સિમરન પાસેથી પાછી લાવવા માણસો દોડાવશે. એમાં જો કંઈ ગફલત થઈ ગઈ અને સિમરન વિફરીને લૅપટોપની બેગ પોલીસમાં પહોંચાડી દેશે તો આપણાં સાતે જનમ પૂરા થઈ જશે. એટલે એમને છોડ.’ કૈલાસકપૂર સોફા પર બેઠો : ‘હવે આપણે જ ઠંડા મગજે આમાં શું કરવું એ નકકી કરીએ.'

‘ઠીક છે.’ વનરાજે કહ્યું : ‘તો પહેલાં તું મને એ કહે, તું પચાસ કરોડની વ્યવસ્થા કરી શકીશ ને ? !'

‘...એટલા તો થઈ જશે, પણ એ ચુડેલે ચાલીસ કરોડના હીરા માંગ્યા છે, એટલે હીરાની વ્યવસ્થા તો તારે જ કરવી પડશે.'

‘હું,’ અને વનરાજે હાથમાંના સિમરનના ઈ-મેઈલ પર નજર ફેરવી : ‘સિમરને કાલ બપોરના એક વાગ્યા સુધીમાં રૂપિયા અને હીરાની વ્યવસ્થા કરવાનું જણાવ્યું છે.’ અને વનરાજ બપોરના અઢી વગાડી રહેલી કાંડા ઘડિયાળ પર નજર નાંખીને બોલ્યો : ‘આટલા કલાકમાં બેન્કોમાંથી રોકડા રૂપિયા કઢાવવામાં અને વેપારીને પહોંચાડીને હીરા મેળવવવામાં થોડી તકલીફ પડશે, પણ હું મેનેજ કરી લઈશ. પણ તું મને એ કહે કે, તું મને ચાલીસ કરોડ રૂપિયા કેવી રીતના મેનેજ કરી આપે છે.’

‘હું સમજાવું છું.’ કૈલાસકપૂરે કહ્યું અને પછી તે વનરાજ સાથે આ વિશે વાત કરવા માંડયો.

૦૦૦

રાજવીર તેની મા સુમિત્રા અને નતાશા સાથે મુંબઈના ‘અપના ગૅસ્ટ હાઉસ’ના રૂમમાં પહોંચ્યો, ત્યારે સાંજના સાડા ચાર વાગ્યા હતા. સુમિત્રા અને નતાશાએ સોફા પર બેઠક લીધી, એટલે તેણે વારાફરતી બન્ને તરફ જોતાં કહ્યું : ‘તમારે મારા તરફથી કોઈ સૂચના ન મળે, ત્યાં સુધી અહીંથી બહાર નીકળવાનું નથી.'

‘આમ કેટલો સમય...’ સુમિત્રા સવાલ પૂરો કરે, ત્યાં જ રાજવીર બોલ્યો : ‘મા ! સમયનું કંઈ નકકી નથી. તું આવી બધી વાતોને સમજી શકે છે, પછી...’

‘ઠીક છે.’ અને સુમિત્રાએ ઊભી થઈને રાજવીરને માથે હાથ મૂકયો : ‘તું મારી અને નતાશાની ચિંતા છોડી દે. તું તારું કામ પતાવ, પણ સંભાળજે, રાજુ !'

‘મા !' રાજવીર બોલ્યો : ‘તારા આશીર્વાદ મારી સાથે છે, એટલે મારો વાળ પણ વાંકો નહિ થાય. હું બધું વહેલાસર સમેટીને તમને મળું છું.' અને રાજવીરે નતાશા સામે જોયું. નતાશા કંઈ કહેવા ગઈ, પણ કહી શકી નહિ.

તો રાજવીર પણ એની સાથે વાત કરવા માંગતો હતો, પણ વાત કરી શકયો નિહ. તે રૂમના દરવાજા તરફ આગળ વધી ગયો.

‘મા !’ દરવાજો ખોલીને બહાર નીકળતાં રાજવીરે કહ્યું : ‘દરવાજો બંધ કરી દે’

સુમિત્રાએ દરવાજો બંધ કર્યો, એટલે રાજવીર ત્યાંથી આગળ વધી ગયો.

૦૦૦

રાજવીર મુંબઈ-ગોવા હાઈવે પર, ત્રણેક કિલોમીટર અંદર, ગીચ ઝાડીઓ વચ્ચે આવેલા ફાર્મહાઉસ પર પહોંચ્યો, ત્યારે સાંજના સાડા પાંચ વાગ્યા હતા.

સિમરને દરવાજો ખોલ્યો, એટલે તે અંદર દાખલ થયો. ‘મેં હમણાં જ કૉફી પીધી.' સિમરન બોલી, તારે પીવી છે ?’

‘ના !’ રાજવીરે સિમરનના બન્ને ખભા પકડતાં સીધું જ કહ્યું : ‘કૈલાસકપૂર પાસેથી રૂપિયા પડાવવાની આપણી યોજના નિષ્ફળ જાય એવું મને લાગે છે.' હું તારી બેવકૂફીભરી યોજનામાં ભાગીદાર બનવા માંગતો નથી.

સિમરને ઝટકા સાથે ખભા પરથી રાજવીરનો હાથ હટાવ્યો ને કહ્યું : ‘મને ખોટી ડરાવવાની જરૂર નથી. મારી યોજના ખામી વિનાની છે. મેં આજે બપોરે કૈલાસને ઈ-મેઈલ કરીને દસ કરોડ રૂપિયા રોકડા અને ચાલીસ કરોડ રૂપિયાના હીરાની વ્યવસ્થા કરવાની સૂચના આપી દીધી છે.’

પણ આપણે ગઈકાલે રાતના તો ચોખ્ખી વાત થઈ હતી કે, બે દિવસ પછી, ગુરુવારે કૈલાસકપૂરને ઈ-મેઈલ કરીશું.’ રાજવીર ગુસ્સાથી સમસમી ઊઠયો : ‘કૈલાસકપૂરને આટલો વહેલો ઈ-મેઈલ કરવાનો વિચાર તને કોણે આપ્યો ?’

‘એ મારો જ વિચાર હતો.’

‘પણ...’ રાજવીરે ગુસ્સાથી કહ્યું : ‘...તારે આટલી બધી ઉતાવળ કરવાની શું જરૂર હતી.'

‘રાજ ! હું વહેલાસર આ કામ પતાવીને, વિદેશ પહોંચીને તારી સાથે જલસા કરવા માંગું છું.' અને સિમરને આંખોમાં લુચ્ચાઈ લાવીને રાજવીરના ગળે હાથ વિંટાળ્યા.

‘તો પછી...’ રાજવીરે પોતાની ગરદન પરથી સિમરનના હાથ હટાવ્યા : ‘...તો પછી તારા પ્લાન મુજબ, રૂપિયા અને હીરાની લેવડદેવડની આગલી રાતે-એટલે કે, આજે જ મારે નતાશાને ખતમ કરવાની છે, અને એની લાશને તારા મૃતદેહ તરીકે ખપાવવાની છે ને ? !'

‘હા, રાજ !' સિમરને કહ્યું.

જો મારે નતાશાને ખતમ કરવાની હોય તો લપટોપની બેગ મને આપી દે.'

‘ના, અત્યારે નહિ !' સિમરન બોલી : ‘યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે એ લૅપટોપની બેગ રજૂ કરવામાં આવશે.’

‘સિમરન !’ રાજવીર ધીરેથી બોલ્યો : “તું ધારે છે, એટલું એ સહેલું કામ નથી. કૈલાસકપૂરના ‘લોટસ ગ્રુપ'ના પાર્ટનરો વનરાજ, બાદશા, ડેની અને કાબરાના માણસો ચારે બાજુ પથરાઈ ગયા હશે. એ વખતે તો નાની રકમ હતી, એટલે એમણે ખાસ માથાકૂટ કરી નહોતી, પરંતુ આ વખતે પૂરા પચાસ કરોડ રૂપિયાની વાત છે. ‘લોટસ ગ્રુપ'વાળા ચોકકસ આપણને ઝડપી લેશે.'

‘એમણે કરવું હોય એ ભલે કરે. આપણે ચિંતા કરવાની જરૂર નથી.’ સિમરને કહ્યું : “મેં બધું સમજી-વિચારીને જાળ બિછાવી છે. તારે અને વનરાજે રૂપિયા અને હીરા લઈને પંચગીની તરફ આવવાનું રહેશે.’

‘...હા, પણ છેવટે મારે કયાં પહોંચવાનું રહેશે ? !’

‘એ હું તને પછી જણાવીશ.’ સિમરન બોલી : ‘આપણે ઝડપથી કામ લેવું પડશે. પરંતુ મને લાગે છે કે, તારા જેવા માણસ માટે આ મુશ્કેલ નથી. વળી તું રસ્તો જાણતો હોઈશ, જ્યારે એમને રસ્તાની ખબર નહિ હોય.'

‘અને વનરાજ મારી સાથે હશે એનું શું ? !'

‘તારી રિવૉલ્વરની ધાકમાં વનરાજ તું કહીશ એમ કરશે.’ સિમરન બોલી : ‘પછી તું એને ઠેકાણે પાડી શકે એવી જગ્યાએ એને ખતમ કરીને મારી પાસે આવી જજે. ત્યાં હું હૅલિકૉપ્ટરમાં તારી વાટ જોતી હોઈશ. આપણે એમાં રફુચકકર થઈ જઈશું.'

‘તો હૅલિકૉપ્ટરમાં પાયલોટ..'

‘ના !’ સિમરન ગર્વભર્યું હસી : ‘હૅલિકૉપ્ટર હું ઊડાડીશ.’ રાજવીર સિમરન સામે થોડીક પળો જોઈ રહ્યો, પછી બોલ્યો : ‘આમ તો તારી યોજના સંપૂર્ણ લાગે છે. પણ આમાં મારી એક શરત છે. '

‘...કઈ શરત ? !' સિમરને અધીરાઈ સાથે પૂછયું.

‘પહેલાં તું મને લૅપટોપની બેગ આપ.' રાજવીર બોલ્યો : ‘લૅપટોપની બેગના બદલામાં તને નતાશાની લાશ મળશે.’

રાજવીરની આ વાતના જવાબમાં સિમરન હસી પડી. સિમરન ! તું તારા માણસો મારફત નતાશાનું ખૂન કરવાના સપના જોતી હોય તો તું ભૂલ કરી રહી છે.’ રાજવીરે હોઠ પર જીતભરી મુસકુરાહટ રમાડી : ‘નતાશા અને મારી મા અત્યારે પૂનામાં નથી. મેં એમને સલામત સ્થળે ખસેડી દીધાં છે.'

સિમરનનું હાસ્ય ઊડી ગયું : ‘બદમાશ !' બોલતાં તે રાજવીરના ગાલે તમાચો ઝીંકવા ગઈ, પણ રાજવીરે એનો હાથ પકડી લીધો. તે થોડી પળો હસતો રહ્યો પછી બોલ્યો : ‘સિમરન ! તારી જેમ મને બ્લેકમેઈલિંગ કરવાની ટેવ નથી. કૈલાસકપૂર કે, તને બ્લેકમેઈલ કરવા માટે મને કૈલાસકપૂરની લૅપટોપની બેગની જરૂર નથી. મારે તો મારી સલામતી માટે જ એ લૅપટોપ મારી પાસે રાખવું છે. મને ખબર છે કે, લૅપટોપ મારી પાસે હશે તો તું મારી સાથે દગો નહિ કરે.'

‘લૅપટોપની બેગ તો હું નહિ જ આપું.' સિમરન બોલી.

‘તો હું જાઉં છું.’ રાજવીર બોલ્યો : ‘ગુડબાય !’ અને તે દરવાજા તરફ વળવા ગયો, ત્યાં જ સિમરને તેને પકડી લેતાં પૂછ્યું : ‘એટલે... એટલે તું મને છોડીને જાય છે.'

‘હા !' રાજવીરે કહ્યું : “તેં મને સોનેરી સપનું બતાવ્યું હતું, પણ મને બલિનો બકરો બનાવવાની તારી યોજનાની વાત તેં નહોતી કરી.’ રાજવીર તાડૂકો : ‘હજુય તું મને સાચી વાત નથી કરતી.’

‘મૂળ તો....’ સિમરને હવે વાત પલટી : ‘...તું નતાશાને ખતમ કરવા માંગતો નથી ને ?’

‘મારે શા માટે એને ખતમ કરવી પડે ? !'

‘ઠીક છે, ભલે તું એને ખતમ ના કરીશ ! પણ બાકીની મારી યોજનાનું શું ? ! એમાં તો તું મને સાથ આપે.’

‘કૈલાસકપૂર વનરાજ સાથે મને રૂપિયા અને હીરા લઈને નહિ મોકલે.’ રાજવીર બોલ્યો.

‘મોકલશે.’ સિમરન બોલી : ‘બધી વ્યવસ્થા થઈ ચૂકી છે.’

‘તો હું વિચાર કરીશ.’

‘વિચાર નથી કરવાનો. તારે મને સાથ આપવાનો જ છે. કૈલાસનો મોબાઈલ આવે એટલે તારે એની પાસે પહોંચી જવાનું છે.' સિમરને આંખોને લુચ્ચી બનાવી : તારે કૈલાસકપૂરની પત્નીની હૂંફ નથી જોઈતી.'

‘ના !’ રાજવીરે કહ્યું અને દરવાજો ખોલીને બહાર નીકળી ગયો. તે કારમાં બેઠો અને ત્યાંથી કાર આગળ વધારી, ત્યારે તેના મગજમાં સિમરનની હીલચાલ પર નજર રાખવાનો વિચાર આવ્યો, પણ તેને આ વિચારને અમલમાં મૂકવાની જરૂર લાગી નહિ. તેને ખ્યાલ હતો જ કે, જેવો તે અહીંથી દૂર નીકળી જશે એટલે સિમરન તુરત વનરાજને મોબાઈલ કરશે.

જોકે, હવે તેને એની પડી નહોતી. તે જાણવા જેવી બધી જ વાતો અને વિગતો જાણી ચૂકયો હતો.

***

રાતનો એક વાગ્યો હતો. કૈલાસકપૂર પલંગ પર પડખાં ઘસતો પડયો હતો.

કાલે સિમરનને દસ કરોડ રોકડા અને ચાલીસ કરોડ રૂપિયાના હીરા પહોંચાડવાના હતા, એ વાતથી તેની ઊંઘ હરામ થઈ ચૂકી હતી. ત્યાં જ અત્યારે પલંગની બાજુની ટિૉય પર પડેલા કૈલાસકપૂરના મોબાઈલ ફોનની રીંગ વાગી ઊઠી.

કૈલાસકપૂરે મોબાઈલ કાને મૂકયો અને ‘હેલ્લો !' કહ્યું, ત્યાં જ સામેથી અવાજ સંભળાયો : ‘તમે કૈલાસકપૂર બોલો છો, ને ?’

‘હા !'

‘હું, રાજવીર !' અને સામેથી સવાલ સંભળાયો : “તમે અત્યારે એકલા છો ને ? !’

‘હા, કેમ ?’ કૈલાસકપૂરે કહ્યું.

‘તમે મારી વાત ધ્યાનથી સાંભળો.' મોબાઈલમાં સામેથી રાજવીરનો અવાજ સંભળાયો ‘શું તમે અત્યારે બહાર નીકળી શકો એમ છો ? તમને કોઈ જુએ નહિ એવી રીતે....'

‘કેમ ?’ કૈલાસકપૂરે પૂછ્યું.

‘ખોટા સવાલો પૂછીને સમય ન બગાડો.' સામેથી રાજવીરનો અવાજ સંભળાયો : ‘તમે એ કહો કે કોઈ જુએ નહિ એ રીતે બહાર નીકળી શકો એમ છો ને ?'

‘હા !'

‘હું તમારા બંગલાના પાછળના ભાગમાં આવેલા ચર્ચની પાછળ આવીને ઊભો રહું છું.' મોબાઈલમાં સામેથી રાજવીરનો અવાજ સંભળાયો : ‘તમે ત્યાં પંદર મિનિટમાં પહોંચી જાવ.'

‘પણ..,'

“તમે નીકળો, ત્યારે કોઈ જુએ નહિ એની તકેદારી રાખજો.' રાજવીરનો અવાજ સંભળાયો : ‘અને આ વાતની વનરાજને પણ જાણ થવી જોઈએ નહિ.'

‘પણ શા માટે ? !’

‘કારણ તમને રૂબરૂમાં કહીશ.' રાજવીરનો ઉતાવળિયો અવાજ સંભળાયો : ‘તમે જલદી ચર્ચ પાછળ આવી જાવ. હું કારમાં બેઠો હોઈશ. તમે આવશો તો તમારે પસ્તાવું નહિ પડે.’

‘શું તે સિમરનને શોધી કાઢી ?’

‘મેં ઘણું-બધું શોધી કાઢયું છે.' મોબાઈલમાં સામેથી રાજવીરનો એ જ રીતનો ઉતાવળિયો અવાજ સંભળાયો.

‘શું તે એ ચુડેલને ખતમ કરી નાંખી ? ! ?' ‘ના !’

‘એક મિનિટ !’ કૈલાસકપૂરે રાજવીરને પૂછ્યું : ‘તું મારી પાસેથી વધુ રૂપિયા ઓકાવવા તો નથી માગતો ને ? !'

‘તમારી પત્નીએ ભલે તમને દગો આપ્યો હોય, પણ હું દગાબાજીમાં માનતો નથી.' મોબાઈલમાં સામેથી રાજવીરનો અવાજ સંભળાયો : ‘તમે મારી પર ભરોસો રાખો. જો તમારે તમારી જિંદગી બચાવવી હોય તો ચર્ચ પાછળ જલદી આવી પહોંચો. મોબાઈલ પર સવાલ-જવાબમાં સમય વેડફીને તમે દુશ્મનના સકંજામાં વધુ ને વધુ ફસાતા જાવ છો.’

‘ઠીક છે.’ કૈલાસકપૂરે કહ્યું : ‘હું ત્યાં પહોંચું છું.’ અને તેનો આ જવાબ સાંભળતાં જ સામેથી રાજવીરે મોબાઈલ કટ કરી દીધો.

(ક્રમશ)